Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશભરમાં ચૂંટણીપ્રચારનો માહોલ છે, અને તમામ રજકીય પક્ષો વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજીને મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ઉમેદવારો, નેતાઓ, સ્ટાર પ્રચારકો અને કાર્યકર્તાઓ દ્વારા રેલીઓ, રોડ-શો, જૂથ ચર્ચાઓ, ઘેર-ઘેર સંપર્ક, મેરેથોન મિટિંગો, બાઈક રેલીઓ, જાહેરસભાઓ ઉપરાંત ઈન્ટરનેટના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ, સોશ્યલ મીડિયા દ્વારા વીડિયો, ઓડિયો, અને મેસેજીસ દ્વારા મતદારો સુધી પહોંચવાના પ્રયાસો અને ટ્રેડિશ્નલ મીડિયા, લોક-કલાકારો, અભિનેતાઓ-અભિનેત્રીઓ, ભજનિકો, સંગીતકારો, ચિત્રકારો તથા વિવિધ ક્ષેત્રના મહારથીઓને સાંકળીને દિવસ-રાત ધૂંઆધાર પ્રચાર થઈ રહ્યો છે. આ માહોલમાં કેટલાક સ્થળે ઘર્ષણ, સંઘર્ષ કે તકરારો જ્યારે હિંસક બને છે, ત્યારે સુરક્ષાકર્મીઓની કસોટી થાય છે, અને લોકતંત્રને કલંક પણ લાગે છે.
ચૂંટણીનો પ્રચાર થતો હોય, ત્યારે ઉમંગ હોય, ઉત્સાહ હોય, તંત્રોની મંજુરીઓ મેળવીને વિવિધ કાર્યક્રમો યોજાતા હોય. ત્યારે રોજીંદા માહોલમાં પરિવર્તન દેખાય, એ સ્વાભાવિક છે. થોડો-ઘણો કોલાહલ થાય, લોકોની અવર-જવર વધે, કેટલીક રોજીંદી પ્રક્રિયાઓેને ખલેંલ પહોંચે અને જાહેર વ્યવસ્થાઓ, પરિવહન, સામાન્ય સેવાઓમાં પણ થોડી-ઘણી અડચણો દેખાય, તેને લોકતંત્રના આ મહોત્સવનો હિસ્સો ગણીને આપણે અવગણીને ચૂંટણીઓના માહોલમાં ઓતપ્રોત થઈ જતાં હોઈએ છીએ, અને તે પ્રશંસનિય પણ છે. આપણા ઘરે કોઈ મંગલ પ્રસંગ હોય, ગામમાં કોઈ મોટો ઉત્સવ ઉજવાતો હોય કે તહેવારો હોય, ત્યારે આ જ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય છે, તેને આપણે ખૂબ જ સહજ રીતે સ્વીકારી લેતા હોઈએ છીએ, તેવી જ રીતે આ મહાપર્વમાં પણ રોજીંદા જીવનમાં થોડી તકલીફ પડે, તો ચલાવી લેવું જ પડે. આ આઝાદ ભારતના પ્રત્યેક દેશપ્રેમી નાગરિકની પવિત્ર ફરજ પણ છે, ખરું ને?
જો કે, આપણે જવાબદાર નાગરિક તરીકે વખતોવખત તંત્રો તરફથી અપાતી ગાઈડલાઈન્સ, સૂચનો અને સલાહોને લક્ષ્યમાં પણ લેવી જ જોઈએ, એટલું જ નહીં, પ્રચાર-પ્રસારના આ કાર્યક્રમો દરમિયાન સામાન્ય જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે તેનું ધ્યાન પણ રાખવું જ જોઈએ, ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ટ્રાફિકના નિયમોનું ચૂસ્તપાલન થાય, દર્દીઓ, બુઝુર્ગો, રાહદારીઓને પરેશાની ન થાય, વિદ્યાર્થીઓના અભ્યાસ અને વાચનમાં ખલેલ ન પહોંચે તેથી પૂરેપૂરી કાળજી પણ ઉમેદવારો,નેતાઓ, કાર્યકરો, સ્ટાર પ્રચારકો અને વિવિધ કાર્યક્રમોના આયોજકો-ઈવેન્ટ મેનેજરોએ રાખવી જ જોઈએ, ખરું કે નહીં ? આ અંગે ચૂંટણી તંત્રે પણ કડક વલણ કાયમ રાખવું જોઈએ, તેમ નથી લાગતું ?
ચૂંટણી પ્રચાર દરમિયાન નારેબાજી થાય, સુત્રોચ્ચાર થાય, પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફત લોકોને ઉદ્દેશીને એનાઉન્સીંગ થાય, રોડ-શો દરમિયાન ગીત-સંગીત, નાચ-ગાન વગેરે થાય, એ સ્વાભાવિક છે, પરંતુ એ બાબતની કાળજી લેવી જ જોઈએ, કે આ પ્રવૃત્તિઓ જન-સામાન્ય માટે અસહ્ય ઘોંઘાટ ન બને.
ખાસ કરીને રાજકીય પક્ષો-ઉમેદવારો-કાર્યકર્તાઓએ ભરબપોરે કે મોડી રાત્રે લોકોના રોજીંદા જીવનને અસર ન થાય, અને વિદ્યાર્થીઓને વાચન-અભ્યાસમાં ડિસ્ટર્બ ન થાય, તે માટે વિશેષ જાગૃત રહેવાની જરૂર હોય છે, ખરું ને ?
ચૂંટણીતંત્ર દ્વારા વખતોવખત જે કોઈ આદેશો થાય, જાહેરનામા પ્રસિદ્ધ થાય કે સૂચનાઓ-માર્ગદર્શિકાઓ અપાય, તેનું પાલન કરવું અત્યંત આવશ્યક છે, અન્યથા એ કવાયતનો કોઈ મતલબ જ રહેતો નથી. સાચી વાત છે ને ? કારણ કે તંત્રો મોટા ભાગે કાગળ પર જ દોડતા હોય છે.
પ્રચાર કાર્ય માટે રેલીઓ કે રોડ-શો યોજાય, ત્યારે ધ્વનિ નિયંત્રણ, કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટેની સાવચેતી, છાંયડો, પાણીની વ્યવસ્થા કરવાની સાથે સાથે તમામ નિયમ-કાનૂનોનું પાલન થવું પણ એટલું જ જરૂરી છે, દૃષ્ટાંત તરીકે રોડ-શો, બાઈક રેલીઓ, પ્રદર્શનો, સરઘસો વગેરે યોજાય, ત્યારે ટ્રાફિકના નિયમો વિસરાય ન જાય, અને સામાન્ય લોકોની પરેશાની વધી ન જાય, તેનું પણ ધ્યાન રાખવું જ પડે ને ?
ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્સાહના અતિરેકમાં અવિવેક ન થઈ જાય, ન બોલવાનું બોલાઈ ન જાય અને જીભ લપસી ન જાય, તેનું દૃષ્ટાંત તો આપણી સામે જ છે ને ?
ચૂંટણી પ્રચાર દરમિયાન એ યાદ રાખવું જરૂરી છે કે લોકતંત્રમાં 'કોમન મેન' ટોચ ઉપર હોય છે અને વીઆઈપી કે વીવીઆઈપીની સરભરા-સુવિધા દરમિયાન સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની તકલીફ પડવી ન જોઈએ. ભલે ચૂંટાયા પછી નેતાઓ વીઆઈપી ટ્રિટમેન્ટ મેળવે અને મોજ કરે, પરંતુ ચૂંટણી ટાણે તો મતદાતા જ સર્વોચ્ચ વીવીઆઈપી હોય છે, તે ભૂલવું ન જોઈએ...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial