Advertisement
Author: નોબત સમાચાર

તસ્વીરોમાં કવિતાની 'ગર્જના' અનુભવાય એવું પુસ્તક 'કોલ ઓફ ધ ગીર'

ચારો દિશા દહાડવાલી હૈ, ગીર કી બાત હી નિરાલી હૈ

રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલભાઇ નથવાણીનું નવું પુસ્તક 'કોલ ઓફ ધ ગીર' તાજેતરમાં પ્રકાશિત થયું છે. જે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કરી તેની પ્રથમ પ્રત વડાપ્રધાનને ભેટ કરી હતી. ગીરનાં સિંહજીવન અને વન્યજીવનને ઉજાગર કરતી તસ્વીરોથી સભર  ૮૪ પેજનું આ દળદાર પુસ્તક વાઇલ્ડ લાઇફ લવર્સ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે એક દસ્તાવેજ સમાન છે એમ કહી શકાય.

'કોલ ઓફ ધ ગીર' એ અંગ્રેજી ભાષમાં લખાયેલ તથા અંગ્રેજી ભાષાનાં ખ્યાતનામ પબ્લિશર 'ક્વિગનોગ' દ્વારા પ્રકાશિત લક્ઝરી કોફી ટેબલ બુક છે.હાર્ડકવર ધરાવતા પુસ્તકનાં પ્રથમ મુખપૃષ્ઠ પર સિંહની મુખાકૃતિનો ક્લોઝ અપ ફોટો અનેક અર્થો પ્રગટ કરી પુસ્તક વાંચવા પ્રેરણા આપનારો છે. મોનાલીસાનાં ચિત્ર જેવું અકળ રહસ્ય આ મુખપૃષ્ઠનાં સિંહની આંખોમાં ઝળકતું જોવા મળે છે.

પુસ્તકમાં અનુક્રમણિકાની સમાંતર લેખક પરીમલભાઈનો સંદેશ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. તેમણે આ પુસ્તક દ્વારા વાચકનાં મનમાં ગીર પ્રત્યે પ્રેમ ઉદભવે એ બાબતને પોતાની શ્રેષ્ઠ સફળતા ગણાવી છે જે તેમનો ગીર અને તેનાં સિંહ જીવન પ્રત્યેનો અનહદ પ્રેમ અને સમર્પણ ઉજાગર કરે છે.

પુસ્તકનાં આરંભે જ પુસ્તક વિશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ પુસ્તકની ગરિમાને ગગનચુંબી બનાવે છે.

ઉપરાંત 'વનતારા' નાં સ્વપ્નદૃષ્ટા અને વિશ્વભરમાં એનિમલ લવર તરીકે ખ્યાતિ પામેલા રિલાયન્સના અનંત અંબાણીનો સંદેશ પણ પુસ્તકનાં વિષયને તેનાં મર્મજ્ઞનાં સમર્થનરૂપ છે.અનંત અંબાણીએ આ પુસ્તકને 'માસ્ટર પીસ' સમાન ગણાવ્યું છે.

આ ઉપરાંત પુસ્તકમાં કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્રભાઇ યાદવ તથા ગુજરાતનાં પર્યાવરણ અને વનમંત્રી મૂળુભાઇ બેરાનાં સંદેશ પણ પુસ્તકને અધિકૃતતાની મહોર લગાવે છે.

પુસ્તકને સૌથી મોટી અધિકૃતતા તો વાચકોનાં હૃદયમાં  મળે છે. જે પ્રકાશિત થયાનાં ટૂંકા સમયમાં જ લોકપ્રિય થઇ ગયેલા આ પુસ્તકની સિદ્ધીનો પુરાવો છે.પુસ્તકમાં પ્રસ્તાવના અને મહાનુભાવોનાં સંદેશોને બાદ કરતા વિવિધ ૧૮ પેજ ઉપર લખાણ કે માહિતી છે. જ્યારે ૧૦૯ તસ્વીર છે. જૈ પૈકી ૫૫ તસ્વીર સિંહની છે. ૧૪ તસ્વીરમાં પરિમલભાઇ પણ દૃશ્યમાન થાય છે.પુસ્તકમાં લખાણ મર્યાદિત અને જરૂર પુરતું છે.જેનો ઉદ્દેશ્ય લખાણને ફક્ત માહિતીરૂપે પ્રસ્તુત કરી સિંહ જીવનને તસ્વીરો નાં માધ્યમથી માણવામાં રસક્ષતિ ન ઉદ્ભવે એનું ધ્યાન રાખવાનો હશે એ સહજ અનુમાન લગાવી શકાય છે.

પુસ્તક એમેઝોન સહિતની ઇ-કોમર્સ સાઇટ પર ઉપલબ્ધ છે અને તેની કિંમત ૪૯ અમેરિકન ડોલર અર્થાત ભારતીય ચલણ મુજબ રૂ.૪૦૦૦ આસપાસ છે પરંતુ એમઝોન સહિતનાં પ્લેટફોર્મ ઉપર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.

પુસ્તકમાં કમલેશ્વર ડેમ, જાડા જાંબુ જેવાં કુદરતનાં ખોળે વસેલા સ્થળોનાં સૌંદર્ય તેમજ ગીરનાં અભિન્ન અંગ અને મૂળનિવાસી એવા માલધારીઓનાં જીવનને પણ દર્શાવવામાં આવ્યું છે.

હરણ, દિપડો, મગર, શિયાળ, વાનર,સાંભર સહિતનાં પશુઓ તથા વિવિધ પક્ષીઓની તસ્વીરો પણ ગીરની વાઈલ્ડ લાઈફનો ચિતાર આપે છે.

પુસ્તકમાં દર્શાવાયેલ સિંહની વિવિધ તસ્વીરો વડે સિંહ જીવનને ઉજાગર કરવાનો પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય સિદ્ધ થાય છે એમ કહી શકાય. આ તસ્વીરો  પુસ્તકમાં મન મોહી લે છે પરંતુ એ તસ્વીરો ઝડપવા માટે પરિમલભાઈએ ગીરમાં કેટલા કલાકોની રઝળપાટ અને તસ્વીર લાયક અમૂલ્ય ક્ષણની પ્રતિક્ષા કરી હશે એ કલ્પના કરીએ તો આ પુસ્તક પ્રકાશિત થતા તેમનું એક તપ સિદ્ધ થયું છે એમ કહેવું યોગ્ય રહેશે.

પુસ્તકમાં દર્શાવેલ જોડીયા સિંહ 'જય-વીરૂ' ની જોડી સહજ ધ્યાન ખેંચે છે. ટ્વીન લાયનનું દુર્લભ આઈડેન્ટિફિકેશન અને તેની તસ્વીરો એક મોટી સફળતા કહી શકાય. ઉપરાંત સિંહ-સિંહણનાં સહવાસ અને સિંહણ દ્વારા સિંહબાળનાં ઉછેરને પણ દર્શાવતી તસ્વીરો જંગલી જીવનમાં પણ સામાજીકતાનાં અર્થો પ્રગટ કરે છે.

પુસ્તકમાં લાયન હોસ્પિટલ તથા સિંહનાં બચાવકાર્ય અને સંરક્ષણ વગેરે કાર્યોની માહિતી પણ આપવામાં આવી છે જેમાં પરીમલભાઈ સ્થાપિત એન.જી.ઓ. 'ગીત ફાઉન્ડેશન' નો ઉલ્લેખ અને કાર્યો પણ દર્શાવાયા છે. પ્રોજેક્ટ લાયનનાં મુખ્ય મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે તેમજ ગીરમાં ૧૯૬૮ માં ૧૭૭ સિંહની સંખ્યા ક્રમશઃ ૨૦૨૧ માં ૬૭૪ સુધી કેમ પહોંચી એ આંકડાકીય માહિતી પણ રજૂ થઇ છે.

પુસ્તકમાં પાલીતણા નજીકનાં ખાંભા તથા પોરબંદર પાસેનાં બરડામાં પણ સિંહસૃષ્ટી વિકસાવવાનું અમૃતકાલનું વિઝન પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

ગીરમાં આવેલ કેટલાક સૈંકડો વર્ષ જૂના દુર્લભ વૃક્ષોને પણ કેમેરામાં કંડારી પુસ્તકમાં દર્શાવાયા છે. સેંજળ પીતા સાવજડાની તસ્વીરો વાચકોનાં મનમાં નિર્ભયતાનો સંચાર કરે છે.

રાજુલાની રાણીનું બિરૂદ પામેલ સિંહણની વાત પણ પુસ્તકમાં છે. જેમાં સિંહણ પોતાનાં બચ્ચાઓનાં રક્ષણ માટે ૩૦૦ કિ.મી.નું અંતર કાપે છે અને પોરબંદર પાસે અન્ય સિંહણનાં બચ્ચાઓ ઉપર પણ હેત વરસાવે છે. આખરે રાજુલાની રાણીને શોધીને વન વિભાગ તેને વતન રાજુલાનાં જંગલમાં પુનઃ સ્થાપિત કરે છે એ પ્રેરક ઘટનાક્રમ જીવનમાં સંઘર્ષ વડે દરેક કપરી પરિસ્થિતિને મ્હાત આપી શકાય એ માટેનો સંદેશ આપે છે.

પુસ્તકમાં શબ્દો ઓછા છે પરંતુ માર્મિક તસ્વીરો મૌન કાવ્યનાં ચિત્રરૂપ સમાન છે.

પુસ્તકમાં આરંભમાં દર્શાવાયેલ ભગવદ્ ગીતાનાં શ્લોકનાં માધ્યમથી આ લેખની પૂર્ણાહુતિ કરીએ. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે 'પશુઓ માં હું સિંહ છું'. ત્યારે આ શ્લોકનાં માર્મિક અર્થઘટન પર ધ્યાન આપવું જોઇએ. શ્રી કૃષ્ણ એ ભગવાન વિષ્ણુનો પૂર્ણાવતાર છે જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ અને સનાતન હિન્દુ ધર્મનાં મત અનુસાર ભગવાન વિષ્ણુ ઉપર સંસારનાં પાલન પોષણની જવાબદારી છે. ત્યારે સંસારમાં નિર્ભયતાથી જીવવું અને સફળતા માટે કર્મશીલ રહેવું એ જ સાચા સિંહપુરુષનું વ્યક્તિત્વ છે એ સંદેશ અભિવ્યક્ત થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh