Advertisement
Author: નોબત સમાચાર

મિટિંગ, મુલાકાત, મુકદમા અને તપાસના તરકટ... બહાનાબાજી! અબ નહીં ચલેગા... જવાબ જરૂર મિલેગા...

ગાજ-વીજના કડાકા ભડાકા સાથે હાલારના બન્ને જિલ્લાઓ સહિત રાજ્યવ્યાપી મેઘવૃષ્ટિ થઈ અને યાત્રાધામ દ્વારકામાં તો નિચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘણાં પરિવારો મુશકેલીમાં પણ મૂકાયા હતાં. એક તરફ ઠેર-ઠેર જલભરાવ અને બીજી તરફ વરસાદ પછીની ગંદકી તથા કાદવ-કીચડની સ્થિતિ ઊભી થતા જામનગર સહિત અનેક સ્થળે પાણીજન્ય, મચ્છરજન્ય, હવાજન્ય ઉપરાંત ગંદકીજન્ય ભયંકર રોગચાળો વધવાનો ખતરો પણ ઊભો થયો છે. રાજ્યમાં ફેલાઈ રહેલા ચાંદીપુરાના રોગચાળાએ પણ હાલારમાં દસ્તક દીધી અને એક શ્રમજીવી પરિવારના માસુમ બાળકનો ગઈકાલે જીવ ગયો અને ગઈકાલ સુધીમાં બીજા ત્રણ બાળકો સારવાર હેઠળ હોવાના સમાચારોએ પણ ચિંતા જગાવી છે.

જામનગરમાં વરસાદ પછીની ગંદકીની તસ્વીરો સાથે અહેવાલો પ્રસિદ્ધ થયા. નગરની રંગમતી-નાગમતી નદીઓમાં તો જાણે કાદવ-કીચડ અને કચરાનું જ પૂર આવ્યું હોય, તેવા દૃશ્યો સર્જાયા. નગરની હોસ્પિટલો તથા આરોગ્ય કેન્દ્રની આજુબાજુમાં જ ફેલાયેલી ગંદકી અને રબડી જેવા કીચડમાં પગપાળા નીકળવું પણ મુશ્કેલ બની ગયું. જામનગરના લગભગ તમામ માર્ગો પર ખાડા-ચીરોડાઓમાં ભરાયેલા પાણીના ખાબોચિયાઓના કારણે વાહનચાલકો પણ પરેશાન થયા, તો પરિવહન પણ અવરોધાયું. સોસાયટી વિસ્તારોમાં તો ભૂગર્ભ ગટર સહિતના વિકાસના કામો પછી ફક્ત ધૂળ-માટીથી બૂરી દેવાયેલા ખોદકામો ખુલ્લા થઈ ગયા અને ભયંકર કાદવ-કીચડ ફેલાયો, તો એ ખાડાઓમાં વાહનોના વ્હીલ ફસાઈ જવાની ઘટનાઓ પણ બની. આ પ્રકારની હાલાકીઓ હોવા છતાં દિલેર નગરજનો 'ગુપચૂપ' ગરમી ઓછી થઈ અને વરસાદ આવ્યો તેનો આનંદ માણી રહ્યા છે, અને એકાદ-બે વખત વિરોધ-પ્રદર્શનો કર્યા પછી વિપક્ષની નેતાગીરી પણ અકળ કારણોસર ચૂપ થઈ ગઈ છે, અને નિંભર તંત્રો તથા સૂસ્ત અને મસ્ત શાસકો-પ્રશાસકો પણ મિટિંગો યોજીને મન મનાવી રહ્યા છે. હકીકતે જમીની વાસ્તવિક્તા નિહાળવા તો માત્ર અખબારોના ફોટોગ્રાફરો અને ટીવી ન્યૂઝ ચેનલોના વીડિયોગ્રાફને જ હડિયાપટ્ટી કરતા જોવા મળી રહ્યા છે. સરકારી સિસ્ટમનો ચેપ ચોતરફ ફેલાવા લાગ્યો હોય તેમ 'હોતી હૈ ચલતી હૈ' અને 'વર્ક ફ્રોમ એ.સી. ઓફિસ ચેમ્બર્સ' તથા 'મિટિંગ્ઝ ઈન એરકન્ડીશન્ડ મિટિંગ હોલ્સ'નું 'અદ્યતન' વર્કીંગ કલ્ચર ચોતરફ પગપેસારો કરી રહ્યું હોય, તેમ જણાય છે.

આ પ્રકારની સમસ્યાઓ હોય કે કોઈ દુર્ઘટના બને, કોઈ ગંભીર ક્રાઈમ હોય, ભાગદોડ થાય, અગ્નિકાંડો સર્જાય કે કૌભાંડો થાય, પ્રવર્તમાન સિસ્ટમ પાસે તેઓ અનુચિત, અયોગ્ય અને અનૈતિક, પરંતુ પૂરેપૂરી રીતે બંધારણીય અને કાયદેસર ગણાય, તેવી રીતે ઢાંકપીછોડા કરવાના ઘણાં બધા નુસ્ખાઓ મોજુદ હોય છે.

દૃષ્ટાંત તરીકે જામનગરમાં પ્રિ-મોન્સુનની કામગીરી માટે ઘણાં સરકારી વિભાગો તથા મનપાએ તોતીંગ ખર્ચા કર્યા, તેમ છતાં જામનગરમાં પ્રારંભિક વરસાદ થતા જ જે બદહાલી થઈ રહી છે, તેના અહેવાલો આવવા લાગ્યા અને દવાખાના-હોસ્પિટલોમાં દર્દીઓની ભીડના દૃશ્યો પ્રકાશિત અને પ્રસારિત થવા લાગ્યા, તેમજ ચાંદીપુરાના દર્દીઓ વધ્યા, તેની સાથે જ મિટિંગોનો ધમધમાટ શરૂ થયો. મનપાથી માંડીને મંત્રી-મહાનુભાવોની મિટિંગો થઈ, તો વિવિધ તંત્રોએ તાકીદની બેઠકો યોજી... પણ જમીન પર કાંઈ જ ફેર પડ્યો નહીં... કોઈ વીવીઆઈપી આવવાનું હોય, ત્યારે જે ઝડપથી સામાન્ય સંજોગોમાં પણ તેઓ પસાર થવાના હોય તે વિસ્તારો સાફસુફ થઈ જાય, તેવી ઝડપથી વરસાદ પછીની અને રોગચાળાની વર્તમાન સ્થિતિમાં કામ થવું જોઈએ, તેના બદલે કોઈ જ હલચલ દેખાઈ નહીં. ચૂંટણીના સમયમાં મતો મેળવવા રાત-દિવસ શેરી-ગલી, મહોલ્લા-સોસાયટીઓમાં દિવસ-રાત દોડતા નેતાઓ જાણે ક્યાં ગાયબ થઈ ગયા... અને બેફિકર બ્યુરોક્રેસી તો સરકારી વાજીંત્ર સમા સરકારી પ્રચાર ખાતા તથા પોતાના પીઆરઓ દ્વારા પ્રેસનોટો પ્રેસ-મીડિયાને મોકલીને સંતોષ માનવા લાગી છે, તેથી નગરજનોમાં પણ તીવ્ર અસંતોષ ફેલાયો છે.

હવે, માત્ર દેખાવ ખાતર એકાદ-બે સ્થળોની મુલાકાત લઈ, મિટિંગો યોજીને કે પ્રેસનોટ પ્રસિદ્ધ કરાવીને લોકોને સંતોષ આપી શકાય તેમ નથી, કારણ કે હવે પબ્લિક જાગૃત થઈ ગઈ છે, અને તે બધું જ જાણે છે, ખરૃં ને?

પ્રવર્તમાન સિસ્ટમ સમસ્યા, ફરિયાદો, દુર્ઘટનાઓ, કૌભાંડો કે ગોબાચારી-ગરબડો માટે ઘણી વખત તપાસના નાટકો કરે, તો ઘણી વખત મિટિંગો યોજે કે પછી દેખાવ ખાતરના નિરીક્ષણો કરવા નીકળે, અસરગ્રસ્તોની મુલાકાતે જાય, પરંતુ તે બધું માત્ર તરકટ જ હોય છે. આ જ પગલાં જો ગંભીરતાથી લેવાય અને મિટિંગો-મુલાકાતો પછી જરૂરી કાર્યવાહી ઝડપભેર થાય, તો તે પરિણામલક્ષી બને. કોઈ તપાસ સમિતિ, એસઆઈટી કે તપાસપંચ પૂરેપૂરી તટસ્થતા અને સક્રિયતાથી નિષ્ઠાપૂર્વક તપાસ કરે, તો જ તેનો હેતુ સરે, પરંતુ હકીકતે મિટિંગ, મુલાકાતો, તપાસના નાટકો માત્ર દેખાવ ખાતર જ થતા હોય છે. બહું ઉહાપોહ થાય તો કોઈને નોટીસ આપીને કે પછી અદાલતમાં મુકદમો કે એફઆઈઆર પછી કાનૂની કાર્યવાહી થાય, અને તે પણ મામલો ઠંડો પડે, ત્યાં સુધી જ ચર્ચામાં રહે છે. આ જ સિસ્ટમથી આપણે બધા પણ ટેવાઈ ગયા છીએ તેમ નથી લાગતું?

જો કે, લોકસભા અને ત પછીની પેટાચૂંટણીઓના પરિણામોએ એ પણ બતાવી જ દીધું છે કે 'ગૂપચૂપ' સહન કરતી જનતા પાસે એવી લોકતાંત્રિક તાકાત છે કે તે ભલભલાના પાણી ઉતારી શકે છે, તેથી બહાનાબાજી છોડો... અબ નહીં ચલેગા..., નહીં સુધરેગા ઉસે જવાબ ભી જરૂર મિલેગા... ઈવીએમ સે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh