Advertisement
Author: નોબત સમાચાર

ચાલો, પંખી બચાવીએ... સંવેદના વધારીયે

વર્તમાન સમયમાં પંખીઓનું સંરક્ષણ-સંવર્ધન અત્યંત જરૂરી

પંખી બિચારાં માળો તૂટવાથી ત્રસ્ત છે

માળી ફૂલોના મોંઘા જલસામાં વ્યસ્ત છે

ગઝલના આ શેરમાં પ્રસિદ્ધ કવિ શ્રી અનિલ ચાવડાએ પંખીની વેદના ચોટદાર રીતે વ્યક્ત કરી છે. શહેરોમાં  અનેક બહુમાળી બિલ્ડિંગોના ચણતરના કારણે પંખીઓના બાંધેલા માળા તૂટીને વેરવિખેર થઈ જાય છે. એક નાનકડો માળો બનાવવા માટે પંખીને સુરક્ષિત જગ્યા મળતી નથી. ઘટાદાર વૃક્ષો કે વિશાળ બગીચાઓના અભાવે  શહેરોમાં ચકલી, પોપટ, કોયલ કે મોર જેવા સુંદર પંખીઓ ભાગ્યે જ નિહાળવા મળે છે. ફકત કબૂતર અને શ્રાદ્ધ પક્ષમાં ચતુર કાગડા નજરે ચડે છે. અલબત્ત, ચકલીના ઉછેર  માટે વિનામૂલ્યે માળાનું વિતરણ કરતા લોકોમાં સંવેદના પ્રકટ થતી જરૂર જોવા મળે છે. મકર સંક્રાંતિ પર્વમાં ઘાયલ પંખીની ઝડપી સારવાર માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જામનગર જિલ્લામાં ખીજડીયામાં ૬૫૦ હેકટર વિસ્તારમાં આવેલ પક્ષી અભ્યારણ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા આ અભયારણ્ય સંચાલિત છે. સપ્ટેમ્બરથી એપ્રિલ માસ દરમ્યાન પંખીઓની આશરે ૧૫૦ જાત શિયાળામાં અહીં આવે છે. જમીન, ઝાડ અને પાણીમાં તરતા ત્રણ પ્રકારના માળા અહીં જોવા મળે છે. પંખી ચાહકો પંખીના ઉછેર -સંરક્ષણ માટે  કોઈ વિશેષ આયોજન પણ કરી શકે. માળીને પણ હવે  પંખીને ગમતા ફૂલ, ઝાડ કે બાગનું જતન કરવાને બદલે શ્રીમંતોના જલસાઓ માટે તૈયાર ફૂલોનો વેપાર કરીને રૂપિયા કમાઈ લેવામાં વધારે રસ હોય  છે. પંખીને ચણ માટેના ચબૂતરા પણ હવે ઓછા જોવા મળે છે. તેમાં મોટેભાગે માત્ર કબૂતર આવતા હોય છે. આવી દુઃખદ  સ્થિતિમાં, પંખી- પ્રેમીઓને શક્ય હોય ત્યાં ચણ કે કુંડામાં પાણી નાખીને, પંખીઓની ભૂખ - તરસ ભાંગીને પુણ્યકાર્ય કરવાનું મન થાય છે, કારણ કે હિન્દુ સંસ્કૃતિ પંખી જેવી કોઈ પણ જીવસૃષ્ટિ સાથે લાગણી - કરુણાના તારથી જોડાયેલી છે. તેઓ પ્રેમથી ચણ - પાણી નાખે અને ભૂખ્યા - તરસ્યા પંખીઓ આવીને ફટાફટ ચણવા માંડે કે તરસ છિપાવે ત્યારે તેમને અનેરો રોમાંચ અને આનંદ થાય છે. આશા રાખીએ કે પરગજુ લોકોની આવી કરુણાસભર પ્રવૃત્તિથી  આપણી આસપાસ  પંખી જગતનું સંરક્ષણ થયા કરે અને તેનાથી વાતાવરણ જીવંત બની રહે. સંભવ છે કે કોઈ પંખી પ્રેમી પોતાની આગવી સંવેદનાને આમ પણ વાચા આપે :

હું યજમાન અને પંખી મહેમાન,

આમ વિચારે એક ભલો ઇન્સાન

જે કરી જાણે જીવ માત્રને પ્રેમ,

આ જગતમાં તે જ ખરો ધનવાન.

--ચંદ્રેશ શાહ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh