Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અને દેશના કેટલાક રાજ્યોમાં માવઠું થવાની આગાહી થઈ છે. એક તરફ કમોસમી વરસાદથી સામાન્ય જનજીવન તથા ખેતીવાડી પર વિપરીત અસર પડતી હોય છે, તો બદલતું રહેતું હવામાન જુદી જુદી બીમારીઓ પણ વધારતું હોય છે. આ ઉપરાંત અત્યારે લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે ચૂંટણીસભાઓ, રેલીઓ, રોડ-શો સહિત વિવિધ પ્રકારે પ્રચાર કરતા નેતાઓ, કાર્યકર્તાઓએ પણ ભીષણ ગરમીના સમયે વધુ સાવધાન રહેવું પડે તેમ છે, એટલું જ નહીં, જનમેદની એકઠી કરતા રાજકીય પક્ષો તથા ઉમેદવારો વગેરે આયોજકો દ્વારા પણ ગરમીને લક્ષ્યમાં લઈને કાર્યક્રમોના સ્થળે પૂરતા પ્રમાણમાં છાંયડો, ગરમીમાં રાહત આપતા ઉપકરણો અને પીવાનું પાણી વગેરે વિવિધ વ્યવસ્થાઓ પણ કરવી જોઈએ. હકીકતે આ પ્રકારની વ્યવસ્થાઓ કરવાનું ફરજીયાત હોવું જોઈએ. અને આ મુદ્દાનો સમાવેશ આદર્શ આચાર સંહિતામાં કરીને ચૂંટણી પ્રચારના કાર્યક્રમો દરમિયાન ગરમીના કારણે થતી અસરો, દુર્ઘટના કે જન-સામાન્યના સ્વાસ્થ્યની જવાબદારી પણ સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ પ્રબન્ધો થવા જોઈએ, તેમ નથી લાગતું !
અત્યારથી જ ધગધગતા તડકા પડવા લાગ્યા છે, ત્યારે એપ્રિલ એન્ડીંગ અને મે મહિનામાં કેવી ગરમી હશે, તેની કલ્પના જ ભયાવહ બની રહી છે, ત્યારે લોકસભાની ચૂંટણીના તમામ તબક્કા દરમિયાન ભીષણ ગરમી અને કમોસમી વરસાદની પણ સંભાવનાઓ-આગાહીઓ જોતા ઉમેદવારો, પક્ષો જ નહીં, ચૂંટણી તંત્રે પણ આ વખતે વિશેષ વ્યવસ્થાઓ ચોક્કસપણે કરવી જ પડશે, તે નક્કી જણાય છે.
આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગના વડા મહાપાત્રાને ટાંકીને આ મુદ્દે એક નવી જ ચર્ચા થઈ રહી છે અને તેને 'વન નેશન-વન ઈલેકશન'ના કોન્સેપ્ટ સાથે સાંકળીને વિવિધ અભિપ્રાયો પણ અપાઈ રહ્યા છે. આઈએમડી દ્વારા ચૂંટણીના તબક્કાઓ દરમિયાન તીવ્ર ગરમી, થશે, તેવી આગાહીઓ થઈ છે અને તેને લક્ષ્યમાં લઈને ચૂંટણીપંચ જરૂરી વ્યવસ્થાઓ કરશે, તેવી આશા સેવાઈ રહી છે. જો કે, આઈએમડીએ મતદાનના સમયમાં ફેરફાર કરવા કે પછી ચૂંટણી કાર્યક્રમો, રોડ-શો, જાહેરસભાઓ વગેરેને લઈને કોઈ ચોક્કસ દરખાસ્ત પણ કરી નથી, પરંતુ આ વર્ષે જો આટલી ભીષણ ગરમી પડવાની જ હોય તો ભરબપોરે બે-ત્રણ કલાકનો ભીષણ ગરમીનો સમયગાળો નક્કી કરીને તેટલા સમય માટે જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકીને તેટલો સમય વહેલી સવારે તથા મોડી રાત્રે છૂટછાટ આપીને સરભર કરી દેવો જોઈએ, તે દિશામાં ગંભીરતાથી વિચારીને ભારતીય ચૂંટણીપંચે (ઈસીએ) કોઈ નિર્ણય ઝડપભેર લેવો જોઈએ. ખરું કે નહીં ?
મૃત્યુંજય મહાપાત્રાએ તો 'વન નેશન - વન ઈલેકશન' નો નિર્ણય લેવાય તો તે માટે પહેલાં હવામાનની સ્થિતિ તથા વિવિધ પ્રદેશોમાં ચાલતા ઋતુચક્રને અનુરૂપ ચૂંટણીના (મતદાન અને પ્રચાર માટે) તબક્કાઓ નક્કી કરવા જોઈએ. જો કે, આ વખતે પણ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરતા પહેલાં ચૂંટણીપંચે તારીખો જાહેર કરતા પહેલા આઈએમડી (હવામાન ખાતા)ની સલાહ લીધી હતી.
હીટવેવ કે માવઠા જેવા સંજોગોમાં મતદારો અને ઉમેદવારો, રાજકીય પક્ષો ઉપરાંત ગ્રાસ રૂટ સુધીના ચૂંટણીતંત્રોએ પણ વિવિધ પ્રકારની સાવધાનીઓ રાખવી જ પડે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું જોખમ પણ રહેતું હોય છે. તેથી ચૂંટણીપંચે તેને સંબંધિત સાવચેતી પણ વિશેષ રીતે રાખવી પડતી હોય છે. ગરમીની આગાહીને લઈને જાહેર રેલીઓ, રોડ-શો, સભાઓમાં શિતળ છાંયડો, ઠંડુ પીવાનું પાણી અને પ્રાથમિક સારવારની સુવિધાઓ રાખવાની તો હવામાન વિભાગના વડાએ જરૂર જણાવી જ હતી, સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા પણ મતદારો, ચૂંટણી સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ માટે આ જ પ્રકારની વ્યવસ્થાઓ કાળજીપૂર્વક કરવામાં આવે, તે આવશ્યક ગણાવ્યું હતું.
હવે દસેક દિવસ પછી મતદાનના તબક્કાઓ શરૂ થઈ જશે અને પહેલી જૂન સુધીમાં સાત તબક્કામાં ચૂંટણીઓ માટે મતદાન થશે, ત્યારે જે રાજ્યોમાં હવામાન વિભાગે ભીષણ ગરમી કે માવઠાની આગાહીઓ કરી છે, અને હવે પછી સમયાંતરે જે આગાહીઓ થાય, તેને અનુરૂપ રાજકીય પ્રચાર અને ચૂંટણીતંત્ર દ્વારા મતદાન તથા તે પછીની પ્રક્રિયાઓ માટે કાળજીપૂર્વક પ્રબન્ધો થાય, તે અત્યંત જરૂરી હોવાથી આ મુદ્દાને આદર્શ આચારસંહિતાનો હિસ્સો ગણીને યોગ્ય કદમ ઉઠાવવા જોઈએ ખરું ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial