Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ગુજરાતમાં એસએસસીનું પરિણામ સારૃ આવ્યું, તો ગઈકાલે સુપ્રિમ કોર્ટે પહેલી જૂન સુધી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા પછી તેઓ ગઈકાલે સાંજે જ ચૂંટણીના મેદાનમાં આવી ગયા તથા ગઈકાલે આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ જીત્યુ, તેની મહત્તમ ચર્ચા થઈ રહી છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જાગી છે કે કેજરીવાલ બહાર આવી જતા બાકીના ચાર તબક્કાના સમિકરણો બદલી ગયા છે અને કેજરીવાલની રાજકીય નિપુણતા તથા હિંમતને લક્ષ્યમાં લઈને ઈન્ડિયા ગઠબંધનની સાથે નહીં, ભળેલા અન્ય વિરોધી પક્ષો પણ પોસ્ટ પોલ એટલે કે ચૂંટણી પછીના વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ થઈ શકે છે, અને કેજરીવાલને મોદી સામે પી.એમ. પદના ઉમેદવાર તરીકે રજૂ કરી શકે છે. પી.એમ. મોદી પણ ભૂતકાળમાં જે સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે જ તેઓને એન.ડી.એ. તરફથી વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કરી દેવાયા હતાં, અને તે સમયે તેઓની પી.એમ. પદના ઉમેદવાર તરીકેની પસંદગી સામે ભાજપ અને એનડીએના કેટલાક સાથીદાર પક્ષોના નેતાઓ સહમત નહીં હોવાની ચર્ચા ચાલી હતી, પરંતુ તેઓ પી.એમ. પદના ઉમેદવાર તરીકે ચૂંટણી પહેલા જ જાહેર થયા હતાં, જ્યારે આ વખતેની ચૂંટણીમાં પણ તેઓ એન.ડી.એ.નો સી.એમ. પદનો ચહેરો છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધને એવો નિર્ણય લીધો હતો કે ચૂંટણી પછી પરિણામો આવે ત્યારે પોસ્ટ પોલ એલાયન્સમાં નવા અન્ય પક્ષોને સામેલ કરીને વડાપ્રધાન કોણ બને તે નક્કી કરવું ઈન્ડિયા ગઠબંધનની સામૂહિક ફાઈટ પછી આ વખતે એન.ડી.એ.ની માંડ ૧પ૦ બેઠકો આવશે અને ભાજપ સરકાર ઘરભેગી થશે, તથા વિપક્ષો એકજુથ થઈને સરકાર બનાવશે, તેવા દાવા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ થઈ રહ્યા છે.
ગઈકાલે માત્ર ચૂંટણીપ્રચાર માટે સુપ્રિમકોર્ટે શરતી જામીન આપ્યા પછી ગઈકાલથી જ ચૂંટણી પ્રચારના મેદાનમાં આવી ગયેલા કેજરીવાલ પોસ્ટપોલ વિપક્ષી ગઠબંધનના પી.એમ. પદનો ચહેરો પણ બની શકે છે, તેવો દાવો પણ થઈ રહ્યો છે. તે કારણે ત્રણ તબક્કા પછી જ્યારે એવું લાગ્યું કે આ વખતે અંડરકરન્ટ જનાદેશ એન્ટી ગવર્નમેન્ટ થઈ રહ્યો છે, ત્યારે અત્યારથી જ વિપક્ષી ગઠબંધનનો વડાપ્રધાનપદનો ચહેરો કોણ હશે, તેની ચર્ચા થવા લાગી છે.
આ પદ માટે રાહુલ ગાંધી, મમતા બેનર્જી, મલ્લિકાર્જુન ખડગે જેવા કેટલાક નામો ઉપરાંત ફરીથી પલટી મારીને નીતિશકુમાર પણ વિપક્ષી ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર બની શકે છે, તેવી અટકળો પહેલેથી થતી હતી તેમાં હવે કેજરીવાલનું નામ ટોપના ક્રમે ચર્ચાઈ રહ્યું છે, અને વિપક્ષોમાં મોદીના વિકલ્પ તરીકે એનડીએને ટક્કર મારે તેવો એક માત્ર ચહેરો કેજરીવાલ જ હોવાના તારણો પણ અત્યારથી જ નીકળવા લાગ્યા છે.
જો કે, સુપ્રિમ કોર્ટે જે શરતો રાખી છે, તે જોતા કેજરીવાલને મુખ્યમંત્રી તરીકે કોઈપણ કદમ ઊઠાવવાની છૂટ મળી નથી, પરંતુ આમ આદમી પાર્ટીના વડા તરીકે તેઓ છૂટથી દેશવ્યાપી પ્રચાર કરી શકશે, તે જોતાં તેની સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહી તેને વડાપ્રધાનપદની રેસમાંથી બહાર પણ ધકેલી શકે છે, પરંતુ જો વિપક્ષી ગઠબંધનને પૂર્ણ બહુમત મળી જાય તો સમિકરણો અને સ્થિતિ બદલી પણ શકે છે અને કેજરીવાલનો માર્ગ મોકળો પણ થઈ શકે છે, પરંતુ અત્યારે તો ચોથી જૂનની રાહ જોવી રહી અને બીજી જૂને કેજરીવાલ સરન્ડર કરે તે પછીની સ્થિતિની વાટ જોવી રહીે, ખરૃ કે નહીં?
કેજરીવાલના કેસમાં સુપ્રિમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલો અને કેજરીવાલના પક્ષે રોકાયેલા વકીલોની તર્કબદ્ધ દલીલો પછી સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલે ગુજરાતના એક વર્તમાન ધારાસભ્યને સાંકળીને એવો સવાલ ઊઠાવ્યો કે જો કેજરીવાલ ચૂંટણી પ્રચાર માત્ર એટલા માટે ન કરી શકતા હોય કે તેની સામે કોઈ તપાસ કે કેસ ચાલી રહ્યો છે, તો ગુજરાતમાં કોર્ટે સજા સંભાળાવ્યા પછી પણ હાર્દિક પટેલ કેવી રીતે ચૂંટણી લડ્યો?
રાજકારણની આ જ ખૂબી અથવા ખામી છે કે એક સમયે પાટીદાર આંદોલન સમયે જેની તરફેણમાં ગુજરાત સુધી હળિયાપટ્ટી કરતા નેતા-કમ-વકીલને હવે તેનું જ ઉદાહરણ એ નેતાની તરફેણમાં આપવું પડી રહ્યું છે, જે નેતા ભૂતકાળમાં ઘોર-વિરોધી હતાં!
ગઈકાલે કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા પછી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને સત્યનો વિજય થયો છે, તાનાશાહીને તમાચો લાગ્યો છે, મોદી સરકારના વળતા પાણી થવાના છે, વગેરે કોમેન્ટો સોશ્યલ મીડિયામાં પણ ફરતી થઈ ગઈ હતી. તેની સામે એનડીએના પ્રવક્તાઓ કહેતા સંભળાયા કે આ માત્ર ચૂંટણીપ્રચાર માટે વચગાળાના જામીન જ આપ્યા છે, કેજરીવાલ નિર્દોષ ઠર્યા નથી, અને દોષિત ઠરશે તે પછી હજુ લાંબી જેલ ભોગવવાની બાકી છે... વગેરે...
એ પછી આજે બપોરે કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ તેવું જાહેર થયા પછી સૌ કોઈની નજર કેજરીવાલના નવા રણકાર, પડકાર અને આહ્વાન પર જ મંડાયેલી હતી, અને તેના પ્રત્યાઘાતો પણ એટલા જ આક્રમક હતાં.
પોસ્ટપોલ પી.એમ. પદના ઉમેદવાર તરીકે હવે વિપક્ષી ગઠબંધનમાં કેજરીવાલ પણ અગ્રીમ હરોળમાં આવી ગયા હોય, તેમ નાથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial