Advertisement
Author: નોબત સમાચાર

મજબૂત બને મજબૂર... મૃદુ હટાવે મગરૂર... એ છે દુનિયાનો દસ્તુર

ફરી એક વખત હિંડનબર્ગે બુચ ફેમિલી તથા અદાણીઝને સાંકળીને બોમ્બ ફોડ્યો છે, અને ગઈકાલથી જ આ મુદ્દે સિયાસત તથા શેરબજાર પર કેવી અસરો પડશે, તેની અટકળો શરૂ થઈ ગઈ હતી. આ વખતે એક્શન સાથે ત્વરીત રિએક્શન આવ્યું હોવાથી અટકળો અને વિવિધ આશંકાઓ પણ કસોટીની એરણે ચઢી હોય, તેમ અભિપ્રાયો બદલાઈ રહ્યા હતાં,તે પછી આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે, અને રાહુલ ગાંધીએ આ માટે જેપીસી તપાસની માંગ ઊઠાવી છે, પરંતુ છેલ્લા દસ વર્ષની 'મજબૂત' સરકાર હવે 'મજબૂર' સરકાર બની ગઈ હોવાની ચર્ચાએ અવધારણાઓ તથા આશંકાઓની આગમાં જાણે ઘી હોમવાનું કામ કર્યું હોય તેમ નથી લાગતું?

હાલાર સહિત સૌરાષ્ટ્રમાં આંખ ઊઠવાની બીમારી વધી રહી છે જેને કન્ઝકરિવાઈટિસ પણ કહે છે. સરકારી આરોગ્ય તંત્રો તથા કેન્દ્રો આ અંગે એલર્ટ રહે તે જરૂરી છે અને આ રોગચાળો ફેલાતો અટકાવવા તંત્ર લોકોને પણ સતર્ક કરી રહ્યા છે, તો બીજી તરફ રાજકીય ક્ષેત્રે પણ મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટણીઓને લઈને 'અખિયાં મિલાકે... અખિયાં ચૂરાકે' જેવો રાજકીય રોગચાળો ફેલાવા લાગ્યો છે. તેનો વાયરસ પણ કોરોનાના વાયરસની જેમ દિન-પ્રતિદિન સ્વરૂપો બદલી રહ્યો જણાય છે. આ રોગચાળાના રાજ્યવાર વાયરસની અલગ-અલગ પ્રકારની અસરો પણ જુદા જુદા રંગરૂપ ધારણ કરી રહી છે અને ઘણાં લકો આ મુદ્દે ઉપહાસ કરી રહ્યા છે અને કેટલાક 'ઢોલક' બન્ને તરફ વાગી રહ્યા છે, તેથી કુરુક્ષેત્રનું યુદ્ધ અને છત્રપતિ શિવાજી ફેઈમ છાપામારીના ઐતિહાસિક સામર્થ્યો પુનઃ જાગૃત થઈ રહ્યા હોય તેવા ઘટનાક્રમોની હારમાળાઓ સર્જાઈ રહી છે.

એવું કહેવાય છે કે, 'વકફ' સુધારા બિલ લોકસભામાં પસાર કરવા એનડીએ સરકારે પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી અને આ બિલ લોકસભામાં રજૂ થવાનું હતું, તે જ દિવસે સવારે એનડીએ સરકારની એક લાઈફલાઈનમાંથી વોર્નિંગ એલાર્મ વાગ્યું, તો બીજી લાઈફલાઈન પણ લાલ સિગ્નલ આપવા લાગી હતી, તેથી જ પીછેહઠ કરીને કિરણ રિજ્જુએ આ બિલ રજૂ કર્યા પછી જેપીસીને મોકલવાનો પ્રસ્તાવ રજૂ કરી દીધો હતો, કારણ કે જો તે દિવસે 'ડિવિઝન' એટલે કે આ બિલ પર ગૃહમાં મતદાન થયું હોત, તો નાયડુ-નીતિશના સાંસદો સમર્થન ન કરે, તો બિલ જ ઊડી ગયું હોત અને સરકાર પણ કાયદેસર રીતે લઘુમતીમાં આવી ગઈ હોત! આમ, દસ વર્ષથી મજબૂત ગણાતી મોદી સરકાર હવે મજબૂર સરકાર બની ગઈ છે, તેવું નથી લાગતું?

હવે તો ટીકાકારો ગુજરાતના મૃદુ મુખ્યમંત્રી પર પણ કટાક્ષ કરવા લાગ્યા છે અને એવી ટકોર થઈ રહી છે કે, 'મગરૂર'ને હટાવીને 'મૃદુ' શાસન ભલે આવ્યું હોય, પરંતુ હજુ પણ બધું ઠીકઠાક નથી... રિમોટ કંટ્રોલથી ચાલતી ડબલ એન્જિનની સરકારોનું મુખ્ય એન્જિન નબળું પડે, તો બીજા એન્જિનને તો જોર કરવું જોઈએ ને?

ગઈકાલે બનેલી દિલ્હીની રાજનીતિને લગતા સમાચારો પણ હેડલાઈન્સમાં રહ્યા હતાં અને સિસોદિયાની સટાસટીની ચર્ચા થઈ રહી હતી, તેવામાં હરિયાણાના મુખ્યમંત્રીની હાજરીમાં જ દિલ્હીના એક નેતા ભાજપમાં જોડાયા અને તેને બે-ત્રણ કલાકમાં જ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા, તે સમાચારો તો ટોક ઓફ ધ નેશન બન્યા હતાં અને વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં પણ કેટલી હદે લોલંલોલ ચાલે છે, તેની ચર્ચાઓ થવા લાગી હતી. હકીકતે આમ આદમી પાર્ટીની સરકારમાંથી જે મંત્રીને પાંચ-છ વર્ષ પહેલા કેજરીવાલે ગંભીર આરોપો હોવાથી તગેડી મૂક્યા હતાં, તેને જ ભાજપે પાર્ટીના સભ્ય બનાવી લીધા હતાં!!

આ ચોખવટ થઈ પછી ભલે ભાજપે તે વિવાદાસ્પદ નેતા પર કેટલીક પોતાની વિગતો છૂપાવવાનો આક્ષેપ કર્યો હોય, પરંતુ દેશમાં તે પછી ભારતીય જનતા પક્ષમાં ચાલતો 'આડેધડ ભરતી મેળો' અને ચૂંટણીઓ જીતવા માટે 'સેલ્ફ ગોલ' થઈ જાય, તેટલી હદે નિમ્નકક્ષાની રીતિનીતિ અપનાવવાના આક્ષેપો અને તેની સામે અપાતા જવાબોએ હરિયાણા-દિલ્હીની રાજનીતિની પોલ પણ ખોલી નાંખી હતી.

બીજી તરફ ક્રિમીલેયરના મુદ્દે ખડગેએ મોદી સરકાર પર તડાપીટ બોલાવી છે. હકીકતે કેન્દ્રિય મંત્રી મેઘવાલે એવી ચોખવટ કરી છે કે ક્વોટાની અંદર ક્વોટાની સુપ્રિમકોર્ટે માત્ર ટિપ્પણી કરી છે, અને રાજ્યો ઈચ્છે તો તેનો અમલ કરી શકે છે. આ મુદ્દે કોઈ ચોક્કસ નિર્ણય આવ્યો નથી. આદેશ અને ટિપ્પણીમાં તફાવત છે... હવે આ સર્વોચ્ચ અદાલતમાં ફરીથી આ મુદ્દો જશે કે મોદી સરકાર કોઈ વટહુકમ બહાર પાડશે, તે અંગે મત-મતાંતરો વચ્ચે મજબૂતાઈનું સ્થાન હવે મજબુરી લઈ હોવાથી તેની અસરો હેઠળ આગામી કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અને તે પહેલા પેટાચૂંટણીઓમાં ભાજપ રિવાઈસ કરશે કે વળતા પાણી થવાની ગતિ વધશે, તે જોવાનું રસપ્રદ રહેશે, ખરૃં કે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh