Advertisement
Author: નોબત સમાચાર

અદેખાઈ કે અસંતોષ...? એનડીએમાં અડચણ...! હવે હાલાર ગુંજશે સંસદમાં... ગુજરાતમાં કાંઈક મોટું થવાનું છે ?

પહેલા કોળિયે માખી આવે, તેમ અનેડીએ ૩.૦ ના મંત્રીમંડળની શપથવિધિ થઈ અને ખાતાઓની ફાળવણી થઈ, ત્યાં જ વિરોધના સુર ઉઠવા લાગ્યા છે, તો ગુજરાતમાં પ્રદેશ કક્ષાએ પણ સરકાર અને સંગઠનમાં ધરમૂળથી ફેરફારો થશે, તેવી અટકળો તેજ બની ગઈ છે. હાલારમાં તો લોકસભાની બેઠક જીત્યા પછી ભારતીય જનતા પક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હેટ્રિકની ઉજવણી કરી રહ્યો છે, સાથે સાથે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો રોડમેપ પ્રદેશકક્ષાએથી અત્યારથી જ તૈયાર થઈ રહ્યો હોવાની ચર્ચા છે.

રાષ્ટ્રીય કક્ષાએ મોદીમંડળ રચાયા પછી અત્યારે ચોતરફ એક જ ચર્ચા છે કે મુખ્યમંત્રી બન્યા ત્યારથી નરેન્દ્ર મોદી સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકારો જ ચલાવતા આવ્યા છે, અને તેઓની કાર્યશૈલી પણ સ્પષ્ટ બહુમતી ધરાવતી એક જ પક્ષની સરકારને અનુરૂપ છે, તેથી હવે ગઠબંધન સરકાર તેઓ સફળતાપૂર્વક ચલાવી શકશે કે કેમ ? તેઓને વી.પી. સિંહ, વાજપેયી, ચરણસિંહ, દેવગૌડા, ચંદ્રશેખર, મનમોહનસિંહની જેમ અન્ય પક્ષોના ટેકાથી સરકાર ચલાવવાની મજબૂરીમાં મક્કમ નિર્ણયોના બદલે બાંધછોડ કરવી જ પડશે ને ? જો તેઓ સર્વસંમતિથી એનડીએની સરકાર ચલાવવામાં સફળ રહેશે, તો સમાન સિવિલ કોડ, પીઓકે પર કબ્જો અને એનઆરસી જેવા મુદ્દે પીછેહઠ પણ કરવી પડશે કે પછી આ તમામ મુદ્દે સાથીદાર પક્ષોને તેઓ વિશ્વાસમાં લઈ શકશે ? વગેરે સવાલો પડઘાઈ રહ્યા છે.

એનસીપીના અજીત પવારે પહેલા કોળિયે માખીની જેમ રોન કાઢી કે પ્રફુલ્લ પટેલ પહેલા કેબિનેટ મિનિસ્ટર હતા, તેથી હવે તેઓ રાજ્યકક્ષાના મંત્રીનો સ્વતંત્ર હવાલો નહીં સંભાળે, પછી ભલે તે કેબિનેટની સમકક્ષ હોય.

એવી ચણભણ પણ હતી કે પ્રફુલ્લ પટેલને તો સ્વતંત્ર હવાલા સામે પણ વાંધો નહીં હોય, પરંતુ એક મંત્રીપદુ મળવા સામે અજીત પવાર જૂથની અંદર જ એકથી વધુ ઉમેદવારો તલપાપડ હતા, તેથી આંતરવિગ્રહને પ્રફુલ્લભાઈના સ્વાભિમાનનું આવરણ ચઢાવીને અને હાલતુરત હસતા મૂખે રાહ જોવાનું કહીને ઢાંક પિછોડો કરી લીધો, અન્યથા એટલો બધો અસંતોષ જ હોય તો એનડીએમાંથી જ નીકળી ને શરદકાકા સાથે અજીતભાઈ બેસી ગયા હોય ને ? સિમ્પલ..!

ઘણાં લોકો એવું પણ કહે છે કે અજીત પવારને હજી પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓની બીક છે, અન્યથા તેઓ તો કયારના યે એનડીએ છોડીને વર્તમાન સંજોગોમાં શરદકાકાના શરણે ચાલ્યા ગયા હોત... મે બી પોસિબલ...!

અજીતભાઈ એ ભૂલી જાય છે કે મહારાષ્ટ્રમાં સત્તા મેળવવાની હાયવોયમાં જ બિચારા દેવેન્દ્રભાઈને નાયબ મુખ્યમંત્રી પદે બેસવા મજબૂર કરી દેવાયા, તેમાં તેઓ પણ સહભાગી જ છે ને ? તે કિસ્સામાં પૂર્વ મુખ્યમંત્રીને નાયબ મુખ્યમંત્રીના પદે હાઈકમાન્ડના આદેશથી (બળજબરીથી) બેસાડી દેવાયા, ત્યારે સાથીદાર પક્ષના સર્વોચ્ચ નેતાનું સ્વાભિમાન આડે ન આવ્યું ? આ બધું જ કયાંક શરદકાકાના ઈશારે તો થઈ રહ્યું નથી ને?

હજુ મંત્રીમંડળને ખાતા જ સોંપાયા છે, ત્યાં એનડીએમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે, હવે દેવેન્દ્ર ફડણવીસને 'નૈતિક ક્રૂરતા'થી નાયબ મુખ્યમંત્રી પદે બસાડીને અને પોતાની પાર્ટીને તોડીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદેના જૂથે પણ અસંતોષ પ્રગટ કર્યો છે.

મીડિયા અહેવાલો મુજબ શિંદેની શિવસેનાએ ૭ લોકસભા બેઠકો જીતી હોવા છતાં તેમને રાજ્યકક્ષાના મંત્રીનું એક જ પદ મળ્યું, તેનો વસવસો શિંદે ગ્રુપ વ્યકત કરી રહ્યું છે. સ્વતંત્ર પ્રભાર સાથેનું રાજયકક્ષાનું મંત્રીપદ કેબિનેટની સમકક્ષ ન ગણાય, તેમ છતાં શિંદેજુથની  નારાજગી કેબિનેટમાં સ્થાન નહીં મળવાના કારણે છે, અને એકાદ-બે બેઠકો ધરાવતી પાર્ટીઓ પૈકી કોઈને કેબિનેટમાં સ્થાન મળ્યું તેનું દૃષ્ટાંત અપાઈ રહ્યું છે, ત્યારે સવાલ એ ઉઠે કે શિંદેગ્રુપને ખરેખર એનડીએના સાથીદાર પક્ષો પ્રત્યે અદેખાઈ થઈ છે કે પછી પીએમ મોદી સામે અસંતોષ છે?

એવું કહેવાય છે કેરળના એક સાંસદને મંત્રી નહોતું બનવું પરંતુ તેઓને પર્સનલી બોલાવીને ધરાર મંત્રી બનાવાયા છે, તો ભાજપના કેટલાક એવા મંત્રીઓને પડતા પણ મૂકાયા છે, જેઓ એનડીએ ર.૦ ની ટર્મમાં પ્રખર મોદી સમર્થક રહ્યા હતા, એટલું જ નહીં ચોવીસેય કલાકના પ્રશંસક પણ રહ્યા હતાં !!

કેન્દ્રીય મંત્રી મંડળમાં સીઆર પાટીલને સ્થાન મળ્યું, તે અપેક્ષિત હતું અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ૧પ૬ બેઠકો પર વિજય અને કેટલીક સળગતી સમસ્યાઓના સમયે પણ પ્રાદેશિક કક્ષાએ ભાજપને ગતિશીલ રાખવાની પાટીલની કૂનેહના કારણે તેમને કેન્દ્રમાં લઈ જવાયા, તેવો અભિપ્રાય વ્યકત થઈ રહ્યો છે, તો બીજી તરફ એવું પણ કહેવાય છે કે તેઓને પ્રદેશ પ્રમુખ પદે રિપિટ કરાયા પછી હવે અધવચ્ચેથી કેન્દ્રમાં એટલા માટે લઈ જવાયા કે તેઓ ગુજરાત ભાજપમાં આંતરિક જૂથવાદ અને પ્રજાનો પક્ષ પ્રત્યેનો વધતો અણગમો નાથવામાં નિષ્ફળ ગયા છે !

એ જે હોય તે ખરું, પરંતુ હવે પ્રાદેશિક કક્ષાએ ભારતીય જનતા પક્ષનું સુકાન કોને સોંપાશે તેવા સવાલો વચ્ચે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં પણ મોટા ફેરફારો તોળાઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજનું આંદોલન, ટીઆરપી ગેમઝોન દુર્ઘટના જેવા કારણોસર સરકારની તથા પ્રદેશ ભાજપની છબિને લાગેલો દાગ ભૂંસવા પ્રદેશ કક્ષાએ પણ ધરમૂળથી ફેરફારો થશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, અને પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે મૂળ જામનગરના દિગ્ગજનું નામ પણ ચર્ચામાં છે, તેમ કહેવાય  છે.

કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલતુરત ભલે જામનગર/હાલારને સ્થાન ન મળ્યું હોય, પરંતુ હાલારની સમસ્યાઓ, માંગણીઓ અને અપેક્ષાઓને લક્ષ્યમાં લઈને સાંસદ પૂનમબેન માડમ અને રાજ્યસભાના ગુજરાતમાંથી ચૂંટાયેલા સભ્યો કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ અવાજ ઉઠાવશે, અને હાલારનો અવાજ સંસદમાં અને વિધાનસભામાં વધુ ગુંજતો રહેશે, તેવી આશા રાખીએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh