Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, અને આ પછી બીજા બે તબક્કાનું મતદાન થવાનું બાકી છે. પહેલી જૂને મતદાન સંપન્ન થયા પછી ચૂંટણી પંચના નિયમ મુજબના સમયગાળા પછી એક્ઝીટ પોલ શરૂ થઈ જશે અને ચોથી જૂને પરિણામો આવશે, જો કે તે પહેલા ઈન્ડિયા ગઠબંધન તરફથી તેજસ્વી યાદવે ૩૦૦ બેઠકો સાથે તેમનું ગઠબંધન સત્તામાં આવી રહ્યું હોવાની ભવિષ્યવાણી કરી દીધી છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધૂંઆધાર પ્રચાર કરી રહ્યા છે, અને એનડીએના ૪૦૦ પ્લસના દાવાને દોહરાવી રહ્યા છે. આ મહત્ત્વના તબક્કે સટ્ટાબજારો તથા નિષ્ણાતો-તજજ્ઞોના અભિપ્રાયોને ટાંકીને બન્ને તરફના અનુમાનો પણ થઈ રહ્યા છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં જ ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે, પરંતુ હવે પડોશી રાજ્યો માટે ગુજરાતના નેતાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રચાર અને ગુપ્ત ગોઠવણો કરી રહ્યા હોવાની ચર્ચાઓ ઘણી જ સાંકેતિક છે.
જામનગરનો ચર્ચાસ્પદ સ્માર્ટ મીટરનો મુદ્દો હવે રાજ્યવ્યાપી બન્યો છે. એક તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિખાલસતાથી સ્વીકાર્યું કે આ ચૂંટણીમાં બુથ લેવલે રહી ગયેલી કચાશ નિવારવા પાર્ટીમાં આંતરિક રીતે યોગ્ય કદમ ઊઠાવાઈ રહ્યા છે, તો બીજી તરફ સ્માર્ટ મીટરના મુદ્દે સરકાર અને વીજકંપની પર પ્રહારો કર્યા છે.
શક્તિસિંહ ગોહિલે પણ સરકારી વીજકંપની દ્વારા સ્માર્ટ પ્રી-પેઈડ ઈલે. મીટરો સામે અવાજ ઊઠાવ્યો છે. તેથી જામનગરમાં ખૂબ જ ચર્ચાસ્પદ થયેલો મુદ્દો હવે રાજ્યકક્ષાએ પડઘાયો છે, તેથી સરકારી વીજકંપનીઓએ પારોઠના પગલા ભરવા પડે કે પછી નવેસરથી લોકોને તાલીમબદ્ધ કરીને અને સમજાવીને જ આ પ્રક્રિયા શરૂ થઈ શકે, તે માટે હાલતુરત કાર્યવાહી સ્થગિત થઈ જાય, તેવું પણ બની શકે, ખરૂ કે નહીં?
શક્તિસિંહે કહ્યું કે સ્માર્ટ મીટરના નામે ભાજપ સરકાર જે કાંઈ કરે છે, તે જનતા પર બોજો વધારે છે. સ્માર્ટ મીટરના નામે સરકાર ઉદ્યોગપતિઓની તરફેણ કરી રહી હોવાની ટીકાઓ વચ્ચે શક્તિસિંહે કહ્યું કે, સરકાર અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદીને ગ્રાહકોને લૂંટી રહી છે. સ્માર્ટ મીટર અંગે તેમણે સવાલ ઊઠાવ્યો કે જે વસ્તુ ખરીદી જ ન હોય, તેનો એડવાન્સમાં જીએસટી ભરવો પડે, તે કેવી ઉલટનીતિ કહેવાય? બીજી તરફ બાયડના ધારાસભ્યે આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હોવાના હેવાલો પણ ચર્ચામાં છે. શક્તિસિંહ ગોહિલે ઉમેર્યું કે વીજગ્રાહકોને સ્માર્ટ મીટરો ફરજિયાત પધરાવવાના બદલે વિકલ્પ આપવો જોઈએ અને જો ગ્રાહકો જુના (વર્તમાન) મીટરની પ્રથા યથાવત્ રાખવા માંગતા હોય તો તેઓની ઉપર સ્માર્ટ મીટરો થોપવા ન જોઈએ. સમગ્ર રાજ્યમાં આ મુદ્દે રાજ્ય સરકાર સામે સવાલ ઊઠી રહ્યા છે.
ચાર તબક્કાના મતદાન પછી ચૂંટણી પંચે ઘણાં શહેરી વિસ્તારોમાં મતદારોની ઉદાસિનતા અથવા ઓછા મતદાન અંગે ખાસ બેઠક યોજીને પાંચમા તબક્કામાં શહેરી વિસ્તારોમાં પણ સર્વાધિક મતદાન થાય, તેવા પ્રયાસો કર્યા છે અને આ માટે વ્યૂહાત્મક રીતે મતદારોને અવશ્ય મતદાન કરવાની પ્રેરણા આપવાના વિવિધ ઉપાયો તથા અભિગમો અમલમાં મૂક્યા હોવાના અહેવાલો પછી આજે સાંજ સુધીમાં કેટલું મતદાન થશે, તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે, અને ઘણાં લોકો તો પાંચમા તબક્કાના મતદાનની ટકાવારીનો વિવિધ રાજકીય પક્ષો માટે ટર્નિંગ પોઈન્ટ પૂરવાર થઈ શકે છે, તેવા અનુમાનો પણ થઈ રહ્યા છે.
ચાર તબક્કાના મતદાનમાં ર૩ રાજ્યો યુટીની ૩૭૯ બેઠકો માટે મતદાન સંપન્ન થઈ ગયું છે. અમિત શાહનો દાવો છે કે એનડીએને આ ચાર તબક્કામાં જ સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે અને હવે પછીના ત્રણેય તબક્કા (આજના તબક્કા સહિત) માં ભાજપ ૩૭૦ અને એનડીએ ૪૦૦ પ્લસના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. બીજી તરફ ઈન્ડિયાના ઘટક પક્ષો જુદી જુદી સંખ્યાના દાવાઓ કરીને ભાજપની મોદી સરકાર આ ચૂંટણીના પરિણામો પછી ઘરભેગી થઈ જવાની છે અને ઈન્ડિયા ગઠબંધનને પૂર્ણ બહુમતિ મળવાની છે, તેવો હુંકાર ભરી રહ્યા છે. તેજસ્વીએ તો ૩૦૦ પારનો દાવો કરી નાંખ્યો છે, જોઈએ, હવે શું થાય છે તે...
આજે જ્યાં મતદાન થઈ રહ્યું છે તેમાં જમ્મુ-કાશ્મીર પણ સામેલ છે. જમ્મુ-કાશ્મીરમાં મતદારોને ડરાવવા ગઈકાલે આતંકી ઘટનામાં એક સરપંચની પણ હત્યા થઈ છે.
જમ્મુ-કાશ્મીર ઉપરાંત બિહાર, લદ્દાખ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, પ. બંગાળ અને ઓડિશામાં લોકસભાની પાંચમા તબક્કાની ચૂંટણી ઉપરાંત ઓડિશા વિધાનસભાની ચૂંટણી માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે. લગભગ નવ કરોડ જેટલા મતદારોએ જનાદેશ કઈ તરફ જાય છે, અને આજે કેટલા ટકા મતદાન થાય છે, તેના પર સૌની નજર મંડાયેલી રહેવાની છે.
રાજધાની દિલ્હીમાં એક અનોખી અને અભૂતપૂર્વ સ્થિતિ ઊભી થઈ રહી છે, જે લોકતાંત્રિક મૂલ્યો, લોકતંત્રના હાર્દ અને પ્રો-પબ્લિક રિસ્પોન્સિબિલિટી માટે ઘાતક છે. હવે આગામી બે તબક્કાના ગણિત પણ મંડાઈ રહ્યા છે. જોઈએ... હવે આગળ શું શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial