Advertisement
Author: નોબત સમાચાર

પોપટ-કોયલ બોલ, થોડો પણ લાગે ભલો વૃથા ગુમાવે તોલ, બહુ બોલીને દેડકાં

ચંચળતા, ચાંપલુસી તથા ચપળતા-ચતૂરાઈ વચ્ચેની ભેદરેખા સમજવી પડે ને?

ડ્રાઉં... ડ્રાઉં... ડ્રાઉં... એવો દેડકાઓનો અવાજ ચોમાસાની ઋતુમાં વધુ સાંભળવા મળે. કેટલીક વનસ્પતિ પણ ઋતુ મુજબ ઉગે, કેટલાક ફળો પણ ઋતુઓ મુજબ જોવા મળે, તેવી જ રીતે કેટલાક જીવો પણ વિવિધ ઋતુમાં વધુ ખીલી ઊઠે, અને તેમાં પણ વર્ષાઋતુ તો પ્રસન્નતાની પરાકાષ્ટાનો પર્યાય જ ગણાય.

પોપટ અને કોયલ

પોપટ અને કોયલ બોલે તો મીઠું લાગે, જો સતત પોપટ બોલે કે કોયલ ટહૂકા કર્યા કરે તો પણ તેની બોલી મીઠી લાગે. કોઈ પક્ષીપ્રેમી ન હોય તો પણ પોપટની બોલી અને કોયલના ટહૂકા થોડા-ઘણાં પણ તેને ગમે ખરા, પરંતુ ચોમાસામાં સતત ડ્રાઉં...ડ્રાઉં કરતા રહેતા દેડકાં કોઈને ય ગમે નહીં.

એક કવિએ કહ્યું છે કે, દેડકાં બહું બોલીને પોતાનું મૂલ્ય ગુમાવે છે, એટલે કહેવાયું છે કે વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકાં...

સ્વમાન સૌને વાહલું

બહુ બોલ બોલ કરતા રહેતા લોકોની વાતની બહુ ગંભીરતા રહેતી નથી. અવારનવાર સાચું-ખોટું બોલ્યા કરવા જેવી હરકત હંમેશાં વિશ્વસનિયતા ગુમાવવાનું કારણ બને છે, અને કોઈની ઉપર સતત ટક-ટક કર્યા કરવાથી કે ટોક્યા રાખવાથી આદર અને સન્માન ગુમાવવાનો વારો પણ અવે છે, કારણ કે સ્વમાન બધાને વહાલું હોય છે અને મજબૂરીમાં કદાચ સતત અપમાન કોઈએ સહન કર્યું હોય, તો પણ તેના ગંભીર પરિણામો થતા આવી શકે છે. આ પ્રકારે મજબૂરીમાં કે સૌજન્યતાથી જો લાંબા સમય સુધી અપમાન સહન કરવામાં આવ્યું હોય, તો એક સીમા પછી પરાકાષ્ટા આવે, ત્યારે સ્પ્રીંગની જેમ ઉછળી પણ શકે છે. કોઈપણ ક્ષેત્રે સફળ થવા માટે ઘણાં લોકો ચંચળતા અને ચાંપલુસીનો સહારો લેતા હોય છે અને ઘણાં લોકો ચપળતા, ચાલાકી, ચતૂરાઈના સહારે સફળતા મેળવાનો પ્રયાસ કરતા હોય છે. ચાંપલુસી અને ચંચળતા તથા ચપળતા-ચાલાકી અને ચતૂરાઈ વચ્ચે ઘણો જ બારીક ફરક હોય છે, તે માનવું ભૂલભરેલું છે, કારણ કે વાસ્તવમાં આ બધી જ પ્રકારની નિપુણતાઓનો પોઝિટિવ અને નેગેટીવ-બન્ને પ્રકારનો ઉપયોગ થઈ શકતો હોય છે. તેથી જ આ તમામ પ્રકારની ખૂબીઓ અને ખામીઓ વચ્ચે આસમાન-જમીનનો તફાવત હોય છે.

વખાણ જાહેરમાં-ઠપકો ખાનગીમાં

માહિતી ખાતાની ટ્રેનિંગ દરમિયાન મારે ઘણી વખત ખાતાકીય ટ્રેનિંગ માટે (જીઁૈંજીઁછ) સ્પીપા-અમદાવાદમાં જવાનું થતું હતું અને તે જુદા જુદા વિષયો પર જે ટ્રેનિંગ અપાતી હતી, તે અમારી નોકરીની ફરજોમાં જ નહીં, પરંતુ સમાજજીવન અને પારિવારિક દૃષ્ટિએ પણ ઘણી જ ઉપયોગી પૂરવાર થતી હતી. તેમાં ઘણું બધું શીખ્યા, અને ઘણું બધું મેળવ્યું, અને તેમાંથી ઘણી બધી એવી સ્મૃતિઓ સચવાઈ છે, જે આજે પણ પથદર્શક બની રહી છે.

એ ટ્રેનિંગ દરમિયાન એક ફેકલ્ટીએ કામ કરવું અને કામ લેવું, જ્ઞાન દેવું અને જ્ઞાન મેળવવું તથા સહયોગ લેવો અને સહયોગ આપવો- એ તમામ પ્રકિયાઓ અદ્ભુત રીતે સમજાવી હતી.

વિવિધ પ્રકારના સંચાલન-મેનેજમેન્ટ માટે જરૂરી કૌશલ્ય સમજાવતા તેમણે કહ્યું હતું કે કોઈ સબ-ઓર્ડિનેટની ભૂલ થઈ હોય, ત્યારે તેને ઠપકો ક્યારેય કોઈ ત્રીજી વ્યક્તિની હાજરીમાં આપવો નહીં, કારણ કે તેમ કરવાથી તેનું સ્વમાન ઘવાતું હોય છે. તેમાં પણ જાહેરમાં તો કોઈને ય અપાતો ઠપકો તેના સ્વમાન પર પ્રહાર સમો હોય છે, અને તે છૂપી કડવાશ ધીમે ધીમે વિષ સમાન બનતી જતી હોય છે. આપણી સાચી વાત હોય તો પણ તેને એકાંતમાં જ કહેવી જોઈએ, કારણ કે તેમ થવાથી આપના સબ-ઓર્ડિનેટ કે તાબાના કર્મચારીનું સ્વમાન પણ સચવાઈ જશે અને તેને ભૂલ સુધારવાનો મોકો પણ મળતો હોય છે, તેથી ઠપકો બને ત્યાં સુધી કોઈની હાજરીમાં કોઈને આપવો ન જોઈએ.

એ ફેકલ્ટીએ સમજાવ્યું હતું કે કોઈની કામિયાબી કે સારા કામની પ્રશંસા તેની સાથે એકાંતમાં શેર કરવામાં હરકત નથી, પરંતુ જો તેની પ્રશંસા કોઈની હાજરીમાં થાય, તો આપના આસિસ્ટન્ટ કે સબ-ઓર્ડિનેટરને તે ગમશે. જો જાહેરમાં વાસ્તવિક અને યોગ્ય રીતે કોઈની પ્રશંસા કરવામાં આવે તો તે ઘણી વખત 'ટોનિક'નું કામ કરતી હોય છે. બસ, એ જ ખ્યાલ રાખવો પડે કે પ્રશંસાથી તે એટલા પ્રમાણમાં ફૂલાઈ ન જાય કે તેને ઘમંડ આવી જાય, અને એ વાતનો પણ ખ્યાલ રાખવો પડે કે જો પ્રશંસા કરવામાં અતિરેક થઈ જાય તો તે પછી અન્ય સહકર્મીઓને તેની અદેખાઈ ન થઈ જાય, કારણ કે એવું થવાથી જે માહોલ ઊભો થાય, તે એકંદરે સંસ્થા કે કંપનીને જ હાનિકર્તા બની શકે છે. આમ, દરેક વાતની સિક્કાની બે બાજુ હોય છે. વખાણ અને ટીકા, યોગ્ય રીતે, યોગ્ય સમયે, યોગ્ય સ્થળે અને યોગ્ય માહોલમાં થાય, તો જ તેના સારા ફળ મળે, અન્યથા તદ્ન ઉલટા પરિણામો પણ આવી શકે છે.

ખુશામત સબ કો પ્યારી

'ખુશામત તો ખુદા કો ભી પ્યારી હોતી હૈ' એવી એક તલપદી પ્રચલિત કહેવત છે. ઘણાં લોકો પોતાનો ઉલ્લુ સીધો કરવા ખુશામતખોરી એટલે કે બિનજરૂરી તથા સાચી-ખોટી પ્રશંસા કરતા રહે છે, તો બીજી તરફ કામ લેનાર વ્યક્તિને પણ પ્રશંસા અને 'હાજીહા' કરનારા સહકર્મીઓ કે તાબાના કર્મચારીઓ વધુ ગમતા હોય, ત્યારે તેને 'ચાંપલુસી' કરી કહેવાય છે. આવી ચાંપલુસીને તળપદી ભાષામાં 'ચમચાગીરી' પણ કહેવાય છે.

જો કે, આ કોઈ ગુપ્ત વાત નથી, લગભગ તમામ લોકોને ચાંપલુસી અથવા ખોટી ખુશામત એટલે શું, તે ખબર જ હોય છે, અને પોતાના ઉપરી, પરિવારના વડા, સંસ્થાના વડા કે અધિકૃત વ્યક્તિ પાસેથી પોતાનું કામ કઢાવવા ઘણાં લોકો આ 'શોર્ટકટ' અપનાવતા પણ હોય છે, પરંતુ તે લોકો જ પોતાની સાથે થતી આ જ પ્રકારની ખુશામતખોરી, ચમચાગીરી કે ચાંપલુસીને ઓળખી શકતા હોતા નથી, તે પણ એક હકીકત જ છે ને?

ચંચળતાના સંદર્ભે સિક્કાની બે બાજુ

ચંચળતા સંદર્ભે બે પાસા છે. ઘણી વખત પોતાના રંગરૂપ, સ્વરૂપ, દેખાવ, ફિઝિકલ પર્સનાલિટીથી પ્રભાવિત કરીને સામેની વ્યક્તિ પાસેથી કામ કઢાવી લેવાનું કૌશલ્ય પણ ઘણાં ભાઈ-બહેનો અપનાવતા હોય છે, અને તેમાં કામ લેનાર તથા કામ કરનાર બે બન્ને વર્ગોનો સમાવેશ થઈ જાય છે. જાતિય એટલે કે સેક્સ્યુલ ચંચળતાની અહીં વાત નથી, પરંતુ મિથ્યા પ્રભાવ ઊભો કરીને કામ કઢાવી લેવાનું કૌશલ્ય પણ ઘણાં લોકોમાં હોય છે, તો ઘણાં લોકો વાકચાતૂર્યથી સામેની વ્યક્તિને આંજી દેતા હોય છે. આ પ્રકારની નિપુણતા ધરાવતા લોકોથી કામ લેનાર તથા કામ કરનાર-બન્ને પ્રકારના લોકોએ ખૂબ જ સાવધ રહેવું જરૂરી હોય છે.

સિક્કાની બીજી બાજુ એવી છે કે ઘણાં લોકો કામ કરવામાં પણ ચંચળ હોય છે, અને એ સંદર્ભમાં 'ચપળતા'ને ચંચળતાનો પર્યાય (સમાનાર્થી) સમજવામાં આવે છે. કામ કરવાના ઝનૂન અથવા ચોક્કસ ઢબે જ કામ કરવાની મનોવૃત્તિને પણ ચંચળતા કહે છે. આ વિષય ઘણો જ ગહન છે, તેની પછી ક્યારેક ચર્ચા કરીશું.

કામ કરનારની રૂચિ-આવડત પીછાણો...

મારી ત્રીસેક વર્ષની સરકારી નોકરીમાં હેડ ઓફ ધ ઓફિસ તરીકે એકંદરે સેંકડો કર્મચારીઓ પાસેથી કામ લીધું હતું. એ સમયે કર્મચારીઓની સમકક્ષ થઈને અને તેમની કેડર કરતા યે તેમની રૂચિ અને આવડત પારખીને કામ લેવાનો હંમેશાં પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મને ઘણાં સારા-માઠા અનુભવો પણ થયા હતાં, પરંતુ એકંદરે કામ કરનારનું પૂરેપૂરૂ માન-સન્માન જાળવીને સમાન પ્રકારનો વ્યવહાર કરીને, તેની રૂચિ અને આવડત પીછાણીને તેની પાસેથી કામ લેવાનું વલણ મને વધુ ફળદાયી અને ઉપયોગી જણાયું હતું, જો કે સરકારી વ્યવસ્થા અને તેમની પોસ્ટ મુજબનું મૂળભૂત કામ તો કરવું જ પડે, તે ઉપરાંત બધા લોકોને બધી પ્રકારના કામનો પ્રાથમિક મહાવરો તો હોવો જ જોઈએ, તે પ્રકારની નીતિ નિર્ધારિત કરીને તેમાં કામ કરવાની રૂચિ, મનોવૃત્તિ, માનસિક્તા, શારીરિક ક્ષમતા અને તેમનામાં છૂપાયેલી અન્ય શક્તિઓનો ઉપયોગ કરીને તેને અનુકૂળ થવાનો પ્રયાસ કરવાથી મને ઘણાં સારા પરિણામો પણ મળ્યા હતાં.

ચતુરંગી ચતુરાઈ

ચતુરાઈ તો ચતુરંગી હોય છે. ખૂબ જ હોશિયાર, ચતુર અને ચાલાક વ્યક્તિને ચતુરાઈ કરતી વખતે જો સાકારાત્મક અનુભૂતિ થાય, તો તે ચતુરાઈ ચમકદાર અને સુફળ અપનાવી હોય, પરંતુ જો આ જ ચતુરાઈની પાછળ કોઈ મલિન ઈરાદો હોય, તો તેને અસ્વીકૃત તથા અયોગ્ય ગણાવી પડે. ચતુરાઈનો ત્રીજો રંગ વાક્ચાતુર્ય સાથે સંકળાયેલ છે, જ્યારે ચતુરાઈનો ચોથો રંગ દંભ, છેતરપિંડી અને ડ્રામેટિકલ હોય છે.

ભેદરેખા સમજવી પડે

આમ ચંચળતા, ચાંપલુસી તથા ચપળતા અને ચતુરાઈ વચ્ચેની ભેદરેખા જ નહીં, પરંતુ આ ચારેય શબ્દો અને તેના સમાનાર્થી શબ્દોના સંદર્ભે અને સંકેતો સમજીને જ તેની વચ્ચેના ગહન તફાવતોને સમજવા પડે, સરળ શબ્દોમાં કહીએ તો ચેતતા નર સદા સુખી...

વિનોદ કોટેચા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh