Advertisement
Author: નોબત સમાચાર

વેલકમ મેઘરાજા... જલભરાવની સમસ્યાઓ પ્રગટી પણ નેતા ગણ ગાયબ...! નવી ઘોડી નવો દાવ...!

આજે સવારે જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ અને ક્રિકેટ ટી-ર૦ માં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની તેની ખુશી જામનગર સહિત સમગ્ર દેશમાં છવાયેલી છે, તો બીજી તરફ સમગ્ર રાજ્યમાં મેઘો મહેર વરસાવી રહ્યો છે,. આજથી દેશમાં મુખ્ય ત્રણ દાયકાઓ બદલાયેલા સ્વરૂપે લાગુ થઈ જશે અને આઈપીસી, સીઆરપીસી તથા એવિડેન્સ એકટ નવા નામ તથા વ્યાપક સુધારા-વધારા સાથે આજથી લાગુ થયા છે, તો મેઘગર્જના તથા ગાજવીજની જેમ જ સંસદ સંકુલમાં પણ શાસક પક્ષ અને વિપક્ષી ગઠબંધન વચ્ચે સિયાસી સંગ્રામ છેડાઈ ગયો છે. આ તમામ ઘટનાક્રમો વચ્ચે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણાં સ્થળે પ્રારંભિક વરસાદ થતાં જ પ્રગટ થયેલી 'પરંપરાગત' પરેશાનીઓનો હોબાળો પણ થવા લાગ્યો છે... જામનગરમાં હજુ તો પ્રારંભિક ઝાપટાં જ પડ્યા છે, ત્યાં જ જે રીતે લોકોની પરેશાનીઓ વધી છે, તથા કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયુ છે, તે આપણી સામે જ છે ને?

વાવાઝોડા-વરસાદના ફોરકાસ્ટના કારણે ટીપ-ઈન્ડિયાને સ્વદેશ ફરવામાં વિલંબ થઈ રહ્યો હોવાના અહેવાલો છે, ત્યારે પ્રથમ અથવા થોડાક વરસાદમાં જ જલભરાવ થતા ગુજરાતના અમદાવાદ સહિત ઘણાં વિસ્તારોમાં લોકો પોત-પોતાના કામ-ધંધા-નોકરી-વ્યવસાયના સ્થળે જવામાં પણ હાલાકી ભોગવી રહ્યાના અહેવાલો છે.

જામનગર સહિત આજે ચોતરફ વરસાદ પડી રહ્યો છે, પરંતુ જામનગરમાં અત્યાર સુધી માત્ર ઝાપટાં જ પડ્યા હતા, અને આજે સવારથી મેઘાના મંડાણ થયા છે, પરંતુ નગરમાં વરસાદના પ્રતિવર્ષ થતાં વિલંબને ચોતરફ ખેતીની જમીનો એન.એ. કરીને ત્યાં ઊભી કરાયેલી સોસાયટીઓ, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને ટાઉનશીપોના કારણે ઘટી ગયેલા વૃક્ષોની સાથે સાંકળવામાં આવી રહ્યો છે, તો તેની સામે મોટી સંખ્યામાં વૃક્ષો ઉછેરાયા હોવાની દલીલો પણ થઈ રહી છે. આમાં સાચું તથ્ય શોધવા તો ઉડું સંશોધન કરવું પડે કારણ કે પ્રતિવર્ષ નગરમાં વૃક્ષોની અધિકૃત રીતે ગણત્રી થતી હોય તેવું જાણમાં નથી, અને તેવી કોઈ સિસ્ટમ અમલમાં હોય તો તે પબ્લિક ડોમેનમાં નથી, એવી દલીલ પણ કરવામાં આવે છે, તે જામનગરમાં જ્યારે ભારે વરસાદ થાય, અને જળબંબાકાર થાય, ત્યારે કોઈ આ પ્રકારના સવાલો કેમ ઉઠાવતું નથી? શું વૃક્ષો જ વરસાદ આવે છે કે કુદરતની લીલા કાંઈક અલગ જ છે! આજે સવારથી જામનગર પર થયેલી મેઘમહેર તેનો પ્રત્યક્ષ પુરાવો છે ને?

હકીકતે જામનગરમાં ચોમાસામાં વરસાદ થતાં જ ઘણાં વિસ્તારો જળબંબાકાર થઈ જાય, તેની પાછળ તમામ ગલી-મહોલ્લા-સડકો સી.સી. રોડ અને ડામર રોડથી મઢી દેવાયા અને વરસાદી પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થાઓમાં ક્ષતિના કારણે ઊભી થતી સ્થિતિ જવાબદાર ગણાય, જામનગરમાં આ વર્ષે તો એક વિશેષ વિટંબણા ઊભી થઈ ગઈ છે. નગરમાં ભૂગર્ભ, પાણીની પાઈપલાઈનો, ગેસલાઈનો સહિતના વિવિધ વિકાસના કામો માટે ખોદકામ થયા પછી ત્યાંની જમીન કામ પૂર્ણ થયા પછી અમુક જગ્યાએ સમતળ તો કરાઈ, પરંતુ માત્ર માટી-ધૂળથી ખાડા-ચિરોડા બૂરી દેવાયા, તે પછી ચોમાસાનો પ્રારંભિક વરસાદ થતાં જ ઘણાં વિસ્તારોમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. લોકસભાની ચૂંટણી નજીક હતી ત્યારે ઉનાળાની બળબળતી બપોરે પણ ઘેર-ઘેર ફરી રહેલા નેતાઓ, જનપ્રતિનિધિઓ અને કાર્યકરો અત્યારની સ્થિતિ નિહાળવા કેમ ફરકી રહ્યા નથી? તેવા સવાલો પણ નગરજનો ઉઠાવી રહ્યા છે.

આ પ્રકારની સ્થિતિ માત્ર જામનગરમાં જ ઊભી થઈ છે તેવું નથી. પ્રારંભિક વરસાદી ઝાપટાં આવતા જ વિકટ  સ્થિતિ ગુજરાતના લગભગ તમામ નગરો-મહાનગરોમાં ઊભી થઈ ગઈ છે, હવે તો ઘણાં બધા ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આ પ્રકારના દૃશ્યો મીડિયા-સોશ્યલ મીડિયાના માધ્યમથી જોવા મળી રહ્યા છે.

અમદાવાદમાં તો પ્રારંભિક વરસાદે ઘણી જ મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ છે. ત્યાં પાંચ અંડરબ્રીજ તો બંધ કરી દેવા પડ્યા છે, જ્યાં ફૂલપ્રૂફ નિર્માણનો દાવો થયો હતો, તે આઈકોનીક રોડ જ ડૂબી ગયો છે. ઠેર-ઠેર ઉભરાતી ગટરો-જલભરાવમાં ભળી જતાં ત્યાં પણ જાહેર આરોગ્ય પર ખતરો ઊભો થયો છે, ઘણાં ગરનાળાઓ ડૂબી ગયા છે, એએમટીએસની બસો પણ ફસાઈ ગઈ છે, તેવા સંજોગોમાં એકલ-દોકલ અપવાદ સિવાય કોઈ નેતાઓ ફરક્યા નહીં હોવાની બુમરાણ મચી છે, હવે એવું થશે કે ઉહાપોહ પછી નેતાઓ (વરસાદના વિરામ લીધા પછી) નીકળી પડશે અને ફોટા પડાવશે !

આજે જામનગરમાં સવારથી વરસાદ શરૂ થયો છે, તેથી સારો વરસાદ થાય અને થોડી ઘણી ગંદકી ધોવાય જાય, તેવી કટાક્ષયુકત અપેક્ષા વ્યકત કરતા નગરજનો કહે છે કે નપાણીયા નેતાઓ કે તકલાદી તંત્રો થી કાંઈ થવાનું નથી...!!

આજ સવાર સુધીમાં રાજ્યના સવા બસો જેટલા તાલુકાઓ પર મેઘાડંબર વચ્ચે ૧૦૦ જેટલા તાલુકાઓમાં ૧ થી ૬ ઈંચ વચ્ચે વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે, પરંતુ તેની આનંદદાયક અનુભૂતિ વચ્ચે કેટલીક ઊભી થયેલી પ્રચંડ પરેશાનીઓ હળવી કરવા નેતાઓ-તંત્રો હાઈટેક વાતાનુકૂલિત સંકુલો તથા એરકન્ડીશન્ડ મોટરકારોમાંથી જમીન પર (ઈલેકશન પ્રોપાગન્ડાની જેમ નહીં પણ) વાસ્તિક રીતે કયારે પ્રગટશે, તેની લોકો રાહ જોઈ રહ્યા છે.

રાજકોટનું પોપટપરાનું નાળું દર વર્ષે થોડાક વરસાદમાં જળભરાવ થતાં બંધ થઈ જાય છે, અને ઠેર-ઠેર પ્રતિવર્ષ જલભરાવ થતો રહે છે, છતાં આ સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું, તે પણ એક 'ઓપન સિક્રેટ' જ છેને ?

અમદાવાદ, રાજકોટ, સુરત, વલસાડ, મોરબી, ખંભાળીયા, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ભરૂચ સહિત મોટાભાગના નગરો-મહાનગરોમાં જલભરાવની સમસ્યાઓ દરવર્ષે તો ઊભી થતી જ હોય છે, પણ વર્ષ-પ્રતિવર્ષ તેમાં ઘટાડો થવાના બદલે વધી રહી હોય તો જવાબદારી કોની ! શાસકોની, પ્રશાસકોની કે પછી દરેક ચૂપકીમાં ઢગલાબંધ મતો વરસાવીને સત્તાસોંપતી કરતા મતદારોની?

આજથી દેશમાં ત્રણ સુધારેલા કાયદા અમલમાં મુકાયા, તેથી હવે 'નવી ઘોડી.... નવો દાવ...' જેવી સ્થિતિ ઊભી થવાની છે. કયાંય ગેઈટ ન દેખાતો હોવા છતાં 'બેડી ગેઈટ' કહેવાય છે, તેવી જ રીતે સુધારેલા ત્રણેય કાયદાઓની મુખ્ય મુખ્ય કલમોની ઓળખ તો લોકસભામાં લાંબા સમય સુધી એ જ રહેશે તેમ જણાય છે,.. આવો મેઘરાજા ના વધામણાં કરીએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh