Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ૧૯પ૯ માં રિલિઝ થયેલી હિન્દી ફિલ્મ 'છોટી બહન' માટે લતા મંગેશકરે ગાયેલું હિન્દી ગીત રક્ષાબંધન પર્વ, રક્ષાબંધનની કહાની પર ભજવાતા નાટકો, સિરિયલો તથા ફિલ્મોમાં અગ્રતાક્રમે આજે પણ ગવાતું રહે છે.
'ભૈયા મેરે, રાખી કે બંધન કો નિભાના, ભૈયા મેરે છોટી બહન કો ન ભૂલાના' જેવી મધૂર કર્ણપ્રિય પંક્તિઓથી પ્રારંભ થતા આ આખાગીતમાં ભાઈ-બહેનનો પવિત્ર પ્રેમ પ્રગટે છે. શૈલેન્દ્ર દ્વારા રચાયેલું આ ગીત શંકર જય કિશને સંગીતબદ્ધ કર્યું હતું.
'છોટી બહન'ની જેમ જ ઘણી હિન્દી ફિલ્મોમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને રક્ષાબંધનના તહેવારને સાંકળવામાં આવ્યો છે. વર્ષ ૧૯૬ર માં રિલિઝ થયેલ ફિલ્મ 'રાખી'માં ણ અશોકકુમાર અને વહીદા રહેમાને ભાઈ-બહેનની યાદગાર ભૂમિકા અદા કરી છે. મિથુન ચક્રવર્તીની 'પ્યારી બહેના' ફિલ્મમાં પણ આ પવિત્ર પ્રેમની ગાથા વણી લેવાઈ છે. 'રક્ષાબંધન' નામની ફિલ્મમાં ચાર બહેનો અને ભાઈની કહાની છે, જેમાં અક્ષયકુમારની ભૂમિકા વખણાઈ હતી, તેવી જ રીતે 'ઈકબાલ' 'ફિઝા', 'સરબજીત', 'જોશ', 'હમ સાથ સાથ હૈ', 'રેશમ કી ડોરી', 'સિકંદર', 'દિલ ધડકને દો', 'હરે રામ હરે કૃષ્ણ' સહિતની ભાઈ-બહેનનો પ્રેમ અને રક્ષાબંધનના પર્વને સાંકળતી ઘણી ફિલ્મો લોકપ્રિય બની છે, તો 'ફૂલો કા તારો કા, સબ કા કહેના હૈ, એક હજારો મેં મેરી બહના હૈ' જેવા ગીતો હંમેશાં રક્ષાબંધનના પર્વે ઠેર-ઠેર ગુંજતા સંભળાય છે.
ગુજરાતીમાં તો ટ્રડિશ્નલ મીડિયાથી લઈને ફિલ્મો સુધી ઘણી જ રચનાઓ ભાઈ-બહેનના પાવન પ્રેમ અને રક્ષાબંધનને સાંકળીને પ્રસ્તુત થઈ છે. તે પૈકી કેટલીક કરૃણ કહાનીઓ ઘણી જ પ્રચલિત થઈ છે, પરંતુ ઢગલાબંધ રચનાઓમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને વિવિધ સ્વરૃપે પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જેમાં 'કોણ હલાવે લીમડી, કોણ હલાવે પીપળી'ની કરૃણ કહાની વધુ પ્રચલિત બની છે.
આજે રાખડી બાંધવા તથા જનોઈ બદલવાના કાર્યક્રમોની સાથે સાથે આવી રહેલા સાતમ-આઠમના મેળાઓની તૈયારી પણ થવા લાગી છે, અને આ વખતે હજુ પણ વરસાદ પડી રહ્યો હોવાથી તહેવારો સમયે ભારે વરસાદની દહેશત પણ વર્તાઈ રહી છે, અને આગાહીઓ પણ થઈ રહી છે. બીજી તરફ છેલ્લા ત્રણ-ચાર દિવસથી માર્કેટમાં ઘરાકી વધી રહી છે, અને હવે જન્માષ્ટમીના તહેવારોની ચહલપહલ ધીમે ધીમે દેખાવા લાગી છે
રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો પછી દેશમાં રાજકીય ચહલચહલ પણ વધી જવાની છે, અને કેટલીક પાર્ટીઓ તૂટી રહી હોવાથી રાષ્ટ્રીય રાજનીતિમાં પણ નવા સમિકરણો રચાય, તેવી સંભાવનાઓ વધી રહી છે. હરિયાણામાં જેજેપી તૂટવા લાગી, તેનો ફાયદો કોંગ્રેસને વધુ અને ભાજપને ઓછો થશે, તેવી અટકળો વચ્ચે ઝારખંડમાં સોરેન ફેમિલીમાં ખેંચતાણના કારણે જેએમએમ તૂટે તો તેનો વધુ ફાયદો કોને થાય, તેવી અટકળો પણ થઈ રહી છે, અને આજે ચંપકભાઈ કાંઈક નવો ધડાકો કરશે, તેમ જણાય છે.
જો કે, કોલકાતામાં મહિલા તબીબ પર રેપ અને મર્ડરના કેસમાં દેશવ્યાપી પડઘા પડ્યા, જેની અસરો હાલાર સહિત ગુજરાતમાં પણ થઈ છે, અને દર્દીઓની પરેશાની તથા ડોક્ટરોની ન્યાયની આ લડતની ચર્ચાઓ પણ થઈ રહી છે, જેના મિશ્ર પ્રતિભાવો સાંપડી રહ્યા છે. દેશના વિવિધ ભાગોમાંથી તે પછી પણ રેપ, ગેંગરેપ અને ઠેર-ઠેર હત્યાની ઘટનાઓનો સીલસીલો વધી રહ્યો હોવાથી કેન્દ્ર અને રાજ્ય સકારોએ કોઈ રસ્તો કાઢવો જ પડે તેમ છે, પણ...!?
હમણાંથી વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સર્વાધિક ચર્ચામાં રહે છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેનું સિંહાસન ડોલી રહ્યું છે, તો હરિયાણામાં નાયબસિંહ સૈની સામે ભાજપને વિધાનસભાની ચૂંટણીઓ જીતાડવાનો પડકાર છે. કલમ ૩૭૦ હટાવ્યા પછીની પહેલી ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરમાં કોઈને પણ જનાદેશ મળે, પણ લોકતંત્ર વધુ મજબૂત અને બહોળુ મતદાન થાય, તે આવકાર્ય ગણાય, રાઈટ?
રક્ષાબંધનના દિવસે રાજકીય ક્ષેત્રે પણ રાજનીતિમાં સક્રિય એવા રાહુલ-પ્રિયંકા ફેઈમ ઘણાં ભાઈ-બહેનો રક્ષાબંધનના પાવન પર્વે જનતાને અને પરસ્પર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, તો જામનગરની બહેનોએ દેશની સરહદો પર તૈનાત જવાનોને રાખડી મોકલીને જાણે કે અભય વરદાન આપ્યું છે.
ચંપાઈ સોરેન, મમતા બેનર્જી, કેજરીવાલ, સિદ્ધારમૈયા, નાયબસિંહ સૈની, એકનાથ શિંદે, નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ વગેરે મુખ્યમંત્રીઓનો અત્યારે કસોટીકાળ ચાલી રહ્યો છે, જ્યારે કરૃણાનીધિની ૧૦૦ મી જયંતી પ્રસંગે કેન્દ્ર સરકારે સિક્કો બહાર પાડતા તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન ગદ્ગદ છે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પર નજીક આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતાડવાની જવાબદારી આવી પડી છે, કારણ કે રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ ભાજપના પ્રદેશ પ્રમુખોનું કોકડુ તો ગૂંચવાયેલું જ છે ને હજુ...?
રક્ષાબંધન પર્વે કેટલીક રાજ્ય સરકારોએ વિશેષ જાહેરાતો કરી છે, તો ઘણાં શહેરોમાં સિટીબસમાં નિઃશુલ્ક મુસાફરીની સુવિધા પણ અપાતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે કોઈ તકલીફ પડે તો 'ભાઈ ગાંધીનગરમાં બેઠો છે, તેને પોસ્ટકાર્ડ લખજો' તેવું કહેતા, તેવી જ રીતે ભૂપેન્દ્રભાઈ પણ હવે રાજ્યની બહેનોને 'વ્હોટ્સએપ'ની સુવિધા આપીને બહેનોની રાવ સાંભળશે? તેવી કોમેન્ટો થઈ રહી છે!
આજે રક્ષાબંધનના પાવન પર્વે માધવાણી પરિવાર અને 'નોબત' પરિવાર 'નોબત'ના પ્રિય વાચકો, લાખો ચાહકો, 'નોબત'ના સોશિયલ મીડિયામાં વિવિધ સેવાઓનો લાભ લેતા વાચકો-દર્શકો, વીડિયો સમાચારના દર્શકો, ઈ-પેપરના વાચકો, બ્રેકીંગ ન્યૂઝના ગ્રુપ મેમ્બર્સ, 'નોબત' દ્વારા યોજાતી વિવિધ સ્પર્ધાઓના સ્પર્ધકો, દેશ-વિદેશમાં પથરાયેલા 'નોબત'ના શુભેચ્છકો, પ્રતિનિધિઓ, વિજ્ઞાનપન દાતાઓ, પત્રકારો સહિત સૌ કોઈને મંગલ શુભકામનાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial