Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચકા-બકાની પંચાતનું ઉજ્જવળ નિષ્કર્ષ!
ચકોઃ હેં બકા! આ વરસે જામનગર શહેરમાં પીવાના પાીણીની શું પરિસ્થિતિ છે?
બકોઃ તું તો મને એવી રીતે પ્રશ્ન કરે છે, જાણે હું કેમ પાણી પુરવઠા બોર્ડમાં કે મહાનગરપાલિકામાં અધિકારી હોઉં?
ખેર! તે પૂછ્યું જ છે તો મને જણાવતા આનંદ થાય છે કે જે રીતે કોઈ અહેવાલ આવ્યો છે તે પ્રમાણે જુલાઈ ર૦ર૪ સુધી તો જામનગરમાં એકાંતરે પાણી મળશે જ!
ચકોઃ પણ... ભાઈ, ગયા વરસે ચોમાસામાં તો જામનગરને પાણી પૂરૂ પાડતા જળાશયો ઓવરફ્લો થયા હતાં... જેમાંથી મહાનગરપાલિકા પાણીનો મોટો જથ્થો ઉપાડે છે તે ડેમ પણ છકલાયા હતાં... નર્મદાનું પાણી પણ મળે જ છે... તો પછી જુલાઈ માસ સુધી તકલીફ નહીં પડે તેવો ખુલાસો આમ જુવો તો ચિંતાજનક ન ગણાય?
બકોઃ તારી વાતમાં દમ તો છે જ! કારણ કે ડેમ છલકાયા ત્યારે આપણાં રાજકીય નેતાઓએ નવા નીરના વધામણા કર્યા, ફોટા પડાવ્યા... અને તેમાં વળી કોઈએ વધુ પડતા ઉત્સાહમાં કહ્યું પણ ખરૂ કે જામનગર શહેરને બે, યસ રીપીટ બે વરસ સુધી ચાલે તેટલું પાણી આવી ગયું છે!
ચકોઃ ભાઈ... વસતિ વધી છે, વિસ્તારો વધ્યા છે, પાણીની જરૂરિયાત વધી છે તેથી એક વરસમાં ડેમ ખાલી થઈ જ જાય ને? દર વરસે ઉનાળામાં બાષ્પીભવનના કારણે પણ પાણીનો જથ્થો ઘટે તે સ્વાભાવિક છે. તેથી જ કદાચ જુલાઈ મહિના સુધી તકલીફ નહીં પડે તેવો જવાબ પ્રશંસનીય છે.
બકોઃ અરે ભાઈ... કેવડિયા કોલોનીથી કચ્છના ખાવડા, દેવભૂમિ દ્વારકા વિસ્તારના ઓખા સુધી નર્મદાનું પાણી પહોંચે છે, નલ સે જલ યોજનાથી ગામડાઓમાં પણ ઘરે ઘરે નળ મારફતે પાણી મળે છે, સૌની યોજનાના પાઈપ તો એવડા મોટા છે કે અંદરથી મોટરકાર પસાર થઈ જાય... રૂ. ર૦ હજાર કરોડ ખર્ચ્યા પછી પણ હજી જે યોજના પૂરી થઈ નથી તે સૌની યોજનાથી ડેમો ભરી દેવાશે... જેમાં જામનગર જિલ્લાના ૧૯ ડેમોનો પણ ઉલ્લેખ થયો... દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો ક્યાંક નર્મદાના નીર આવ્યા તો ત્યાંના રાજકીય નેતાઓ તો જાણે મોટો જંગ જીત્યો હોય તેમ ઉત્સવ મનાવ્યો! આ બધા કારણો હોવા છતાં જામનગર જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક સ્થળે પાણીની તંગીની બૂમરાહ મચી જવા પામી છે. જો બકા... પાણી વ્યવસ્થામાં પણ રાજકારણ છે. તેથી પ્રચાર વધુ અને કામ ઓછું થાય તેમાં નવાઈ પામવા જેવું નથી.
બકોઃ ભાઈ... એ બધું તો બરાબર પણ પાણીની સમસ્યા સર્જાશે તેવી અમંગળ ધારણા ન કરીએ તો પણ સરકાર કે મનપાએ કોઈ આગોતરૃં આયોજન કર્યું હોય તેવું જણાતું નથી!
ચકોઃ આ રીતે બેબાકળા થવાની જરૂર નથી... અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સારો વરસાદ પડશે... ડેમો ભરાઈ જશે... તેથી સારા ભવિષ્યની આશા રાખ... બાકી તો તરસ લાગે ત્યારે જ કૂવો ખોદવાનું ચાલુ કરવું તેવી સત્તાધિશોની વિચારધારા હોય ત્યાં આગોતરા આયોજનની આશા ન રખાય.
ચકોઃ મને તો એ વાતની નવાઈ લાગે છે કે કેટલાક શહેરોમાં તો પાણીની સમસ્યા થઈ એટલે નર્મદાનું વધારે પાણી માંગવામાં આવ્યું... તેમાં આ રજૂઆત કોણે કરી તેમના નામનું મહત્ત્વ વધારે અને માંગણીમાં વજન ઓછું હોય તેવી રીતે પ્રસિદ્ધિ થઈ...
બકોઃ જો મેં જણાવ્યું તેમ રાજકીય નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે પાણીની વ્યવસ્થા, તંગી કે ઉપાય પ્રસિદ્ધિ માટેનું સૌથી મોટું માધ્યમ છે.
ચકોઃ અત્યારે તો કાળઝાળ ગરમી પડી રહી છે! લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે ત્યારે... જવાબદાર તંત્રો દ્વારા લોકોને પાણીની તંગી ન પડે અને નિયમિતરીતે પર્યાપ્ત જથ્થો મળતો રહે તે બાબતને ટોચની પ્રાથમિક્તા આપવી જોઈએ...
બકોઃ આપણે ભલે આવી પંચાત કે ચિંતા કરીએ... બાકી ધાર્યું તો અંતે ધણી (કુદરત) નું જ થવાનું છે તેથી ભરોસો રાખ્યા વગર આપણે કશું કરી શકીએ તેમ નથી! જોઈએ લોકસભાની ચૂંટણીના પરિણામો પછી પરિસ્થિતિ કેેવો ટર્ન લ્યે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial