Advertisement
Author: નોબત સમાચાર

મોંઘીદાટ ચૂંટણી... તબક્કે તબક્કે બદલતા મુદ્દા... ઢંઢેરાઓના ઢબુકતા ઢોલ... એક બીજાની ખોલતા પોલ...

લોકસભાની ચૂંટણીનો પહેલો તબક્કો પૂરો થયો અને ચૂંટણી પ્રચારના મુદ્દા બદલી ગયા. પહેલા તબક્કાના ચૂંટણી પ્રચારમાં એનડીએ તરફથી મોદી સરકારના દસ વર્ષના સમયગાળાની સિદ્ધિઓ યોજનાઓ અને સર્જીકલસ્ટ્રાઈક એરસ્ટ્રાઈક, ઈકોનોમી અને વિશ્વમાં ભારતની વધેલી વિશ્વનિયતા વગેરેના ગુણગાન ગવાઈ રહ્યા હતા, જ્યારે ઈન્ડિયા ગઠબંધન તથા અન્ય વિપક્ષી નેતાઓ મોદી સરકાર પર તાનાશાહી, કેન્દ્રીય તપાસ એજન્સીઓને દુરૂપયોગ, બદલાની ભાવના, શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવાના આક્ષેપો લગાવીને બેરોજગારી, મોંઘવારી તથા ખેડૂતોને લગતા પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા હતાં.

પ્રથમ તબક્કામાં ગત ચૂંટણી કરતા ઓછું મતદાન થતા જ બન્ને તરફથી ચૂંટણી પ્રચારના મુદ્દા જ બદલી ગયા. કોંગ્રેસે તેમના ચૂંટણી ઢંઢેરા (ન્યાયપત્ર)માં પાંચ ન્યાય અને રપ ગેરંટીના જે વાયદા કર્યા, તેને આગળ કરીને નીતિ આધારિત વસ્તીગણત્રીની વકીલાત કરી... એટલું જ નહીં, કોંગ્રેસના નેતૃત્વમાં ગઠબંધનની સરકાર રચાયા પછી પ્રાયોરિટીમાં કયા કદમ ઉઠાવાશે, તેની ચોખવટ પણ કરી એ પછી ચૂંટણી પ્રચારની દિશા જ બદલી ગઈ, કારણે કે બેરોજગારી, મોંઘવારી અને તાનાશાહીના મુદ્દાઓની સાથે કોંગ્રેસ સહિતના ઈન્ડિયા ગઠબંધનના કેટલાક ચૂંટણી ઢંઢેરાના મુદ્દાઓ પણ ચર્ચામાં આવી ગયા.

ભારતીય જનતા પક્ષના સંકલ્પપત્રની છણાવટ થઈ રહી હતી. ત્યાં લોકો પાસે રહેલી સંપત્તિનો એકસ-રે કરાવવાના રાહુલ ગાંધીના ચૂનાવી ભાષણને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સાથે જોડીને ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ચર્ચાને અલગ જ દિશામાં વાળી દીધી. હવે આજે મતદાન સંપન્ન થયા પછી ત્રીજા તબક્કાની તૈયારી થઈ રહી છે, ત્યારે મતદાનના આંકડાઓના આધારે ત્રીજા તબક્કામાં કયા કયા મુદ્દાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન ગુંજે છે, અને ગુજરાતમાં સુરતની બિનહરીફ થયેલી ચૂંટણી પછી હવે ક્ષત્રિય આંદોલન-રૂપાલા પ્રકરણના સંદર્ભે ભાજપનું વલણ કેવું રહે છે, તેના પર સૌની મીટ મંડાયેલી રહેવાની છે. કોંગ્રેસ કહે છે કે અમારા ચૂંટણી ઢંઢેરાથી ભાજપ સરકાર ડરી ગઈ છે !

ગુજરાતમાં સાતમી મે ના દિવસે મતદાન થવાનું છે, અને બીજી મે ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરમાં સભા થવાની છે, તેથી જામનગરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, અને રાજનેતાઓ તથા કાર્યકરોમાં અચાનક જ સળવળાટ થતો જોવા મળે છેે. એક તરફ ધૂંઆધાર પ્રચાર થઈ રહ્યો છે, તો બીજી તરફ 'વોટ સાથે નોટ'ની અપીલ કરીને ચૂંટણી ફંડની ટહેલ પણ નાખવામાં આવી રહી છે, ત્યારે આવતીકાલથી જ ગુજરાતમાં પ્રચાર રથો બમણાં વેગથી દોડવા લાગશે, તેમ જણાય છે.

આપણે સાતમી મે ના દિવસે મત નાખવા અવશ્ય જવાનું છે, કારણ કે આપણે એક-એક મત અમૂલ્ય તો છે જ, પરંતુ મતદાન કરીએ કે ન કરીએ, તો પણ આપણાં મતદાન માટે થયેલી વ્યવસ્થાઓ પાછળનો સરેરાશ ખર્ચ તો થઈ જ જવાનો છે, જે સમજવા માટે કેટલાક રસપ્રદ અને માહિતીપ્રદ આંકડાઓ અંગે જાણકારી મેળવીએ....

ભારતમાં થતી ચૂંટણીઓને લઈને લગભગ સાડા ત્રણ દાયકાથી કાર્યરત સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ આ વખતે ભારતનો ચૂંટણીખર્ચ અમેરિકામાં સામાન્ય ચૂંટણીઓ માટે થતા સરેરાશ ખર્ચને પણ ઓળંગી જવાનો છે. ભારતમાં વર્ષ-ર૦૧૯ ની ચૂંટણીમાં લગભગ ૬૦ હજાર કરોડનો ખર્ચ થયો હતો, જે આ વખતે સવાલાખ કરોડથી પણ વધી જાય તેવી ધારણા છે.

આ સંસ્થાના અધ્યક્ષે કરેલા દાવા મુજબ વર્ષ-ર૦ર૪ ની ભારતની આ સામાન્ય ચૂંટણીઓ વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી પુરવાર થવાની છે, અને રેકોર્ડબ્રેક રૂ.  ૧.૩પ લાખ કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. અમેરિકામાં વર્ષ -ર૦ર૦ ની રાષ્ટ્રપતિપદના જનરલ ઈલેકશન્સમાં ભારતીય ચલણ મુજબ લગભગ રૂ.  ૧.ર૦ લાખ કરોડ ખર્ચાયા હતા, જયારે ભારતીય ચૂંટણીખર્ચ આ વખતે ૧.૩પ લાખ કરોડને ઓળંગી જશે, તેવી ધારણા દર્શાવાઈ છે.

એક ઈન્ટરવ્યૂમાં આ સંસ્થાના અધ્યક્ષ ભાસ્કર રાવે આ ચૂંટણીખર્ચના અંદાજોમાં ચૂંટણીપંચ તરફથી થતા ખર્ચ ઉપરાત કેન્દ્ર અને રાજ્ય સરકારો, રાજકીય પક્ષો અને ઉમેદવારો તરફથી થઈ રહેલા, થઈ ચૂકેલા અને હવે પછી થનારા ખર્ચના આ સંભવિત આંકડાઓમાં સમાવેશ થતો હોવાનું જણાવી ઉમેર્યુ હતું કે તેમની સંસ્થાએ વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીનો ખર્ચ રૂ.  ૧.ર૦ લાખ કરોડ એટલે કે અમેરિકાની સમકક્ષ થવાની ધારણા રાખી હતી, પરંતુ ચુંટણી બોન્ડનો ડેટા જાહેર થયા પછી આ અંદાજોમાં ૧પ લાખ કરોડનો વધારો કરાયો છે!!

આ અંદાજો મુજબ વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી માટે એક મતદાર દીઠ લગભગ દોઢેક હજાર (રૂ.  ૧૪૦૦ ની આસપાસ) ખર્ચ થવાનો છે. આ અંદાજો મુજબ દર્શાવેલા આંકડાઓમાં મહત્તમ ખર્ચ રાજકીય પક્ષો તથા ઉમેદવારો દ્વારા દર્શાવાતા હિસાબો આધારિત હોય છે. રાવના કહેવાનો મતલબ એવો પણ થાય કે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા માટે થતા ખર્ચ કરતા ઘણો વધુ ખર્ચ ચૂંટણી પ્રચાર માટે થાય છે.

સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના અનુમાનો ઉપરાંત ભાસ્કરરાવના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક 'નેકસ્ટ બિગ ગેમ ચેન્જર ઓફ ઈલેકશન્સ'માં 'મનીપાવર'ના ચૂંટણીઓ પર વધી રહેલા પ્રભુત્વ, ધનાઢય ઉમેદવારો દ્વારા થતા ખર્ચ અને જુદી જુદી વિચારધારાઓના સ્થાને વિનેબિલિટી અને 'ગોઠવણો' જેવા હથકંડાઓ તરફ અંગૂલિનિર્દેશ કરાયો હોવાનો દાવો કરાયો છે!

એ તો સર્વવિદિત છે કે ચૂંટણીપંચના ચોપડે નોંધાતો ઉમેદવારોનો ખર્ચ તદ્દન વાસ્તવિક હોતો નથી. રાજકીય પક્ષો તથા ઉમેદવારો દ્વારા થતાં વણ નોંધાયેલા ખર્ચનો આંકડો તો કયારેય બહાર આવતો નથી, પરંતુ રાજકીય વિશ્લેષકો તથા કેટલાક રાજનૈતિક અર્થશાસ્ત્રીઓ તેનું વિશ્લેષણ જરૂર કરતા હોય છે.

આમ તો આપેણો પ્રત્યેક મત અમૂલ્ય હોય છે, કારણ કે આપણે આગામી પાંચ વર્ષ માટે દેશની સરકારની પસંદગી કરતા હોઈએ છીએ, પરંતુ તે ઉપરાંત પ્રત્યેક મતદારની વ્યવસ્થા માટે થતાં ખર્ચનો વિચાર કરીને પણ મતદાન અવશ્ય કરવું જ જોઈએ. કારણ કે જો મતદાર દીઠ દોઢેક હજારનો બુનિયાદી ખર્ચ થતો હોય, તો તે પણ આપણાં જ ગજવામાંથી ટેકસ કે અન્ય ચાર્જીસના સ્વરૂપમાં જતો હોય છે, દેશની આ મોંઘી ચૂંટણીના ખર્ચનો ભાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણી પર જ આવે છે, તેથી અવશ્ય મતદાન કરીને યોગ્ય ઉમેદવાર અને પાર્ટીને જ મત આપવો જોઈએ ખરું કે નહીં?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh