Advertisement
Author: નોબત સમાચાર

મોંઘવારી તો બધાને નડે...

પરીક્ષાઓ શાંતિથી પૂરી થઈ. તેના રિઝલ્ટ પણ શાંતિથી આવી ગયા. પરંતુ રિઝલ્ટ આવ્યા પછી બાળકો માટે નવા વર્ષની બુક, નવા વર્ષના સ્કૂલ યુનિફોર્મ, બુટ, વગેરેની ખરીદી ચાલુ થઈ અને તે સાથે જ અશાંતિનું આગમન થયું. જે કુટુંબનું ફક્ત એક બાળક પણ સ્કૂલમાં ભણે છે તે કુટુંબનું નાણાકીય બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયું.

નટુ આમ તો એકદમ જિંદાદિલ માણસ છે, અને પોતાના ઉપર આવતી ગમે તેવી મુશ્કેલીઓને પણ તે હસી કાઢે છે. આજે સવારના પહોરમાં છાપુ વાંચતા વાંચતા  પોતાના અસ્તવ્યસ્ત થયેલા નાણાકીય બજેટ વિશે વિચારતો  હતો, ત્યાં જ શ્રીમતીજીએ આવીને ટહુકો મુક્યો, *અરે સાંભળો છો કે ? આ કેરીની સિઝન અડધી તો પૂરી પણ થઈ ગઈ, પરંતુ આપણા બાળકોએ હજુ સુધી આ સિઝનમાં કેરી ચાખી પણ નથી.. માટે કહું છું કે આજે જ કેરીઓ લેતા આવો, કે જેથી આપણા બાળકો પણ હવેથી રોજ જમવામાં કેરી લઈ શકે....*

નટુ છાપામાં ચૂંટણીના સમાચાર વાંચી રહ્યો હતો, જેમાં વિગતવાર જણાવ્યું હતું કે આટલી બધી મોંઘવારી છતાં પણ કઈ રીતે આપણા નેતાઓ દેશના ખૂણે ખૂણે વિમાનની મુસાફરીથી પહોંચી વળે છે. પેટ્રોલ આટલું બધું મોંઘુ છે છતાં પણ ચૂંટણી પ્રચાર કરતા નેતાઓ ની આગળ પાછળ દોડતી કારોનો કાફલો મોટો થતો જ જાય છે..! નટુ વિચારતો હતો કે આટલો બધો ખર્ચો કર્યા પછી પણ નેતાઓ આપણને શું આપે છે ? ખાલી વચનો જ ને ? અને નેતાઓના આ વચનો ને આપણે કરવાનું પણ શું ? ભૂલી જવાના, જેથી નેતાજી આજનું  વચન  ફરીથી આપણને પાંચ વર્ષ પછી આપી શકે...!!

શ્રીમતીજીએ આવીને નટુની આ વિચારધારા ભંગ કરી. શ્રીમતીજીએ  જ્યારે નટુને કેરી લઈ આવવાની ફરમાઈશ કરી ત્યારે જોગાનુજોગ નટુ દિલ્હીની જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના સમાચાર વાંચી રહ્યા હતા. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સીંધવીએ કોર્ટમાં ખાતરીપૂર્વક જણાવ્યું હતું કે, જેલમાં કેજરીવાલ  માટે ૪૮ વખત ઘરનું ભોજન આવ્યું હતું, જેમાં ફક્ત ત્રણ વાર કેરી આવી હતી..!!

અને આ વાત નટુએ શ્રીમતીજીને કહી, અને સમજાવ્યું કે, *જો આજકાલ કેરી એટલી બધી મોંઘી છે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને પણ રોજ કેરી ખાવી પોષાતી નથી...!*

*પરંતુ તેમાં આપણે શું સમજવાનું ?* શ્રીમતીજીએ અઘરો સવાલ પૂછ્યો.

નટુએ તેને સમજાવતા કહ્યું, *તેમાં આપણે એટલું જ સમજવાનું કે, દિલ્હીના મુખ્યમંત્રી, કે જે પોતાના બંગલાના રિનોવેશન માટે પાંચ સાત કરોડ રૂપિયા  ખરચી શકે છે, તેઓ પણ પોતાના માટે કેરી ખરીદી શકતા નથી..!*

*આ બધું ચૂંટણીનું રાજકારણ છે...* શ્રીમતીજીએ ગુગલી ફેંકી અને તેનાથી ગુંચવાઈ ગયેલા નટુએ પૂછ્યું, *પણ કેવી રીતે ?*

*જુઓ અત્યારે ચૂંટણીનો સમય ચાલે છે...* શ્રીમતીજીએ પોતાની વાત વિસ્તારથી સમજાવવાની શરૂઆત કરી, *... અને ચૂંટણીમાં જેને સહાનુભૂતિના મત મળે તેની જીત સરળ બને. એટલે કે કેજરીવાલ જેટલી ઓછી કેરી ખાશે તેટલા જ વધુ મત તેને મળશે..* શ્રીમતીજીએ પોતાનું અદ્ભુત લોજીક એકદમ સ્પષ્ટ કર્યું અને હુકમ કરતા કહ્યું, *માટે તમે હવે કોઈ આડી અવળી દલીલો કર્યા વગર ઝડપથી જાઓ અને કેરી લેતા આવો..*

પછી થોડું વિચારીને કહ્યું, *.. અને જો તમને કેજરીવાલનું બહુ જ પેટમાં બળતું હોય તો થોડી કેરી તેમને પણ દિલ્હીની જેલના સરનામે મોકલી આપજો..!!*

વિદાય વેળાએઃ દેખાવને ચાહનારો જમાનો છે, વિચારોને કોણ પૂછે છે ?

સેલ્ફી મૂકો તો ૫૦ લાઈક મળે અને વિચાર મૂકો  તો માત્ર ૪-૫ લાઈક જ મળે છે..!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh