Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થોડા મહિનાઓ પહેલા માઈક્રોસોફ્ટની સિસ્ટમ ખોરવાઈ જતા ઘણાં એરપોર્ટ થંભી થયા હતાં, બેંકીંગ તથા ઘણી ઓનલાઈન સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી અને પરિવહન તથા નાણાકીય વ્યવહાર ખોરવાઈ ગયા હતાં, તે બધાને યાદ જ હશે. તે સમયે કૃત્રિમ કચાશ જવાબદાર હતી, તો હવે કુદરતી કહેર સામે વામણી વ્યવસ્થાઓના કારણે મોટી મોટી ટેલિકોમ કંપનીઓના નેટવર્ક ખોરવાઈ જતા છેલ્લા ચાર-પાંચ દિવસથી હાલારીઓ એક નવી જ પ્રકારની સમસ્યાનો સામનોકરી રહ્યા છે, અને આ કારણે ઘણી સરકારી, સામાજિક, વ્યવહારિક, આર્થિક અને કુદરતી આફતો વચ્ચે રાહત-બચાવની કામગીરીને પણ ખોરવાયેલા નેટવર્કની માઠી અસરો પહોંચી રહી છે. વાયફાય નેટવર્ક પણ નિષ્ફળ જતા લોકોની વિશ્વસનિયતા પણ હવે જાયન્ટ સંચાર કંપનીઓ પરથી ઘટી રહી છે. કુદરતી આફતો વચ્ચે પણ સંચાર વ્યવસ્થા અને વીજ પુરવઠો જળવાઈ રહે, તો જ રાહત, બચાવ અને પૂનર્વસનની કામગીરીને અસરકારક રીતે સમયોચિત ધોરણે ઝડપભેર સંપન્ન કરી શકાય, પરંતુ મોટી અને ખોટી ડિબાંગો હાંકીને કટોકટીના સમયે કામ ન લાગે, તેને કહેવાય, 'દશેરાના દિવસે જ ઘોડા દોડ્યા નહીં.'!!
હજુ તો વરસાદે વિરામ લીધો અને આકાશમાં વાદળો ઘટવા લાગ્યા અને ઉઘાડ નીકળ્યો ત્યાં જ આજે સવારે નવા એલર્ટ આવ્યા અને નવી આગાહીઓ થઈ. હવે તો વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની સાથે સાથે 'અસના' નામના વાવાઝોડાની અસરોએ પણ સૌરાષ્ટ્ર-કચ્છના અને ખાસ કરીને હાલારીઓના જીવ અદ્ધર કરી દીધા છે, કારણ કે કચ્છીઓને જ્યારે ત્યાંના ઉચ્ચ સનદી અધિકારી આ વાવાઝોડાને લઈને સતર્ક કરી રહ્યા હતાં, ત્યારે તેના શબદોમાં તંત્રની લાચારી અને પ્રશાસનની નિષ્ફળતાની કબુલાત પણ સામેલ હતી. તેમણે કહ્યું હતું કે, કચ્છ જિલ્લાના જે વિસ્તારો પર આ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યાં કાચા મકાનો-ઝુંપડાઓમાં રહેતા લોકો પરસ્પર મદદ કરીને સલામત સ્થળે પહોંચી જાય... કારણ કે સમય ટૂંકો હોવાથી તંત્ર બધે પહોંચી શકે તેમ નથી!!
આ પ્રકારની કબુલાત કરનાર અધિકારીની સામાન્ય રીતે ટીકા થાય, પરંતુ વાસ્તવમાં તેની પ્રશંસા કરવી પડે, કારણ કે મોટી અને ખોટી ડિબાંગો હાંકવાના બદલે તેમણે લોકોને આ પ્રકારનો અનુરોધ કરતા એકંદરે લકો જ પોતે સતર્ક રહીને સ્થળાંતર કરી શકે. બીજી દૃષ્ટિએ આ પ્રકારની આફતો સમયે લોકોની પોતાની પણ કાંઈક તો જવાબદારી હોવી જ જોઈએ. આ પ્રકારના સમયે સ્થાનિક નેતાગીરીની પણ વિશેષ જવાબદારી રહે છે કે તેઓ લલોકોને મદદરૂપ થાય. નાના-મોટા કાર્યક્રમો કે દર્દીઓને ફ્રૂટકે બિસ્કીટ પહોંચાડતી વખતે પણ ફોટા પાડીને પોતે જ સોશ્યલ મીડિયામાં મૂકતા અને પ્રસ-મીડિયાના સહયોગથી વાહવાહી મેળવવાના પ્રયાસો કરતી સ્થાનિક નેતાગીરીએ આ સંકટની ઘડીમાં આગળ આવીને સહાયભૂત થવું જોઈએ, પરંતુ કેટલાક અપવાદ સિવાય તે પ્રકારની માનસિકતા ધરાવતી પબ્લિસિટીના વ્યસની નેતાગીરી આવા સમયે ગાયબ થઈ જતા હોય છે, પરંતુ વાસ્તવિક રીતે સેવાભાવના ધરાવતી સ્થાનિક નેતાગીરી, સંસ્થાઓ અને સ્વયંસેવકો કોઈના કહ્યા વિના જ સેવા કરવા દોડાદોડી કરતા જોવા મળતા હોય છે, તે પણ નરી વાસ્તવિક્તા જ છે ને?
કચ્છમાં ભારે વરસાદે તારાજી સર્જી, સૌરાષ્ટ્ર-કચ્છને જોડતો સામખ્યારી નજીકનો પુલ ધોવાઈ ગયો, સૌરાષ્ટ્રનો ઘેડપંથક બેટમાં ફેરવાયો, રાવલમાં આર્મી અને મરીન કમાન્ડોની રાહત-બચાવની કામગીરી માટે તૈનાત કરવી પડી, માંડ-માંડ પાટે ચડવા લાગેલી વાહનવ્ય્વહાર તથા એસટી-રેલવે સેવાઓ નવા નવા એલર્ટ અપાતા ફરીથી ખોરવાઈ જાય તેવી સંભાવના ઊભી થઈ, ત્યારે એવું નથી લાગતું કે, હવે માત્ર હવાઈહવાઈ દાવાઓ, હવાઈ નિરીક્ષણો અને પ્લાનિંગ વગરની હડિયાપટ્ટી કર્યે નહીં ચાલે, કરોડો-અબજોના ખર્ચે નિર્માણ થયેલા અને વિરાટકાય પુલ, ઓવરબ્રીજો, અંડરપાસ તથા ધોરીમાર્ગો બરબાદ થઈ ગયા, તેના જવાબદારોની સામે ફોજદારી કરીને તથા સરકારના નહીં, પરંતુ ઈજારેદારોના ખર્ચે જ આ તમામ નુકસાન પામેલી આંતરમાળખાકીય સુવિધાઓનું (થીંગડા મારીને મરામત કરીને નાટકો કરીને નહીં પણ) મજબૂત 'પૂનનિર્માણ' કરાવવું જોઈએ અને તેવું ન કરે, તે તેઓને કાયમી ધોરણે 'બ્લેક લિસ્ટ'માં મૂકીને તેને દેશમાં ક્યાંય કામ ન મળે તેવી જોગવાઈઓ કરવી જોઈએ, કારણ કે આ પ્રકારે નુક્સાન થાય, તો સ્વખર્ચે રિપેર કરવાની શરતોને સાંકળીને (અનુમાનિત જોખમોની ગણતરીને ધ્યાને લઈને જ) ટેન્ડરો મંજુર થતા હોય છે, તેવું લોકો માને છે. જો લોકોની આ માન્યતા થોડી-ઘણી કે પૂરેપૂરી ખોટી હોય તો એમ જરૂર કહી શકાય કે માત્ર દાળમાં કાનળુ નહીં, આખે આખી દાળ જ કાળી છે. આ પ્રકારની શરતો જો ન રાખી હોય તો હવે રાખવાનું શરૂ કરજો, પણ જે શરતો રખાઈ હોય, તે પૂરી કરવાની સાથે સાથે નબળી ગુણવત્તાવાળા કામો કરનાર સામે કડક કાનૂની તથા ડિપાર્ટમેન્ટલ કદમ તો ઊઠાવવા જ પડશે. જો તેવું નહીં થાય તો વિપક્ષોનો એ આક્રોશ ૧૦૦ ટકા સાચો પડશે કે વિકાસના ખોખલા દાવા થાય છે, બાકી ભરષ્ટાચાર ટોપ ટુ બોટમ સર્વવ્યાપી બન્યો છે!!
જો કે, જામનગરમાં આજે સવારે સૂર્યનારાયણના દર્શન થયા અને તડકો નીકળ્યો તેથી રાહત થઈ. ગઈકાલે મુખ્યમંત્રીએ જામનગરની મુલાકાત લીધી અને એરપોર્ટ પર અધિકારીઓને બોલાવીને પરિસ્થિતિનો 'તાગ' મેળવ્યો. તે પછી તેઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લા પર વધુ ફોકસ કર્યું અને ખંભાળિયામાં અધિકારીઓ-પદાધિકારીઓ પાસેથી તલસ્પર્શી માહિતી મેળવી. હવે મુખ્યમંત્રી આ બધી 'જાણકારી'ને ધ્યાને લઈને હાલાર માટે હળવું નહીં, પણ હેવી રાહત-બચાવ પેકેજ જાહેર કરે અને તેમાં ખેડૂતો-ખેતમજૂરોને તો અગ્રતાક્રમે સહાય જાહેર કરે જ, પરંતુ આ ભારે વરસાદથી જેને-જેને નુક્સાન થયું છે તે નાના-મોટા ધંધાર્થીઓ અને ગરીબવર્ગને ભૂલે નહીં, કારણ કે આ કુદરતી આફતમાં બધા બરબાદ થઈ ગયા છે અને હજુ પણ અતિવૃષ્ટિ તથા ભારે પવન-વાવાઝોડાની આગાહીઓ થઈ રહી હોવાથી જનજીવન સંપૂર્ણપણે થાળે પડવામાં વાર લાગવાની છે.
ગઈકાલે જ્યારે રાવલ પર ડૂબી જવાનો ખતરો ઊભો થયો હતો, ખંભાળિયામાં સર્વાધિક વરસાદ પડ્યો હતો, દ્વારકા જિલ્લાના ઘણાં રસ્તાઓ બંધ થઈ જતા જામનગરઅને પોરબંદર-દ્વારકા વચ્ચેનો વાહનવ્યવહાર તો જાણે થંભી જ ગયો હતો, અને લક્ઝરી કારમાં ફરનારા લોકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતાં. ઘણાં લોકોને આ સ્થિતિમાં પણ ચાલુ રહેલા રેલવે વ્યવહારનો વિકલ્પ પણ મળ્યો હતો.
મુખ્યમંત્રીએ પણ હાલારના પ્રવાસ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાને પ્રાધાન્ય આપ્યું હતું, છતાં ઘણાં લોકોને જામનગરનું સંકટ વધુ મહત્ત્વનું લાગ્યું હતું... ખેર, ખયાલ અપના અપના... સોચ અપની અપની...!!
હકીકતે હાલાર પરથી સંકટ હજું હટ્યું નથી. કચ્છમાં કાળો કેર વર્તાઈ રહ્યો છે, અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ, વડોદરા સહિત રાજ્યના ઘણાં વિસ્તારો સંકટગ્રસ્ત છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીની હવાઈ યાત્રાઓ, વીડિયો કોન્ફરન્સો તથા સતત મોનીટરીંગ પછી તેવી જ તત્પરતાથી અસરગ્રસ્ત લોકોને ઝડપભેર રાહત-સહાય મળે અને સંકટ વહેલું ટળે તેવું ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial