Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ત્રણ-ચાર દિ'થી વરસાદે હાલારમાં વિરામ લીધો હતો. વરાપ નીકળતા ખેડૂતો ખેતીકામમાં લાગ્યા, ભક્તજનો શ્રાવણમાં શિવપૂજન અને યજ્ઞયજ્ઞાદિની તૈયારી કરવા લાગ્યા, તો સંસદમાં બજેટસત્ર દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષો વચ્ચે સટાસટી બોલી રહી છે. ગુજરાતમાં ભારે વરસાદ પછી સર્જાયેલી સ્થિતિને લઈને મંત્રી-મહોદયો અને ઉચ્ચ અધિકારીઓ શ્રેણીબદ્ધ મિટિંગો યોજી રહ્યા છે, તો અનેક પ્રકારની મુશ્કેલીઓ તથા સમસ્યાઓનો સામનો કરતી રૈયત (જનતા) પરેશાન છે. ખાસ કરીને શાસન-પ્રશાસનની કાર્યપદ્ધતિ તથા રીતિનીતિ સામે સવાલો ઊઠી રહ્યા છે, તો બીજી તરફ ઠેર-ઠેર સડકોના ધોવાણ,માર્ગોની બદહાલત તથા પુલો-પુલિયાઓ પર ગાબડા, ભૂવા, ખાડાઓના કારણે જબરો જનાક્રોશ પ્રજ્જવલિત થયેલો જણાય છે.
બેટદ્વારકાને જોડતા સુદર્શન બ્રીજ પર પડેલા ખાડાના સમાચારોની શાહી હજુ સૂકાઈ નથી, ત્યાં અન્ય ઘણાં સ્થળે આ જ પ્રકારના મોટા મોટા ખાડા તથા પુલો-પુલિયાઓમાં તીરાડો પડી હોવાની રાવ સોશ્યલ મીડિયામાં ગામેગામથી અને શહેરોની શેરી-ગલીઓ-મહોલ્લાઓમાંથી વહેતી થઈ રહી છે, અને ઘણાં સ્થળે તો નવાનકોર બાંધકામો પણ તકલાદી નીકળી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે, જે ભ્રષ્ટાચારના ભોરીંગે કેવો ભરડો લીધો છે, તે દર્શાવે છે.
જામનગર હોય કે ભાવનગર, નગર હોય કે મહાનગર, ગામડું હોય કે શહેર હોય, તમામ સ્થળે જનપ્રતિનિધિઓ સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે, અને પંચાયતથી પાર્લામેન્ટ અને નગર-મહાનગરથી નેશન સુધી જુદા જુદા હોદ્દાઓ માટે લોકોએ ચૂંટીને મોકલેલા જન-પ્રતિનિધિઓની સંકટ સમયે લોકો પ્રત્યેની ફરજો યાદ કરાવાઈ રહી છે. ભારે વરસાદ પછી ઊભી થયેલી સ્થિતિમાં કેટલાક અપવાદો સિવાય જન-પ્રતિનિધિઓએ પોતાના મતવિસ્તારોમાં લોકોની વચ્ચે જઈને વેદના નહીં સાંભળતા હવે લોકોએ પોતાના જ ચૂંટેલા જન-પ્રતિનિધિઓ સામે વિરોધ પ્રદર્શનો કરવા પડતા હોય તો તેનાથી ક્ષોભજનક બીજુ શું હોઈ શકે? શું આ લોકતાંત્રિક માનસિક્તા ગણાય ખરી?
વડોદરામાં કેટલાક લોકોએ 'હું કોર્પોરેટર છું', 'હું કામ નહીં કરૂ', 'હું મુખ્યમંત્રી છું', 'હું કામ નહીં કરૂ', 'હું ધારાસભ્ય છું', 'હું કામ નહીં કરૂ' જેવા પોષ્ટર પોતાના ગળામાં ટીંગાળીને જે રીતે વિરોધ પ્રદર્શિત કર્યો, તેથી આખા રાજ્યનું ધ્યાન ખેંચાયું છે, અને લગભગ આવી જ રીતે હવે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનો ઠેર-ઠેર થવા લાગે તો નવાઈ જેવું નહીં હોય, કારણ કે તાજેતરના ભારે વરસાદ પછી અનેક વિસ્તારોમાં ત્યાંથી ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓ ફરક્યા જ નથી!
વડોદરામાં નદીમાં પૂર નહીં હોવા છતાં શહેર જળબંબાકાર થઈ ગયું, અને ઠેર-ઠેર ગંદકી-ઉકરડાના ઢગલા દેખાયા, છતાં ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો, હોદ્દેદારો કે અન્ય જનપ્રતિનિધિઓ સળવળ્યા નહીં, તેની સામે વડોદરાની જનતાએ આ રીતે જનાક્રોશ વ્યક્ત કર્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે, અને ત્યાંના વોર્ડ નં. ૧ર મા આ પ્રકારનો વિરોધ થયા પછી શહેર-જિલ્લામાં પણ વિરોધનો વંટોળિયો ઊઠ્યા પછી નેતાઓ-અધિકારીઓએ હળિયાપટ્ટી કરી હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે, પરંતુ આ સ્થિતિ વડોદરાના એકાદ વોર્ડની નહીં, પણ રાજ્યવ્યાપી છે અને તમામ નગરો-મહાનગરોમાં ભારે વરસાદ પછીની સ્થિતિને લઈને સ્થાનિક જન-પ્રતિનિધિઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારો પણ નિષ્ક્રિય રહ્યા હોય, તો તેને 'જનસેવક' કે 'નગરસેવક' કેવી રીતે ગણી શકાય?
વરસાદે ભલે થોડા દિવસ પૂરતો વિરામ લીધો હોય, પરંતુ મેઘાવી માહોલ યથાવત્ છે, અને દિવસમાં દર ત્રણ કલાકે જુદી જુદી આગાહીઓ પણ આવતી રહે છે, ત્યારે લોકોને વધુ મુશ્કેલી ન પડે, વર્તમાન પરેશાનીઓ હળવી થાય અને કાયમી બની ગયેલી કેટલીક સમસ્યાઓનો ઉકેલ નીકળે, તે માટે વોર્ડવાર કે વિસ્તારવાર જનસંપર્ક કેટલા કોર્પોરેટરો કે ગ્રામ-તાલુકા-જિલ્લા પંચાયતોના સભ્યો તથા વિવિધ સમિતિઓના અધ્યક્ષો, વિપક્ષના નેતા કે વિવિધ પદો પર બિરાજમાન પદાધિકારીએ કર્યો? પોતાના જ વોર્ડમાં કે વિસ્તારમાં વિકટ સ્થિતિનું નિવારણ કરવા કેટલા જનપ્રતિનિધિઓ જનતાની વચ્ચે ગયા?
ઘણાં નેતાઓ એવી દલીલ કરતા હોય છે કે, અમારા વિસ્તારમાં ઊભી થતી સમસ્યાની અમને ખબર પડી જ જતી હોય છે અને અમે સંબંધિત અધિકારી, તંત્ર કે જરૂર પડ્યે ઉચ્ચ કક્ષાએ ફોન દ્વારા સંપર્ક કરીને પણ આ પ્રકારની સમસ્યાઓ નિવારવા અમે સક્રિય જ હોઈએ છીએ, અને અમારે દેખાડા કરવા કે ફોટા પડાવવા લોકોની વચ્ચે જવાની જરૂર જ નથી, વિગેરે...
જો આવી જ સકારાત્મક માનસિક્તા સાથે તત્કાળ સક્રિયતા દાખવવામાં આવતી હોય, તો તેનાથી રૂડુ શું? આ પ્રકારે જનતા માટે ચોવીસેય કલાક જાગૃત રહેતા નેતાઓ પણ દૃષ્ટાંતરૂપ હોય છે, પરંતુ તેની સંખ્યા નહીંવત્ ગણાય, કારણ કે જો આ જ પ્રકારે સક્રિયતા રખાતી હોય તો તો સમસ્યાઓનો તત્કાળ ઉકેલ જ આવી જાય ને? જો પ્રશ્નો ઊભા થતા જ ઉકેલાઈ જતા હોય તો લોકોને વિરોધ પ્રદર્શનો કરવાની જરૂર જ ન પડે ને?
રાજ્યમાં ઘણાં સ્થળે પુલ, રોડ કે પુલિયા-નાળાઓ પર ખાડા પડે, કે આરસીસીનું બાંધકામ હોવા છતાં સળિયા દેખાઈ જાય, તેવા જાહેર બાંધકામોની તસ્વીરો વાયરલ થાય કે પછી આંગણવાડીના મકાનની છતમાંથી મોટું પોપડું ખરી પડ્યા પછી તેના પણ સળિયા દેખાતા હોય ત્યારે એવું કહી શકાય કે વરસાદમાં ભ્રષ્ટાચારના પોપડાં ખરી રહ્યા છે અને સાંઠગાંઠના સળિયા દેખાવા લાગ્યા છે. નેતા-અધિકારી-કોન્ટ્રાક્ટરો વચ્ચેની સાંઠગાંઠના આ જીવતા-જાગતા અને પ્રત્યક્ષ પુરાવા છે. કૌભાંડો અને લાપરવાહીના આ ઉઘાડા દૃષ્ટાંતો છે... હવે હદ થઈ ગઈ છે... હવે નહીં જાગો તો પસ્તાશો... લોકતંત્રમાં જનતા સર્વોપરિ છે અને તેની પાસે મતાધિકારનું ઓજાર છે, તે ભૂલતા નહીં...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial