Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. એવી જ રીતે મહારાષ્ટ્રનો પણ સ્થાપના દિવસ છે, કારણ કે બૃહદ મુંબઈ રાજ્ય (બોમ્બે સ્ટેટ) માંથી વર્ષ ૧૯૬૦ ની પહેલી મે ના દિવસે આ બન્ને રાજ્યો છૂટા પડ્યા હતાં, એટલે કે મુંબઈ રાજ્યનું ભાષાના આધારે વિભાજન કરાયું હતું, અને તેમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એ બે રાજ્યોની રચના થઈ હતી, જો કે આ માટે ગુજરાતીઓએ મોટું આંદોલન કર્યું હતું અને મરાઠાઓએ પણ ચળવળ આદરી હોવાનો ઈતિહાસ સૌ કોઈ જાણે છે. 'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર સૌ ગુજરાતીઓ તથા ગુજરાતના રહીશોને ગુજરાત રાજ્ય સ્થાપના દિનની શુભકામનાઓ પાઠવે છે... જય જય ગરવી ગુજરાત... જય જય ગરવી ગુજરાત...
દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં ગુજરાત રાજ્ય સ્થાપના દિનની ઉજવણી થતી હોય છે, પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી આદર્શ આચારસંહિતાના કારણે ગુજરાત રાજ્ય સ્થાપના દિનની ઉજવણીમાં નેતાઓના સ્થાને તંત્રો દ્વારા ઔપચારિક રીતે થઈ રહી હશે, પરંતુ એમ પણ કહી શકાય કે આ વર્ષે લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં રાજ્યના સ્થાપના દિનની ઉજવણી પણ સમાવિષ્ટ થઈ ગઈ છે. તેથી ૭ મી મે ના દિવસે રેકોર્ડબ્રેક મતદાન કરીને ગુજરાતના મતદારો ગુજરાતની ગરિમા વધારશે, તેવી શ્રદ્ધા રખાઈ રહી છે. આમ પણ ગુજરાત રાજકીય ક્ષેત્રે હંમેશાં જાગૃત રહ્યું જ છે ને?
જો કે, લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં જામનગરની બેઠક માટે હાલારમાં તો મતદાનનો પ્રારંભ થઈ ગયો છે અને મુહૂર્ત થઈ ગયું છે. ગઈકાલે હાલારના બન્ને જિલ્લાઓમાં ચૂંટણીની ફરજો બજાવનાર પોણાચાર હજાર જેટલા ચૂંટણીકર્મીઓનું બેલેટ વોટીંગ ગઈકાલે સંપન્ન થયું છે. હવે ઈવીએમથી ૭ મી મે ના આપણે બધાએ અવશ્ય મતદાન કરવા જવાનું છે, એ ભૂલાય નહીં.
લોકતંત્રના આ મહાપર્વમાં અવશ્ય મતદાન કરવા દિગ્ગજો અપીલો કરી રહ્યા છે, અને ચૂંટણી પંચ પણ ૭ મી મે ના દિવસે વધુમાં વધુ મતદાન થાય, તે માટે 'સ્વીપ' કાર્યક્રમ ચલાવી રહ્યો છે, ત્યારે ગઈકાલે સાંસદ અને ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણી પરિમલભાઈએ પણ ૭ મી મે ના દિવસે શાંતિપૂર્વક અને ચોક્કસપણે મતદાન કરવા મતદારોને 'તટસ્થ' અપીલ કરી છે. આ જ રીતે વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો, સંતો-મહંતો તથા સમાજના લબ્ધપ્રતિષ્ઠિત લોકો, સેલિબ્રિટીઝ સહિત મહાનુભાવો દ્વારા અવશ્ય મતદાન કરવાની અપીલ થઈ રહી છે.
આજથી ભાજપના સ્ટાર પ્રચારક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ શરૂ થયો છે, અને આવતીકાલે બપોરપછી જામનગરમાં ચૂંટણી સભાને સંબોધવાના છે, તેથી જામનગરમાં ચહલ-પહલ વધી ગઈ છે.
ચૂંટણીના સોરબકોર વચ્ચે એક વિશ્વવ્યાપી ચર્ચા (ટોક ઓફ ધ વર્લ્ડ) બનેલા ચિંતાજનક રિપોર્ટની ચર્ચા પ્રમાણમાં ઓછી થઈ રહી છે. બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકાએ કબુલાત કરી કે કોરોનાની રસીથી કાર્ડિયાક એરેસ્ટ અને બ્રેઈન સ્ટ્રોકની સંભાવના વધી જાય છે. તે પછી એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ હતું અને તેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા તથા આ વેક્સિનને માન્યતા આપનાર વિવિધ દેશોના તંત્રો સામેલ હતાં. ઘણાં લોકો એનાથી આગળ વધીને કોરોનાની વિવિધ વેક્સિનોના વેપલામાં વિશ્વની ઘણી કંપનીઓએ અબજો રૂપિયા બનાવી લીધા હોવાની ચર્ચા પણ થઈ રહી છે, અને વિશ્વની કઈ કંપનીએ કેટલી કમાણી કરી તેના આંકડાઓ પણ અપાઈ રહ્યા છે. બીજી તરફ આ અહેવાલો પછી ભારતમાં એસ્ટ્રાઝેનેકા બેઈઝ્ડ કોવિશિલ્ડ વેક્સિન કરોડો લોકોને અપાઈ હોવાથી તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. આ મુદ્દે ભારતમાં હવે કાનૂની કાર્યવાહીઓ વધી શકે છે, તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે, અને હવે આ મુદ્દો પણ છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી જશે, તો દેશની સર્વોચ્ચ અદાલત આ મુદ્દે પણ પતંજલિ ફેઈમ કડક વલણ અવશ્ય અપનાવશે, તેવો વિશ્વાસ પણ વ્યક્ત થઈ રહ્યો છે. બીજી તરફ નિષ્ણાતોને ટાંકીને એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે એસ્ટ્રાઝેનેકાએ જે કબુલાત કરી છે, તે મુજબનો ખતરો કોવિશિલ્ડ રસી લીધાના એકાદ મહિના માટે જ રહેતો હોવાથી ઘણાં મહિનાઓ કે વર્ષો પહેલા કોવિશિલ્ડ રસી મૂકાવી હોય, તેઓએ ડરવાનું કોઈ કારણ નથી!
બીજી તરફ ગુજરાતમાં કોરોનાકાળ પછી નાની ઉંમરના કે યુવાવયના મુખ્યત્વે પુરુષ વર્ગોમાં હાર્ટએટેકના કેસો અને અચાનક હૃદય બંધ પડી જવાથી થતા સંખ્યાબંધ મૃત્યુ પાછળ કોવિશિલ્ડ સહિતની કોરોનાની રસી કારણભૂત છે કે પછી એસાઈએમએ તથા તબીબી વર્તુળોના થતા રહેતા દાવા મુજબ ખોટા ખાન-પાન તથા અનિયમિત લાઈફસ્ટાઈલ વગેરે અન્ય કારણો જવાબદાર છે? તેનું વૈજ્ઞાનિક સંશોધન તો થવું જ જોઈએ, તેમ નથી લાગતું?
આવા કારણો પછી બ્રિટન ફેઈમ સાયન્ટિક ઈન્વેસ્ટીગેશન કરાવીને કોવિશિલ્ડના કારણે તો આ પ્રકારના પ્રાણઘાતક કેસો વધી રહ્યા નથી ને? તેની તટસ્થ, ઊંડી તપાસના પરિણામો પણ જનતા સમક્ષ મૂકવા જ જોઈએ, અને કસુરવારો સામે પૂરી તપાસ થયા પછી પતંજલિફેઈમ કાનૂની કાર્યવાહીની સાથે સાથે બાબા રામદેવની જેમ દેશની માફી પણ સંબંધિત કંપનીઓ સહિતના કસુરવારો પાસે મંગાવવી જોઈએ, તેવો જનમત પણ ઘડાવા લાગ્યો છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial