Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યમાં રાજકીય-ધાર્મિક કાર્યક્રમોનો ધમધમાટ... જય જગન્નાથ..જય જગન્નાથ

અષાઢી બીજના અવસરે ગુજરાતમાં ધાર્મિક-રાજકીય પ્રવૃત્તિઓનું સંયોજન થયું છે. લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ ઘણો જ મજબૂત થયો અને એક સદીથી વધુ જૂની કોંગ્રેસ પાર્ટીમાં ૫ુનઃ ચેતના આવી ગઈ છે. લોકસભાની ત્રણ ચૂંટણીઓ સુધીમાં કોંગ્રેસે ભરતી-ઓટની અનુભૂતિ કરી અને હવે મૂળ રાજનીતિ તથા રણનીતિ મુજબ કોંગ્રેસને પૂર્વવત દેશવ્યાપી ફલર પર ૫ુનઃ વિસ્તારવાના પ્રયાસો કોંગ્રેસની અનુભવી થિન્ક કરી રહી હોય તેમ જણાય છે. ફ્રન્ટ-ફૂટ પર રાહુલ ગાંધી મોદી સરકારને પડકાર આપે અને તેનું બેકીંગ આ અનુભવી થિન્ક રેન્ક કરતી રહે છે. હવે કોંગ્રેસે પોતાની શક્તિ પર આગળ વધીને દેશવ્યાપી જનાધાર ૫ુનઃ પ્રાપ્ત કરવાના પ્રયાસો ઉપરાંત પ્રવર્તમાન નવીનત્તમ રાજનૈતિક અને વ્યૂહાત્મક રાજનીતિ પણ પ્રારંભી દીધી હોય તેમ જણાય છે, અને ફરીથી "એકલો જાને રે..." ની રણનીતિ અપનાવી લીધી હોય તેમ જણાય છે.

એક તરફ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગઢ ગુજરાતમાં ગાબડુ પાડવાની જાહેરાત કરી દીધી છે, તો બીજી તરફ તેલંગણામાં ૬ ધારાસભ્યો પછી હવે ૬ એમએલસી બીઆરએસ છોડીને કોંગ્રેસમાં જોડાઈ જતા પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને પણ જબરો ઝટકો આપી દીધો છે... લોકસભા પહેલાં જ્યારે વિધાનસભાઓની ચૂંટણી થઈ હતી ત્યારે તેલંગણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ને હરાવીને કોંગ્રેસની સરકાર રચી હતી અને હવે તેલંગણાની રાજય સરકાર વધુ મજબૂત બની ગઈ છે, જેની પાછળ બેકડોરથી કોંગ્રેસની થિન્ક ટેન્ક જ કારણભૂત હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે, અને તેમાં તથ્ય પણ જણાય છે.

રાહુલ ગાંધીની હાથરસની દુર્ઘટનાના પિડીતોને મળ્યા પછી હવે ગુજરાતમાં ટીઆરપી ગેમઝોનના પિડીતોને મળવાની છે જે વ્યવસ્થા ગોઠવાઈ, તેમાં પણ કોંગ્રેસની અનુભવી થિન્ક ટેન્કની જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોવાથી તેના પર હવે ભાજપ પણ ગંભીરતાથી બાજ નજર રાખી રહ્યાં હોય તેમ જણાય છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો કે, ભાજપના ગુંડાઓએ અમદાવાદમાં કોંગ્રેસની ઓફિસ પર હૂમલો કર્યો, પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ દીવાલ બનીને રક્ષણ કર્યુ. બીજી તરફ રાજ્યભરમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ તેમના સંસદમાં કરેલા હિન્દુ વિરોધી નિવેદન પ્રત્યે રાજ્યમાં પ્રચંડ આક્રોશ હોવાનો પ્રતિઆક્ષેપ કરીને ભાજપ ઉપરાંત પીએચપી, બજરંગદળ વિગેરે સંગઠનો દ્વારા પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં હોવાથી પોલીસતંત્ર માટે પણ રાહુલ ગાંધીની સંભવિત મુલાકાત સમયે કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાનું પહેલેથી જ પડકારજનક જણાયું હતું, અને તે મુજબની પૂર્વ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી જ હશે.

તાજેતરમાં કેટલીક ટેલિકોમ ક્ષેત્રની કંપનીઓ સામે પણ કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે, અને કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કેટલીક ખાનગી કંપનીઓએ ટેરિફ રેઈટમાં વધારો કર્યો તેની ટીકા કરી છે, જ્યારે ભૂતકાળમાં સેઝ માટે અપાયેલી ગૌચરની જમીનને પરત આપવા થયેલા અદાલતી આદેશને સાંકળીને પણ વિવિધ ચર્ચાઓ થઈ રહી છે.

કચ્છના નાવિનાર ગામની ગૌચરની જમીન લોકોને પરત કરવાનો હાઈકોર્ટનો આદેશ અને તેમના સૂચિતાર્થોએ પણ રાજકારણમાં હલચલ મચાવી દીધી છે, અને ગૌચરની જમીન પર સરકાર નહીં, પણ લોકોનો અધિકાર છે, તેવું ન્યાયની દેવડીએથી પ્રસ્થાપિત થયા પછી તેની દુરોગામી અસરો પડવાની છે, જો કે, અદાલતના આદેશને અનુરૂપ હાલમાં તો ર૩૧ એકર જમીન 'સેઝ' પાસેથી પરત લેવાનો ઠરાવ પણ રાજય સરકારે કોર્ટ સમક્ષ રજૂ કરી દીધો છે. પરંતુ આ જ પ્રકારે અન્યત્ર જો ગૌચરની જમીનો આપી દેવાઈ હશે, તો તે પણ તબક્કાવાર પરત આપવી પડી શકે છે, ખરૃં કે નહીં...?

યોગાનુયોગ દેશના ગૃહમંત્રી ૫ણ આજે ગુજરાતના પ્રવાસે છે અને આજે દિવસભર તેના સહકાર ક્ષેત્રના કાર્યક્રમો યોજવાના છે. આવતીકાલે મંગલ પ્રભાતે તેઓ ભગવાન જગન્નાથજીની મંગલા આરતીમાં જોડાશે, તે પછી આવતીકાલે સવારે અમદાવાદમાં પહિંદવિધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદના રાજમાર્ગો પર ફરશે.

પરંપરાગત રીતે આ તમામ પ્રક્રિયાઓ થશે અને તે પહેલાં કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ ભગવાન જગન્નાથના દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા છે, ત્યારે એક તરફ રાજ્યમાં જય જગન્નાથના જયઘોષ સાથે અષાઢી બીજના અવસર ભક્તિભાવ બન્યો છે, તો બીજી તરફ વિવિધ રાજકીય કાર્યક્રમો પણ યોજાઈ રહ્યાં છે, ત્યારે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ સમગ્ર ગુજરાત રાજ્ય પર ઉતરે, વર્ષ સારૃં જાય, વરસાદ અને પાક-પાણી સારા થાય અને રાજ્યમં સુખ-શાંતિ અને સમન્વય જળવાય રહે, તેવી પ્રાર્થનાઓ પણ ઉભયપક્ષે કરવામાં આવી રહી છે અને તમામ દેશવાસીઓ સહિત સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, તેવી ભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે.

આવતીકાલે જગન્નાથપુરી અને અમદાવાદની મુખ્ય રથયાત્રાઓ ઉપરાંત હાલાર સહિત સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશભરમાં ઠેર-ઠેર રથયાત્રાઓ, શોભાયાત્રાઓ નીકળશે, તેના સંદર્ભે આજથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ત્યારે નોબત પરિવાર અને માધવાણી પરિવાર સૌ કોઈને અષાઢી બીજની શુભકામનાઓ પાઠવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh