Advertisement
Author: નોબત સમાચાર

ઢબુક્યા ઢોલ... ઉત્સવ આવ્યો આંગણે... આવતીકાલે ૭ મી મે, કરીએ જંગી મતદાન... સારા કામમાં સો વિઘ્ન પણ,નિભાવીએ ફરજ આપણી મહાન

ઢોલ ઢબુકતા હોય, મંગલ ગીતો ગવાતા હોય, શરણાઈઓ વાગતી હોય, નવા-નવા કપડા પહેરીને તથા શ્રૃંગાર અથવા બ્યુટીપાર્લર દ્વારા તૈયાર થઈને મહિલાઓ હોંસભેર ભાગ લેતી હોય, તો અબાલવૃદ્ધ સૌ કોઈ અનન્ય આનંદ સાથે એકઠા થઈ રહ્યા હોય, ત્યારે ખબર જ પડી જાય કે કોઈના શુભલગ્ન કે સગપણનો પ્રસંગ હશે. આ પ્રકારનો પ્રસંગ હોય ત્યારે જેને ત્યાં પ્રસંગ હોય, એના પરિવારજનો જ નહીં, પરંતુ સગા-સંબંધી-સ્નેહી મિત્રો વગેરે તમામ લોકો તેમાં સામેલ થયા હોય, તો નવા યુગને અનુરૂપ જે નોકરી-ધંધા-વ્યવસાય કે ઉદ્યોગો સાથે વરરાજા કે કન્યા સંકળાયેલા હોય, તેના કલીગ્ઝ, ઓનર્સ, પાર્ટનર્સ વગેરે પણ આ પ્રસંગમાં સામેલ થયા જ હોય. આ પ્રકારના પ્રસંગો માટે ગમે તેમ ટાઈમ કાઢીને કે થોડું એડજેક્ટ કરીને પણ, ભલે થોડા કલાકો કે મિનિટો માટે પણ, હાજરી આપવાની પરંપરા નિભાવાતી જ હોય છે, અને તેને સામાજિક કે પારિવારિક અનિવાર્યતા સમજવામાં આવતી હોય છે, આવી વાત છે ને?

આવતીકાલે આપણે આ જ પ્રકારે ગમે તેમ કરીને થોડી કલાકો નહીં, પણ થોડી મિનિટો સવારે અગ્રતાક્રમે જ કાઢીને એક મહામંગલમય અને આપણાં દેશના મહામૂલા પ્રસંગમાં જવાનું છે. આવતીકાલે સાતમી મે છે, અને દેશમાં ત્રીજા તબક્કા માટે ૯૩ બેઠકો, એક બિનહરિફ થઈ છે, તે સિવાય ગરવા ગુજરાતમાં રપ બેઠકો પર મતદાન થવાનું છે, અને આ આપણા ઘરના આંગણે જ લોકતંત્રનો માંડવો છે, જેમાં આપણે ગમે તેમ કરીને મતદાન કરવાનું જ છે, અને આવતીકાલે સવારથી સાંજે મતદાન પૂરૂ થવાના સમય દરમિયાન અગ્રતાક્રમે અને મહત્તમ પ્રયાસો કરીને સવારે જ આપણો કિંમત અને પવિત્ર મત આપણા ગૌરવવંતા ભારત દેશ તથા લોકતંત્રની મજબૂતી માટે આપવાનો જ છે. આવતીકાલે મતદાન કરવાની એવી જ તાલાવેલી જોઈએ, જેવી તાલાવેલી આપણને મંગલ પ્રસંગોમાં સામેલ થવા માટે જાગતી હોય છે, ખરૃં કે નહીં?

મતદાન માટે આટલી બધી અપીલો કરવી પડે, ચોતરફના જોરદાર પ્રયાસો છતાં મતદાનનો સરેરાશ આંકડો બહુ વધે નહીં, રેકોર્ડ તોડે નહીં, અને મતદાનની પ્રાયોરિટી આપણી રોજીંદી પ્રક્રિયાઓમાં સૌથી છેલ્લી આપવામાં આવતી હોય તો એવો સવાલ ઊઠવો જ જોઈએ ને કે આપણે ખરેખર આ લોકતંત્રને લાયક છીએ ખરા? શું આપણે દેશની સૌથી લોકશાહીનું અપમાન નથી કરી રહ્યા? શું આપણે એક સાચા નાગરિકની ફરજો બજાવીએ છીએ ખરા? બીજા અધિકારો જેટલું જ ઈન્પોરટન્સ આપણે મતદાનના અધિકારને આપીએ છીએ ખરા? મતદાન એ હક્ક પણ છે અને કર્તવ્ય પણ છે, તે સમજીએ તો છીએ, પરંતુ આ સમજદારી બીજા માટે જ હોય છે અને જ્યારે આપણો વારો આવે ત્યારે જે મતદાનના દિવસે કોઈ અન્ય કામ માટે ગૌણ બની જાય, તો આપણે દેશપ્રેમી કે સાચા નાગરિક તરીકે ગૌરવ કેવી રીતે લઈ શકીએ?

જેવી રીતે આપણા ઘરમાં કે સગા-સંબંધીને ત્યાં પ્રસંગ હોય, તો આપણે ગમે તેમ કરીને થોડો સમય કાઢી લઈએ છીએ. એટલું જ નહીં, આ શુભ પ્રસંગે વધુમાં વધુ આમંત્રિતો ઉપસ્થિત રહે તે સુનિશ્ચિત કરતા હોઈએ છીએ, તેવી જ રીતે આપણે પોતે તો મતદાન કરી જ છીએ, પરંતુ તે ઉપરાંત આપણા પરિવારના તમામ સભ્યો, સગા-સંબંધીઓ, સ્નેહી-મિત્રો વગેરે અવશ્ય મતદાન કરે, તે નિશ્ચિત કરીએ, અને તેમાં પણ આપણે કોઈની તરફેણ કે વિરોધ સૂચવ્યા વગર તમામ લોકોને તેઓની ઈચ્છા મુજબ જ પસંદગીના પક્ષ કે ઉમેદવારને મત આપવાની પ્રેરણા તદ્દન તટસ્થ રીતે આપીએ, તો તે એક દેશસેવા થઈ ગણાશે, ખરૂ કે નહીં? દરેક મતદારે કોઈપણ ડર વગર કે લોભ-લાલચ વિના માત્ર પોતાની પસંદગી મુજબ જ મતદાન કરવું જોઈએ, રાઈટ?

એક કહેવત છે કે સારા કામમાં સો વિઘ્ન આવે, તો લોકતંત્રના આ મહાપ્રસંગમાં પણ નાની-મોટી તકલીફો કે અડચણો તો આવવાની જ છે, પરંતુ આપણે તેનો સામનો કરીને તથા ઉકેલ લાવીને આવતીકાલે મહત્તમ મતદાન કરીને એ બતાવી દેવું જ જોઈએ કે આપણે મન આપણા દેશનું ગૌરવ કેટલું છે?

આજે મતદાનકર્મીઓ પોતપોતાના મથકો પર પહોંચી રહ્યા છે. ચૂંટણીતંત્ર પણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે, તો પ્રચાર-પડઘમ ગઈકાલે સાંજે શાંત થયા પછી હવે ઉમેદવારો અને રાજકીય પક્ષો ડોર-ટુ-ડોર પ્રચાર અને છેલ્લી ઘડીની ગોઠવણો કરી રહ્યા છે. લોકતાંત્રિક પ્રક્રિયાનો આ તબક્કે કાળઝાળ ગરમીની સમસ્યા સામે પણ લડવું જ પડી શકે છે, પરંતુ આ ચૂંટણી તંત્રમાં જોડાયેલા લાખો કર્મચારીઓ, સુરક્ષાકર્મીઓ અને અધિકારીઓ જ્યારે આ જ કાળઝાળ ગરમીમાં આજથી બે દિવસ સુધી પોતાના ઘર-પરિવારો છોડીને છેક અંતરિયાળ વિસ્તારો સુધી ઘણી તકલીફો વેઠીને આ લોકતાંત્રિક વ્ય્વસ્થાને મજબૂત બનાવી રહ્યા હોય, ત્યારે આપણે આપણી રોજીંદી પ્રક્રિયામાં થોડું-ઘણું એડજેસ્ટમેન્ટ કરીને પણ આવતીકાલે મત નાખવા તો પ્રાયોરિટીમાં જ જઈ શકીએ ને? જરા વિચારીએ અને કાલે અમલ કરીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh