Advertisement
Author: નોબત સમાચાર

બદલતા મૌસમ... બદલીઓ કા દૌર કહીં ખુશી, કહીં ગમ... પવન કરે શોર...

જેઠમાં જોર કરે, અષાઢે અંધાધૂંધ, શ્રાવણમાં સરવણિયો, ભાદરવે હાથિયો અને આસોમાં આખરી બુંદ, કાંઈક આવી જ પ્રકારની વડીલોની શબ્દાવલી અને મહાવરા મોટી ઉંમરના ઘણાં લોકોએ પોતાના વરિષ્ઠો પાસેથી ઘણી વખત સાંભળી જ હશે, અને શબ્દો વરસાદ પડવાની ગતિ, પ્રગતિ અને પદ્ધતિ દર્શાવે છે, તે સ્વયં સ્પષ્ટ છે. ગુજરાતી ભાષાના મહાવરા, કહેવતો, ઉખાણા, ચાબખા, છપ્પા વગેરે ઘણાં જ અર્થસભર હોય છે, અને થોડા શબ્દોમાં ઘણી મોટી વાત, સંકેતો કે સંદેશ આપી દેતા હોય છે. જેઠ મહિનામાં વરસાદ શરૂ થાય અને ભીમ અગિયારસથી જોર કરે, અષાઢી બીજથી અંધાધૂંધ એટલે કે (મૂશળાધાર, સુપડાધાર, અનરાધાર) ભારેથી અતિભારે વરસાદ પડે. શ્રાવણમાં સરવણિયા અથવા સરવડા એટલે કે ધીમો ધીમો વરસાદ, ઝરમર-ઝરમર વરસ્યા કરે, કાંઈક એવો જ વરસાદ આ વખતે અત્યાર સુધી પડ્યો છે.

હાથી પોતાની સૂંઢમાં પાણી ભરીને જ્યાં ફેંકે, ત્યાં ધોધની જેમ પડે તેવી જ રીતે ભાદરવામાં વરસાદ જ્યાં પડે ત્યાં ધોધમાર પડે, તેવું કહેવાય છે, અને તે પછી આસો મહિના કે તે પહેલા સામાન્ય રીતે વરસાદ વિદાય લઈ લે છે, જો કે ક્યારેક ક્યારેક આસો મહિનામાં પણ વરસાદ પડે, તો તેને ચોમાસાની આખરી બુંદ ગણવામાં આવે છે. અત્યારે તો 'સાવન કા મહિના, પવન કરે શોર'ના ફિલ્મ ગીત જેવી મોસમ ખીલી ઊઠી છે.

જો કે, ગ્લોબલ વોર્મીંગના કારણે હવે આ પ્રકારની વરસાદી સિસસ્ટમ જળવાતી નથી, પરંતુ આ વર્ષે મહાવરાઓને અનુરૂપ હોય, તે પ્રકારનો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ કેટલાક સ્થળે થયેલા ભારે વરસાદથી તબાહીના દૃશ્યો પણ સર્જાયા છે. ચોમાસા પછી ઋતુચક્ર બદલાશે અને શિયાળો આવશે.

ઋતુચક્રમાં જેમ મોસમ બદલે છે, અને ચોમાસામાં વરસાદ,શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમીની મોસમ આવે છે, તેમ આપણાં રાજ્ય અને દેશમાં પણ હવે બદલીઓની મોસમ આવી રહી છે. જેથી કહીં ખુશી, કહી ગમ જેવી સ્થિતિ પણ સર્જાઈ રહી હોય તેમ લાગે છે ને?

રાજ્ય સરકારે શિક્ષકોની 'જિલ્લા આંતરિક બદલી કેમ્પો' યોજવાની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કાનો કેમ્પ પહેલી સપ્ટેમ્બરથી રર મી સપ્ટેમ્બર અને બીજો કેમ્પ ર૮ સપ્ટેમ્બરથી ૧૪ ઓક્ટોબરના યોજાશે. વધઘટ બદલી કેમ્પ ર૦ થી રર ઓગસ્ટમાં યોજાશે. પહેલા તબક્કાના કેમ્પ માટે ર૪ થી ર૮ ઓગસ્ટ અને બીજા તબક્કા માટે ર૪ સપ્ટેમ્બરથી ર૭ સપ્ટેમ્બર સુધીના દિવસે પૂર્ણ તૈયારી માટે નક્કી કરાયા હોવાની ચર્ચા ગઈકાલથી જ શિક્ષણ ક્ષેત્રના વર્તુળો તથા શિક્ષકગણમાં થઈ રહી છે.

આ કેમ્પોની જાહેરાત થતા બદલીની રાહ જોતા અને ઓન રિકવેસ્ટ કે વતનમાં અથવા અનુકૂળ સ્થળે બદલીની રાહ જોઈ રહેલા શિક્ષકગણમાં ખુશીની લહેર દોડી ગઈ હશે, પરંતુ વધ-ઘટને રાખીને નવો ઓવરસેટઅપ હશે, ત્યાંથી કેટલાક શિક્ષકોને ડિસ્ટર્બ થવું પડી શકે તેમ હોવાથી થોડી ચિંતા પણ હશે, જો કે આ તમામ કેમ્પો મોટાભાગે શિક્ષકોને અનુકૂળ સ્થાને પોસ્ટીંગ આપીને સહાયભૂત થવા માટે જ યોજાતા હોવાની ધારણા છે, અને પોતાની પસંદગીના સ્થળે બદલી થયા પછી શિક્ષકો વધુ નિષ્ઠા, લગન સાથે નિયમિત સેવાઓ આપે, તેવી અપેક્ષા પણ શિક્ષણ વિભાગ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ રાખે, તે સ્વાભાવિક જ છે ને?

થોડા સમય પહેલા રાજ્યના કેટલાક ઉચ્ચ અધિકારીઓની બદલીઓ થઈ હતી, તો કેટલાક વિભાગોમાં આંતરિક બદલીઓનો દોર પણ ચાલ્યો હતો, તેવી જ રીતે રાષ્ટ્રીય કક્ષાએ પણ બદલીની મોસમ ખીલી ઊઠી હોય તેમ ઘણાં વિભાગોમાં તથા કેટલાક રાજ્યોમાં, પણ આંતરિક, સ્વૈચ્છિક અને જાહેર હિતમાં બદલીઓના આદેશ થઈ રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરની વિધાનસભા માટે ચૂંટણીઓની જાહેરાત થઈ, તે પહેલા જ ત્યાં મોટાપાયે વિવિધ સ્ટાફની બદલીઓના આદેશ થયા હતાં, તો કેન્દ્રિય સચિવાલયમાં સચિવ (સેક્રેટરી) કેડરની મોટાપાયે હજુ વધુ બદલીઓ થશે, તેવા સંકેતો પણ ચર્ચાઈ રહ્યા છે.

હરિયાણા અને જમ્મ-કાશ્મીરમાં ચૂંટણીઓ જાહેર થતા જ ત્યાં આચારસંહિતા લાગુ થઈ ગઈ હોવાથી હવે ચૂંટણીપંચ જરૂર જણાશે, ત્યાં અધિકારીઓ-કર્મચારીઓની બદલીઓનો ગંજિપો ચીપશે, તો બન્ને રાજ્યના સંખ્યાબંધ અધિકારીઓને ચૂંટણીઓની જવાબદારી સુપ્રત કરાતા તેના સંદર્ભે પણ બદલીઓનો દોર આવશે.

એક તરફ બદલીઓનો દોર ચાલી રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતમાં આંદલનોની રફ્તાર પણ શરૂ થવા લાગી છે. જુની પેન્શન યોજના લાગુ થવાના મુદ્દે સત્યાગ્રહ છાવણીમાં શિક્ષકોના દેખાવોના અહેવાલો હતાં, તો ગુજરાતમાં જિલ્લા પંચાયતો હેઠળના વર્ગ-૩ ના કર્મચારીઓએ પણ સમાન કામ-સમાન વેતનના મુદ્દે રાજ્ય સરકારને આંદોલનની ચિમકી આપી દીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘે રાજ્યના પંચાયત વિભાગ હેઠળ નોકરી કરતા તલાટી, ક્લાર્ક, ગ્રામ સેવકો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ, ફિમેલ હેલ્થ વર્કર્સ, વેબ. ટેકિનિશ્યનો, નાયબ ચિટનીશ અને ફાર્માસિસ્ટ સહિતની વિવિધ કેડરોમાં સમાન લાયકાત ધરાવતા કર્મચારીઓનું પાંચમા પગાર ધોરણમાં સમાન ક્વોલિફિકેશન હોવા છતાં સમાન પગાર અપાતો નહીં હોવાથી આ વિસંગતાઓ દૂર કરવા મુખ્યમંત્રી, પંચાયતમંત્રી, સચિવો તથા હાયર ઓથોરિટીઝને રજૂઆતો કરવા છતાં ભાજપ સરકાર દાદ નહીં આપતી હોવાથી આંદોલનની તૈયારી કરી હોવાના તથા કર્મચારીઓ લડી લેવાના મૂડમાં હોય, તેવા અહેવાલો પછી અને આ મુદ્દે સંબંધિત વિભાગોમાં સળવળાટ થયો હોવાના સંકેતો છે. જોઈએ હવે રાજ્ય અને દેશની રાજધાનીમાં બદલીઓનો દોર કયાં સુધી ચાલે છે તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh