Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઘરાજાની મહેર હવે કહેર બની ગઈ છે અને મેઘતાંડવ પછી જામનગર સહિત હાલારની સ્થિતિ કફોડી બની ગઈ છે, જ્યારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર જળબંબાકારના દૃશ્યો જોવા મળી રહ્યા છે, જલભરાવ થતાં જનજીવન ખોરવાઈ ગયું છે, પરિવહન અટવાઈ ગયું છે, તમામ સડકો-માર્ગો તૂટી-ફૂટી ગયા છે અને જળાશયો છલકાઈ રહ્યા છે, અનેક માર્ગો બંધ થઈ જતાં લોકો ઘણાં સ્થળે ફસાઈ ગયા છે, એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝ, પોલીસતંત્ર, હોમગાર્ડઝ ઉપરાંત એરફોર્સ અને આર્મીની મદદ પણ રેસ્ક્યૂ ઓપરેશન માટે લેવી પડી રહી છે અને લોકો વરસાદ ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
ગુજરાતમાં લીલો દુકાળ જાહેર કરવો પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે, કારણ કે અતિવૃષ્ટિ પછી ખેતી બરબાદ થઈ ગઈ હોવાનું ખેડૂતો જણાવે છે. ખેતરોમાં જલભરાવ થતા સરોવરો ભરાયા હોય તેવા દૃશ્યો ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે.
જળાશયોમાં ઓવરફલો કે દરવાજા ખોલવાથી ઘરોમાં ઘુસતા પાણી ઉપરાંત શહેરોમાં જલભરાવનું બીજું કારણ હાલમાં ચાલી રહેલા વિકાસના કામોમાં લોલંલોલ, અણઘડ અને આડેધડ ખોદકામ તથા તંત્રોની તિક્કડમ્બાજી તથા ઈજારાશાહી પણ છે. વિકાસની પ્રક્રિયા જ વિનાશક બની રહી છે અને ભ્રષ્ટાચારના પોપડાં ઉખડી રહ્યા છે. મગરની પીઠ કરતાંયે ખરબચડા અને ખાડાઓ-ખાબોચિયાંઓથી તૂટી-ફૂટી ગયેલા તમામ ધોરીમાર્ગોએ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે. ડેમો તથા વિકાસના કામો મજબૂત અને ગુણવત્તાસભર થવા જરૂરી છે.
હાલારની હાલાકીની તો વાત જ થાય તેમ નથી. જામનગર જિલ્લાના સ્ટેટ-નેશનલ હાઈ-વે પર પાણી ફરી વળ્યા અનેક સ્થળે વાહન-વ્યવહાર થંભી ગયો છે, તો જિલ્લાના પ૦ જેટલા માર્ગો બંધ થઈ જતાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. ત્રણ દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે હાલારીઓને ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બનવું પડ્યું છે, તેથી લોકડાઉનની યાદ તાજી થઈ ગઈ છે, કારણ કે બજારો-દુકાનો મોટાભાગે બંધ થઈ ગઈ હતી અને સ્થાનિક પરિવહન પણ થંભી ગયું હતું. આજે સૂર્યનારાયણ લાંબા સમય સુધી દેખા દેશે તેવી આશા લોકો રાખી રહ્યા હતા, તો બીજી તરફ નવી નવી આગાહીઓ તથા એલર્ટ વચ્ચે લોકો અટવાયા હતાં.
અનેક ઘરો-દુકાનો-ઓફિસોમાં પાણી ઘુસી ગયા, હાલારના કેટલાક બસ સ્ટેશનો પણ જાણે સરોવરમાં ફેરવાઈ ગયા, તેવી જીનજીવન તો અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું, પરંતુ ગરીબ, રોજેરોજનું કમાઈને ગુજરાન ચલાવતા પરિવારો ખૂબ જ મુશ્કેલીમાં મૂકાયા છે, જ્યારે સલામત સ્થળે ખસેડાયેલા લોકોની હાલત દયનિય બની ગઈ છે.
પ્રિ-મોન્સુન કામગીરીના મોટા મોટા દાવાઓ તથા વિકાસના કામોની ગુણવત્તાની પોલ ખુલી ગઈ છે, અને શહેરોના આંતરિક માર્ગો પણ તૂટી ગયા છે જલભરાવ થતા અનેક શેરી-મહોલાઓ જળબંબાકાર થયા, ઘણાં વિસ્તારો જળમગન થયા અને વરસાદી પાણીનો નિકાલ થતો નહીં હોવાથી હવે જાહેર આરોગ્ય પર પણ ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘણાં લોકા અને વાહનો તણાઈ જતાં લોકોના જીવ ગયા છે, તો તંત્રો દ્વારા ઘણાં સ્થળે રાહત-બચાવની કામગીરી પણ થઈ રહી છે, જેથી હેલિકોપ્ટર તથા અન્ય સાધનો-વાહનો અને માનવસાંકળ રચીને પણ ઘણાં લોકોનું રેસ્કયૂ પણ કરાયું છે.
સૌથી વધુ મુશ્કેલી નીચાણવાળા વિસ્તારો અને ઝુંપડાઓ-કાચા મકાનો તથા નદી-તળાવોની આજુબાજુની વસાહતોમાં રહેતા લોકો માટે ઊભી થઈ ગઈ છે, કારણ કે પીવાનું પાણી તથા પેટ ભરવાના ફાંફા પડી રહ્યા છે, તો બીજી તરફ તંત્રો પણ ઘાંઘા-વાઘા થયા છે, ત્યારે ફૂડપેકેટ્સ વગેરે સહયોગ માટે અનેક સેવાભાવિ સંસ્થાઓ તથા સેવાભાવી લોકો પણ આગળ આવ્યા છે. ડેમોમાંથી છોડાતા પાણીને કારણે શહેરોમાં થતા જલભરાવની સમસ્યા નિવારવા કોઈ કાયમી ઉકેલ શોધવો જરૂરી છે.
વીજ પુરવઠો ગ્રામ્ય વિસ્તારોમાંથી તો ગાયબ જ થઈ ગયો છે, અને શહેરી વિસ્તારોમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી, તો ઘણાં વિસ્તારોમાં વીજ તંત્રો દ્વારા ચાલુ વરસાદે પણ હડિયાપટ્ટી કરીને વીજ પુરવઠો જાળવી રાખવા મથામણ કરી હોવાના અપવાદો પણ છે.
હાલારના ઘણાં માર્ગો બંધ થતા લોકો ફસાયા હતાં. રાવલ-સૂર્યાવદર, ટંકારીયા તથા ભાટીયાથી ભોગાત વચ્ચેના ધોરીમાર્ગો, ખંભાળીયાથી જામનગરનો ધોરીમાર્ગ તથા જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં નદી-નાળા છલકાતા માર્ગો પરથી જળપ્રવાહન વહેતો હોવાથી લોકો અધવચ્ચે અટવાઈ પડ્યા હતાં. ખંભાળીયાથી જામનગરના ધોરીમાર્ગ પર દાયકાઓ પહેલા સર્જાતા હતા, તેવા દૃશ્યો સર્જાયા હતા અને નદીઓ હાઈ-વેના ઓવરબ્રિજો સુધી પહોંચી જતાં વાહન-વ્યવહાર થંભી ગયો હતો, તેથી દ્વારકા દર્શને ગયેલા તથા જન્માષ્ટમીના તહેવારો ઉજવવા ગયેલા ઘણાં લોકો અટવાઈ પડ્યા હતાં, તો ઘણાં લોકોને પોતાની કાર ખંભાળીયા મૂકીને રેલવે દ્વારા જામનગર પહોંચવાનો વિકલ્પ પસંદ કરવો પડ્યો હતો. આ જ પ્રકારના દૃશ્યો દાયકાઓ પહેલાં સિંહણ ડેમ, ઓવરફલો થાય અને બેડની સસોઈ નદીમાં ભારે પૂર આવે ત્યારે ખંભાળીયાથી જામનગરના માર્ગે અવાર-નવાર સર્જાતા હતા, જેને વયોવૃદ્ધ લોકો યાદ કરવા લાગ્યા હતાં.
અતિવૃષ્ટિ થતા ઉદ્યોગો-વ્યાપાર અને છુટક મજુરી કરીને કે ફેરી કરીને ગુજરાન ચલાવતા લોકોના રોજગારને પણ માઠી અસર પહોંચી છે, જ્યારે મેળાઓમાં સ્ટોલ્સ લેનારા અને નાના-મોટા મેળાઓમાં વ્યવસાય કરીને ત્રણ-ચાર મહિનાનું ગુજરાન ચાલે, તેવી દર વર્ષે વ્યવસ્થા કરતા સામાન્ય લોકો, સ્ટ્રીટ વેન્ડર્સ અને રેંકડી, પાથરણાવાળા ગરીબોની હાલત જ દયનીય બની ગઈ છે.
સરકારે હજુ આ પહેલાના કૃષિ રાહત પેકેજ માટે સર્વે કરી પૂરો કર્યો નહોતો, ત્યાં આફતના સ્વરૂપમાં વરસેલા વરસાદે નવી જ વિટંબણા ઊભી કરી દીધી છે, ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે વરસાદ વિરામ લ્યે પછી નવેસરથી સર્વે કરીને ખેડૂતોને સહાય આપવાની વાત કરી છે, જ્યારે અન્ય નાના-મોટા વ્યવસાય કરીને ગુજરાન ચલાવતા લોકો, વેપારીવર્ગો તથા મેળાઓમાં થયેલા નુકસાન બદલ પણ કોઈ વળતર પેકેજ કે રાહત પેકેજ જાહેર થાય, તેવી માંગ પણ ઉઠી રહી છે. બીજી તરફ પુરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલ્સ અને ઘરવખરીની સહાય પણ ઝડપભેર ચૂકવાય, અને તેમાં પણ કાગળ પરની 'ગોલમાલ'ન થાય, તેવી આશા પણ લોકો રાખી રહ્યા છે. સરકાર આ વર્ષે લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતો માટે તો વળતર-સહાય જાહેર કરે, પરંતુ અન્ય તમામ નાના-મધ્યમ વ્યવસાયિકો પણ જેના ઘરોમાં પાણી ભરાયા હોય, તેઓના કામ-ધંધાને થયેલા નુકસાન બદલ પણ રાહત-સહાય પેકેજ જાહેર કરે તે અત્યંત જરૂરી જણાય છે.
જન્માષ્ટમીના પર્વે યોજાતા મેળાઓ માટે નિયત દિવસો માટે હરાજી થઈ હતી, પરંતુ માંડ-એકાદ-બે દિવસ મેળો ચાલ્યો અને જન્માષ્ટમીના દિવસથી જ મેઘતાંડવ થતાં મેળા બરબાદ થયા, તેથી માનવતા દાખવીને નાના-મોટા સ્ટોલ ધારકો તથા રાઈડ વગેરેના અન્ય સ્ટોલ્સના ધારકોને થોડંુ-ઘણું રિફંડ અપાય, તે પણ જરૂરી જ ગણાય ને ?
અત્યારે જામનગર સહિતના શહેરો તથા વિસ્તારોમાં અગ્રતાક્રમે રાહત-બચાવ અને તત્કાળ સહાય, ગંદકી હટાવવી, જલભરાવ દૂર કરવો અને પુનઃ સ્થાપન કરીને જનજીવન પુનઃ તબકતું કરવાની પ્રાથમિકતા પછી વિના વિલંબે ક્રમશઃ રાહત-સહાય પેકેજો જાહેર કરીને તેના ચૂકવણાં થાય, તે જરૂરી છે, પરંતુ તે પછી રાજ્યભરમાં તૂટી-ફૂટી ગયેલા ધોરીમાર્ગો પણ અન્ય તમામ રોડ-રસ્તાઓની કામચલાઉ મરામત કરવામાં આવે, અને તાજેતરમાં નિર્માણ થયેલા 'અદ્યતન' માર્ગોના કોન્ટ્રાકટરો પાસે જ તેનું ગુણવત્તાસભર પુનઃ નિર્માણ તેઓના ખર્ચે અને જોખમે જ કરાવવામાં આવે, તે અત્યંત જરૂરી છે, અને તો જ લોટ, પાણીને લાંકડા કરતાં યે 'બદતર' નિર્માણકાર્યો કરનાર 'પહોંચેલા' ઈજારેદારોની શાન ઠેકાણે આવશે, પરંતુ તેમ કરવાની 'ઈચ્છાશક્તિ' પણ દાખવવી પડશે બધી બાબતોમાં 'મુદુ' રહેવું નહીં ચાલે અને હકીકતે 'મક્કમતા'દેખાડવી પડશે, ખરું ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial