Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માન્ય ૫ક્ષોની હાજરીમાં ફર્સ્ટ રેન્ડમાઈઝેશનઃ આદર્શ આચારસંહિતા અંતર્ગત લેવાઈ રહેલા પગલાઃ ચૂસ્ત અમલ
જામનગર તા. ૫: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત જરૂરી તૈયારીઓ થઈ રહી છે, અને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં ઈવીએમ ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે, તેમ ચૂંટણી પંચની યાદી જણાવે છે.
ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની ૦૫ બેઠકો પર પેટાચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલીંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરના તમામ પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને પોલીંગ ઑફિસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૪ તેમજ ત્યારબાદ આવેલી અરજીઓ પૈકી ૧૪ લાખથી વધુ ફોટો ઓળખકાર્ડ (ઈપીઆઈસી) નું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
દેશના ગર્વ સમાન ચૂંટણીના આ પર્વમાં મહત્તમ મતદારો સહભાગી થાય તે હેતુથી મતદાન જાગૃતિ માટે કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અંગે વાત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મહિલાઓની મતદાનની સહભાગિતા વધારવા રાજ્યભરમાં બુથ લેવલે બેઠકો યોજી તેમને મતદાન માટેની આમંત્રણ પત્રિકા આપવામાં આવશે. યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા કેમ્પસ એમ્બેસેડર્સ સાથે ઑનલાઈન મીટ યોજવામાં આવી હતી. સાથે જ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ આયોજિત થનાર આઈપીએલ મેચ દરમિયાન વિવિધ માધ્યમોથી મતદાન જાગૃતિની બહુવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.
ઈવીએમનું રેન્ડમાઈઝેશન
તા. ૪-૪-૨૦૨૪ થી તા. ૮-૪-૨૦૨૪ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે. ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ ઈવીએમ ની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવશે. સાથે જ રેન્ડમાઇઝ્ડ ઈવીએમ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા તેઓના જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે. જ્યાં સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ નો વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકૉલ મુજબ સંગ્રહ કરવામાં આવશે.
ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ
ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત ૭૫૬ ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ.૫.૭૨ કરોડ રોકડ, રૂ. ૯.૨૬ કરોડની કિંમતનો ૨.૯૭ લાખ લીટર કરતાં વધુ દારૂ, રૂ. ૨૦.૧૩ કરોડની કિંમતનું ૩૪.૫૯ કિલો સોનું અને ચાંદી, રૂ.૫૦ લાખની કિંમતના ૪૩૬.૯૮ કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સિગારેટ, લાઈટર, અખાદ્ય ગોળ અને અરિકા નટ્સ સહિતની રૂ.૩૦.૪૭ કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.૬૬.૦૯ કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
કાયદો અને વ્યવસ્થા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની જાહેરાતથી આજદિન સુધીમાં રાજ્યભરમાંથી લાયસન્સ વાળા કુલ ૪૭,૯૦૦ થી વધુ હથિયારો જમા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૭,૩૦૦ થી વધુ બિન જામીનપાત્ર વોરંટની બજવણી કરવામાં આવી છે.
ફરિયાદ નિવારણ
સી-વીજીલ મોબાઈલ એપ પર તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૦૧/૦૪/૨૦૨૪ સુધી આદર્શ આચારસંહિતાના ભંગ અંગે કુલ ૮૧૬ ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.
નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ પર તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૦૧/૦૪/૨૦૨૪ સુધી મતદાર ઓળખપત્ર (ઈપીઆઈસી) અંગેની ૪,૧૭૦, મતદાર યાદી સંબંધી ૪૨૫, મતદાર કાપલી સંબંધી ૯૨ તથા અન્ય ૧,૧૩૮ મળી કુલ ૫,૮૨૫ ફરિયાદો મળી છે. આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.૧૬/૦૩/૨૦૨૪થી આજદિન સુધીમાં કુલ ૫૦ ફરિયાદો મળી છે, જે તમામનો પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં ટપાલ અને ઈ-મેઇલ મારફતે મીડિયા સંબંધી ૧૪, રાજકીય પક્ષો લગત ૦૩, ચૂંટણી પંચ સંબંધી ૧૪ તથા અન્ય ૨૨૯ મળી કુલ ૨૬૦ ફરિયાદો મળી છે.
મતદાર ફોટો ઓળખકાર્ડ (ઈપીઆઈસી) નું વિતરણ
મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૪ અંતર્ગત સપ્ટેમ્બર-૨૦૨૩ ના ત્રીજા અઠવાડિયાથી ડિસેમ્બર-૨૦૨૩ ના બીજા અઠવાડિયા દરમિયાન મતદારયાદીમાં સુધારણા માટે મળેલી અરજીઓ પૈકી મંજુર થયેલા ૧૩ લાખથી વધુ મતદાર ફોટો ઓળખકાર્ડ તથા ગત ડિસેમ્બર-૨૦૨૩ ના ત્રીજા અઠવાડિયાથી ફેબ્રુઆરી-૨૦૨૪ ના ત્રીજા અઠવાડિયા દરમિયાન મતદાર યાદીમાં સુધારણા માટે મળેલી અરજીઓ સંદર્ભે મંજુર થયેલી કુલ ૪.૪ લાખ અરજીઓ પૈકી ૧.૪ લાખ મતદાર ફોટો ઓળખકાર્ડ (ઈપીઆઈસી) નું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે બાકી રહેલા ૨.૯ લાખ મતદાર ફોટો ઓળખકાર્ડ (ઈપીઆઈસી) નું વિતરણ તા. ૨૦ એપ્રિલ, ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પોલીંગ સ્ટાફ
મતદાન સ્ટાફનું પ્રથમ રેન્ડમાઈઝેશન તા.૨૧/૦૩/૨૦૨૪ ના રોજ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સાથે જ રાજ્યભરના તમામ પ્રિસાઇડિંગ ઓફીસર્સ અને પોલીંગ ઓફીસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
મતદાર જાગૃતિ કાર્યક્રમો
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં તમામ વર્ગના મતદારોની સહભાગિતા વધે અને વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જાગૃતિ કેળવવા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આગામી ચૂંટણીમાં બૂથ લેવલે મીટીંગનું આયોજન કરી મહિલા મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મુખ્ય નિર્વાચન અધિકારી વતી સહકુટુમ્બ મતદાન માટે આમંત્રણ પત્રિકા આપવામાં આવશે. યુવા મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા કેમ્પસ એમ્બેસેડર્સ સાથે ફેસબુક લાઇવના માધ્યમથી ઑનલાઇન મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ ૧,૨૦૦ કેમ્પસ ઍમ્બેસેડર્સે ભાગ લીધો હતો. આ ઉપરાંત સોશ્યલ મીડિયા ઈન્ફલુઅર્ન્સ, એમઓયુ પાર્ટનર અને ડિસ્ટ્રીક્ટ આઈકોન સાથે વર્કશોપ યોજી મહત્તમ સંખ ્યામાં મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લે તે બાબતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ મતદાર જાગૃતિ સંદર્ભે એઓયુ પાર્ટનર્સ સાથે રાજ્ય કક્ષાએ મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના મોટેરા સ્ટેડિયમ આયોજિત થનાર આઈપીએલ મેચ દરમિયાન ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા વીડિયો, હોર્ડિંગ્સ તથા બેનર્સના માધ્યમથી મતદાન જાગૃતિની બહુવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. વધુમાં, મતદારોને મતદાન પ્રક્રિયાથી અવગત કરાવવાના હેતુથી અંદાજે ૧.૩૦ કરોડ ઘરોમાં મતદારો માટેની માર્ગદર્શિકા (વોટર ગાઈડ) ઘરે ઘરે પહોંચાડવામાં આવશે.
દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોને સુગમતા
દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોને ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાનમાં સુગમતા રહે તે માટે વિશેષ સવલતો આપવામાં આવે છે. જે અંતર્ગત દરેક જિલ્લામાં તાલીમબદ્ધ પીડબલ્યુડીએસ ડિસ્ટ્રીક્ટ નોડલ ઓફિસર્સની નિમણૂક કરવામાં આવી છે. દિવ્યાંગજનો માટે મતદાન મથક ખાતે આવશ્યક સુવિધાઓની ચકાસણી હેતુ ૦૭ જેટલા આઈએએસ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.
મતદાનના દિવસે મતદાન મથકમાં દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે આવશ્યક રેમ્પ, વ્હીલ ચેર્સ અને સ્વયં સેવકોની વ્યવસ્થા કરવા માટે સર્વે જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. સાથે જ દરેક જિલ્લામાં, દિવ્યાંગજનો માટે કાર્યરત સંસ્થાઓની નોડલ સંસ્થા તરીકે નિમણૂંક પણ કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી રાજ્યમાં ર-પીડબલ્યુડી સ્ટેટ આઈકોન અને ૩ પીડબલ્યુડી ડિસ્ટ્રીક્ટ આઈકોનની નિમણૂંક કરવામાં આવી છે.
રાજ્યમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારના ૪૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો અને ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો માટે મતદાનના દિવસ માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા બંદરો અને વાહન વ્યવહાર વિભાગના સંકલનમાં મફત ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે સર્વે જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.
દૃષ્ટીહિન દિવ્યાંગ મતદારો માટે બ્રેઈલ લિપિમાં મતદાનનું સ્થળ, ભાગ નંબર તથા મતદારના ક્રમ નંબર દર્શાવતી એક્સેસીબલ વોટર ઈન્ફોર્મેશન સ્લીપ તૈયાર કરવામાં આવી રહી છે. સાથે જ મતદાન પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપતી વોટર ગાઈડ પણ બ્રેઈલ લિપિમાં તૈયાર કરવામાં આવી રહી છે. દૃષ્ટીહિન દિવ્યાંગ મતદારોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે મતદાન મથક પર બ્રેઈલ લિપિમાં ડમી બૅલેટ પેપર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદી અદ્યતન કરવાના ભાગરૂપે રાજ્યભરમાં દિવ્યાંગ મતદારો માટે ૫૧, ત્રીજી જાતિના મતદારો માટે ૨૫, ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો માટે ૯૩ તથા સ્પેશ્યલ ગૃપના મતદારો માટે ૪૨ જેટલા વિશેષ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
મીડિયાકર્મીઓને ઑથોરિટી લેટર્સ માટે આઈટી પહેલ
મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા માટે મીડિયાની ભૂમિકા મહત્ત્વની છે ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાનના દિવસે કવરેજ અર્થે મતદાન મથકો પર તથા મતગણતરીના દિવસે મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટે મીડિયાકર્મીઓને ઑથોરિટી લેટર્સ આપવામાં આવે છે. ઑથોરિટી લેટર્સ માટેની ઓફલાઈન પ્રક્રિયામાં મીડિયા કર્મીઓએ મલ્ટીપલ નકલમાં ફોર્મ ભરી જરૂરી પુરાવા સાથે સંબંધિત જિલ્લા કચેરીમાં જમા કરાવવા જવું પડતું હતું. આ સમસ્યાના નિવારણ માટે મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શનમાં મીડિયાકર્મીઓને ઑથોરિટી લેટર્સ આપવા માટેની પ્રક્રિયાને ઑનલાઈન કરવામાં આવી છે. આઈટી પહેલના ભાગરૂપે વિકસાવવામાં આવેલા ઓનલાઈન મોડ્યુલને કારણે હવે મીડિયા કર્મીઓ કોઈપણ જગ્યાએથી ઓનલાઇન અરજી કરી શકશે, સમગ્ર પ્રક્રિયા સરળ, ઝડપી તેમજ પેપરલેસ બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial