Advertisement
Author: નોબત સમાચાર

ક્રિકેટ જેવી રોમાંચક બની રહેલી લોકસભા ચૂંટણીના અવનવા રંગ... જામ્યો શાબ્દિક જંગ....

ગઈકાલે છેક છેલ્લી ઓવર સુધી રોમાંચ પછી અંતે આઈપીએલની ક્રિકેટ મેચમાં ભલે દિલ્હીની ટીમનો વિજય થયો હોય, પરંતુ લગભગ હારી ચૂકેલી બાજી વિજયના દ્વાર નજીક લઈ જનાર ગુજરાત ટાઈટન્સની ટીમ પણ સમોવડી જ ગણાય, કારણ કે છેલ્લા બોલે સિકસર લાગી ગઈ હોત તો ગુજરાતની ટીમ જીતી હોત. ક્રિક્રેટની રમત જ એવી છે, કે તેમાં ગમે ત્યારે કાંઈ પણ બની શકે છે, અને ઘણી વખત ચમત્કારિક ઢબે વિજય કે પરાજય થતાં હોય છે. ટી-ર૦ વર્લ્ડકપ માટેની ટીમ નક્કી થશે, ત્યારે આઈપીએલના પરફોર્મન્સને ધ્યાને લેવાતું હશે તો કેટલાક નવા અને કેટલાક પીઢ ખેલાડીઓનો નંબર પણ લાગી શકે છે.

અત્યારે લોકસભાની ચૂંટણી પણ આજની દિલ્હી ગુજરાતની ટીમો વચ્ચેની આઈપીએલ ક્રિકેટ ટીમ જેવી રોમાંચક બનવા લાગી છે. પહેલાં તબક્કામાં ઓછું મતદાન થતાં રાજકીય પક્ષોમાં ઊભી થયેલી દ્વિધા પછી મનોમંથનો થયા હશે, ચિંતનો થયા હશે, માથાપચ્ચી થઈ હશે, ગૂપ્ત રીતે નવી રણનીતિઓ ઘડાઈ હશે, તેથી બીજા તબક્કાના મતદાન પહેલા રાજકીય પક્ષોએ આક્રમક પ્રચાર શરૂ કરી દીધો છે, અને ચૂંટણી પ્રચારમાં કેન્દ્ર સરકારની સફળતા-નિષ્ફળતા, સિદ્ધિઓના દાવાઓ તથા તે સંદર્ભે માત્ર ગુણગાન કે ટીકાઓ કરવાના બદલે હવે ઉભય પક્ષેથી ભાવનાત્મક અને વિવાદાસ્પદ મુદ્દાઓ ઉઠાવાઈ રહ્યા છે, વડાપ્રધાને ભાજપના સ્ટાર પ્રચારક તરીકે કોંગ્રેસ પર કરેલા આક્ષેપો અને રાહુલ ગાંધીના તાજેતરમાં ભાષણોના આપેલા સંદર્ભો તથા તેની સામે કોંગ્રેસે અને રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજોએ આપેલા જવાબો પછી ચૂંટણી પ્રચારનો માહોલ ગરમાયો જ હતો, ત્યાં અમેરિકામાં ત્યાંના નાગરિકોના મૃત્યુ પછી સરકાર પપ ટકા સંપત્તિ વારસાઈ ટેકસ તરીકે લઈ લ્યે છે, તે પ્રકારનું કોઈ કથિત નિવેદન સામપિત્રોડાએ કરતાં નવો મુદ્દો એવો ઉછળ્યો કે કોંગ્રેસે ઝડપભેર સ્પષ્ટતા કરવી પડી કે સામપિત્રોડાના આ વિચારો તેમના વ્યક્તિગત હશે, પરંતુ કોંગ્રેસના નથી!

આવતીકાલે બીજા તબક્કાનું મતદાન કેવું થાય છે અને ટકાવારી વધે છે કે ઘટે છે, તેના પર તમામ રાજકીય પક્ષો તથા ત્રીજા તબક્કાના ઉમેદવારોની રણનીતિનો આધાર રહેવાનો છે. હવે ત્રીજા તબક્કામાં ગુજરાતની બિનહરિફ થયેલી સુરતની સીટ સિવાયની તમામ (રપ) બેઠકો માટે મતદાન થવાનું છે, તેથી હવે રાજકીય પક્ષોના ધાડેધાડા ગુજરાતમાં ઉતરી પડવાના છે અને ઝંઝાવાતી પ્રચાર થવાનો છે, જે ખૂબ જ રસપ્રદ પણ બનવાનો છે.

સુરતની બેઠક બિનહરિફ થયા પછી ભાજપ અને એનડીએ દ્વારા વર્ષ-ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં વિજયના શ્રીગણેશ તો થઈ ગયા છે, પરંતુ ૪૦૦ પાર નો નારો સિદ્ધ કરવા માટે ભાજપ સહિત એનડીએના તમામ નેતાઓ એડીચોટીનું જોર લગાવવાના છે, તો પહેલા તબક્કામાં જે ઓછું મતદાન થયું છે, તે નુકસાન ભાજપ અને એનડીએને થયું છે, તેવું માનતા વિપક્ષો પણ બેવડી તાકાતથી ભાજપ વિરોધી પ્રચારમાં કોઈ કસર બાકી રાખી રહ્યા નથી, તેથી લોકસભાની ચૂંટણી દિવસે દિવસે રોચક બની રહી છે.... ઘણાં લોકો તો એવી ચર્ચા પણ કરવા લાગ્યા છે કે વર્ષ ર૦૦૪ની જેમ ઈન્ડિયા સાઈનીંગ અને ફિલગૂડ ફેકટર જેવા પ્રમોદ મહાજન ફેઈમ ઓવર કોન્ફીડન્સમાં રહેવાથી ભાજપને લોકસભાની ચૂંટણીમાં અણધાર્યા વિપરીત પરિણામોનો સામનો પણ કરવો પડી શકે છે!

બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનમાં ખામી એ છે કે તેમાં સામેલ કેટલાક પક્ષો કેટલાક રાજ્યોમાં પરસ્પર સામસામે પણ ચૂંટણી લડી રહ્યા છે અને ત્યાં એકબીજા પર પ્રચારાત્મક કાદવ ઉછાળી રહ્યા છે ત્યારે ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા-ઈલેકટ્રોનિક મીડિયા તથા અદ્યતન થઈ ચૂકેલા પ્રિન્ટ મીડિયાના યુગમાં બધું જે-તે રાજ્ય કે પ્રદેશ પૂરતું મર્યાદિત રહેતું નથી, અને તેથી વિપક્ષી ગઠબંધનની એકજૂથતા ઢીલી પડી જતાં તેની દેશવ્યાપી અસરો થતી હોય છે, અને મતદારોમાં વિશ્વસનિયતા ઊભી કરવામાં પણ અડચણો આવતી હોય છે, તેવું માની શકાય.

હવે કોંગ્રેસના દિગ્ગજો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ખડગે અને અન્ય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ઝંઝાવાતી પ્રવાસો કરશે, તેવા અહેવાલો આવી રહ્યા છે, તો 'આપ' ના સંજયસિંહ, ભગવંત માન, સુનિતા કેજરીવાલ વગેરે પણ ગુજરાતમાં ચૂંટણી પ્રવાસ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્રવાસો તો નક્કી જ થઈ ગયા છે અને તેમાં પણ જામનગરની બેઠક માટે વડાપ્રધાન મોદી હાલારમાં આવવાના છે, તેવા અહેવાલો પછી અચાનક જ ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. જોઈએ ચૂંટણી કેવા કેવા રંગો દેખાડે છે તે....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh