Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હમણાંથી રાજકારણમાં નાચવાવાળા ઘોડા અને રેસના ઘોડાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસી કાર્યકરોને ઉદ્દેશીને એક પ્રવચનમાં લગ્નમાં નાચવાવાળા ઘોડા અને રેસના ઘોડાની જે વાત કરી હતી, તેના સંદર્ભે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક કાર્યક્રમમાં જે કટાક્ષ કર્યો અને તેના જવાબમાં કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ જે કાંઈ કહ્યું, તેની ચર્ચા રાજ્યકક્ષાએ જોરશોરથી થઈ રહી છે, તો રાષ્ટ્રીય કક્ષાએ પણ સમીકરણો બદલાઈ રહ્યા છે, તેથી આગામી એકાદ-બે વર્ષમાં થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા કેટલાક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાશે,તેવી અટકળો થવા લાગી છે, અને રાષ્ટ્રીય રાજનીતિમાં પલટો આવશે, તો વર્ષ ર૦ર૭ માં ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહિતની વિધાનસભાઓની ચૂંટણીઓમાં પણ તેની અસર થઈ રહી છે, તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે, તો તેનો છેદ ઊડાડતા તાકીદે જવાબો પણ અપાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓ અને રાજકીય મુદ્દાઓ વર્તમાન શાસકો માટે પડકારરૂપ થઈ શકે છે, તેવા વિશ્લેષણો થઈ રહ્યા છે, અને શાસક પક્ષના સંગઠનમાં પણ આ જ પ્રકારની ગુસપુસ થઈ રહી હોવાનું ચર્ચાય છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયતો, તાલુકા-જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની રચના જ સ્થાનિક વિકાસ, વ્યવસ્થાઓ અને જન-સુખાકારીની સેવાઓ માટે થઈ છે. જો પ્રશ્નો જ ન હોય, તો પંચાયતોની શું જરૂર અને જો સમસ્યાઓ જ ન હોય તો સુધરાઈની શું જરૂર? તેવા તર્કો પણ સ્થાનિક સ્વરાજ્યની શું જરૂર? તેવા તર્કો પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું મહત્ત્વ સમજાવવા માટે વ્યક્ત થતાં હોય છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સામે પણ જો જનાક્રોશ વધતો રહે, તો ત્યાં પણ સત્તાપલટો ઈવીએમના માધ્યમથી સરળતાથી થઈ શકે છે, અથવા 'અંકુશ' લગાવીને મર્યાદિત જનાદેશથી પૂનરાવર્તનનો જનાદેશ પણ આવી શકે છે, તે વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીઓએ બખૂબી પ્રતિપાદિત કરી જ દીધું છે ને!
જામનગરની મહાનગરપાલિકામાં ત્રણેક દાયકાઓ પછી પણ કેટલીક સમસ્યાઓ પ્રતિવર્ષ રિપિટ થતી રહી છે, છતાં તેનો કોઈ કાયમી ઉકેલ તો થતો નથી, પરંતુ કેટલીક સમસ્યાઓ વધુ વકરી છે, તો કેટલીક નવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે, ત્યારે શાસકો-પ્રશાસકોએ વર્ષ ર૦૪૭ સુધીનું નેશનલ વિકાસ મોડલની સાથે સાથે પાછલા રપ-૩૦ વર્ષથી વણઉકેલાયેલી સમસ્યાઓનું સંકલન કરીને તેને ઉકેલવાનો પ્રયત્ન કરવો ન જોઈએ?
જામનગરમાં ગંદકી, તળાવમાં કચરો, ટ્રાફિક, પાર્કિંગ, વીજળી-પાણી-ગટરના પ્રશ્નો પૈકી કેટલાક પ્રશ્નો દાયકાઓ જુના છે, તો કેટલાક પ્રશ્નો-સમસ્યાઓ તો ઘટવાના બદલે વધી છે. માર્ગોના નવીનિકરણ છતાં તેમાં ખાડાઓ-ચીરોડાઓ કેમ પડે?, કરોડોના ખર્ચ પછી પણ ગટરો કેમ ઉભરાય?, આધુનિકરણના ઢોલ પીટવા છતાં આરોગ્ય-તબીબી સેવાઓ કેમ ન સુધરે? 'નળે સે જલ'ના દાવાઓ છતાં નિયમિત-સમયસર જળવિતરણ કેમ ન થાય? તેવા પ્રશ્નોનો છે કોઈ જવાબ?
જામનગર હોય કે બીજું કોઈપણ નગર હોય, સુધરાઈ એટલે કે પાલિકા-મહાનગરપાલિકાઓ ઉપરાંત પંચાયતોની સર્વિસ સીસ્ટમ ધરમૂળથી સધારા માંગે છે. અત્યારે જે સિસ્ટમ છે તે પ્રશ્નોનો 'ઉકેલ' નહીં, પણ 'નિકાલ' કરીને આંકડાઓ દર્શાવીને સબસલામતની પિપૂડી વગાડતી હોય છે. હકીકતે સમસ્યાઓ અને પ્રશ્નો ઠેરના ઠેર જ રહે છે.
દૃષ્ટાંત તરીકે ઢોરના ડબ્બાઓની સફાઈ કરીને તેનો કચરો-ગંદકી જાહેર માર્ગોની આજુબાજુ પાથરી દીધી, તેવી ફરિયાદ ઊઠી. આ જ રીતે સમસ્યાઓનું નિરાકરણ કરવાના બદલે સમસ્યાઓનું સ્થળાંતર કરી દેવાની માનસિક્તાથી ચાલતી ટોપ ટુ બોટમ સિસ્ટમો ધરમૂળથી બદલી નાખવી પડે તેમ છે, પણ!?
કોઈ શેરીમાં લાઈટ ગઈ હોય અને કોઈ ગ્રાહક કમ્પ્લેઈન કરે, તો પીજીવીસીએલવાળા માત્ર તે ગ્રાહકની ફરિયાદનો જ (અનુકૂળતાએ) નિકાલ કરે, પરંતુ તેની તદ્ન પડોસના થાંભલે વાંધો હોય, તો તે માટે નવી ફરિયાદ કરવી પડે, અને તે પછી વારો આવે ત્યારે ફરીથી ટીમ આવે, તેવું જ ગટર, પાણી, સ્ટ્રીટલાઈટના મુદ્દે થાય. આ સિસ્ટમને સુધારવી જ પડે... આમ નહીં ચાલે... સમસ્યાનું સ્થળાંતર નહીં, નિરાકરણ લાવો, પ્રશ્નો ઉકેલો, 'નિકાલ' બતાવીને ટીંગાળી ન રાખો... હવે પબ્લિક જાગૃત થઈ ગઈ છે, અને પોતાના 'મત'ની તાકાત સમજતી થઈ ગઈ છે, તે સમજી લેવું જરૂરી છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial