Advertisement
Author: નોબત સમાચાર

જે કહ્યું છે તે કરવું પડશે... પરિણામલક્ષી બનવું જ પડશે... માત્ર ફોટોસેશન નહીં ચાલે, 'ગુલામી'માંથી બહાર નીકળવું જ પડશે...

જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટીએ ભૂગર્ભ ગટરોની સાફસફાઈની ફરિયાદો મનપાનું તંત્ર સ્વીકારે, સાંભળે અને તેનો નિકાલ કરે, તથા આ કામ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓના ભરોસે છોડવામાં ન આવે, તે પ્રકારનું જે વલણ અખત્યાર કર્યું છે, તેને લોકલક્ષી નિર્ણય ગણાવવામાં આવી રહ્યો છે. આ જ પ્રકારનું સૂચન 'નોબત'ના તંત્રીલેખ તથા અહેવાલોમાં વારંવાર કરાતું હતું અને તે પ્રકારના લોકપ્રત્યાઘાતો પણ સંભળાતા હતાં. વિકાસના કામો કોન્ટ્રાક્ટરો કરે, તે સમજી શકાય, પરંતુ સફાઈ અને માળખાકીય સેવાઓ (મૂળભૂત અને જીવન જરૂરિયાતની સેવાઓ) કોન્ટ્રાક્ટરોના ભરોસે ન છોડી શકાય, તેવી તકેદારી તંત્રો જો કાયમી ધોરણે રાખે તો કદાચ પ્રવર્તમાન અસંતોષ અને નગરજનોની નારાજગી ઘટી પણ જાય!

માત્ર ફરિયાદો કોન્ટ્રાક્ટરના સ્ટાફના બદલે તંત્ર દ્વારા નોંધવા કે સાંભળવામાં આવે, તેથી નહીં ચાલે, પરંતુ ફરિયાદોના સ્વરૂપ પ્રકાર અને જરૂરિયાત મુજબ તેનો તત્કાળ ઉકેલ આવે, તે જરૂરી છે. કોઈપણ ફરિયાદ આવે, તે 'અમારામાં આવતું નથી' તેમ કહીને ફરિયાદ ફાઈલ કરી દેવા, પરત કરી દેવા કે લટકતી રાખવાના બદલે, જેને એ ફરિયાદ લાગુ પડતી હોય, તે તંત્ર તરફ તાકીદે સંબંધિત ઈજનેરને સક્ષમ અધિકારી દ્વારા જ મોકલી દેવાય, અને તેની જાણ અરજદારને કરાય, તેવી સિસ્ટમ સુધારણા ન થઈ શકે?

અત્યારે અદ્યતન ટેકનોલોજીના યુગમાં અને લોકોની વ્યસ્ત જિંદગીમાં કોઈ ફરિયાદ (અરજી) લખી કે લખાવીને મનપામાં પહોંચાડે અને તે ઈન્વર્ડ થાય, જે-તે ટેબલ પર જાય અને પછી તેના પર યોગ્ય કાર્યવાહી થાય, તેવી અંગ્રેજોના વખતની સિસ્ટમો હવે ચાલે તેમ નથી. હવે તો તેમાંથી બહાર આવો!

જો કે, હવે મોબાઈલ સેલફોન દ્વારા ફરિયાદ નોંધાવવાની સિસ્ટમ કેટલીક સેવાઓમાં મોજુદ છે, પરંતુ તેના ઉકેલની સિસ્ટમ એ જ જુના જમાનાના રગશિયા, ગાડા જેવી છે, જેથી સોશ્યલ મીડિયાનો સદુપયોગ કરીને તેમાં મૂળભૂત સુધારા થઈ શકે છે.

આપણા ઘરની છતમાં ચૂવાક થતો હોય અને તે એકાદ રૂમ ઉપરાંત રસોડામાં પણ થતો હોય, અને આપણે ધ્યાનમાં આવ્યું ન હોય, અને રીપેરીંગ વખતે ધ્યાનમાં આવે, તો રસોડાનો ચુવાક પણ બંધ કરી દઈએ, અથવા આખી છતમાં વોટરપ્રૂફીંગ પેઈન્ટ કરાવી લઈએ છીએ, તેવી જ રીતે કોઈ સ્થળેથી ગટર છલકાવાની, પાણીનું લીકેજ હોવાની, એકાદ થાંભલે વાંધો હોવાથી કોઈના ઘરમાં વીજળી પુરવઠો બંધ થવાથી, ગંદકી કે કચરાના ઢગલાની, ખાડો કે ચિરોડો પડ્યો હોવાની કે પછી વૃક્ષ કે થાંભલો જમીનદોસ્ત થવાની વ્યક્તિગત ફરિયાદ આવે, ત્યારે તેની મરામત માટે ગયેલી કોઈપણ વિભાગ, તંત્ર કે કોન્ટ્રાક્ટરની ટીમે તે શેરી-ગલી, મહોલ્લામાં-આજુબાજુમાં આવી જ ફરિયાદ હોય કે ટીમની નજરે પડે, તો તેની સામે ચાલીને સ્વયંભૂ મરામત કરી દેવી જોઈએ, પરંતુ કમનસીબે તેવું થતું હોતું નથી.

અત્યારે તો કોઈ વ્યક્તિ ભૂગર્ભ ગટરની ફરિયાદ કરે તો તે વ્યક્તિની ફરિયાદનો માંડ માંડ નિકાલ (ઉકેલ?) થાય, પરંતુ તેના પડોશીએ સમાન પ્રકારની તકલીફ માટે અલગ ફરિયાદ નોંધાવી હોય તો જ તેની મરામત થાય, તેવી વર્તમાન ૧૮ મી સદીથી પણ બદતર સિસ્ટમ છે. વીજકંપનીમાં કે સ્ટ્રીટલાઈટ અંગે જે નાગરિકે ફરિયાદ કરી હોય, તેને ત્યાં જ વહેલા મોડી ટીમ પહોંચે, પરંતુ તેની તદ્ન પડોશમાં આ જ પ્રકારની તકલીફ હોય, તો એવું કહેવામાં આવે કે પહેલા ફરિયાદ નોંધાવો, પછી ટીમ આવશે... આવું દરેક મૂળભૂત સેવાઓમાં થતું હોય છે... બોલો...

આ પ્રકારની માનસિક્તાથી એક તરફ તો તંત્રનું કામ બેવડાય છે, બીજી તરફ લોકોની તકલીફો વધે છે, જે ધીમે ધીમે અસંતોષ અને નારાજગીમાં ફેરવાય છે, અને ગમે તેટલી લોકલક્ષી યોજનાઓ હોય છતાં શાસકો પ્રત્યેનો જનાક્રોશ પણ વધે છે, કારણ કે તેઓ અકળ કારણોસર (બધું જાણતા હોવા છતાં) આવું લોલંલોલ ચલાવી લેતા હોય છે!

અંગ્રેજો તો ભારતીયોને ગુલામ જ સમજતા હતાં, અને એ કારણે જ વીઆઈપી કલ્ચર પણ સર્જાયું હતું, જેમાં સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ માટે અલગ વ્યવસ્થાઓ તથા બ્રિટીશ અધિકારી-કર્મચારીઓ માટે અલગ વ્યવસ્થા હતી, તેમ કહેવાય છે. કદાચ, આપણે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે પણ હજુ આપણા તંત્રો અને શાસકો (વારાફરતી) પણ ગુલામીની માનસિક્તા તથા વીઆઈપી કલ્ચરમાંથી બહાર આવ્યા હોય તેમ જણાતું નથી., તફાવત માત્ર એટલો જ છે કે રૈયત (જનતા) એ ની એ જ રહી છે, પરંતુ અંગ્રેજોનું વીઆઈપી કલ્ચર આપણાં તમામ નેતાઓ-શાસકોએ અપનાવી લીધું છે, જે માત્ર લાલ લાઈટો ફાળવવાથી દૂર નહીં થાય, સમગ્ર સિસ્ટમને ધરમૂળથી સુધારવી પડે તેમ છે, સાચી વાત છે ને?

જામનગરમાં કોલેરાનો ઉપદ્રવ વધતા જાહેરનામા પ્રસિદ્ધ થઈ રહ્યા છે, અને ચાંદીપુરામાં ત્રણ બાળકોના જીવ ગયા છે, ત્યારે તંત્રો સફાળા જાગ્યા અને કેટલાક વિસ્તારોમાં ટીમો પહોંચી પણ ખરી... પરંતુ આ બધું રિહર્સલ પછીના ત્રિઅંકી નાટક જવું નથી લાગતું?... જેમાં વચ્ચે વચ્ચે પ્રહસનના એપિસોડ ભજવાતા હોય છે!

હવે જામનગરમાં વિપક્ષની મોજુદગી હોય તેવું લાગે છે, કારણ કે એકાદ-બે એક્ટિવ અને જાગૃત કોર્પોરેટર અને નેતાઓ ઉપરાંત હવે લોકોને જોડીને બુનિયાદી અવાજ ઊઠાવવા અન્ય વિપક્ષી નેતાગણ પણ આગળ આવવા લાગ્યો છે. નગરના વોર્ડ નં. ૬ ની સોસાયટીઓ-ટાઉનશીપોમાં શેરી-ગલ્લીઓથી લઈને રીંગરોડ સુધીના તમામ માર્ગો પર પડેલા ભૂવા (મોટા મોટા ખાડા) ભૂગર્ભ ગટરના કામોમાં વેઠ, વિવિધ વિકાસકામો માટે થયેલા ખોદકામ પછી તેને માત્ર ધૂળ-માટીથી બૂરી દેવાયા હતાં, ત્યાં વરસાદ પછી લપસણી ભૂમિ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય, દુર્ગંધ-ગંદકીની પરાકાષ્ટા સાથે ખાડાઓ પડી જતા ઊભી થયેલ સ્થિતિનો અઠવાડિયામાં ઉકેલ નહીં આવે, તો આ વિસ્તારના કોર્પોરેટરો લોકોને સાથે રાખીને મહાનગરપાલિકા સામે મોરચો માંડશે અને ગાંધીચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ કરશે, તેવી ચિમકી પણ આપવામાં આવી છે, અને તે મતલબનું આવેદનપત્ર મ્યુનિ. કમિશનરને સોંપ્યું છે.

હવે જો અઠવાડિયામાં તંત્રો પૂરેપૂરી સફાઈ, માર્ગોની મરામત અને તમામ ફરિયાદોનો ઉકેલ નહીં લાવે તો 'ભૂખ હડતાલ' શરૂ થશે. અહીં આવેદનપત્ર આપનારાઓનો પણ લિટમસ ટેસ્ટ થવાનો છે. માત્ર તંત્ર કામ શરૂ કરે તેથી સંતોષ માનવાના બદલે ફરિયાદોના સંતોષકારક ઉકેલ લાવવામાં ન આવે, તો આંદોલન કરવું જ પડશે, અન્યથા લોકો આને પણ 'ફોટોસેશન' જ માનશે, ખરૃં કે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh