Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છોટીકાશી જામનગરમાં રોગચાળાએ દસ્તક દીધી અને કોલેરાના પાંચ-છ કેસ નોંધાયા તે પછી મનપા અને સરકારી તંત્રો સામે જનાક્રોશ છે. ચોમાસું શરૂ થયું અને ચોતરફ વરસાદ પડતો હતો, પરંતુ જામનગરમાં ઝરમર છાંટાછુટી કે ઝાપટું જ પડતું હતું અને મેઘાવી માહોલ જામ્યા પછી પણ વરસાદ પડતો ન હોતો, ત્યાં સુધી વરસાદમાં થતા વિલંબની ચર્ચા 'ટોક ઓફ ધ ટાઉન' બની રહી હતી, અને જ્યારે તે પછી એકાદ-બે દિવસમાં વરસાદ પડવાનો શરૂ થયો, ત્યારે હવે નગરમાં કાદવ-કીચડ, રોગજન્ય ગંદકી, જલભરાવ કે પાણીનું વહેણ અટકી પડે, તેવી અડચણો ઊભી થઈ હોવાની ફરિયાદો ઊઠી રહી છે. હજુ તો વરસાદ મન મૂકીને થયો પણ નથી, ત્યાં જ જે ફરિયાદો ઉઠી રહી છે, તેમાંથી અનેક આશંકાઓ અને સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, અને હવે રોગચાળાએ દસ્તક દીધા પછી તકલાદી તંત્રો હડિયાપટ્ટી કરવા લાગ્યા છે. નગરમાં કેટલાક વિસ્તારોમાં જલભરાવ થતાં નાળું તોડવું પડ્યું હોય કે પાણીનો પ્રવાહ અટકાવતી અડચણો હટાવવી પડી હોય, તે પ્રકારની કાર્યવાહી આગ લાગે ત્યારે પાણી માટે કૂવો ખોદવા જેવી તો ગણાય જ, સાથે સાથે તંત્રોની પ્રિ-મોન્સુન કામગીરી સામે પણ સવાલો ઊભા કરે છે. રવિપાર્ક જેવા નગરના કેટલાક વિસ્તારોમાં કાદવ-કીચડના મુદ્દે 'નોબત' દ્વારા ધ્યાન ખેંચ્યા પછી પણ તંત્રો નિંભર રહ્યા છે.
જામનગરમાં તો હવે મહાનગરપાલિકાના તંત્રો સામે એટલી બધી ફરિર્યાદીઓ ઉઠવા લાગી છે કે તેના ફોલો-અપ માટે પણ ફરિયાદીઓને હડિયાપટ્ટી કરવી પડી રહી છે અને અખબારો, મીડિયા-સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ વિવિધ પ્રકારની ફરિયાદો અને રજુઆતોનું જાણે પૂર આવી રહ્યું હોય, તેમ જણાય છે, છતાંયે તકલાદી તંત્રોની તિક્કડમ બાજી પણ નવા નવા રેકોર્ડ ઊભા કરીને નિંભરતામાં ચેમ્પિયન બનવું હોય, તેમ દિવસે દિવસે વધી રહી છે. સમગ્ર મનપાનો વહીવટ કથળી ગયો હોવા છતાં શાસકો પણ સૂસ્ત છે, તે નવાઈ પમાડે તેવું નથી લાગતું?
મનપાની જૂની ઈમારત હજુ મોજુદ હોવાથી અદ્યતન મનપાનો 'વહીવટ' પણ ખોડંગાઈ રહ્યો છે અને કેટલાક ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટિવ ખામીઓ ધરાવતા નિર્ણયો લેવાયા પછી તે પાછા ખેંચવા પડી રહ્યા છે, ત્યારે કેટલાક કદમ પક્ષપાતપૂર્ણ કે ભેદભાવ રાખીને ઉઠાવાઈ રહ્યા હોવાની રાવ પણ ઉઠી રહી છે, અને કટાક્ષમય આક્ષેપો પણ થઈ રહ્યા છે, કે મનપાના જૂના સંકુલની જેમ તેનો વહીવટ પણ જર્જરિત થઈ ગયો છે!
તાજેતરમાં સંખ્યાબંધ કેડર હોવા છતાં માત્ર પાંચ-સાત કેડર ધરાવતી જગ્યાઓ માટે જ પગાર વધારો કરાયો હોવાની રાવ ઉઠી હતી, તો એક કોમન સેન્સ ધરાવતી વ્યક્તિ કયારેય ભૂલ ન કરે, તેવી ભૂલ ઉચ્ચ અધિકારી-પદાધિકારીઓ કરી બેઠા અને પછી રોલબેક એટલે કે પીછેહઠ કરવી પડે, તે મુદ્દો પણ નોકરિયાતવર્ગમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
પહેલા નોકરીઓની જાહેરાતો કરવી અને ભરતી માટે અરજીઓ મંગાવવી અને પછી તેને અચાનક રદ કરવી, તે તો શંકાસ્પદ જ ગણાય, પરંતુ તેની પાછળના જે કારણો બહાર આવ્યા, તે તો વધુ ચોંકાવનારા અને ગળે જ ન ઉતરે તેવા છે. હેરત પમાડે તેવા છે!
એવા અહેવાલો આવ્યાકે એન્જિનિયર અને કલેરિકલ કક્ષાની લગભગ ૧૪૦ જેટલી જગ્યાઓ માટે પહેલા ભરતી કાર્યક્રમ જાહેર કરાયો હતો, પરંતુ તેનો ટેકનિકલ કારણોસર રદ કરાયો હોવાનું જણાવી સંખ્યાબંધ રોજગારવાંચ્છુઓને નિરાશ કરી દીધા તે પછી એવું પણ જાહેર થયું કે આ ભરતી પ્રક્રિયા રદ કરવી પડી તેની પાછળ મુખ્ય બે કારણો છે. એક તો આ સંદર્ભે એક કેસ સબ-જયુડીસ છે અને બીજું એ કે આ સંદર્ભે એક ઈન્કવાયરી બાકી છે!!
આ મુદ્દે ઉંડા ઉતરતા જાણવા મળ્યું કે ઈન્ડસ્ટ્રિયલ એકટ હેઠળ કર્મચારી યુનિયને ઉઠાવેલા વાંધા-તકરારનો નિવેડો લાવવાનો બાકી હોવાથી આ ભરતી પ્રક્રિયા આડે અડચણ ઊભી થઈ છે. તો આ મુદ્દે બીજું મજબૂત કારણ એ પણ બહાર આવ્યું કે વર્ષ-ર૦૧પ માં સેટ-અપમાં જે સુધારો કરાયો હતો, તેના સંદર્ભે કોર્ટમાં મેટર પેન્ડીંગ હોવાથી પણ આ ભરતી પ્રક્રિયા રદ કરી નાંખવી પડી છે, છેને લોલંલોલ અને પોલંપોલ?
અહીં એ સવાલ ઉભો થાય કે આઈએએસ કેડરના મ્યુનિસિપલ કમિશનર તથા વર્ગ-૧ અને વર્ગ-ર કક્ષાના સંબંધિત અધિકારીઓને ભરતી પ્રક્રિયા જાહેર કરતા પહેલા આ બન્ને બાબતોની શું ખબર જ નહોતી?
જો આ અંગે પાછળથી ખબર પડી હોય કે કોઈએ ધ્યાને દોર્યું હોય, અને ભરતી પ્રક્રિયા રદ કરાઈ હોય, તો તે શાસકો અને પ્રશાસકો માટે ખૂબ જ શરમજનક કહેવાય અને આને ગંભીર પ્રકારની લાપરવાહી નહીં પણ લાલિયાવાડી જ કહેવાય, અને જો પહેલા આ ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં કે જાહેર થયા પછી તેને રદ કરવામાં જો કોઈ 'દબાણ' હોય કે પછી સ્થાપિત હિતોનો હસ્તક્ષેપ હોય, તો એક પ્રકારનું અક્ષમ્ય કૌભાંડ જ કહેવાય અને નગરજનો તથા ખાસ કરીને નોકરીવાંચ્છુઓ સાથેની છેતરપિંડી જ ગણાય, ખરું કે નહીં?
નગરમાં મનપા સંચાલિત ત્રણ અર્બન હેલ્થ સેન્ટરો હેઠળ આવતા વિસ્તારોને કોલેરા ભયમૂકત જાહેર કરાયા પછી પણ યથાવત રહેલ સ્થિતિની ટીકા થઈ રહી છે. ધરારનગર-ર, રવિપાર્ક ટાઉનશીપ, ખોજાવાડ, લાલાખાણ, બેડીબંદર રીંગ રોડ વગેરે વિસ્તારો તથા આજુબાજુના બે કિલોમીટરના એરિયાને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરીને ડેપ્યુટી કમિશનરને 'કોલેરા નિયંત્રણ અધિકારી'ની જવાબદારી સોંપી દેવાઈ, પરંતુ જમીન પર હકીકતે કોલેરા નિયંત્રણ તો ઠીક, પ્રારંભિક કામગીરી પણ થઈ રહી જણાતી નથી.
મ્યુનિ. કમિશનરે જી.જી.હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ, અન્ય ઉચ્ચ તબીબી અધિકારીઓ વગેરે સાથે બેઠક યોજી પરંતુ મનપા હેઠળના આરોગ્યતંત્રને સંભવિત તમામ વિસ્તારો સુધી દોડતું કર્યું હોય તેમ જણાતું નથી.
'નોબત' ના માધ્યમથી જ્યારે નગરના કેટલાક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય હટાવવા અને કલોરિનેશન, કાદવ-કીચડની સફાઈ, દવા છંટકાવ વગેરેની જરૂર જણાવાઈ હતી, તેની કોઈ ગંભીર નોંધ પણ લેવાઈ નહીં અને હવે 'ભયગ્રસ્ત' જાહેર કરવાની કાગજી કાર્યવાહી થઈ રહી છે, પરંતુ સમય આવ્યે આ નગરજનો જ પોતાના લોકતાંત્રિક અધિકારોનો પ્રયોગ કરશે, તે ભુલવું ન જોઈએ એવી આશંકાઓ પણ ઉઠી રહી છે કે ચૂંટણીમાં (મનપાની) જે વિસ્તારોમાં ઓછું સમર્થન મળ્યું હોય, તેની સાથે ભેદભાવો તો રખાઈ રહ્યો નથી ને? બદલાની ભાવનાથી તો 'વહીવટ' નથી ચાલી રહ્યોને ?... એવું ન હોય તેવું ઈચ્છીએ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial