Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલિક્કાર્જુન ખડગેએ મોદી સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા, અને ગુજરાતના મોરબી સહિત વિવિધ સ્થળે સર્જાયેલી કેટલીક જીવલેણ દુર્ઘટનાઓ માટે ભારતીય જનતા પક્ષની સરકારોના શાસનમાં વ્યાપક ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યો, તે પછી દેશભરમાં આ મુદ્દો ગરમાયો છે, અને તેમાં પણ ખડગેએ અયોધ્યાના રામમંદિરમાં થતા ચુવાકને પણ સાંકળી લેતા તેના ઘણાં જ વ્યાપક અને ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, બીજી તરફ દિલ્હીના એરપોર્ટ પર ટર્મિનલ-૧ ની છત ધરાશાયી થતાં એક વ્યક્તિનો જીવ ગયો તથા કેટલાક ઘાયલ થયા, તે માટે પણ ખડગેએ મોદી સરકારને જવાબદાર ગણાવી, અને તેનો એનડીએના નેતાઓએ જવાબ આપ્યો, તેના પરથી એ પણ પુરવાર થઈ ગયું કે કાગડા બધે જ કાળા છે, અને કયાંક ધોળો કાગડો અસ્તિત્વમાં હોય, તો પણ તેને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે, અથવા દબાવી દેવામાં આવે છે, અને તેની કદર થતી નથી !
બન્યું છે એવું કે દિલ્હીના એરપોર્ટ પર એક દુર્ઘટના સર્જાઈ હતી. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ-૧ ની છત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને કેટલાક લોકો ઘાયલ થયા છે, જેની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના પછી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલિક્કાર્જુન ખડગેએ ભ્રષ્ટાચારના મુદ્દે મોદી સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન કર્યું હતું, તે છતનું નિર્માણ તકલાદી થયું હતું અને તેથી જ આ દુર્ઘટના સર્જાઈ છે. મોદી ઉદ્દઘાટન કરે છે, ત્યાં તકલાદી કામો જ થયા હોય છે, તેવો ગર્ભિત ઈશારો કરતા કરતા તેમણે ઘણાં દૃષ્ટાંતો આપ્યા, જેમાં ગુજરાતનો મોરબીનો તકલાદી ઝુલતાપુલ તથા અયોધ્યાનું રામમંદિર પણ સામેલ હતું!
જો કે, તે પછી એનડીએ તથા ભાજપના નેતાઓ-પ્રવકતાઓએ પણ કેટલીક હકીકતો સામે વળતા પ્રહારો કર્યા હતા અને પ્રતિ આક્ષેપો કરીને લૂલો બચાવ કર્યો હતો, તેવી ટિપ્પણીઓ સંભળાઈ રહી છે.
ખડગેએ સોશ્યલ મીડિયાના માધ્યમથી જે કાંઈ કહ્યું તે ઘણું જ ચર્ચાસ્પદ બન્યું તેમણે લખ્યું કે 'મોદી સરકારના છેલ્લા ૧૦ વર્ષોમાં નબળા સ્ટ્રકચરો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યા છે, તેમાં ભ્રષ્ટાચાર તથા ગુનાહિત બેદરકારી જવાબદાર છે. દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ-૧ ની છત ધરાશાયી થતા, જબલપૂરમાં એરપોર્ટની છત ધરાશાયી થવી, અયોધ્યાના નવા નકોર રસ્તાઓની બદહાલી, રામમંદિરમાં છતમાંથી પાણી ટપકવંુ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્કમાં તીરાડો પડવી, પ્રગતિ મેદાન ટર્મિનલમાં વારંવાર જલભરાવ, ગુજરાતના મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના થવી, વર્ષ-ર૦ર૩-ર૪ માં બિહારમાં નવનિર્મિત ૧૩ બ્રિજ તુટી જવા વિગેરે એવા દૃષ્ટાંતો છે, જે મોદીજી અને ભારતીય જનતા પક્ષ દ્વારા વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવાના મોટા મોટા દાવાઓની પોલ ખુલી પાડે છે. દિલ્હીના એરપોર્ટ પર મોદીજીએ જ્યારે ટર્મિનલ-૧નું ઉદ્દઘાટન કર્યુ, ત્યારે પોતાને જુદી માટીના માનવી ગણાવ્યા હતાં, પરંતુ તે પ્રોપાગન્ડા અને ખોટી વાહવાહી મેળવવાનો પ્રયાસ જ હતો. દિલ્હી એરપોર્ટ પર થયેલી દુર્ઘટનાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના છે, તેઓએ એક ભ્રષ્ટ, અસમર્થ અને સ્વાર્થી સરકારનું પરિણામ ભોગવ્યું છે.
બીજી તરફ મોદી-૩.૦ સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડૂએ રાબેતા મુજબ તપાસ, કોઈને છોડવામાં નહીં આવે, સહાયની જાહેરાત વગેરે ફોર્માલિટી નિભાવીને ચોખવટ પણ કરી કે વડાપ્રધાને ૧૦ મી માર્ચે જે ટર્મિનલનું ઉદ્દઘાટન કર્યું હતું, તે ઓરપોર્ટમાં બીજી તરફ છે, અને સલામત છે. જે ટર્મિનલ ધરાશાયી થયું છે, તેનું નિર્માણ વર્ષ ર૦૦૯માં થયું હતું અને તે સમયે યુપીએનું શાસન હતું!
જો કે, મીડિયા અહેવાલો મુજબ નાયડૂના આ નિવેદન પછી એનડીએની સરકાર ભેરવાઈ પડી હતી કારણ કે વર્ષ-ર૦૦૯માં યુપીએ સરકારમાં જે નાગરિક ઉડ્ડયનમંત્રી હતા, તે પ્રફુલ્લ પટેલ અત્યારે એનડીએમાં છે અને કેન્દ્રીય કક્ષાએ એનસીપીના દિગ્ગજ નેતા છે. તેમણે કહ્યું કે દોઢ દાયકા પહેલા ટર્મિનલ બન્યું હોય અને તે ધરાશાયી થાય, ત્યારે તેના કારણોની તપાસ થવી જોઈએ.
તે પછી તો ત્રણ ત્રણ સરકારો બદલી ગઈ હોવાથી આ દુર્ઘટનાની જવાબદારીની ભલે ફેંકાફેંકી થઈ રહી હોય, પરંતુ તે હકીકત છે કે સરકારો બદલાય તો પણ ભ્રષ્ટાચારી સિસ્ટમો બદલાતી નથી અને રાજનીતિ અને બ્યુરોક્રસીમાં બધા દુધે ધોયેલા પણ નથી અને બધા ભ્રષ્ટ પણ નથી. જો કે, ભ્રષ્ટાચારનો ભોરીંગ એટલો તાકાતવર છે કે તેને નાથવાની ત્રેવડ જ શાસકોમાં જણાતી નથી.
ખડગેએ અયોધ્યાના રામમંદિરમાં ચુવાકનો ઉલ્લેખ કર્યો, તેને સાંકળીને સંસદમાં થયેલી એક ચર્ચા પણ વાયરલ થઈ રહી છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અયોધ્યા, રામેશ્વરમ્, રામટેક, બસ્તી, પ્રયાગ રાજ વગેરે ભગવાન શ્રીરામને સાંકળતા સ્થળોમાં જ ભાજપનો પરાજ્ય થયો હોવાની વાત ભાજપના સાંસદ સ્વીકારી રહ્યા છે, તેઓ આને 'રામલીલા' તરીકે વર્ણવતા કહી રહ્યા છે કે જેઓ ભૂતકાળમાં રામના અસ્તિત્વને જ સ્વીકારતા નહોતા, તેઓને ભગવાન શ્રીરામે પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવી દીધો છે!!
સોશ્યલ મીડિયા તથા પ્રેસ-મીડિયામાં બોલિવુડના બોલકા અભિનેતા કે.કે.આર.નું ટ્વીટ પણ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે ભારત જેવો ભ્રષ્ટાચાર કયાંય જોયો નથી. ધર્મના અને દેશભક્તિના નામે લોકોનું બ્રેઈનવોસ કરાઈ રહ્યું છે. કોઈપણ કર વગર ઉઘાડી લૂંટ ચાલી રહી છે. વગેરે...વગેરે...
ભ્રષ્ટાચાર, આંતર્વિરોધ અને પાતળી બહુમતી ધરાવતી વર્તમાન કેન્દ્ર સરકાર સામે ઘણાં પડકારો છે, અને કયાં સુધી ટકે છે, તે જોવાનું રહ્યું...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial