Advertisement
Author: નોબત સમાચાર

હું કહું તે જ કાયદો, મારો કક્કો જ ખરો... મારા સમાન કોઈ નહીં

શક્તિશાળી સલ્તનતો, કેટલાક બિઝનેસ માંધાતાઓ તથા અતિજ્ઞાનીઓના પતન કારણ...

હું કરૃં, હું કરૂ, એ જ અજ્ઞાનતા,

સકરનો ભાર જ્યમ શ્વાન તાણે

કવિ નરસિંહ મહેતાની ઘણી બધી કવિતાઓ, રચનાઓ અને ઘણાં ભજનો આજે પણ એટલા જ ઉપયોગી, પથદર્શક અને પ્રસ્તુત છે, તેનું કારણ એ છે કે શાસન વ્યવસ્થાઓ બદલાઈ, પરંપરાઓ બદલાઈ, શિક્ષણ પદ્ધતિઓ બદલાઈ, પરંતુ માનવીની માનસિક્તા હજુ બદલાઈ રહી નથી... ઘણાં ખૂબ જ ઊંચાઈ પ્રાપ્ત કરી હોય, કે ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હોય કે પછી સર્વોચ્ચ સત્તાઓ કે સીમંતાઈ મેળવી હોય, તેવા દિગ્ગજ, સફળ અને શક્તિશાળી વ્યક્તિવિશેષો-માંધાતાઓની બરબાદીનું કારણ પણ આ નહીં બદલાયેલી માનસિક્તા જ ગણાય ને?

આ માટે નરસિંહ મહેતા, ગાંધીજી અને વિનોબા ભાવે, પંડિત રવિશંકર મહારાજથી લઈને હાલમાં 'ખજૂરભાઈ' તરીકે પ્રચલિત થયેલા નીતિનભાઈ જાની સુધીની વિલક્ષણ બહુમૂખી પ્રતિભાઓને યાદ કરવી છે.

તાનાશાહીનો ગર્ભ

તાનાશાહીનો ગર્ભ અથવા બુનિયાદની વાત કરીએ તો એક પ્રકારની સામાન્ય જણાતી ખતરનાક વિચારધારામાંથી જ પ્રગટ થાય છે, જ્યારે કોઈપણ શાસકમાં આ પ્રકારની વિચારધારા જન્મે ત્યારે તે તાનાશાહ જ બની જતો હોય છે.

'હું કહું તે જ કાયદો, મારો કક્કો જ ખરો, મારા સમાન કોઈ જ નથી' તેવો ફાંકો આવી ગયા પછી વ્યક્તિ સ્વયં તાનાશાહી જ બની જતો હોય છે.

કોઈ પ્રાન્ત, દેશ કે કબીલાના વડા, લોકતાંત્રિક રીતે કોઈપણ કક્ષાએ ચૂંટાયેલા કે વરાયેલા હોદ્દેદારો કે પદાધિકારીઓ-સરકારો, વંશવારસાગત રાજાઓ, નવાબો કે સુલતાનો, પરંપરાગત રીતે કબીલાના સરદારો કે ઝુંટવી-બળવો કરી-હત્યા કરીને સત્તા છીનવીને, શાસન હસ્તગત કરી લીધું હોય, તેવા લોકો જ નહીં, પરંતુ ઘર, પરિવાર, સંગઠન, સંસ્થા કે કોઈ ટીમ, કમિટી કે સમૂહનું નેતૃત્વ કરતા લોકોને પણ અહીં 'શાસક'ની વ્યાખ્યામાં સમાવીએ તો એમ કહી શકાય કે વર્તમાન સમયમાં તો તાનાશાહો ઘેર-ઘેર મોજુદ છે- ખરૂ કે નહીં?!

તાનાશાહી એટલે તબાહી

ઈતિહાસ સાક્ષી છે કે તાનાશાહી હંમેશાં તબાહી નોતરે છે, છતાં વર્તમાન સમયમાં પણ વિશ્વમાં તાનાશાહો વધી રહ્યા છે. કેટલાક લકો નાની સરખી સફળતા મળે, અપેક્ષા પણ ન રાખી હોય તેવી સિદ્ધિ મળી જાય કે પછી કેટલાક લોકો કોઈને ઈરાદાપૂર્વક ચણાંના ઝાડ પર ચઢાવી દ્યે ત્યારે જે તાનાશાહ પેદા થાય છે તે કદાચ ઘાતકી, ઉદ્યમ કે ઉદ્ધત તો તાનાશાહ કરતા યે વધુ ખતરનાક નીવડી શકે છે.

ઘણી સલ્તનતો એવી હતી, જે ઘણી જ શક્તિશાળી હતી, પરંતુ તાનાશાહીના વલણોએ જ તેને બરબાદ કરી નાંખી હોવાનો ઈતિહાસ છે. ઘણાં એવા બિઝનેસ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને જ્ઞાનક્ષેત્રના માધાંતાઓમાં પણ તાનાશાહી જેવા વલણો આવ્યા પછી તેની તબાહી થઈ ગઈ હોવાના દૃષ્ટાંતો ભૂતકાળમાં પણ મળે છે, અને ઝીણી નજરે જોઈએ તો વર્તમાનકાળમાં પણ મોજુદ છે.

સન્મનિય શખ્સિયતો

વિશ્વની ઘણી સન્માનિય શખ્સિયતો, સાયન્સ-ટેકનોલોજી કે નોલેજબેઈઝ સફળતાઓની ઊંચાઈઓ સર કરનાર વૈજ્ઞાનિકો-શિક્ષણવિદે તથા રાષ્ટ્રપતિપદ સુધી પહોંચેલા અબ્દુલ કલામ જેવા વ્યક્તિવિશેષોના જીવનમાંથી એ શીખવા જેવું હોય છે કે સફળતાઓને કેવી રીતે સરળતાથી પચાવી શકાય છે અને સાદગીપૂર્વક જીવીને પોતાની સિદ્ધિઓને જનહિતાર્થે વાપરી શકાય છે, સાચી વાત છે ને?

તાનાશાહીનો ઉછેર

તાનાશાહી પણ વંશપરંપરાગત પણ ઉતરે છે, તેનું દૃષ્ટાંત કિમ-જોંગ-ઉન છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનું વિભાજન તત્કાળમાં તે સમયના સોવિયેત સંઘે કરાવ્યું હતું. ઈસ્વીસન પૂર્વે ૧૯૧૮ થી ઈસ્વીસન ૧૩૯ સુધી કોરિયા પર કોર-યો વંશનું શાસન હતું. વર્ષો સુધી ચીનનો ભાગ હોવાની માન્યતા પછી વર્ષ ૧૭૭૬ માં જાપાન સાથે સંધિ થઈ, પછી જાપાનના સંરક્ષણમાં આવ્યું, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી થયેલી સમજુતિઓ મુજબ તેનું વિભાજન થયું. વર્ષ ૧૯૪પ ની યાલ્ટ્રા સંધિ મુજબ કોરિયા બે ભાગમાં વહેંચાઈ ગયું. દક્ષિણ કોરિયા પર અમેરિકાનું અને ઉત્તર કોરિયા પર રશિયાનું પ્રભૂત્વ હતું. વર્ષ ૧૯૪૮ માં બન્ને દેશોમાં લોકતંત્રની સ્થાપના થઈ. દક્ષિણ કોરિયામાં તો લોકતાંત્રિક વ્યવસ્થાઓ ટકી, પરંતુ ઉત્તર કોરિયામાં આભાસી લોકતંત્ર જ રહી ગયું, અને કિમ-ઈલ-સુંગની અસ્થાયી સરકાર બની, તે પછી ડેમોક્રેટિક પિપલ્સ રિપબ્લિક ઓફ કોરિયાની સામ્યવાદી સરકારના પ્રથમ વડાપ્રધાન પણ કિમ-ઉલ-સુંગ જ બન્યા.

તે પછી તેઓ ક્રમશઃ કહેવા ખાતરની ડેમોક્રેટિક શાસન વ્યવસ્થા હેઠળ વાસ્તવમાં તાનાશાહ જ બની ગયા, એમ કહી શકાય. તેઓ પોતાને 'મહાન નેતા' ગણાવતા હતાં, અને સ્વકેન્દ્રિત વ્યક્તિત્વ બની ગયા હતાં, અને શાસનપ્રણાલિમાં ધરમૂળથી ફેરફાર કર્યા હતાં. વર્ષ ૧૯૭ર માં પ્રધાનમંત્રીપદ ખતમ કરીને કિમ-ઉલ-સુંગે રાષ્ટ્રપતિને સર્વસત્તાધારી બનાવ્યું, સંવિધાન અમલી બનાવ્યું અને પોતે જ રાષ્ટ્રપતિ બન્યા, અને પોતાના પુત્ર કિમ-જોંગ-ઈલને પોતાનો ઉત્તરાધિકારી બનાવી દીધો. કિમ-ઉલ-સુંગના વર્ષ ૧૯૯૪ માં મૃત્યુ પછી કિમ-જોંગ-ઈલે ઉત્તર કોરિયાની સત્તા સંભાળી લીધી. બીજી તરફ ૧૭ સપ્ટેમ્બર ૧૯૯૧ માં ઉત્તર કોરિયા તથા દક્ષિણ કોરિયાને અલગ અલગ અને સમાન સભ્યો તરીકે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સ્થાન મળ્યું. તે પછી રાષ્ટ્રપતિપદ અને સંવિધાનનું સ્થાન જ કિમે લઈ લીધું. વર્ષ ર૦૦૯ માં મિસાઈલના પ્રક્ષેપણ પછી કિમ-જોંગ-ઈલના સૌથી નાના પુત્ર કિમ-જોંગ-ઉન (કિમ-જોંગ-સુંગ) ની ઉત્તરાધિકારી તરીકેની સંભાવનાઓ વધી. વર્ષ ર૦૧૧ માં કિમ-જોંગ-ઈલના મૃત્યુ પછી કિમ-જોંગ-ઉન સત્તા પર આવી ગયા.

તે પછી ઉત્તર કોરિયાની તમામ શક્તિઓ તથા સત્તાઓ તેમણે સ્વયં ગ્રહણ કરી લીધી. તે પછી તેના કાકા જંગસોંગ-થાયેક સહિતના પોતાના નજીકના નેતાઓને દોષિત ઠરાવીને મરાવી નાંખ્યા. તે પછી ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે સંઘર્ષ વધ્યો. ઉત્તર કોરિયામાં તાનાશાહીથી તો સૌ માહિતગાર જ છે અને કિમ-જોંગ-ઉને પરમાણુ કાર્યક્રમો દુનિયાની ઐસી-તૈસી કરીને ચલાવ્યા પછી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ઘર્ષણ વધ્યું છે, તો રશિયા અને ચીન કિમ-જોંગ-ઉનને પંપાળી રહ્યા છે. જોઈએ, હવે આગળ આગળ શું થાય છે તે...

દુનિયાના દેશોમાં અત્યારે ઘણાં દેશોમાં તાનાશાહી છે અને ઘણાં દેશોમાં લોકતંત્ર છે, તો ઘણાં દેશોમાં દેખાવ ખાતરની ચૂંટણી યોજીને આભાસી લોકશાહીનો માસ્ક પહેરીને તેની પાછળથી તાનાશાહી ચલાવાઈ રહી છે. આવો, તાનાશાહી ધરાવતા દેશોના ઈતિહાસ અને વર્તમાનની પંચાત કરીએ...

વિશ્વના મુખ્ય તાનાશાહો

હીટલર, ઔરંગઝેબ, આસ્તો પિનોચે, મુસોલિની, લેનિન, જોસેફ સ્ટાલિન, માઓત્સે તુંગ, ગુદાફી, ઈદી અમીન, સદામ હુસેન, યાહયાખાન, જિયાઉલ હક્ક, હોસ્ની મુબારક, કિંગ-જોંગ-ઉન, ફ્રાંસવા ડૂવલિયર, આયાતુલ્લા, ખોમૈની, સપરમુસી નિયાજોવ, પોલ ડોટ, કિંગ અબ્દુલ્લા, ઉમર અલ બશીર, એલેક્ઝાંડર, લુકાસંકો, નિકોલોઈ ચાઉસેસ્ઝુ, ફ્રેન્સિસ્કો ફ્રાંકો, ફર્ડીનેન્ડ માર્કોસ, પાર્ક-ચુંગ-હી, એલફ્રેડો સ્ટ્રોસનર, મોબૂટુ સીસી-સાકો, મૈન્યુઅલ નોરિત્ઝા, સુહાર્તો, નિકોલી સિથુસ્યુ, અલી અબ્દુલ્લાહ સાલેહ, મોહમ્મદ અય્યુબખાન, હુસૈન મૌહમ્મદ ઈરશાદ, જનરલ પરવેઝ મુશર્રફ, ટાઈટસ લાર્સિયસ તાલીબાની શાસકો વગેરે તાનાશાહો અથવા 'સેમિ' તાનાશાહો છે, વિશ્વના ઈતિહાસ તથા વર્તમાનમાં મોજુદ છે.

અત્યારે પણ લગભગ ૬૦ જેટલા દેશો પ્રત્યક્ષ તાનાશાહી હેઠળ હોવાનું કહેવાય છે. વિશ્વના ર૦૦ થી વધુ દેશો પૈકી પ૬ દેશોમાં પૂર્ણ લોકશાહી, તો કેટલાક અન્ય દેશોમાં સંકુશિત લોકશાહી છે. વ્લાદિમીર પુતિન અને શી જીનપીંગ પણ નવાયુગના તાનાશાહો જ છે ને? જો કે, ભારતને સૌથી મોટી અને અમેરિકાને સૌથી જુની વર્તમાન યુગની લોકશાહિક શાસનવ્યવસ્થા માનવામાં આવે છે.

વિવાદાસ્પદ રિપોર્ટ

વી-ડેમ નામની એક ઓછી પ્રચલિત વૈશ્વિક સંસ્થાના એક રિપોર્ટે વિવાદ ઊભો કર્યો છે, જેમાં ભારત સહિતના કેટલાક લોકતાંત્રિક દેશોનો પણ તાનાશાહી જેવી શાસન પ્રણાલિમાં સમાવેશ કર્યો છે, જેને આ દેશોએ ફગાવી દીધો છે, અને આ સંસ્થાના માપદંડો, મુરાદ અને વિશ્વસનિયતા સામે જ સવાલો ઊભા થયા છે. આ એવા દેશો ગણાવાયા છે, જ્યાં લોકતંત્રની સ્થિતિ ખરાબ થવાની સંભાવના ગણાવાઈ છે. બીજી તરફ સ્વીડનની સંસ્થા ઓટોક્રેટાઈઝેશન ચેઈજીંગ નેચરના રિપોર્ટ મુજબ હાલના સમયમાં તાનાશાહી ધરાવતા દેશોમાંથી ૧પ દેશોમાં લોકતંત્રિકરણની લહેર જોવા મળી રહી છે. વી-ડેમના રિપોર્ટમાં તો બાંગલાદેશ અને ભારત જેવા વર્તમાન સમયના શુદ્ધ લોકતાંત્રિક દેશોને તાનાશાહીની અસરવાળા બતાવી દેવાયા છે, જેમાં બ્રાઝીલ, હંગેરી અને તુર્કીનો પણ સમાવેશ કરાયો છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘની શાખા હોય કે માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ હોય, તે સિવાયની અનેક વૈશ્વિક સંસ્થાઓ પોતપોતાની રીતે આડેધડ સર્વેક્ષણોના રિપોર્ટ જાહેર કરી રહી હોવાથી કોનો ભરોસો કરવો, અને કોનો ન કરવો, તે પણ સવાલ ઊઠે, કારણ કે આ પ્રકારના રિપોર્ટમાં વર્તમાન સમયમાં તાનાશાહી ધરાવતા કે તાનાશાહી જેવા શાસન ધરાવતા અથવા લોકતાંત્રિક વ્યવસ્થાઓ ખોરંભે પડી રહી હોય, તેવા દેશોમાં પાકિસ્તાન અને મ્યાનમાર જેવા દેશોના નામો સામેલ નથી અથવા તેના પર ઢાંકપીછોડો કરાયો છે, તે પ્રકારના વૈશ્વિક પ્રત્યાઘાતો પણ ઊઠી રહ્યા છે.

તાનાશાહી શાસન

ટૂંકમાં લોકતંત્ર, રાજાશાહી કે દેશોના યુનિયનો બનાવીને ચલાવતી સત્તાઓ, વારસાગત સત્તા-સલ્તનતો સિવાય ઝુંટવીને, હત્યાકાંડ કરીને, હત્યાઓ કરીને, બળવો કરીને કે સત્તા પર બેઠા પછી તમામ શાસકીય વ્યવસ્થાઓ, બંધારણો કે કાયદાકીય માર્ગે પણ તમામ સત્તાઓ પોતાને હસ્તગત કરીને (શી જીનપીંગની જેમ) સત્તા હાંસલ કરનારાઓને તાનાશાહ અને તેવા દેશોને તાનાશાહી શાસન હેઠળના શોષિત દેશો કહી શકાય.

- વિનોદ કોટેચા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh