Advertisement
Author: નોબત સમાચાર

ચાર તબક્કા પૂરા થયા પછી હવે ચૂંટણી પ્રચાર પરાકાષ્ટાએ... ખરાખરીનો જંગ...

'છોટી' કાશી, 'છોટા' કાશી અને 'વારાણસી' કાશી તરીકે ક્યા સ્થળો ઓળખાય છે? જાણો...

જામનગર સહિત લોકસભાની જે બેઠકો પર ચાર તબક્કામાં મતદાન સંપન્ન થઈ ગયું છે, ત્યાં કોનો વિજય કેટલા મતે થશે, તેના અંદાજો લગાવાઈ રહ્યા છે અને દાવાઓ રજૂ થઈ રહ્યા છે, તો બીજી તરફ હવે બાકી રહેલા ત્રણ તબક્કા માટે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવીને પ્રચંડ પ્રચાર પણ કરી રહ્યા છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું, ત્યારે મળેલી એનડીએના નેતાઓની અનૌપચારિક બેઠકની ચર્ચા પણ વિવિધ એંગલથી થઈ રહી છે.

હવે પાંચમા તબક્કાનું મતદાન

લોકસભા ચૂંટણીના ૭ તબક્કા પૈકી ચાર તબક્કા પૂરા થયા છે, અને હવે પાંચમા તબક્કાનું મતદાન થવાનું છે. આઠ રાજ્યોની ૪૯ બેઠકો માટે ર૦ મી મે ના દિવસે મતદાન થવાનું છે. બેઠકોમાં બિહારની પ, ઉત્તરપ્રદેશની ૧૪, પ. બંગાળની ૭ અને જમ્મુ-કાશ્મીરની ૧, લદ્દાખની ૧ બેઠકોનો સમાવેશ થાય છે.

'છોટા' કાશીમાંથી કોણે કરી ઉમેદવારી

આપણે છોટીકાશી તરીકે જેવી રીતે ગુજરાતમાં જામનગરને ઓળખીએ છીએ અને આ બેઠક પરથી પૂનમબેન માડમ ભાજપના ઉમેદવાર છે, પરંતુ કંગના રનૌતે હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મત ક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતી વખતે કહ્યું કે, મેં 'છોટા' કાશીમાંથી ઉમેદવારી નોંધાવી છે, અને મંડીમાંથી ચૂંટણી લડવી એ ગૌરવની વાત છે. મંડીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજ્ય પરિવારના સભ્ય વિક્રમાદિત્યસિહ છે.

જામનગરને 'છોટી' કાશી કહેવાય છે, તેવી જ રીતે હિમાચલ પ્રદેશની 'છોટા' કાશી તરીકે ઓળખ કંગના રનૌતે આપી છે, અને તેમણે બનરાસ-કાશીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારીનો ઉલ્લેખ પણ કર્યો છે, જેથી એમ કહી શકાય કે બનારસ-કાશીથી પી.એમ. મોદી, 'છોટા' કાશી તરીકે ઓળખાતા હિમાચલની મંડીથી કંગના રનૌત અને 'છોટી' કાશી તરીકે ઓળખાતા આપણા જામનગરથી પૂનમબેન માડમ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.

વારાણસીના પ્રચારમાં ગુજરાતી નેતાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસીના ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાંથી ઘણાં નેતાઓ ગયા છે, જઈ રહ્યા છે, અવિરત જવાના છે, તેમાં સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદો, ધારાસભ્યો, પાર્ટીના હોદ્દેદારો ઉપરાંત ત્રીજા તબક્કામાં ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. એવું કહેવાય છે કે ર૦૦ જેટલા ગુજરાતી નેતાઓ વારાણસીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોંદીનો પ્રચાર કરવાના છે.

અન્ય રાજ્યોના પ્રચારમાં પણ ગુજરાતીઓનો દબદબો

ભારતીય જનતા પક્ષે હવે પછીના તબક્કાઓની ચૂંટણીના પ્રચાર માટે પણ વિવિધ રાજ્યોના, ભાજપના દિગ્ગજો, મુખ્યમંત્રીઓ, સાંસદો, હોદ્દેદારો તથા મંત્રીઓને મોકલ્યા છે, અથવા હવે મોકલવાના છે, તેમાં પણ ઘણાં બધા ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ઘણી વ્યૂહાત્મક બેઠકો માટે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતીઓ ગયા છે. એ જ રીતે કોંગ્રેસના પ્રચાર માટે પણ ગુજરાતના નેતાઓને મોકલવામાં આવી રહ્યા હોવાના અહેવાલો જોતા એમ જણાય છે કે હવે પછીના તબક્કાઓના ચૂંટણી પ્રચારમાં અન્ય રાજ્યોમાં પણ ગુજરાતીઓનો દબદબો રહેવાનો છે.

પ્રસ્તાપક એટલે શું?

ચૂંટણીઓમાં ઉમેદવારી પત્ર ભરવા માટે જતા ઉમેદવારો સાથે નિયમ મુજબના પ્રસ્તાવકો સાથે રાખવામાં આવતા હોય છે, જે મોટાભાગે જે-તે પાર્ટીના દિગ્ગજો કે ઉમેદવારના વડીલો, મિત્રો વગેરે હોય છે, તો ઘણી વખત સેલિબ્રિટીઝ પણ હોય છે. ત્યારે પ્રસ્તાવકની ભૂમિકા અંગે કુતૂહલ થાય તે સ્વ્ભાવિક છે.

પ્રસ્તાવકને સમર્થક કે ટેકેદાર પણ કહી શકાય, જે-તે મત વિસ્તારના રહીશ હોય અને ત્યાંની મતદારયાદીમાં નામ હોય, તેવા પ્રસ્તાવકોને ઉમેદવારીપત્ર ભરતી વખતે ચૂંટણીપંચના નિયમોને અનુરૂપ રહીંને ઉમેદવાર પોતાની સાથે લઈ જતા હોય છે. તેના અલગથી નિયમો છે.

સાત તબક્કાની ચૂંટણી પ્રક્રિયા

આ વખતે ૭ તબક્કાની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને દરેક તબક્કાના નોટીફિકેશન અલગ-અલગ પ્રસિદ્ધ થતા હોય છે. ઉમેદવારી પત્રક ભરાય, ત્યારથી ઉમેદવારના પ્રચારના ખર્ચનો હિસાબ ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરવો પડતો હોય છે અને નિયત કરેલી મર્યાદાઓમાં જ ઉમેદવાર ખર્ચ કરી શકતો હોય છે, જ્યારે સંબંધિત પક્ષ સમર્યાદ ખર્ચ કરી શકે છે, જો કે ચૂંટણી પંચ રાજકીય પક્ષોને શક્ય તેટલો અંકુશન રાખતું હોય છે.

વર્ષ ર૦૧૯ ની લોકસભાની ચૂંટણી સાથે સરખામણી

વર્ષ ર૦ર૪ની ચૂંટણીની વર્ષ ર૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી અને પરિણામો સાથે સરખામણી થઈ રહી છે, અને અત્યાર સુધીના ચાર તબક્કામાં મતદાનની ઘટેલી ટકાવારીની પણ અલગથી વિશ્લેષણો થઈ રહ્યા છે.

આ વખતે ચોથી જૂને મતગણતરી થશે, ત્યાં સુધીમાં ચૂંટણી પ્રચાર પરાકાષ્ટાએ હશે. અત્યાર સુધી એકંદરે (કેટલાક અપવાદો સિવાય) ચૂંટણી શાંતિપૂર્ણ થઈ રહી છે, ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક સંપન્ન થઈ જાય તેવું ઈચ્છીએ.

:: આલેખન :: વિનોદકુમાર કોટેચા એડવોકેટ

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh