Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ ૧ર ના બન્ને પ્રવાહો અને ગુજકેટનું પરિણામ જાહેર કર્યું છે. આજે સવારે નવ વાગ્યાથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પોતાનું રિઝલ્ટ મેળવીને હવે પછીનો પ્લાન ઘડી રહ્યા છે. કોને કેટલા પરસેન્ટાઈલ મળ્યા અને કોણ ઉત્તીર્ણ-અનુત્તીર્ણ થયું, તેવી જિજ્ઞાસા સંતોષાયા પછી હવે આગળના ઉચ્ચ અભ્યાસ અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે, અને વિદ્યાર્થીઓની રૂચિ મુજબ જ આગળની કારકિર્દીનો નિર્ણય લેવા દેવા વાલીઓને સલાહ અપાઈ રહી છે. આ વખતે ધોરણ ૧ર ના બન્ને પ્રવાહ તથા ગુજકેટનું પરિણામ પણ સારૂ આવ્યું, તેથી વિદ્યાર્થીઓ અને તેના પરિવારોમાં ખુશીનો માહોલ છે.
વિદ્યાર્થી ભાઈ-બહેનોએ પણ ગાડરિયા પ્રવાહની જેમ કે પોતાના ગ્રુપને વિના વિચાર્યે અનુસરીને પોતાના આગળના અભ્યાસ કે કારકિર્દીનો નિર્ણય લેવાના બદલે પોતાની અંદર પડેલા કૌશલ્ય અને રૂચિને અનુરૂપ જ નિર્ણય લેવો જોઈએ અને પોતાના વાલીઓ-પરિવારને તેની વિવેકપૂર્વક જાણ કરીને આગળ વધવું જોઈએ. ખરૂ કે નહીં?
વાલીઓ અને પરિવારે પોતાના સંતાનોનું પરિણામ આવ્યા પછી તેની સાથે શાંતિથી ચર્ચા કરીને અને તેની રૂચિ તથા ઈચ્છા જાણીને તેને સપોર્ટ કરવો જોઈએ, અને જો તેઓ ગાડરિયા પ્રવાહની જેમ કે માત્ર પોતાના દોસ્તોની સાથે રહેવા માટે કોઈ અયોગ્ય નિર્ણય લેતા હોય તો તેને વઢીને નહીં, પણ શાંતિથી સમજાવીને યોગ્ય નિર્ણય લેવડાવવો જોઈએ, ખરૂ કે નહીં?
ગુજરાતમાં લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી પછી આ પરિણામો જાહેર થયા છે, જેથી હવે એક તરફ તો પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ અંગે પરામર્શ થતો હશે, તો બીજી તરફ તમમ પરિવારો વેકેશન કેવી રીતે માણવું અને ક્યાંનો પ્રવાસ કરવો, તેની ચર્ચા કરતા હશે.
આ વખતે હિટવેવની આગાહીઓ ઉપરાછાપરી આવી રહી હોવાથી તેને લક્ષ્યમાં રાખીને સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહો પણ અપાઈ જ રહી છે.
ઘણાં પરિવારો વેકેશનમાં પણ વિદ્યાર્થીઓને આગળના સ્ટાન્ડર્ડની તૈયારી કરાવતા હોય છે, અને ખાસ કરીને ધોરણ ૯ અને ધોરણ ૧૧ પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે વેકેશનમાં પણ બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ કરાવાતી હોય છે. આ માટે વેકેશનમાં પણ ટ્યુશનો તથા વેકેશન બેન્ચીઝના વિકલ્પો પણ વિચારાતા હોય છે!
વિદ્યાર્થીઓની પરીક્ષાઓ તો પૂરી થઈ ગઈ હતી, પરંતુ રાજકીય પક્ષો તથા ઉમેદવારોની પરીક્ષા હજુ ચાલી રહી છે. તેઓએ ત્રણ પેપર આપી દીધા છે અને હજુ ચાર પેપર આવવાના બાકી છે, મતલબ કે ત્રણ તબક્કાનું મતદાન પૂરૂ થઈ ગયું છે અને હજુ ચાર તબક્કા બાકી છે... લોકસભા ઉપરાંત કેટલીક વિધાનસભાના સભ્ય બનવા માટેની આ પરીક્ષામાં કોણ ઉત્તીર્ણ થશે અને કોણ ફેઈલ થશે, તેનું પરિણામ છેક ચોથી જૂને આવવાનું હોવાથી જે પરીક્ષાર્થી ઉમેદવારોની પરીક્ષા (મતદાન) પૂર્ણ થયેલ છે, તેઓ કાં તો આરામ ફરમાવશે, અથવા પોલિટિકલ વેકેશન માણવા ઉપડી ગયા હશે. અત્યારે તો પ્રથમ ત્રણ તબક્કાના ઉમેદવારો પોતાને કેટલી ટકાવારી મળશે, તેના અંદાજો પેપર સોલ્યુશન પ્રક્રિયાની જેમ જ કરતા હશે, ખરૂ ને?
આવતીકાલે અક્ષય તૃતીયા પણ છે, જે અનોખો યોગાનુયોગ છે. અખાત્રીજના દિવસે કોઈપણ શુભકાર્ય આરંભવામાં આવે, તો તેમાં સફળતા મળતી હોય છે, તેથી આજે ઘણાં મંગલ પ્રસંગો યોજાશે તથા શુભકાર્યો સંપન્ન થશે. ખેડૂતો ખેતીકાર્યનું પ્રતિકાત્મક મુહૂર્ત કરશે તો ગૃહિણીઓ સોના-ચાંદી-જ્વેલરી કે મનપસંદ ચીજવસ્તુઓ ખરીદી રહી હશે. ઘણાં લોકો બિલ્ડરોએ તાજેતરમાં જ સોંપેલા નવા ભવનો (મકાનો) માં ગૃહપ્રવેશ પણ કરી રહ્યા છે. લોકતંત્રના ઉત્સવ, બોર્ડની પરીક્ષાઓનું ઉત્તમ પરિણામ અને અક્ષયતૃતીયાના આ ત્રિવેણી સંગમનો આ યોગાનુયોગ પણ કેટલો અદ્ભુત અને પ્રાસંગિક જણાય છે?
એક તરફ બોર્ડની પરીક્ષાઓના પરિણામ પછી વિદ્યાર્થી ભાઈ-બહેનોની કારકિર્દી નક્કી થવાની છે, તો બીજી તરફ ચોથી જૂને આવનારા ચૂંટણીના પરિણામો પછી ઉમેદવારોનું ભાવિ નક્કી થવાનું છે, જેમાં અક્ષયતતીયા જેવા શુભ દિનોનું સંયોજન થયું છેે... અદ્ભુત!
આજે સવારે જ ધોરણ ૧ર નું બન્ને પ્રવાહનું જે પરિણામ આવ્યું છે, તેની છણાવટની સાથે ઉચ્ચ પર્સેન્ટાઈલ લઈ આવનાર વિદ્યાર્થીઓની વાહવાહી થઈ રહી છે, અને તેઓની આ સિદ્ધિ સખત મહેનતનું પરિણામ હોવાથી તેને બિરદાવવા પણ જોઈએ જ ને! 'નોબત' પરિવાર/માધવાણી પરિવાર પણ તમામ પરીક્ષાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવે છે.
જે પરીક્ષાર્થીઓનું પરિણામ ધાર્યા મુજબનું ન આવ્યું હોય કે અનુત્તીર્ણ થયા હોય, તેઓએ જરાયે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે અનુત્તીર્ણ થયેલા પરીક્ષાર્થીઓ માટે પુનઃ વધુ મહેનતે ધાર્યા કરતાયે વધુ સારૂ પરિણામ મેળવવાના અવસરો છે, તો ધાર્યા મુજબના પ્રર્સેન્ટાઈલ ન આવ્યા હોય, તેઓ માટે પણ ઉજ્જવળ કારકિર્દી ઘડવાના ઘણાં વિકલ્પો મોજુદ છે, ડોન્ટ વરી...
એમ પણ કહી શકાય કે સ્ટુડન્ટ્સ અને પોલિટિશ્યન્સ માટે ઉજ્જવળ ભવિષ્યની નવી દિશાઓ ખુલી રહી છે, આગળ વધો...
ધોરણ ૧ર મા સામાન્ય પ્રવાહનું પરિણામ રેકોર્ડબ્રેક ૯૧.૯ર ટકા અને ધોરણ ૧ર ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮ર.૪પ આવ્યું છે. આ સારૂ પરિણામ પ્રસિદ્ધ થયા પછી હવે પરીક્ષાર્થીઓને ચોતરફથી અભિનંદન અપાઈ રહ્યા છે. તે ઉપરાંત ગુજકેટનું પરિણામ પણ સારૂ આવ્યું છે. આ વખતે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તો સારૂ આવ્યું જ છે, ત્યારે ઓવરઓલ વધુ પર્સેન્ટાઈલ મેળવનારા પરીક્ષાર્થીઓ પણ વધ્યા છે. તેથી હવે તમામ વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી મેળવે એવી શુભેચ્છાઓ પાઠવીએ, અને ઢગલાબંધ અભિનંદન પણ આપીએ... ગો એહેડ.... આગળ વધો... આગળ વધો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial