Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'રોટી, કપડાં ઔર મકાન' ફિલ્મમાં પણ તત્કાલિન ગરીબી-બેરોજગારીની કથાવસ્તુ વણાઈ હતી
ભીષણ ગરમી પછી થતી ઠંડકની અનુભૂતિ અદ્ભુત હોય છે. બળબળતા ઉનાળા પછી આવતી વર્ષાઋતુ જ આપણા જીવનચક્રની વાસ્તવિક જડીબૂટ્ટી છે. પાણી વિનાનું જીવન જ અસંભવ છે. પહેલો વરસાદ માણવાનું મન અબાલવૃદ્ધ સૌ કોઈને થતું હોય છે. તેમાં પણ અષાઢી અતિવૃષ્ટિ પછી શ્રાવણના સરવણિયાની મોજ કાંઈક અલગ જ હોય છે.
શ્રાવણ મહિનો એટલે ધર્મ, ભક્તિ, મનોરંજન, સ્નેહ-પ્રેમનું પ્રગટીકરણ, શિવજી અને ભગવાન શ્રીકૃષ્ણના માત્મયને સાંકળતા તહેવારો અને શ્રાવણિયા સોમવારોનો એવો અદ્ભુત સંગમ, જેમાં વર્ષાઋતુના મધ્યાન્તરે, પ્રારંભે અને અંતિમ તિથિ સુધી અલૌકિક આનંદ જ ભરેલો હોય છે.
સામાન્ય રીતે ઓગસ્ટ અને શ્રાવણ મહિનો સાથે જ હોય છે, અને મોટાભાગે શ્રાવણના તહેવારો સાથે ૧પ મી ઓગસ્ટની સ્વાતંત્ર્ય દિનની ઉજવણીઓ અદ્ભુત સંયોગ થતો હોય છે, અને હવે તેમાં પાંચમી ઓગસ્ટના નવીનત્તમ મહાત્મયનો ઉમેરો થયો છે. હિન્દી ફિલ્મોમાં પણ શ્રાવણ મહિનાને સાંકળીને ઘણાં ગીતો ખૂબ જ પ્રચલિત થયા છે.
સાવન કા મહિના... પવન કરે શોર
'સાવન કા મહિના, પવન કરે શોર, જિયરા રે ઝૂમે ઐસે, જૈસે વનમાં નાચે મોર'... જેવા હિન્દી ફિલ્મના ગીતો આજે પણ ઘણાં જ કર્ણપ્રિય અને સુસંગત જણાય. 'મિલન' ફિલ્મ માટે આ ગીત આનંદ બક્ષીનું રચેલું હતું, અને તે મુકેશ સાથે લતામંગેશકરે ગાયું હતું. લક્ષ્મીકાંત પ્યારેલાલે તેને સંગીત આપ્યું હતું. આ ફિલ્મ વર્ષ ૧૯૬૭ માં રિલિઝ થઈ હતી. આ ફિલ્મમાં સુનિલ દત્ત, નૂતન, જમુના, પ્રાણ જેવા ખ્યાતનામ તત્કાલિન અદાકારોએ અભિયન કર્યો હતો. આ ફિલ્મ તથા તેમના અભિનેતા-અભિનેત્રીઓ, સંગીતકારને ફિલ્મ ક્ષેત્રે પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા હતાં. આ ફિલ્મના ગીત-સંગીત ઉપરાંત અભિનેતાઓની ભૂમિકા પણ તે સમયના દર્શકોને ઘણી જ પસંદ આવી હતી, જો કે આ ગીતનું 'સાવન કા મહિના' ગીત ઘણું જ હીટ તે સમયે પણ રહ્યું હતું અને આજે પણ ઘણું જ લોકપ્રિય છે. મિલન ફિલ્મની કથા કરતાંયે કર્ણપ્રિય ગીત-સંગીત અને અભિનયના ઓજસના કારણે આ ફિલ્મ હીટ નિવડી હતી.
ભીગી ભીગી રાતો મેં...મીઠી મીઠી બાતો મેં...
'ભીગી ભીગી રાતો મેં... મીઠી મીઠી બાતો મે...ઐસી બરસાતો મેં... કેસા લગતા હૈ... હાં...' ગીત એક જમાનામાં તે સમયના યુવા વર્ગને ઘણું જ ગમી ગયું હતું, અને યુવાવર્ગ ગણગણતો રહેતો હતો. તે સમયનો યુવાવર્ગ આજે જૈફ વયે પણ આ ગીત સાંભળતા જ ઝુમી ઊઠતો ઘણાંયે જોયો હશે.
વર્ષ ૧૯૭૪ ની ફિલ્મ 'અજનબી' માટે આ ગીત લતા મંગેશકર અને કિશોરકુમારે ગાયું હતું. આનંદબક્ષી રચિત આ ગીત માટે આરડી બર્મને સંગીત આપ્યું હતું. રાજેશ ખન્ના, જીનત અમાન, પ્રેમચોપડા, અસરાની, મદનપુરી, યોગિતા બાલી તથા અસિત સેન દ્વારા અભિનિત આ ફિલ્મના નિર્દેશક શક્તિ સાવંત હતાં. આ ફિલ્મના નિર્માણ ગિરિજા સાવંત હતાં. આ ફિલ્મ માટે સંવાદ અખ્તર રૃમાનીએ રચ્યા હતાં. પટકથા ગુલશન નંદાની હતી. 'મિસ ઈન્ડિયા'ની સ્પર્ધા સાથે વણાયેલી આ ફિલ્મે તે જમાનામાં સારી એવી લોકચાહના મેળવી હતી. આ ફિલ્મમાં પણ વર્ષાઋતુ સાથે અભિનિત ગીતોએ રંગ જમાવ્યો હતો.
હાય હાય યે મજબૂરી...
યે મૌસમ ઔર યે દૂરી...
'અરે... હાય હાય યે મજબૂરી, યે મૌસમ ઔર યે દૂરી, મુઝે પલ પલ હૈ તડપાયે, તેરી દો ટકિયાની નૌકરી મેં મેરા લાખો કા સાવન જાયે... હાય હાય એ મજબૂરી...'
'કિતને સાવન બીત ગયે, બૈઠી હું આશ લગાયે, જિસ સવાનમેં સજનવા, વો સાવન કબ આયે... કબ આયે... મધૂર મિલન કા યે સાવન હાથોં સે નિકલા જાયે... તેરી દો ટકિયા કી નૌકરી મેં મેરા લાખોકા સાવન જાયે... અરે, હાય હાય એ મજબૂરી...'
'પ્રેમ કા ઐસા બંધન હૈ, જો બંધ કે ફિર ના તૂટે, ઔર નોકરી કા હૈ ક્યા ભરોસા... આજ મિલે કલ છૂટે... કલ છૂટે..., અંબર પે રચા સ્વયંવર, ફિરભી તું ગભરાયે... તેરી દો ટકિયા કી નૌકરી મેં મેરા લાખો કા સાવન જાયે... હાય...હાય... યે... મજબૂરી'
આ પ્રકારની મધૂર-કર્ણપ્રિય સંગીત સાથે ફિલ્માયેલી રચનાઓમાં રોમાન્સ પણ હોય છે અને તે સમયમાં પણ ફાલેલીફૂલેલી બેરોજગારીનો આડક્તરો કટાક્ષ પણ સમાયેલો હોય છે.
આ ગીત 'રોટી, કપડા ઔર મકાન' ફિલ્મ માટે વર્ષ ૧૯૭૪ માં લતા મંગેશકરના કંઠે ગવાયું હતું, જેના રચિયતા વર્મા મલિક હતાં, જ્યારે સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે આપ્યું હતું.
આ ફિલ્મે પણ તે જમાનામાં તહેલકો મચાવી દીધો હતો. સામાન્ય માનવીની જિંદગીને ફિલ્માવતી આ કથા લોકોને ઘણી ગમી હતી. લોકોની મૂળભૂત જરૃરિયાતો પણ પૂરી થતી ન હોય, અને ગરીબીના કારણે ભૂખ્યા પેટે સુવું પડતું હોય, અંગ ઢાંકવા પૂરતા કપડા ન હોય અને ઉપર આભ અને નીચે ધરતીના સહારે છત (ઘર-આશ્રય) બહાર જિંદગી વિતાવી પડતી હોય, તેવી વ્યક્તિની વેદનાને દર્શાવતી આ ફિલ્મમાં મનોજકુમાર, શશિ કપૂર, જીનત અમાન, મૌસમી ચેટર્જીની સાથે અમિતાભ બચ્ચન, પ્રેમનાથ, ધીરજ કુમાર અને મદનપુરીએ પણ અભિનય કર્યો હતો. તે જમાનામાં મનોજકુમારની દેશભક્તિની ફિલ્મો ઘણી જ પ્રચલિત હતી અને તેમાં રોટી, કપડા, ઔર મકાન ફિલ્મ અલગ જ ભાત પાડતી હતી. આ ફિલ્મમાં 'સાવન'ની ખૂબસૂરતી અને રોટી, કપડા, ઔર મકાન સાથે સંકળાયેલી નોકરીની મજબૂરીને અદ્ભુત રીતે વણવામાં આવી હતી.
આજે પણ સુસંગત ગીતો
નવી પેઢીનો યુવાવર્ગ પણ ઘણી વખત એવી ચર્ચા કરતો સંભળાય છે કે જુના ફિલ્મી ગીતો માત્ર કર્ણપ્રિય જ નહીં, પરંતુ અર્થસભર પણ હતાં, જ્યારે દરેક ભાષાની ફિલ્મો તો હંમેશાં પ્રવર્તમાન (જે-તે સમયના) સામાજિક જીવનનું દર્પણ જ હોય છે, જેમાં સમાજની વાસ્તવિક્તાઓ અને વિટંબણા પડઘાતી હોય છે.
જુના ફિલ્મી ગીતોમાં જે કથાવસ્તુ પ્રસ્તુત થયું હોય, તેને અનુરૃપ ગીત-સંગીત સાથેની ગાયનકલા સંકળાયેલી હોય છે. એ ગીતોનો ઊંડો ભાવાર્થ આ નીકળતો હતો. અહીં પ્રસ્તુત કરેલા દૃષ્ટાંતો પૈકી એક ગીતમાં તો રોમાંચ અને રોમાંચની સાથે સાથે જ બેરજગારીની મજબૂરી ખૂબ જ અદ્ભુત રીતે સાંકળી લેવામાં આવી હતી, જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે. હવે તો બેરોજગારીની સમસ્યા એટલી બેકાબૂ બની ગઈ છે કે તેની સાથે સંકળાયેલા અનામતના મુદ્દે પડોશી દેશ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ તો દેશ છોડીને ભાગવું પડ્યું છે. એ તાજુ દૃષ્ટાંત 'હાય હાય રે મજબૂરી'ની દાયકાઓ પહેલાની સ્થિતિ હજુ પણ એવીને એવી જ રહી છે, તે પૂરવાર કરે છે.
શ્રાવણને સાંકળતા ફિલ્મી ગીતોની ઝાંખી
મેરા ગાંવા મેરા દેશનું 'કુછ કહેતા હૈ યે સાવન' ગીત ઘણું જ પ્રચલિત થયું હતું. તેવી જ રીતે 'ચૂપકે ચૂપકે'નું ગીત 'અબકે સજન સાવન મેં'માં પ્રેમી પંખીડાઓની તડપ દર્શાવાઈ છે. 'ફરાર' ફિલ્મનું 'મેં પ્યાસા તુમ સાવન'માં પણ વિયોગ-સંયોગની ધૂપછાંવ વર્ણવાઈ હોય તેવું લાગે છે. 'ચાંદની' ફિલ્મનું ગીત 'લગી આજ સાવન કી ફીર વો ઝડી હૈ' પણ લોકપ્રિય બન્યું હતું.
શ્રાવણ મહિનાને સાંકળતા સંખ્યાબંધ લોકગીતો પણ જુદી જુદી પ્રાદેશિક ભાષાઓમાં ઘણાં જ પ્રચલિત છે. તેમાં મલ્હાર, કજરી અને જુના ફિલ્મી ગીતોનો સંયોગ થતા જ એક એવો માહોલ ઊભો થઈ જતો હોય છે કે જે કોઈપણ ઋતુમાં જાણે શ્રાવણ આવ્યો હોય તેનું માનસચિત્ર ખરૃ કરી દેતો હોય છે.
મોર અને વર્ષાઋતુ
શ્રાવણનો મહિનો અને તહેવારો-મેળાઓ તથા વર્ષાઋતુ સાથે મોરનો સીધો સંબંધ છે. મોરલો ટહૂકે, મોરલો કળા કરે કે મોર-ઢેલની પ્રણયકિડા હોય, તેના વિષે વિવિધ કિવદંતીઓ પ્રચલિત છે. મોરનો ટહૂકો વિશેષ ઢબે રણકે ત્યારે વર્ષાઋતુના પડઘમ વાગે તેવું મનાય છે.
મોરલા વિષે મોરપ્રેમી નારણભાઈ કરંગિયાને વધુ જ્ઞાન હોય તે સ્વાભાવિક છે. મોરલાઓની સેવા કરવા માટે જીવન અર્પણ કરી દેનાર કલ્યાણપુર તાલુકાના કેનેડી (કારીપાટ) ગામના ખેડૂત નારણભાઈ કરંગિયાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. તેઓ 'મન હોય તો માળવે જવાય'નું જીવંત દૃષ્ટાંત તો છે જ, પરંતુ તેઓ જે કાંઈ પ્રવૃત્તિઓ કરે છે, તેની બહોળી પ્રસિદ્ધિ કરવામાં પણ વિશ્વાસ ધરાવે છે, કારણ કે તેઓ એવું માને છે કે, આ પ્રકારની પ્રવૃત્તિના કારણે ઘણાં બધા લોકોને મોરપ્રેમ જાગે છે અને ઠેર-ઠેર મોર ઉછેર કેન્દ્રો ચલાવવામાં આ કારણે જ મદદ મળે છે, તેવું તેઓ માનતા હશે, તેમ હું માનું છું.
રોટી, કપડા, ઔર મકાન
રોટી એટલે કે બે ટંકનું ભોજન, માથા ઉપર છત એટલે કે રહેવાનું પોતાનું ઘર અને સમાજની હરોળમાં રહી શકીએ તેવી ક્વોલિટીના કપડા જેવી મૂળભૂત જરૃરિયાતો વર્ષ ૧૯૭૪ માં પણ સંતોષી શકાતી નહોતી, અને તેથી જ તેનું પ્રતિબિંબ હિન્દી ફિલ્મો તથા ગીતોમાં પડતું હતું.
આજે ૭૦ વર્ષે પણ એ સ્થિતિ બહું કાંઈ સુધરી નથી. તે સમયે પણ ગરીબી હટાવવાની યોજનાઓ બનતી હતી અને આજે પણ એ જ રીતે નવી-જુની યોજનાઓ અમલમાં છે. ગરીબીની રેખા હેઠળથી એક વર્ગ (સમૂહ) બહાર આવ્યો છે, ત્યાં નવો ઉમેરો થઈ જાય છે. એનું કારણ વસતિ વધારો છે અને વસતિ નિયંત્રણ ઉપરાંત મૂળભૂત માનસિક્તા તથા અભિગમો પણ બદલવા જરૃરી છે. આ તમામ બાબતોને આવરી લેતી હેતુલક્ષી અને મનોરંજક-રોચક નવી ફિલ્મો બને અને જુની ફિલ્મોની નકલ કરવાના બદલે તેમાંથી બોધપાઠ લઈને નવા જમાનાને અનુરૃપ સમાજોપયોગી છતાં રોમેન્ટિક, સસ્પેન્સ થ્રિલર કે સોશ્યલ ટચ સાથેની ફિલ્મો પ્રાદેશિક અને રાષ્ટ્રીય ભાષાઓમાં બને, અને તેના કર્ણપ્રિય સંદેશપ્રેરક ગીતો રચાય તો કેવી મજા આવે નહીં?
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial