Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં એક પ્રતિષ્ઠિત બ્રાન્ડની વેફરના પેકેટમાંથી ફ્રાઈ દેડકા જેવું કાંઈક મળ્યાની ફરિયાદ ઉઠી અને તપાસ શરૂ થઈ. એ પહેલા એક ખ્યાતનામ પીઝામાં જંતુ નીકળવાની રાવ પણ ઉઠી હતી. જો કે, તે સમયે પણ તપાસની વાતો થઈ હતી. તાજેતરમાં મીડિયામાં કોઈને કોઈ ખાદ્ય પદાર્થો કે ઠંડા પીણા, આઈસ્ક્રીમ વગેરેમાંથી મરેલા જીવ-જંતુ કે અન્ય ચીજો નીકળી રહી હોવાના અહેવાલો છાશવારે આવતા રહે છે. રાજ્યના એક પ્રતિષ્ઠિત કંપનીની આઈસ્ક્રીમમાંથી કાનખજૂરો નીકળ્યો હોવાની ચર્ચા પણ તાજેતરમાં જ ટોક ઓફ ધ સ્ટેટ બની છે.
આ પ્રકારની ફરિયાદો ઉઠે છે, નમુના લેવાય છે, લેબોરેટરીમાં તપાસ માટે મોકલાય છે, ત્યાં સુધી તો આ પ્રકારની ઘટનાઓ ચર્ચામાં રહે છે. જૂજ કિસ્સાઓમાં એવા અહેવાલો પણ આવે છે કે ફરિયાદ તથ્યપૂર્ણ નીકળી અને વિતરક, પ્રોડકટના ઉત્પાદક કે જવાબદારો સામે કેસ નોંધાયો, પરંતુ કન્વીકશન એટલે કે પુરવાર થયેલા કિસ્સામાં કોને કેટલી સજા અને દંડ થયા, તેની ખબર નહીંવત જ પડે છે, કારણ કે જેટલી તીવ્રતાથી આવી ગરબડ કે બેદરકારી પકડાય, ત્યારે ઉહાપોહ કે રજૂઆતો થાય છે, તેટલી તીવ્રતા તેના પછી રહેતી જણાતી નથી, આમાં લોકોની ભૂલી જવાની આદત, ખૂબી કે ખામી ને જવાબદાર ગણાવી કે આવી ઘટના પછી તેને 'કવર' કે 'મેનેજ' કરીને ડેમેજ કંટ્રોલ કરવાની 'આવડત'ને 'યશભાગી' ઠેરવવી, તે વિચારવું પડે તેમ છે, ખરું ને?
આ પ્રકારે ખાવા-પીવાની ચીજોના ભેળસેળ જ નહીં, પરંતુ આરોગ્યને જોખમાવે તેવી ઘોર બેદરકારીના ઘણાં કિસ્સાઓ આપણે વર્ષોથી સાંભળતા રહીએ છીએ, અને આ ધૃણાસ્પદ બેદરકારી પાત્ર આપણાં નગર કે નેશન સુધી મર્યાદિત નથી,પરંતુ ભ્રષ્ટાચારની જેમ જ વિશ્વવ્યાપી છે.
માર્કેટમાં પેકીંગમાં મળતી ચીજ-વસ્તુઓમાંથી મરેલા જીવડા, ઉંદર, ગરોળી, કાનખજૂરો, દેડકો, વંદો, ફુગ વગેરે નીકળવાની ઘણી બધી ઘટનાઓ ચર્ચાસ્પદ બની હતી. પહેલાં તો લોકલ પ્રોડકટ અને સ્થાનિક કક્ષાએ બનતા બરફ, ઠંડાપીણા, કૂલ્ફી, આઈસ્ક્રીમ કે ભોજનની થાળી કે અલ્પાહારમાં આવી રીતે જીવડા કે મરેલા જીવો નીકળે, તેની ફરિયાદો થતી હતી, પરંતુ હવે તો વિખ્યાત બ્રાન્ડેડ અને વિવિધ એવોર્ડ મળ્યા હોય, તેવી કંપનીઓના પ્રોડકટ પણ આ ગોઝારી ગરબડમાંથી બાકાત રહ્યા નથી.
જામનગરમાં જ નહીં, ગુજરાત અને દેશના વિવિધ સ્થળેથી ઠંડાપીણા, આઈસ્ક્રીમ કે પેક્ડ ફૂડ, પીઝા, કેન્ડી વગેરે ખાદ્યચીજો તથા બરફ, ચા-કોફી કે અલ્પાહારમાંથી મરેલા જીવ-જંતુઓ મળવાની ઘટનાઓ અત્યારે દેશવ્યાપી ચર્ચાનો વિષય બની ગઈ છે, અને દેશના વિવિધ સ્થળે બનેલી આ પ્રકારની ઘટનાઓ અત્યારે પ્રેસ-મીડિયામાં મુખ્ય ચર્ચાનો વિષય છે.
થોડા સમય પહેલાં એક બેંગ્લુરૂનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો, જેમાં એવી ફરિયાદ ઉઠી હતી કે એક કસ્ટમરે ઓનલાઈન એકસબોકસ કંટ્રોલર મંગાવ્યું હતું, અને તેનું પાર્સલ આવ્યુ તો તેમાંથી ફૂંફાડા મારતો સાપ નીકળ્યો હતો. પ્રારંભમાં ગલ્લા-તલ્લા કર્યા પછી સંબંધિત કંપનીએ આ બોસક પરત મંગાવી કસ્ટમરને વળતર પણ આપવું પડ્યું અને સાપને સલામત સ્થળે છોડવા પણ જવું પડ્યું!
આમ, ખાવા-પીવાની ચીજો જ નહીં, પરંતુ અન્ય પ્રોડકટ્સમાં પણ જીવતા કે મરેલા જીવ-જંતુઓ નીકળી શકે છે. ઘણી વખત ઓર્ડર કર્યા પછી ફોન કે રિસ્ટવોચના બદલે કાંઈક બીજું જ નીકળી પડે કે ઈંટ-પથ્થરનું પાર્સલ મોકલી દેવાયું હોય, તેવી ફરિયાદો પણ ઉઠતી જ હોય છે ને?
પહેલાના જમાનામાં જ્યારે અખબારો મર્યાદિત હતાં, ફોટોગ્રાફી લિમિટેડ હતી અને ગ્રાહકોની જાગૃતિ પણ નહીંવત હતી, ત્યારે આ પ્રકારના ગોરખધંધા કે બેદરકારી ચાલી જતી હતી અને બહુ ઉહાપોહ થતો નહોતો, પરંતુ જ્યારે આ પ્રકારની તસ્વીરો અખબારોના પાને છપાતી, ત્યારે પ્રચંડ જનાક્રોશ જાગતો હતો. હજુ પણ અખબારોમાં છપાતી તસ્વીરો વધુ વિશ્વસનિય ગણાય છે, કારણ કે વીડિયોઝ વગેરે ફોલ્સ હોઈ શકે ડોકટર્ડ કરી શકાય, પરંતુ અખબારી તસ્વીરો દસ્તાવેજી પુરાવા જેવી જ ગણાય છે, તેથી વધુ વિશ્વસનિય હોવાનો દાવો થતો રહે છે, તેમાં તથ્ય પણ છે. બીજી તરફ ફોલ્સ કે ડોકટર્ડ વીડિયોનું ટેસ્ટીંગ પણ થઈ શકતું હોય છે અને 'ફેક ન્યૂઝ'નો સિક્કો મારીને તે પણ પ્રદર્શિત કરવામાં આવતું હોય છે, તેવી દલીલ પણ થતી હોય છે જે હોય તે ખરું, પરંતુ ભ્રામક અને ફેઈક ન્યૂઝ પણ પ્રવર્તમાન સમયની ટેકનોલોજીકલ ભેળસેળ જ ગણી શકાય, ખરું ને?
અત્યારે સોશ્યલ મીડિયાના યુગમાં તો હવે કાંઈ પણ છુપુ રહી જ શકતું હોતું નથી, અને અનેક પ્રકારના ઘટસ્ફોટ સોશ્યલ મીડિયાના માધ્યમથી જ થઈ રહ્યા છે. કેટલાક ઘટસ્ફોટ તો એવા હોય છે કે સરકારોને પણ હચમચાવી દેતા હોય છે, તો ઘણાં વિસ્ફોટ તથ્યો પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રકાશમાં આવતા હોય છે. આમ, સોશ્યલ મીડિયાની પણ સિક્કાની જેમ જ બે બાજુ છે.. નેગેટીવ એન્ડ પોઝિટિવ... રાઈટ?
તાજેતરમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી જ પ્રકાશમાં આવેલી એક ઘટના ઘણી જ ચર્ચાસ્પદ બની હતી, જેમાં એક ચોક્કસ બ્રાન્ડની સીરપની બોટલમાંથી મરેલો ઉંદરડો નીકળી પડ્યો હતો!
મહિલા કસ્ટમરે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો, અને આ ઉંદરડો સંબંધિત કંપનીને સોશ્યલ મીડિયાના માધ્યમથી જ દેખાડ્યો, ત્યારે કંપનીએ દિલગીરી વ્યક્ત કરી હતી, અને મરેલો ઉંદરડો અને સીરપની બોટલ પરત મંગાવી લીધી હતી.
અત્યારે કોઈ ચીજવસ્તુ શુદ્ધ મળતી નથી, તેવું આપણે બધા રોજેરોજ બોલીએ છીએ. મરી-મસાલા, દૂધ-દહીં-છાસ, ફળો, શાકભાજી, ખાદ્યચીજો, ઠંડા પીણા, પેક્ડ પ્રોડકટ્સ.. બધામાં ભેળસેળની ફરિયાદો તો દાયકાઓથી ક્રમશઃ વધી રહી છે, તેમાં હવે આ પ્રકારની લોકોના જીવન સાથે ખિલવાડ કરતી ઘટનાઓ વધી રહી છે, ત્યારે જંગી પગાર ખાતા સંબંધિત વિભાગોના અધિકારીઓ, અને તેનો સ્ટાફ, લોકોએ વિશ્વાસ મૂકીને ચૂંટેલા જનપ્રતિનિધિઓ અને તેમાંથી બનેલા હોદ્દેદારો, પક્ષ-વિપક્ષ તથા સરકાર કરે છે શું? તેવો સવાલ પણ ઉઠે છે.
પોલિટિકલ, ભાવનાત્મક મુદ્દે રેલીઓ કાઢતા, પૂતળા બાળતા અને આક્રમક બનતા અહિંસક ચળવળકારોએ આ પ્રકારની લાપરવાહી, ભેળસેળ તથા લોકોની જિંદગી સાથે ખેલતા પરિબળો સામે પણ એટલી જ તીવ્રતા દેખાડવી જોઈએ, અને માત્ર પોલિટિકલ વેન્ડેટા માટે કઠોર બનતી 'સિસ્ટમો તથા આઈટેમો'ને પણ આ પ્રકારની લોકહિતની ચળવળોના માર્ગે વાળવી જોઈએ, તેમ નથી લાગતું? સબ કો સન્મતિ દે ભગવાન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial