Advertisement
Author: નોબત સમાચાર

હેરાફેરી...

૮ નવેમ્બર ૨૦૧૬

મોદી સાહેબે ટેલિવિઝન ઉપર થી સંબોધન ચાલુ કર્યું, *બહેનો ઓર ભાઈઓ, આજ રાત બારહ બજે કે બાદ, ૫૦૦ રૂપિયે કે નોટ બંધ. ૧૦૦૦ રૂપિયા કે નોટ બંધ....*

આટલું સાંભળતા જ આખા દેશમાં જાણે કે ભૂકંપ આવ્યો. એવો ભૂકંપ કે જેમાં એક પણ મકાન દુકાન કે બહુમાળી ભવન ન તૂટ્યા, પરંતુ લાખો કરોડો લોકોના દિલ તૂટી ગયા. જેની પાસે પણ મોટી નોટ (એટલે કે બે મિનિટ પહેલા ખોટી થઈ ગયેલી નોટ) હતી તે બધાના બીપી અચાનક વધી ગયા. બીજા લાખ અગત્યના કામો પડતા મૂકીને પણ બધા જ લોકો મોટી નોટ ચલાવવાના ચક્કરમાં પડી ગયા. ચારે બાજુ અફરાતફરી મચી ગઈ.

જોકે બધા માટે તાત્કાલિક તો પ્રોબ્લેમ એ હતો કે રોજના વહીવટ માટે નાની નોટ ક્યાંથી કાઢવી ?  કારણ કે સરકારે તો ૫૦૦ અને ૧,૦૦૦ ની નોટ કેન્સલ કરીને તેની બદલે રૂપિયા ૨૦૦૦ ની નોટ ચલણમાં મૂકી, જેના છુટા મેળવવા માટે પણ અડધું ગામ રખડવું પડતું.

નટુ બેંકમાં પૈસા લેવા ગયો તો તેના ખાતામાં રૂપિયા ચાર લાખની બેલેન્સ હોવા છતા પણ બેંકે તેને ફક્ત રૂપિયા ચાર હજાર જ આપ્યા, અને તે પણ રૂપિયા ૨૦૦૦ ની બે નોટ. આ ૨૦૦૦ રૂપિયાની નોટ વટાવવા નટુએ ઈચ્છા ન હોવા છતાં ચા પીધી અને નાસ્તો કર્યો.

આટલું કરવા છતાં પણ ૨૦૦૦ ના છુટા ન મળ્યા એટલે નટુ અમારા સંકટ સમયના સાથી એવા લાલાને મળ્યો. લાલા પાસે તો આવા બધા પ્રોબ્લેમના ઉકેલ હોય જ. લાલાએ નટુ પાસેથી ?૨,૦૦૦ ની નોટ લીધી અને તેને રૂપિયા ૨૦૦૦ના ૧૦ રૂપિયાના સિક્કા આપ્યા..!

અને લાલાએ બતાવેલા આ ઉપાયે એક નવા જ પ્રકારની હેરાફેરીને જન્મ આપ્યો. લોકો થોડા સમયમાં જ ૧૦ ના સિક્કાથી કંટાળી ગયા. એક તો ગણવાની તકલીફ, સાચવવાની તકલીફ અને સૌથી વધુ તો ખિસ્સામાં ઝાઝા સિક્કા રાખી શકાય જ નહીં. અને બેંકો પણ નોટની જેમ સિક્કા સરળતાથી સ્વીકારે નહીં.

આવા કટોકટીના સમયે જ અફવા ફેલાઈ કે ૧૦ ના સિક્કા પણ નકલી આવે છે.. સોશિયલ મીડિયા ના આ જમાનામાં જંગલની આગની જેમ આ અફવા ચારે બાજુ ફેલાઈ ગઈ અને લોકોએ સિક્કા સ્વીકારવાનું બંધ કરી દીધું. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે દશના સિક્કા સ્વીકારવાની ના પડતા લોકો પાંચના સિક્કા પ્રેમથી સ્વીકારે છે

આ સમયે શશીકાંતભાઈ મશરુ જોવા મિત્રો તો સતત સરકારને સવાલ કરતા રહે છે કે *બેંકો આ ૧૦ રૂપિયાના સિક્કા કેમ ના સ્વીકારે ?*

બેંકોએ થોડા થોડા સિક્કા સ્વીકારવાનું  શરૂ કર્યું તો જોતજોતામાં સરકારી બેંકોમાં લાખો રૂપિયાના સિક્કા ભેગા થઈ ગયા.  કોઈ પાસે સિક્કાની સમસ્યાનો પરફેક્ટ ઉકેલ ન હતો.

જોકે અહીં એક આશ્ચર્ય હતું કે કાઠીયાવાડમાં કોઈ દશના સિક્કા સ્વીકારતું નથી તો અમદાવાદમાં કોઈ પાંચ રૂપિયાની નોટ સ્વીકારતું નથી, બિલકુલ નવી નોટ હોય તો પણ નહીં.

આવા કટોકટીના સમયે લાલાને અમદાવાદ જવાનું થયું. તેણે મેનેજર પાસે રજા માંગી. મેનેજરે રજાની ના  પાડી તો લાલાએ એક સામી લલચામણી ઓફર મૂકી કે, *સાહેબ તમે મને રજા આપો તો હું પાંચ દસ હજાર રૂપિયાના ૧૦ ના સિક્કા મારી સાથે લઈ જઈશ અને અમદાવાદ આપતો આવીશ..!* આ સાંભળીને મેનેજર ગળગળો થઈ ગયો અને હસતા હસતા રજા આપી.

અને લાલાએ પણ કમાલ કરી. તે જામનગરથી લીધેલા સિક્કા અમદાવાદ આપી આવ્યો. અને અમદાવાદની બ્રાન્ચમાં ભેગા થઈ ગયેલા થોડા પાંચ રૂપિયાની નોટના બંડલ જામનગર લઈ આવ્યો..!

લાલાએ શરૂ કરેલી આ નવા પ્રકારની હેરાફેરી, ૧૦ ના સિક્કાની સામે પાંચ રૂપિયાના બંડલ, બેંકને અને લાલાને બંનેને ફાવી ગઈ છે...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh