Advertisement
Author: નોબત સમાચાર

જનની જોડ નહીં જડે રે લોલ....

માતૃતુલ્ય પૂ. સ્વ. ઉર્મિલાબેનને શ્રદ્ધાંજલિ...

વૈકુંઠવાસ તા. ર૪-૬-ર૦૧૯

'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણીના જીવનસંગિની અને અમારા માતૃતુલ્ય ઉર્મિલાબેન માધવાણીની આજે પુણ્યતિથિ છે. આપ અનંતયાત્રાએ નીકળી ગયા પછી સમગ્ર પરિવારને આપની ખોટ વર્તાઈ રહી છે.

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એ કાવ્યપંક્તિઓ યથાર્થ છે અને સંસારમાં જનનીની સાથે સરખાવી શકાય, તેવો કોઈ જ પાવન અને સમર્પિત સંબંધ અસ્તિત્વમાં નથી આપ સમગ્ર પરિવારની પ્રેરણાનું ઝરણું હતા, અને હંમેશાં અમારા બધામાં સદ્દગુણો, સંસ્કાર અને સદ્દવૃત્તિનું સિંચન કર્યા હતાં. આપનું સમગ્ર જીવન પથદર્શક રહ્યું હતું.

આપે જીવન પર્યંત ઘણાં પડકારોનો સામનો કર્યો અને સૌ કોઈને સ્નેહથી ભીજવતા રહ્યા હતાં. આપની વિદાય પછી અમને આપની સ્નેહાળ સ્મૃતિઓ પણ ઘણી જ હૂંફ અને પ્રેરણા આપી રહી છે.

એ સનાતન સત્ય છે કે જીવન અને મૃત્યુ ઈશ્વરને આધિન હોય છે, અને જે જન્મે છે, તેની વિદાય નિશ્ચિત જ હોય છે, પરંતુ આપ ભલે સદેહે અમારી વચ્ચે નથી, પરંતુ આપનો સદૈવ હસતો ચહેરો, પ્રેમાળ સ્વભાવ અને સાદગીભર્યું જીવન અમને આપની અનુભૂતિ હરહંમેશ કરાવતું જ રહેવાનું છે.

આપ વૈકુંઠવાસી થયા પછી આપના પગલે પગલે ચાલીને અમે અમારા કર્તવ્યોની સાથે સાથે સંભવતઃ પરિવાર, સમાજ અને સૌ કોઈને સાંકળીને સત્કાર્યો તથા સેવાકાર્યો કરતા રહીએ અને આપના આશીર્વાદ હંમેશાં અમારા પર વરસતા રહે તેવી પ્રાર્થના સાથે અમો બધા આપને અંતરની ઉર્મિઓ સાથે આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને આપની સ્મૃતિઓને વાગોળતા વાગોળતા આપને ભાવાંજલિ, સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ.

જામનગર

તા. ર૪-૬-ર૦ર૪

 

- માધવાણી પરિવાર

- નોબત પરિવાર



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh