Advertisement
Author: નોબત સમાચાર

'માઈનસ' છે, તેથી જ 'પ્લસ'નું અસ્તિત્વ છે... રાતના અંધકારના કારણે જ દિવસની રોશનીનું મહત્ત્વ છે...

બ્રહ્માંડ ગતિશીલ છે... સૂર્ય સ્થિર હોવા છતાં તેમાં આંતરિક પ્રવાહો છે... વાવો તેવું જ લણો?

ઘણાં લોકો હંમેશાં ખોટા માર્ગે જ ચાલતા હોય, ગુનાખોરી કરતા હોય, અયોગ્ય કે અનૈતિક કાર્યો કરતા હોય, લુચ્ચાઈ અને છેતરપિંડી કરતા હોય, દાદાગીરી કરતા હોય અને વિવિધ પ્રકારની બુરાઈઓથી ભરપૂર હોય, છતાં તેને કોઈ મુંઝવતી સમસ્યાઓનો સામનો કરવો પડતો ન હોય, સ્વાસ્થ્ય ટનાટન રહેતું હોય, ધનવર્ષા થતી રહેતી હોય અને તમામ પ્રકારની સુખ-સુવિધાઓ મળતી હોય, ત્યારે આપણને સ્વાભાવિક એવો સવાલ ઊઠે કે સીધીસાદી જિંદગી જીવતા, ધાર્મિક સ્વભાવના, સરળ, પ્રામાણિક અને પરગજુ-પરમાર્થી ઘણાં લોકો દુઃખી કેમ હોય છે? તેઓની સમસ્યાઓ કેમ ઓછી થતી જ હોતી નથી? એક સાંધે તો તેર તૂટે તેવી સ્થિતિ, બીમારી કે અન્ય વિટંબણાઓ કેમ તેમને પરેશાન જ કરતી રહેતી હોય છે? શું વાવો તેવું લણો, તે માન્યતા સાચી છે, અને જો તેવું હોય તો આવું બને જ કેમ? આ સવાલ જ કદાચ આપણી જિંદગીનું સૌથી મોટું સસ્પેન્સ છે, અને આ પ્રકારની ચર્ચા કોઈને કોઈ પ્રકારે નગરથી નેશન અને ગામડાથી ગ્લોબ સુધી થતી રહેતી હોય છે, અને તેના જવાબો પણ જુદી જુદી રીતે અપાતા હોય છે, પરંતુ કોઈપણ જવાબ કે ખુલાસો, સ્પષ્ટતા કે ચોખવટ, ફિલોસોફી કે ગુગલગુરુના માધ્યમથી થતું સર્ચ સર્વસ્વીકાર્ય જવાબ હજુ સુધી શોધી શક્યું નથી, ખરૂ ને?

માઈનસ-પ્લસ

આપણે ઊર્જા ઉત્પન્ન કેવી રીતે થાય છે, કે ઈલેક્ટ્રીક મોટર કેવી રીતે ફરે છે, તેનું શિક્ષણ મેળવતી વખતે એ શિષ્ય જ છીએ કે તેમાં માઈનસ-પ્લસની ટેકનિક હોય છે. આપણી જિંદગી જ નહીં, સમગ્ર સૃષ્ટિ માઈનસ અને પ્લસની ટેકનિક આધારિત છે, કારણ કે માઈનસ પર જ પ્લસ નિર્ભર છે, એટલે કે જો પ્લસ-માઈનસ પૈકી માઈનસ હોત જ નહીં, તો પ્લસનું કોઈ મહત્ત્વ હોત ખરૂ? જરા વિચારો...

રાત-દિવસ

માઈનસ અને પ્લસની જેમજ રાત પછી દિવસ આવે છે. દિવસની રોશનીનું મહત્ત્વ એટલા માટે જ રહે છે કે, તે પહેલા કાળી ડિબાંગ રાત્રિ પસાર થઈ ગઈ હોય છે. પૂર્ણિમા પછીની એકમ કરતા અમાવસ્યા પછીની એકમ વધુ ચમકદાર લાગે છે, કારણ કે અમાવસ્યાની રાત્રિએ ચંદ્રમાની રોશની જરા પણ માણી હોતી નથી!

રાત્રિનું મહત્ત્વ કેટલું છે, તે એકાદ-બે રાત્રિના સળંગ ઉજાગરા થાય, ત્યારે સમજાઈ જતું હોય છે, તેવી જ રીતે દિવસનું મહત્ત્વ કોઈ કારણે બે-પાંચ દિવસ માટે પથારીવશ રહેવાનું થાય કે, ઘટાટોપ અંધકારમાં રહેવું પડે, ત્યારે સમજાઈ જતું હોય છે.

સૂર્ય સ્થિર છે પણ...

આપણે ભણ્યા છીએ કે ભણીશું કે જે સૂરજ ઉગતો અને આથમતો દેખાય છે, તે હકીકતે સ્થિર છે. સૂર્યની આજુબાજુ પૃથ્વી સહિતના ગ્રહો ફરી રહ્યા છે, અને ગુરુત્વાકર્ષણ બળના કારણે ટકી રહ્યા છે. પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ પણ ગોળ ગોળ ફરે છે. આ બધા કારણે ઋતુચક્ર ફરે છે અને શિયાળો, ઉનાળો, ચોમાસું તથા રાત-દિવસ વિગેરે થાય છે. સૂર્યની અંદર પણ આંતર પ્રવાહો છે... તેની જેમ આંતરિક ગરમી સહન કરવાની આપણી ત્રેવડ છે ખરી?

પૃથ્વીના ધ્રુવ

પૃથ્વીના છેડે ધ્રુવ પર ૬ મહિનાની રાત્રિ અને ૬ મહિનાનો દિવસ હોય છે, તેથી ત્યાં સતત ઠંડી રહે છે, તેમ કહેવાય છે. જેનું કારણ લંબગોળ પૃથ્વીનો વર્તુળાકાર ઘેરાવો હોય છે. આ બધું જલદી સમજાય તેવું નથી તો પણ ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવનું પણ પર્યાવરણીય દૃષ્ટિએ એટલું જ મહત્ત્વ છે. જેટલું મહત્ત્વ સમગ્ર પૃથ્વી પરની જીવસૃષ્ટિ અને પ્રકૃતિનું છે.

સુખ-દુઃખ મનમાં ન આણીએ...

માઈનસ-પ્લસ, રાત્રિ-દિવસ, ઉતાર-ચઢાવ, ભરતી-ઓટ, વસંત-પતઝડ, સુખ-દુઃખ વગેરે પરસ્પર પૂરક છે, જો દરિયામાં ભરતી જ ન આવે તો? જો પતઝડ જ કાયમ રહેતી હોય તો? જો જીવનમાં ઉતાર-ચઢાવ આવતા જ ન હોત તો? તેવી કાલ્પનિક પ્રશ્નોના ઉત્તર ક્યારેય મળતા નથી, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ માઈનસ-પ્લસની થિયરીને આપણે વાસ્તવિક જીવનમાં સ્વીકારી જ શકતા નથી, જે તથ્યો વૈજ્ઞાનિક દૃષ્ટિએ સ્વીકારીએ છીએ, તે જ તથ્યો આપણે તાર્કિક, આધ્યાત્મિક કે ધાર્મિક સંદર્ભોમાં સ્વીકારવા તૈયાર થતા નથી. પોતાને ઈશ્વર માનનારા ઘણાં લોકો પણ મૃત્યુને હરાવી શક્યા નથી, તો ઘણાં તાનાશાહો અને આપખુદશાહો પણ અંતે તો રહસ્યમય અનંતયાત્રાએ જ નીકળી ગયા છે, ખતમ થઈ ગયા છે, અથવા બરબાદ થઈ ગયા છે.

નરસિંહ મહેતાની ઘણી જ પ્રચલિત રચના પથદર્શક છે, પરંતુ હવે આપણે નરસિંહ મહેતા, મીરાંબાઈ, અખો કે કલાપીના સ્થાને કાંઈક અલગ જ પ્રકૃતિના અન્ય વ્યક્તિવિશેષોનો સ્ટડી કરીએ છીએ અને વીડિયોજીવી થઈ ગયા છીએ તેમ નથી લાગતું? નરસિંહ મહેતાની રચના શું કહે છે, તે જોઈએ...

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા,

ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથ ના જડિયા...

નળ રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી,

અર્ધે વસ્ત્રે વનમાં ભળ્યા, મળ્યા અન્ન ને પાણી...

પાંચ પાંડવ સરખા બાંધવ, જેને દ્રૌપદી રાણી,

બાર વરસ વન ભોગવ્યા, નયણે નિદ્રા આણી...

સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી,

રાવણ જેને હરિ ગયો, સતી મહાદુઃખ પામી...

રાવણ સરિખો રાજિયો, જેની મંદોદરી રાણી,

દશ મસ્તક છેદાઈ ગયા, બધી લંકા લૂંટાણી...

હરિશ્ચંદ્રરાય સતવાદિયો જેની તારામતી રાણી,

તેને વિપત બહુ પડી, ભર્યા બેડલિયે પાણી...

શિવજી સરિખા સાધુ નહીં, જેની પાર્વતી રાણી,

ભોળવાયા કોઈ ભીલ થકી, તપમાં ખામી ગણાવી...

એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે,

જૂઓ આગળ સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે...

સર્વ કોઈને જ્યારે ભીડ પડી, સમર્યા અંતર હામી,

ભાવટ ભાંગી ભુધરે...મહેતા નરસૈયાના સ્વામી...

નરસિંહ મહેતાની મૂળ રચના જુદા જુદા સ્વરૂપોમાં પ્રચલિત, પ્રકાશિત થતી રહી છે અને ગીત-સંગીત-સંતવાણીના સથવારે અથવા પ્રવર્તમાન સમયને અનુરૂપ તેમાં મામુલી ફેરફાર કરીને પણ પ્રસ્તુત થતી રહી છે.

આ રચનાની વિશેષતા જુઓ કે તેમાં સતયુગ, દ્વાપરયુગ અને રામાયણ, મહાભારત, શિવપુરાણ તથા છેક સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની કથા સાથે સાંકળતી ઘટનાઓ પણ અદ્ભુત રીતે સંક્ષિપ્તમાં વર્ણવી દીધી છે.

એકંદરે નરસિંહ મહેતા પણ આ તમામ ઘટનાક્રમો વર્ણવીને સુખ અને દુઃખને કુદરતી ઘટમાળ જ ગણાવે છે, અને ઈશ્વરે પણ માનવ તરીકે જન્મ લીધો હોય, તો તેની જિંદગીમાં પણ તડકો-છાંયો, ભરતી-ઓટ અને ઉતાર-ચઢાવ આવતા જ હોય છે. ટૂંકમાં દુઃખ જ ન આવે, તો સુખની અનુભૂતિ પણ કેવી રીતે થાય? સીતાનું મૂલ્યાંકન જ કેવી રીતે થાય?

કેટલાક એવા પ્રયોગો પણ થતા હોય છે, જે માનવજીવનમાં પથદર્શક બને છે. તમે કોઈપણ વ્યક્તિને તમામ પ્રકારની સુખ-સુવિધા-સગવડો સાથે 'શિશમહેલ' જેવી તમામ વ્યવસ્થાઓ અને સુવિધાઓ ધરાવતા સંકુલમાં એક મહિના માટે એકલો રાખી દેશો અને તેને બાકીની દુનિયાથી તદ્ન અલિપ્ત રાખશો, તો તે ચોક્કસ કંટાળી જશે. આ પ્રકારનો પ્રયોગ સ્વયં પણ કરવા જેવો ખરો!

વાવો તેવું જ લણો?

એક કહેવત છે કે જેવું વાવો, તેવું લણો, પરંતુ ઘણી વખત જેવું વાવ્યું હોય, તેવું પાકતું નથી, તો લણવું કેમ? કોઈ બીજ વાવ્યા હોય અને તેને યોગ્ય ખાતર ન મળે, પાણીની અછત સર્જાય, વરસાદ આવે નહીં, પીયત થાય નહીં, તો વાવેતર નિષ્ફળ પણ જાય, તેથી 'વાવે તેવું લણો' કહેવતમાં વાવો, નિભાવો, ઉછેરો તેવું લણો તેવો 'બંધારણીય સુધારો' કરવો જોઈએ તેમ નથી લાગતું?

જો કે, તત્ત્વજ્ઞાન કે આધ્યાત્મની ગૂઢ ભાષામાં તો વાવીએ તેવું જ લણી શકાય, કારણ કે તેનો ગૂપર્થ કર્મફળ સાથે સંકળાયેલો છે, જેવું કર્મ કરો તેવું ફળ મળે... બરાબર ને?

ઊંડા ઉતરવા જેવું નથી?

જિંદગીની તકલીફોને તક અને પીછેહેઠને પ્રગતિની છલાંગ મારવાનું માધ્યમ ગણીને અને જીવનની ભરતી-ઓટને પરસ્પર પૂરક ગણીને બન્ને સ્થિતિનો ભરપૂર ઉપોગ કરી લેવામાં જ શાણપણ છે, અને બહુ ઊંડા ઉતરવા જેવું નથી. ખાસ કરીને શ્રદ્ધા, અંધશ્રદ્ધા, અર્ધશ્રદ્ધા, વિશ્વાસ, અવિશ્વાસ, અર્ધવિશ્વાસ તથા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના ચક્કરમાં પડવા જવું નથી. જે પ્રત્યક્ષ છે, તે જ પ્રમાણભૂત છે અને જેની માત્ર અનુભૂતિ જ થાય છે, પરંતુ દૃશ્યમાન થતું નથી તે મિથ્યા છે, તેવું માનવાની ભૂલ જરાયે કરવા જેવી નથી, કારણ કે હવા, પ્રકાશ, અંધકાર વગેરે બ્રહ્માંડ વ્યાપી રહસ્યોનો તાગ હજુ આપણે મેળવી શક્યા જ નથી ને?

વિનોદ કોટેચા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh