Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપણે ત્યાં દાયકાઓથી લોકોના પ્રશ્નોના ઉકેલ માટે જુદા જુદા કેમ્પો, કાર્યક્રમો અને સિસ્ટોમેટિક ઝુંબેશો થતી હોય છે, અને તેમાં લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ કરવાના દાવાઓ પણ થતા હોય છે. વર્ષો પહેલા 'લોકદરબાર'ના નામે શરૂ થયેલી આ પદ્ધતિના નવા નવા નામો અપાતા રહે છે. સ્થળ પર પ્રશ્નોના નિકાલનો કાર્યક્રમ, સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અને સિસ્ટોમેટિક રીતે જુદી જુદી કક્ષાએ ફરિયાદ અને સંકલન સમિતિઓ દ્વારા લોકોના પ્રશ્નો આધાર-પુરાવા સાથે પહેલેથી મંગાવીને તેની અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી તેનું નિવારણ 'સ્થળ' પર કરવાની આ તમામ પદ્ધતિઓ કેટલી સફળ થઈ છે, તે ઓપન સિક્રેટ છે, એ તમામ તંત્રો-શાસકો જાણે છે, પરંતુ 'આગેસે ચલી આતી હૈ'ની જેમ બધું ચાલ્યા કરે છે!
હકીકતે આ પ્રકારના કાર્યક્રમોમાં રજૂ થતા પ્રશ્નોનો 'નિકાલ' તો કરી દેવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે જે-તે પ્રશ્ન કે સમસ્યાનો સંપૂર્ણપણે ઉકેલ આવ્યો હોય, તેવા પ્રશ્નોની ટકાવાર ઘણી જ ઓછી રહેતી હશે, અને તે પણ તમામ તંત્રો જાણતા જ હોય ને? આવું થતું હોય તો તેને નાટકબાજી કે ડ્રામેબાજી ન કહી શકાય!ં
હકીકતે આ પ્રકારના કાર્યક્રમોમાં રજૂ થતા પ્રશ્નો જે-તે વિભાગ કે રાજ્ય કક્ષાએ મોકલીને પ્રશ્નોનો 'નિકાલ' બતાવીને વાહવાહી કરવાની ચેષ્ટા જ અયોગ્ય છે. આ પ્રશ્નો સંપૂર્ણપણે ઉકેલાય જાય, અને જ્યારે અરજદાર કે પ્રશ્ન રજૂ કરનાર તરફથી સંતોષકારક ઉકેલ આવી ગયો છે, તેવી લેખિત સ્વીકૃતિ મળી ન જાય, ત્યાં સુધી એ પ્રશ્નના નિકાલ નહીં બતાવતા 'પેન્ડીંગ' ગણાવીને જ્યાં સુધી તેનો સંબંધિત વિભાગ કે યોગ્ય સ્તરેથી સંપૂર્ણપણે અને સંતોષકારક ઉકેલ આવે નહીં, ત્યાં સુધી જ્યાંથી પ્રશ્ન રજૂ થયો હતો, ત્યાંથી જ સતત 'ફોલો-અપ' કરવું જોઈએ, અને અરજદારની લેખિત સ્વીકૃતિ પછી જ તે પ્રશ્નનો સંતોષકારક ઉકેલ આવ્યો છે, તેમ ગણીને 'નિકાલ' દર્શાવવો જઈએ, ખરૂ કે નહીં?
હકીકતે આ પ્રકારના તમામ ફરિયાદ નિવારણ કાર્યક્રમોએ લોકઅદાલતો જેવી સિસ્ટમ અપનાવવી જરૂરી છે. લોક-અદાલતોમાં સ્થળ પર જ પ્રશ્નોનો (કેસોનો) સમાધાનકારી ઉકેલ આવતો હોય છે અને સ્થળ પર જ લેખિત સમાધાન, હુકમ કે ચૂકવણા પણ કરી દેવામાં આવતા હોય છે. આ પદ્ધતિથી 'નિકાલ' થતા કેસોમાં સંબંધિત કેસ સંપન્ન થઈ જતો હોય છે, અથવા સમસ્યા સંતોષકારક રીતે સંપૂર્ણપણે ઉકેલાઈ જતી હોય છે. લોકઅદાલતોમાં હજુ સુધી સરકારી સિસ્ટમ જેવું 'હલક ચલાણું' ઘૂસ્યું નથી, તેથી તેની આ સિસ્ટમને સુરક્ષિત રાખવાની તકેદારી પણ રાખવી પડે તેમ છે. એટલું જ નહીં, એ સિસ્ટમનું અનુસરણ ફરિયાદ નિવારણ કાર્યક્રમો માટે પણ થવું જ જોઈએ, ખરૂ ને?
ન્યાયતંત્રમાં પણ આમુલ સુધાર-વધારા થઈ રહ્યા છે, અને તે જરૂરી પણ છે. આપણા દેશમાં ન્યાય મેળવવાની પ્રક્રિયા મોંઘી, કઠીન અને લાંબી હોવાની ચર્ચા થતી રહે છે, અને તેના ઉકેલની દિશામાં શ્રેણીબદ્ધ કદમ પણ ઊઠાવાતા હોય છે. આ માટે દેશની નીચલી અદાલતોથી લઈને સુપ્રિમ કોર્ટ સુધીના ન્યાય તંત્રમાં પેન્ડીંગ રહેલા કરોડો કેસોનો ત્વરિત નિકાલ અને નવા કેસોમાં પ્રક્રિયા ઝડપી બનાવવાના પ્રયાસો પણ વધી રહ્યા છે. આ ઝુંબેશના ભાગ રૂપે જ લોકઅદાલતો, નાઈટકોર્ટ, ફાસ્ટટ્રેક કોર્ટ તથા ફેમિલી કોર્ટોનો અભિગમ અપનાવાઈ રહ્યો છે. ગુજરાતમાં ફેમિલી કોર્ટનું વિસ્તરણ થઈ રહ્યું છે, તે સારા સંકેતો છે.
ગુજરાતના તમામ જિલ્લાઓ પછી હવે દરેક તાલુકામાં તબક્કાવાર ફેમિલી કોર્ટો સ્થાપવાનો હુકમ હાઈકોર્ટે કર્યો હોવાના અહેવાલો પછી તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફની જરૂરિયાતને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
અહેવાલો મુજબ ગુજરાત હાઈકોર્ટે દરેક જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજોને તેના જિલ્લામાં એક ફેમિલી કોર્ટ માટે અલગ રૂમ ફાળવવા અને મરામતના કામો ર૪ મી મે સુધીમાં સંપન્ન કરી લેવાના આદેશો આપ્યા છે, તે ઉપરાંત દરેક જિલ્લા-તાલુકા મથકે ફેમિલી કોર્ટ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફની વિગતો પણ જિલ્લા અદાલતો પાસેથી માંગી હોવાનું જાણવા મળે છે.
આ સંદર્ભે બહાર આવેલી વિગતો મુજબ હાલારમાંથી પણ ઈન્ફ્રાસ્ટ્રકચરની કેટલીક સુવિધાનો રિપોર્ટ કરાયો છે, તેવી જ રીતે રાજ્યભરના જિલ્લા અદાલતોએ આ અંગેની વિગતો એકત્ર કરીને વડી અદાલતને સમયમર્યાદામાં મોકલવાની તજવીજ હાથ ધરી હોય તેમ જણાય છે.
મીડિયા રિપોર્ટ મુજબ ફેમિલી કોર્ટ માટે દ્વારકા જિલ્લાના જામ-કલ્યાણપુર તાલુકા મથકે બે રૂમ ઉપલબ્ધ છે, જેમાંથી એક જ રૂમમાં જરૂરી ફર્નિચર છે. ભાણવડમાં બે રૂમ છે, પણ ફર્નિચર લાવવું પડે તેમ છે. આ જ રીતે જ્યાં જ્યાં થોડી-ઘણી સુવિધાઓ વધારવાની જરૂર છે, તેવા વિરમગામ, છોટા ઉદેપુર, ગાંધીનગર, જૂનાગઢ, વંથલી, ગાંધીધામ, નલિયા, માંડવી વગેરેની યાદી પણ બની રહી છે. ટૂંકમાં હાઈકોર્ટે ફેમિલી કોર્ટના વિસ્તરણની જે ઝુંબેશ હાથ ધરી છે, તે આવકારદાયક છે, અને આપણા દેશમાં સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળતો થાય, તે દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ છે. સરકારી તંત્રોના ફરિયાદ નિવારણના અભિગમો સારા છે, પણ તેમાં લોકઅદાલતો જેવી પદ્ધતિ જરૂરી છે, ખરૂ ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial