Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો અને જામનગરના અનેક વિસ્તારો ફરીથી રબડીરાજમાં ફેરવાયા, તો હાલારના કેટલાક સ્થળે વરસાદજન્ય ગંદકીની ફરિયાદો હવે લોકોની પ્રચંડ નારાજગી દર્શાવી રહી છે. આ સંજોગોમાં સોમવારે જામનગરના મેયરે નગરમાં સફાઈના મુદ્દે જ વિશેષ બેઠક બોલાવી તે સારૂ કર્યું. નગરજનોને એ વાતનો તો સંતોષ થયો જ હશે કે ભલે ગંદકીનું નિરીક્ષણ કરવા કે સ્થળ પર જઈને સાફસફાઈની સૂચનાઓ આપવાનો ટાઈમ મળ્યો નહીં હોય, પરંતુ કમ-સે-કમ બેઠકના માધ્યમથી આ મુદ્દે થોડી ચિંતા તો દેખાડી!
હવે આ બેઠકમાં અપાયેલી સૂચનાઓનો અમલ કેટલોક થાય છે અને સૂચનાઓ આપ્યા પછી તેને સારી રીતે યાદ રાખીને તેનું અનુકરણ કેટલુંક થાય છે, તે જોવાનું રહે છે.
બેઠક યોજાઈ તેને બે દિવસ થવા આવ્યા છે, ત્યારે સોમવારની બેઠકની સૂચનાઓનો કેટલોક અમલ નગરમાં થયો છે, તેને લઈને કેટલાક કોર્પોરેટરોએ પોતાના વોર્ડની સ્થિતિની જાણ મેયર, કમિશનર અને સંબંધિત અધિકારીઓ-ઈજનેરોને કરી? જો કોઈ કોર્પોરેટરોએ રજૂઆત કરી હોય તો તેના સંદર્ભે સંબંધિત અધિકારી-પદાધિકારીએ કેવા, કેટલા પગલાં ક્યારે લીધા અને તેનું પરિણામ શું આવ્યું? તેવા પ્રશ્નોનો જવાબ કદાચ કોઈની પાસે નહીં હોય, કારણ કે જવાબદરીની ફેંકાફેંકી કરવી, કાના-માત્રા વગરના નિરસ કામો પ્રત્યે દુર્લક્ષ રાખવું અને 'હોતી હૈ, ચલતી હૈ'ની માનસિક્તા સાથે 'તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ'ની રણનીતિ હેઠળ એકબીજાને છાવરવામાં મૂળભૂત રીતે બધા ગુપ્ત રીતે એક જ હોય છે. આ સિક્રેટ હવે ઓપન થઈ ગયું છે, અને તેથી જ ઘણાં શાણાં તટસ્થ લોકો કહેતા હોય છે કે, 'હમામ મેં સબ નંગે હૈ... કાગળા બધે કાળા'...!
જો કે નગરના કેટલાક વિસ્તારોમાં મંથરગતિથી સફાઈ થતી હોય કે દુર્ગંધ મારતા ખાબોચિયાઓ પાસે દવા છંટકાવ થતો હોય તેમ જણાય છે, પરંતુ આભ ફાટ્યું હોય ત્યારે થીંગડા મારવા જેવી આ પરંપરા હવે બદલવી જ પડશે, કારણ કે હવે જનતા જાગૃત થઈ ગઈ છે. પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયાની આંખો મંડાયેલી છે અને રાજ્યકક્ષાએથી પણ દિશા-નિર્દેશો આવ્યા જ હશે. જામનગર જેવી જ સ્થિતિ હાલારના અન્ય નગરોની પણ છે, અને યાત્રાધામોની તો વધુ બદતર સ્થિતિ છે, રાઈટ?
જામનગરના ઘણાં વ્યૂહાત્મક સ્થળો એવા છે, જ્યાં જાહેર મૂતરડી, પુરુષો-મહિલાઓ માટે નિઃશુલ્ક શૌચાલયો અને પીવાના સ્વચ્છ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. નગરના એવા ઘણાં સ્થળો છે, જ્યાંથી લોકોની અવર-જવર વધુ રહેતી હોય, બહારગામથી આવતી-જતી બસોના સ્ટોપ હોય, વિવિધ પ્રકારની સ્થાનિક નાની-મોટી બજારો તથા હોસ્પિટલો, શાળા-કોલેજો, સર્કલો, બાયપાસ-રીંગરોડ પરના એવા સ્થળો પર જાહેર મૂતરડી-શૌચાલયો ઊભા કરીને તેના નિભાવ-રખરખાવની વ્યવસ્થા કરવામાં કોઈ અબજો-કરોડોનો ખર્ચ થવાનો નથી, પરંતુ તે જાહેર આરોગ્ય અને મહિલાઓની સલામતિ, અને સન્માન જાળવવાની દૃષ્ટિએ ઘણું જ જરૂરી છે, ખરૃં કે નહીં?
જામનગરમાં સ્વચ્છતા અને સેનીટેશનની વ્યવસ્થા પહેલેથી જ પડકારરૂપ છે અને મનપાની સેનિટેશન કમિટીના અધ્યક્ષાના વોર્ડ સહિત શહેરના ચોતરફ વિક્સેલા વિસ્તારોમાં પબ્લિક સેનીટેશનની વ્યવસ્થા તો દૂર રહી, નિયમિત સફાઈના પણ ફાંફા છે, એટલે જ વોર્ડ નં. ૭ ના નાગરિકો અને જન-પ્રતિનિધિઓને મનપામાં આવેદનપત્ર આપવા જવું પડ્યું હશે ને?
નગરમાં અત્યારે જે મોજુદ જાહેર યુરિનલ અને શૌચાલયો છે, તેની સ્થિતિ પણ એવી હોય છે કે, જેને નાછૂટકે તેનો ઉપયોગ કરવો પડે તેને પણ બીમાર પડી જવાનો ડર લાગે! નર્કાગાર જેવા શૌચાલયો અને તેની આસપાસની દુર્ગંધ મારતી ગંદકી, છલકાતી ગટરો, ઉકરડા જેવા કચરાના કન્ટેનરો અને કચરાટોપલીઓની આજુબાજુ જ્યારે સફેદ કલરની દવાનો છંટકાવ થાય, ત્યારે તે ઘણું જ હાસ્યાસ્પદ લાગે અને લોકો કહેતા સંભળાય કે, 'કોઈ વીઆઈપી આવવાનું લાગે છે'!
નગરમાં તા. ૧ થી ૮ ઓગસ્ટ સુધી 'નારીવંદના' સપ્તાહ ઉજવાનાર છે, ત્યારે નારી સુરક્ષા, સલામતી માટે નગરમાં પબ્લિક શૌચાલયોની નિઃશુલ્ક અને સ્વચ્છ-સ્વસ્થ સેવાઓને વિસ્તારવાના મુદ્દે પણ ચર્ચા ન થવી જોઈએ?
લાખોટા તળાવ રાજશાહીના સમયનું નજરાણું અને નગરની ડંકીઓને જીવંત રાખતી નગરની જીવાદોરી સમુ છે, પરંતુ તેમાં કચરો અને અવાર-નવાર સાંપડતા માછલાના મૃતદેહો, વર્ષાઋતુમાં કીચડ અને પાછલા તળાવ પાસે ઉકરડાની સમસ્યા વર્ષોથી ચર્ચાતી જ રહી છે, પરંતુ આટલી નાની સરખી કાળજી પણ રાખી શકાતી ન હોય, ત્યારે વિકાસના મેગા પ્રોજેક્ટોના બણગાં ફૂંકવાનો કોઈ મતલબ ખરો?
સેનીટેશન અને સ્વચ્છતા એ લોકસુવિધા અને જન-આરોગ્યની મૂળભૂત જરૂરિયાતો ગણાય. મોટા-મોટા ઓવરબ્રીજ, સુશોભિત સંકુલો, કોરિડોર અને વિરાટકાય સેવાસદનોની સાથે સાથે સેનીટેશન સંકુલો, તેની નિયમિત અને વાસ્તવિક સાફસફાઈ કરીને 'હકીકતે' સ્વચ્છતાનો વ્યાપ વધારવાની ખાસ જરૂર છે. એવું કહવાય છે કે લોકસભાની ચૂંટણીમાં ઘણાં યાત્રાધામોમાં ભાજપનો પરાજય થયો, તેની પાછળનું મોટું કારણ સંકુલો અને કોરિડોરો માટે જે લોકોના ઘર, મકાનો અને જમીનો ગઈ, તે લોકોને કેટલુંક વળતર મળ્યું હોવા છતાં ભારે અસંતોષ અને નારાજગી તથા તમામ પ્રવાસધામો-યાત્રાધામોમાં ગંદકી, સેનીટેશનની પર્યાપ્ત સુવિધાઓનો અભાવ અને વિકાસના તકલાદી કામોનું નિર્માણ પણ હતું. જ્યારે જનતા વારંવાર તક આપ્યા પછી પણ અસંતુષ્ટ હોય, તો તે નારાજગી સ્પ્રીંગની જેમ ઉછળે છે અને શાસન કાંખઘોડી પર આવી જાય છે, તે યાદ રાખવું પડે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial