Advertisement
Author: નોબત સમાચાર

સુદર્શન સેતુની સ્થિતિ... સોનાની થાળીમાં લોઢાની મેખ...

ગઈકાલથી બેટદ્વારકાને જોડતો સુદર્શન બ્રીજ રાજ્યભરમાં તો ચર્ચાનો વિષય બન્યો જ છે, પરંતુ તેના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. બીજી તરફ ભારે વરસાદ પછી હાલારના ઘણાં માર્ગો બંધ થઈ ગયા અને નગરપાલિકા ધરાવતું જામ-રાવલ ચારે તરફ પૂરના પાણીથી ઘેરાઈ જતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ હોવાના અહેવાલો છે, તેવી જ રીતે ઘણાં વિસ્તારો જળબંબાકાર થયા છે, તથા મોટાભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા છે.

રાવલ નજીક એક તરફથી વર્તુ નદી અને બીજી તરફથી સાની નદીનું પાણી એકઠું થતું હોવાથી વર્ષોથી ઊભી થતી આ પ્રકારની સ્થિતિ નિવારવા કોઈ કાયમી ઉપાયો થવા જોઈએ, ખરૃં કે નહીં?

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકારને આડે હાથ લીધી હોવાના અહેવાલો છે. તેમણે ગુજરાતના ભ્રષ્ટાચારના મોડેલની સોશ્યલ મીડિયાના માધ્યમથી કરેલી ટીકા અને તેના અપાઈ રહેલા જવાબો પછી રાજકારણ ગરમાયું છે. અમિત ચાવડાએ બેટદ્વારકાને જોડતા સુદર્શન બ્રીજમાં પડેલ ગાબડા અને તીરાડોને ટાંકીને ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.

હકીકતે ઓખાથી બેટદ્વારકા જવા માટે રૂ.  ૯૭૯ કરોડ જેટલા જંગી ખર્ચે દરિયામાં બંધાયેલા સુદર્શન બ્રીજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધમાકેદાર લોકાર્પણ કરાયું હતું, પરંતુ તેને પાંચ જ મહિના થયા છે, ત્યાં જ તેમાં પડેલા ખાડા તથા તીરાડોના અહેવાલો પ્રેસ-મીડિયાના માધ્યમથી ગઈકાલે વહેતા થતા જ એક તરફ દરિયામાં બંધાયેલા આ બ્રીજ પરથી દર્શનાર્થે જતા યાત્રિકો તથા સ્થાનિક રહીશોમાં ગભરાટ-ઉચાટ વર્તાયો હોવાની વાતો વહેતી થઈ, તો બીજી તરફ તેના રાજકીય પડઘા પણ પડ્યા છે. બહુહેતુક નજરાણા સમા આ બ્રીજમાં ગાબડું-તીરાડો પડે તે સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન ન ગણાય?

આ પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવાયો હતો અને વસ્તવમાં તેઓ મુખ્યમંત્રી હતાં, ત્યારથી જ આ બહુહેતુક બ્રીજ માટે તેમણે પ્રક્રિયા શરૂ કરાવી હતી, પરંતુ આ ડ્રીમ પ્રોજેક્ટના નિર્માણ પછી તેમાં પડેલા ગાબડા-તીરાડોએ એ પૂરવાર કરી દીધું છે કે, ભ્રષ્ટાચારનો ભોરીંગ કેટલો મજબૂત છે, અને વ્યાપક છે. આ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાથી તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તો તે ગંભીર ગણાય, તેથી જ રાજ્યના ભાજપના ઉચ્ચ વર્તુળોમાં પણ ઘેરા પડઘા પડ્યા છે, અને દ્વારકા અને જામનગરથી ગુજરાતની રાજધાની ગાંધીનગર અને દેશની રાજધાની દિલ્હી સુધી આ મુદ્દે તત્કાળ ટેલિફોનિક રજુઆતો થઈ હશે ને?

લોકોને આ અહેવાલો પછી વધુ ગભરાટ એટલા માટે થયો કે જે કોન્ટ્રાક્ટર કંપનીએ આ બ્રીજનું નિર્માણ કર્યું છે, તે જ સિંગલા કન્સ્ટ્રક્શન દ્વારા નિર્માણ થયેલો ગંગાનદી પરનો એક પુલ પણ ધરાશાયી થઈ ગયો હતો, લાંબા અને મોટા પુલો બનાવવા માટે જાણીતી આ કંપની મૂળ હરિયાણાની હોવાનું કહેવાય છે, અને તેના દ્વારા નિર્માણ થયેલો બિહારનો પુલ ધરાશાયી થયો, તે સમયે સુદર્શન સેતુનું કામ ચાલી રહ્યું હતું, તેથી એવા સવાલો પણ ઊઠી રહ્યા છે કે જો આ કંપનીએ અન્ય રાજ્યમાં કરેલા કામો નબળા પૂરવાર થયા હોય, તો બીજા રાજ્યમાં તેને નવા કામો કેવી રીતે મળી શકે? એટલું જ નહીં, બિહારમાં ગંગાનદી પરનો પુલ ધરાશાયી થયો હોવા છતાં પણ દરિયામાંનું એ જ કંપની દ્વારા બંધાઈ રહેલા પુલની ગુણવત્તાને લઈને ચોક્કસાઈ કેમ રાખવામાં ન આવી? જો એ સમયે જ તકેદારી રખાઈ હોત તો પહેલા વરસાદમાં જ દરિયા પરના આ બ્રીજની આ હાલત થઈ ન હોત.

આ ગંભીર મુદ્દો છે. આ બ્રીજ ઊંડા દરિયા પર બંધાયેલો છે અને તેના પરથી દરરોજ હજારો લોકો અને સેંકડો વાહનો અવર-જવર કરી રહ્યા છે, તેથી આ પુલનો કોઈ હિસ્સો ધરાશાયી થઈ જાય, તો પણ સંખ્યાબંધ લોકો પર ડૂબી જવાનો ખતરો ઊભો થાય તેમ છે. આ કારણે અહીં તાલીમબદ્ધ, તરવૈયાઓ સાથેની એનડીઆરએફની એક ટીમ કાયમી ધોરણે તૈતાન રાખવી જોઈએ. તેવું સૂચન પણ થઈ રહ્યું છે, અને આ મુદ્દે કેન્દ્રિય કક્ષાએ નોંધ લેવાઈ અને 'નોબત'માં અહેવાલ પ્રસિદ્ધ થયા પછી તેના પડઘા પડ્યા, અને તંત્ર દોડતું થયું. મરામતની કામગીરી શરૂ કરાઈ, પરંતુ આ બ્રીજ કેન્દ્ર સરકાર હેઠળ હોવાથી રાજ્ય સરકારના તંત્રો લાચારી વ્યક્ત કરી રહ્યા હોવાની વાતો પણ વહેતી થઈ એવા સવાલો પણ ઊઠ્યા કે જો કેન્દ્ર સરકાર દ્વારા નિર્માણ થતાં તમામ બ્રીજ માટે રાજ્ય સરકારના તંત્રએ હાથ ઊંચા કરી દેતા હોય તો ન કરે નારાયણ ને કોઈ સ્થળે સંભવિત કરૂણ દુર્ઘટના થાય તો તે પછીના રાહત-બચાવવાનું કામ કરવા માટે પણ કેન્દ્રના નિર્દેશોની રાહ જોવી પડે?

એવું કહેવાય છે કે, જિલ્લાના કલેક્ટર તંત્રે એજન્સી પાસેથી આ અંગેનો રિપોર્ટ માંગ્યો છે, ત્યારે સવાલ એ ઊઠે કે એજન્સીએ સરકારને આ બ્રીજ સુપ્રત કરી દીધો હોય, તે પછી આ પ્રકારના ગંભીર મુદ્દે કેન્દ્રના સંબંધિત વિભાગે તત્કાળ દોડવું ન જોઈએ? આ બ્રીજ નેશનલ હાઈ-વે ઓથોરિટી હેઠળ હોય કે અન્ય કોઈ વિભાગ સંકળાયેલો હોય, તો પણ હજારો લોકોની જિંદગી સાથે સંકળાયલા મુદ્દે પણ 'બાઈ બાઈ ચારણી દે... ઓલા ઘરે જા' જેવી ચીલાચાલુ માનસિક્તા અપનાવાઈ રહી હોય તો તે પૂરવાર કરે છે કે 'ખોખલી' સિસ્ટમ પાસે 'મજબૂત' ગણાતી સરકારો પણ કેટલી લાચાર છે?!

આ મુદ્દો એનડીએના સાથીદાર નીતિશ કુમારના રાજ્યમાં ધરાશાયી થયા ડઝનેક બ્રીજને સાંકળીને આજે સંસદના ગલિયારા સુધી પડઘાયેલો છે, અને 'મોદીના ગુજરાતનું ભ્રષ્ટાચાર મોડલ'- જેવા શબ્દપ્રયોગો થઈ રહ્યા છે, ત્યારે તંત્રો લૂલો બચાવ કરી રહ્યા છે, તો વિપક્ષો જવાબદાર ઈજારેદાર કંપનીને નહીં, પરંતુ તેને પ્રમાણિત કરનાર સંબંધીત ઈજનેરો તથા અધિકારીઓ સામે પણ કડક કદમ ઊઠાવવા અને આ કંપનીને બ્લેકલિસ્ટ કરવા સુધીની માંગણી ઊઠાવે, તો તેમાં ખોટું શું છે? તેવા સવાલો સાથે જનાક્રોશ જ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ રાવલમાં હોડીઓ ફરતી થઈ અને નિચાણવાળા વિસ્તારો ડૂબ્યા હોય, ત્યારે હવે સાની ડેમના નવનિર્માણના કામમાં ઝડપ આવે અને આવતા ચોમાસા પહેલા પુલ બંધાઈ જાય તેવી માંગણી વધુ તીવ્ર બની રહી છે. હાલારમાં જ્યાં જ્યાં માર્ગો બંધ થયા છે, ત્યાં ત્યાં હાલમાં ઝડપભેર મરામત અને ભવિષ્યમાં આવી સ્થિતિ ઊભી થતી અટકાવવા કેટલાક કોઝ-વે, પુલ ઊંચા લેવા જરૂરી હોવાની લોકલાગણી પણ સંભળાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh