Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપણો દેશ આઝાદ થયો તે પછી વર્ષ ર૦ર૪ માં ૧૭ મી લોકસભાની ચૂંટણી થઈ રહી છે, જેના સાત સ્ટેપ (પગથિયા) છે, જે પૈકી આજે આપણે ત્રીજું પગથિયુ ચડી રહ્યા છીએ, એટલે કે આજે સાત તબક્કા પૈકી ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. કેટલાક સ્થળે સવારથી જ લાંબી લાઈનો લાગી હોવાના અહેવાલો આવ્યા, તો કેટલાક સ્થળે ધીમે ધીમે લાઈનો વધી રહી હોવાના ખબર પણ આવ્યા, તો પાંખુ મતદાન થઈ રહ્યું હોય તેવા સ્થળે મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું. બપોરે મતદાનની ગતિ વધુ ધીમી પડ્યા પછી સાંજે ૪ થી ૬ વચ્ચે મતદાનની ઝડપ વધી જતી હોય છે. સાંજે ૬ વાગ્યા સુધીનો સમય હોવાથી કોઈપણ કારણે મોડું થઈ ગયું હોય, તેવા મતદારો માટે પણ નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં મતદાન કેન્દ્રમાં પહોંચી જવાનો અવસર રહેતો જ હોય છે. સવારે બે કલાક સુધીમાં સરેરાશ ૧૦ ટકાની આજુબાજુ મતદાન થયા પછી ઉમેદવારો, નેતાઓ, કાર્યકરોની દોડધામ વધી હતી.
આજે ગુજરાતની રપ સહિત કુલ ૧૧ સભ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૯૩ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જ્યારે સુરતની બેઠક બિનહરિફ જાહેર થઈ છે.
આજે મતદાન થઈ ગયા પછી હજુ બીજા ચાર તબક્કામાં મતદાન થવાનું બાકી છે, અને ચોથી જૂને એક સાથે તમામ બેઠકો માટેની મતગણતરી થવાની છે, જે સર્વવિદ્તિ છે. હવે પછીનું ચોથા તબક્કાનું મતદાન ૧૩ મી મે, પાંચમા તબક્કાનું મતદાન ર૦ મી મે, છઠ્ઠા તબક્કાનું મતદાન રપ મી મે અને અંતિમ ૭ મા તબક્કાનું મતદાન ૧ લી જૂને થવાનું છે.
સત્તરમી લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં ૧૦ર બેઠકો અને બીજા તબક્કામાં ૮૯ બેઠકો માટે મતદાન થયું છે. આજે પણ ૯૪ માંથી ૯૩ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, અને એક બેઠક બિનહરિફ જાહેર થઈ છે. ચોથા તબક્કામાં ૯૬, પાંચમા તબક્કામાં ૪૯, છઠ્ઠા તબક્કામાં પ૭ અને સાતમા તબક્કામાં પણ પ૭ બેઠકો માટે મતદાન થવાનું છે.
ગુજરાતમાં લોકસભાની રપ બેઠકો ઉપરાંત આજે પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંણી માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે. તે ઉપરાંત દેશના અન્ય કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ખાલી બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે. તદુપરાંત આંધ્રપ્રદેશમાં ૧૩મી ના તમામ ૧૭પ વિધાનસભા બેઠકો માટે, અરૂણાચલ પ્રદેશમાં ૬૦ તથા સિક્કિમની ૩ર બેઠકો માટે વિધાનસભાની સામાન્ય (જનરલ) ચૂંટણીઓ પણ યોજાઈ છે, જેથી ત્યાં નવી સરકારો રચાશે.
આજે પોરબંદર, ખંભાત, વિજાપુર, વાઘોડિયા અને માણાવદર વિધાનસભા બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે, જેથી આ વિસ્તારોના મતદારો વિધાનસભા અને લોકસભાના ઉમેદવારો માટે પોતાની પસંદગી દર્શાવશે, મતલબ કે વિધાનસભા માટે તથા લોકસભા માટે અલગ-અલગ મતદાન એકસાથે કરી રહ્યા છે.
ગુજરાત ઉપરાંત બિહારમાં એક વિધાનસભા બેઠક, ઉ.પ્રદેશમાં ૪, હરિયાણામાં એક, પ. બંગાળમાં એક, કર્ણાટકમાં એક અને તામિલનાડુમાં એક બેઠક પર પણ વિધાનસભાની પેટાચૂંટણી આજે યોજાઈ છે, અને લોકસભાની સાથે સાથે આ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે.
આ પહેલા કેટલાક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ પણ લોકસભાની સામાન્ય ચૂંટણી સાથે યોજાઈ હતી, ત્યારે કેટલાક કિસ્સાઓમાં લોકસભામાં તથા જે-તે વિધાનસભાઓ માટે મતદારોએ અલગ અલગ પસંદગી બતાવી હતી, અને કેન્દ્ર તથા રાજ્યમાં અલગ-અલગ પાર્ટી અથવા ગઠબંધનની સરકાર રચાઈ હતી. ઓડિશામાં આ પ્રકારનું મતદાન કરવાની મતદારોની પુખ્તતાની ચર્ચા ઘણી વખત થતી જ હોય છે. તેવું જ દિલ્હીમાં થયું છે. દિલ્હીમાં વિધાનસભામાં વર્ષ ર૦૧પ માં જે પક્ષને બમ્પર સફળતા મળી હતી, તેને વર્ષ ર૦૧૯ માં દિલ્હીમાં લોકસભાની એક પણ બેઠક મળી નહોતી. આવું થતું હોવાનું કારણ ત્યાંના મતદારોએ કેન્દ્ર અને રાજ્ય માટે અલગ અલગ જનાદેશ આપ્યો હોય, તે છે ત્યાંના મતદારો કેન્દ્ર અને રાજ્યોની સરકારોને અલગ-અલગ રીતે મુલવતા હોય છે અને કેન્દ્રિય તથા રાજ્યકક્ષાના મુદ્દાઓ તથા આકાંક્ષાઓ પણ અલગ અલગ હોય છે.
આજે મતદાન દરમિયાન આચારસંહિતા ભંગની થતી ફરિયાદો, ઘટનાક્રમો તથા મતદાનની ટકાવારીની ચર્ચા પણ થઈ રહી છે. શાંતિપૂર્વક મતદાનને ખલેલ પહોંચાડવાના, ઈવીએમ બગડવા કે અન્ય કોઈ અવરોધોના સમાચારો આજે સ્વાભાવિક રીતે જ દિવસભર ચાલતા રહેવાના છે, પરંતુ મતદાન થઈ ગયા પછી તેના પરિણામોની ખબર તો ચોથી જૂને મતગણતરી પછી જ પડશે, અને દેશની જનતાએ પૂનરાર્વતન માટે મતો આપ્યા છે કે પરિવર્તનનો જનાદેશ આપ્યો છે, તે પણ સ્પષ્ટ થઈ જશે. આ ઉપરાંત દેશની જે ચાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ પણ યોજાઈ રહી છે, ત્યાં પણ પૂનરાર્વતન થશે કે પરિવર્તનનો પવન ફૂંકાયો હશે, તેની વાસ્તવિક ખબર તો મતગણતરી દિવસે એટલે કે ચોથી જૂને પડવાની છે. છેલ્લા તબક્કાનું મતદાન સંપન્ન થયા પછી નિર્ધારિત કરેલા સમયગાળા પછી જ સર્વેક્ષણો, એક્ઝિટ પોલ્સ બહાર આવી શકે તેમ હોવાથી બધાએ ચોથી જૂન સુધી ઈન્તેજાર કરવો જ રહ્યો...
ગુજરાત સહિત દેશભરમાં આજે સવારથી એકતરફ ઉત્સવ જેવો માહોલ છે, તો બીજી તરફ સ્થાનિક નેતાઓ અને કાર્યકરો હડિયાપટ્ટી કરી રહ્યા છે. આજે સાંજ સુધીમાં થનારૂ મતદાન મહત્ત્વપૂર્ણ છે, કારણ કે સાત તબક્કાની ચૂંટણીમાં લગભગ મધ્યે પહોંચેલી લોકસભાની ચૂંટણીમાં અત્યાર સુધી થયેલું મતદાન અને હવે થનારૂ મતદાન કેવું અને કેટલું થાય છે, તેના પરથી ભવિષ્ય નક્કી થવાનું છે. કોઈપણ કારણે નગરના જે મતદારોએ અત્યાર સુધી મતદાન ન કર્યું હોય, તેઓ હજુ પણ ઝડપભેર મતદાન મથકે પહોંચીને પોતાનું મતદાન કરીને નાગરિક તરીકેની ફરજ અવશ્ય બજાવે, તેવી નમ્ર અપીલ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial