Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રીવા રાચ્છ લીડ રોલમાં ચમકતા નગર માટે નવા સિને અધ્યાયનો આરંભ
'રણઝણ રણઝણ વાગે તારી ઝાંઝરીયું રણઝણ વાગે' આ ગીત તો તમે સાંભળી જ લીધું હશે. નવરાત્રિ પહેલા જ આ વર્ષનાં ગરબા એન્થમનો તાજ મેળવી ચૂકેલ આ લોકપ્રિય ગીત આ શુક્રવારે ૧૯ જુલાઇએ રિલીઝ થઇ રહેલ ગુજરાતી ફિલ્મ 'રામ ભરોસે' નું છે. ફિલ્મને લઇને યુવા વર્ગમાં થનગનાટ છે ત્યારે ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓ ભજવનાર ધૈર્ય ઠક્કર, રીવા રાચ્છ અને નિલેશ પરમારે 'નોબત' ની મુલાકાત લઇ 'નોબત' પરિવારનાં દર્પણભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્ય સાથે ફિલ્મ મેકીંગથી લઇ રિલીઝ પૂર્વેની ઉત્કંઠા સુધીનો વાર્તાલાપ કર્યો હતો. આ તકે નગરનાં જાણીતા કલાકાર અને વરિષ્ઠ રંગકર્મી લલિતભાઇ જોશી તથા ફિલ્મનાં પ્રોડક્શન ટીમનાં હિતેશ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતાં.
'રામ ભરોસે' ફિલ્મ મુંબાદેવી વિઝનનાં બેનર અંતર્ગત બનેલ ફિલ્મ છે. જેનું દિગ્દર્શન વિશાલ વડાવાલાએ કર્યુ છે. વિશાલ વડાવાલા આ પૂર્વે ફિલ્મ, રઘુ સી.એન.જી.,સૈયર મોરી રે તથા સમંદર જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. સૈયર મોરી રે અને સમંદર ને કારણે તેમણે અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી દિગ્દર્શક તરીકે પ્રતિષ્ઠા મેળવી છે. સમંદર નાં જ ત્રણ કલાકાર 'રામ ભરોસે' માં મુખ્ય ભૂમિકાઓમાં છે.
આ અંગે જણાવતા ધૈર્ય ઠક્કર જણાવે છે કે વિશાલ વડાવાલા સાથે સૌપ્રથમ 'રામ ભરોસે' ફિલ્મ જ આરંભ કરી હતી. જેનું શૂટીંગ સમંદર પહેલા થયું પરંતુ સમંદર પહેલા રિલીઝ થઇ ગઇ.
સમંદરની સફળતાને કારણે તેનાં યુવા કલાકારોની તાજી લોકપ્રિયતાનો લાભ પણ 'રામ ભરોસે' માટે પ્લસ પોઇન્ટ સાબિત થશે.
ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે લીડ રોલ કરનાર જામનગરની રીવા રાચ્છે સમગ્ર ફિલ્મનાં શૂટીંગ વિશે રસપ્રદ વાતો કહી હતી.ફિલ્મ ગીરનાં લુંશાળા, ડાંડેરી વગેરે ગામડાઓમાં શૂટ થઇ છે. ત્યાંની જીવનશૈલી ફિલ્મમાં સચોટ રીતે દર્શાવાઇ છે. જે માટે કલાકારોએ ત્યાં વર્કશોપથી લઇ સ્થાનિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. લગભગ એક મહિનાનાં શૂટીંગ પછી ફિલ્મ તૈયાર થઇ છે.
નવયુવાન હૈયાઓની પ્રેમકહાનીનો વિષય બોલ્ડ હોવા છતાં ફિલ્મ પારિવારીક મનોરંજન છે એવી પ્રસ્તુતિ કરવામાં દિગ્દર્શક સફળ થયા છે.
ફિલ્મમાં મુખ્ય અભિનેતાનાં જીગરજાન મિત્રનું પાત્ર ભજવનાર નિલેશ પરમાર રીયલ લોકેશન પર શૂટીંગ ફિલ્મને જીવંત બનાવે છે એવું જણાવી દિગ્દર્શક વિશાલ વડાવાલા સાથેનાં કામ કરવાનાં અનુભવને પણ પ્રેરક ગણાવે છે.
'રામ ભરોસે' ફિલ્મમાં ગાંડી ગીરનાં ગામડામાં પાંગરેલાં પ્રેમની વાર્તા છે અને આપણું જીવન પણ એક વાર્તા છે જે ખરેખર જોઈએ તો 'રામ ભરોસે' જ ચાલે છે એમ કહી શકાય. ત્યારે વાર્તાલાપ દરમ્યાન આ ફિલ્મનાં કલાકારોનાં કલા જીવનનાં આરંભની વાત પણ રસપ્રદ રહી.
ધૈર્ય ઠકકર અમદાવાદનાં વતની છે. અભિનયનાં શોખને કારણે કોરોનાકાળમાં તેઓ અભિનવ બેન્કરની વર્કશોપમાં અભિનયનાં ગુણ શીખ્યા. એ પછી અનુપમ ખેરની સંસ્થામાંથી પણ તાલીમ મેળવી અને ઓડીશન આપતા આપતા આગળ વધ્યા. સૌપ્રથમ ગુજરાતી વેબસિરીઝ 'ટ્યૂશન' માં તેઓ ચમક્યા હતાં. જે ઓટીટી પ્લેટફોર્મ ઓહો ગુજરાતી પર ખૂબ જ લોકપ્રિય થઇ હતી. ત્યાર પછી ક્રમશઃ આગળ વધતા વધતા 'સમંદર' પાર કરી 'રામ ભરોસે' ગીરનાં જંગલ સુધી પહોંચ્યા છે.
રીવા રાચ્છ નગરનાં ગૌરવરૂપ રંગકર્મી તથા થિએટર પીપલનાં સ્થાપક ગૌરવ પુરસ્કાર વિજેતા વિરલભાઇ રાચ્છની પુત્રી હોય અભિનયકલા વારસામાં મળી છે એમ કહી શકાય. પરંતુ રંગભૂમિથી સિલ્વર સ્ક્રીન સુધીની સફર ઘણી ચેલેન્જીંગ હોવાનું રીવાએ જણાવ્યું હતું. કચ્છ એક્સપ્રેસ, સમંદર વગેરે ફિલ્મોમાં સાઈડ રોલ કર્યા પછી રીવા પહેલી વખત 'રામ ભરોસે' ફિલ્મમાં લીડ રોલ ભજવવાનો આનંદ વ્યક્ત કરવાની સાથે જ રિલિઝને લઇ ઉત્કંઠા અભિવ્યક્ત કરી જામનગર પાસે હકથી ફિલ્મને હિટ કરાવવાનો વાયદો પણ માંગે છે.
અમદાવાદનાં જ નિલેશ પરમારની અભિનય વાર્તા પણ એચ. કે. આર્ટસ કોલેજમાં તેમનાં અભ્યાસકાળથી આરંભ થાય છે.વિવિધ પ્રોજેક્ટ્સમાં ઓડીશન આપીને સિલેક્શન પામીને તેઓ તબક્કાવાર આગળ વધ્યા છે. અત્યાર સુધીમાં તેઓ નાના મોટા કુલ ૨૨ પ્રોજેક્ટ કરી ચૂક્યા છે. સમંદર પછી આ તેમની બીજી ફિલ્મ છે.તેમની આગામી ફિલ્મ પણ સાસણ ગીરની પૃષ્ઠભૂમિમાં જ રચાયેલ છે.
રીવા પોતાનાં આગામી પ્રોજેક્ટ વિશે જણાવતા હિતેનકુમાર અને કાજલ ઓઝા વૈદ્ય સાથેની 'સ્વીટ સિક્સ્ટી' નો નામોલ્લેખ કરે છે.
ધૈર્ય ઠક્કર તેમનાં ભવિષ્યનાં આયોજનોને દર્શકો માટે સરપ્રાઇઝ રૂપે પ્રસ્તુત કરવાનું જણાવી 'રામ ભરોસે' આગળ વધવાની નીતિ દર્શાવી દર્શકોને આ ફિલ્મને અચૂક આશીર્વાદ આપવા અનુરોધ કર્યો હતો.
'રામ ભરોસે' ની ટીમ એટલે મહારથીઓનો મેળો
'રામ ભરોસે' ફિલ્મનાં દિગ્દર્શક વિશાલ વડાવાલા હવે ખુદ એક બ્રાન્ડ બની ચૂક્યા છે ત્યારે ફિલ્મનાં અન્ય પાસાઓ ઉપર પણ નજર કરીએ તો એ ફિલ્મને વધુ સશક્ત બનાવે છે. નિર્માતા તરીકે કેતન રાવલ, મનિષ જૈન, અજીત જોશી,માલતીબેન દવે,મનિષ પટેલ (સતાણી), તેજલ રાવલ છે. કલાકારોમાં ધૈર્ય ઠક્કર, રીવા રાચ્છ, નિલેશ પરમાર ઉપરાંત જગજીતસિંહ વાઢેર, મોરલી પટેલ, એકતા ડાંગર, મૌલિક નાયક, ગૌરાંગ આનંદ, અભિજ્ઞા મહેતા, મયુર ચૌહાણ, અકા માઇકલ વગેરે છે.
સ્ક્રીન પ્લે રાઇટર કશ્યપ વ્યાસ છે. જ્યારે વાર્તા અને સંવાદ ખુદ વિશાલ વડાવાલાનાં છે. ગીતકાર તરીકે ભાર્ગવ પુરોહિતે ફરી સુંદર કામ કર્યુ છે અને સંગીતમાં કેદાર-ભાર્ગવની જોડી એ ફરી કમાલ કરી છે.
ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે પ્રવિણકુમાર ખીંચી તથા એસોસિએટ ડાયરેક્ટર તરીકે અનુજ ટાંકે સારૂ કામ કર્યું છે. મિહીર ફિચડીયાની બારીક સિનેમેટોગ્રાફીએ ગીરને ગરિમાપૂર્વક પ્રસ્તુત કર્યુ છે એમ કહી શકાય.
ઝાંઝરીયું રીલ કોન્ટેસ્ટને લઈ યુવાઓમાં થનગનાટ
ફિલ્મના લોકપ્રિય ગરબા સોંગ 'ઝાંઝરીયું' પર રીલ કોન્ટેસ્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગીતનાં હૂકસ્ટેપ પર વિડીયો રિલ બનાવી મુંબાદેવી વિઝનને ટેગ કરવાનું રહેશે. બેસ્ટ ૨૦ રીલનાં વિજેતાઓને ફિલ્મનાં કલાકારો સાથે ફિલ્મ નિહાળવાનો મોકો મળશે. અમદાવાદ બહાર અન્ય શહેરોમાં વસવાટ કરતા વિજેતાઓ માટે અમદાવાદ આવવા-જવાનો ખર્ચ તથા રોકાણ વગેરેનો ખર્ચ ફિલ્મની ટીમ દ્વારા જ ભોગવવામાં આવશે. તો રાહ શેની જુઓ છો? બનાવો રીલ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial