Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અતિવૃષ્ટિના કારણે સર્જાયેલી સ્થિતિમાં સંકટ સમયે જરૂરતમંદોને ગૂપચૂપ સહાયભૂત થવાના, અનેક ભલા અને પરોપકારી લોકોએ પ્રયાસો કર્યા, તો કેટલાક લોકો માટે આ સંકટ સમય પણ સ્વયંપ્રસિદ્ધનું માધ્યમ બન્યો હોય તેમ લાગ્યું. કેટલીક સંસ્થાઓ અને કંપનીઓ પણ તેમાંથી બાકાત નથી, જો કે કોઈ નોંધપાત્ર સેવા કરી હોય, કોઈના જીવ બચાવ્યા હોય કે પછી જરૂરતમંદ દર્દીઓ કે લોકોને મદદરૂપ થયા હોય, પૂરપીડિતોને નિઃસ્વાર્થ આશરો આપ્યો હોય, તેની પ્રસિદ્ધિ તો થવી જ જોઈએ, અને તેથી અન્ય લોકોને પ્રેરણા મળતી હોય છે, તેવું માનવામાં આવે છે, પરંતુ આ પ્રકારની નિઃસ્વાર્થ પ્રવૃત્તિઓની પ્રસિદ્ધિ પણ માપમાં સારી લાગે, ખરૃં કે નહીં?
આ સંકટની સ્થિતિમાં જ્યારે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો, ત્યારે અધવચ્ચે ફસાયેલા લોકોને પાણી, ચા-પાણી પહોંચાડતા ગ્રામીણોની સેવા 'નિઃસ્વાર્થ'માં ગણાય. કોઈ દર્દીને જીવની પરવાહ કર્યા વિના હોસ્પિટલે પહોંચાડતા કે પ્રસૂતાને મદદરૂપ થતા લોકોની સેવા અવિસ્મરણિય ગણાય, જ્યારે સ્થાનિક પરિવહન બંધ હતું, ત્યારે પણ જરૂરતમંદ લોકોને નિર્ધારિત સ્થળે પહોંચાડવાની પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં પણ મદદ કરનાર રિક્ષા-ટેક્સીવાળાઓની સેવાની નોંધ લેવી જ પડે, તેવી જ રીતે આડોશ-પાડોશમાં રહેતા કે એકલવાયુ જીવન જીવતા વડીલોને સધિયારો આપનાર, જેના ઘરમાં પાણી ઘૂસ્યા હોય, તેને આશરો આપનાર કે ભોજન-પાણીની વ્યવસ્થા કરી આપનાર પડોશીઓ કે પછી વરસતા વરસાદમાં પગપાળા જતા મહિલા-બાળકો કે વુદ્ધોને લિફ્ટ આપીને મદદ કરનાર લોકોની સેવા-ભાવનાને બિરદાવવી પડે. આ પ્રકારે અનેક રીતે સંકટના સમયે માનવતાવાદી સેવાઓ કરતા એવા અનેક લોકો હશે, જેઓએ પ્રસિદ્ધિ માટે નહી, પણ દિલનો અવાજ-અંતરાત્માનો નાદ્ સાંભળીને આ પ્રકારની સેવાઓ કરી હશે.
તેનાથી તદ્ન વિપરીત એવા લેભાગુ તત્ત્વો પણ સંકટસમયે લોકોની લાચારીનો ફાયદો ઊઠાવતા પણ જોવા મળ્યા. સતત વરસાદના કારણે થયેલા જલભરાવ વચ્ચે પણ અનિવાર્ય સંજોગોના કારણે સ્થાનિક પરિવહન માટે રિક્ષા-ટેક્સીનું મનફાવે તેટલું વધુ ભાડુ પડાવતા, જીવન-જરૂરી ચીજવસ્તુઓ, દૂધ કે શાકભાજીના અનેકગણા ભાવો વસૂલતા અને ખાદ્યચીજો તો ઠીક, પીવાના પાણીના પણ મનફાવે તેટલા ભાવો વસૂલતા લોકો પણ આ સંકટ સમયને 'સિઝન' ગણીને નફાખોરી (લૂંટફાટ) કરતા જોવા મળ્યા.
ગઈકાલે નગરની સ્થિતિ નિહાળવા નીકળેલી 'નોબત'ની ટીમને જામનગરમાં જુદા જુદા સ્થળે શાકભાજી અને ફળોના જુદા જુદા ભાવો સાંભળવા મળ્યા. અપવાદરૂપ કેટલાક વ્યવસાયિકો-રેંકડીઓવાળાને છોડી દઈએ તો મોટાભાગે ઠેર-ઠેર નફાખોરી જ જોવા મળી. ગઈકાલથી જનજીવન તો પાટે ચડવા લાગ્યું હતું, પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસમાં જે લોકોના ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યા હતાં, તે પરિવારો તથા દુકાનદારોની સ્થિતિ દયનીય જણાઈ હતી, અને તે પૈકીના ગરીબ લોકોની દશા તો ખરેખર હૃદયદ્રાવક જણાઈ હતી.
જામનગરના ઘણાં બધા નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી તો ભરાયા જ હતાં, પરંતુ રંગમતી-નાગમતી નદીના પૂર તથા ડેમમાંથી છોડાતા પાણીના કારણે ઘણાં વિસ્તારો જળમગ્ન થતા અનેક પરિવારો સંકટમાં મૂકાયા હતાં. લોકો એવું કહેતા સંભળાયા હતાં કે કાં તો એવી મજબૂત ટેકનોલોજીથી ડેમો બનાવો કે પાણી છોડવાની કે દરવાજા ખોલવાની જ જરૂર ન પડે, અથવા મહત્તમ જળસંગ્રહનું દબાણ સહન કરી શકે, તેવા જ ડેમો બનાવો, જેથી અવારનવાર ડેમમાંથી છોડાતા પાણીના કારણે માત્ર શહેરો જ નહીં, ગામડાઓના ઘણાં લોકોને થતી કાયમી પરેશાનીનો કાયમી અંત લાવી શકાય. ટેકનિકલી આવું શક્ય નથી, તેવી માનસિક્તામાંથી બહાર આવીને કાંઈક નવું વિચારો તો ખરા... વિચારશો તો જરૂર ઉપાય મળશે.
જામનગરમાં ઠેર ઠેર નહી, પરંતુ લગભગ બધે જ અતિૃષ્ટિમાં રોડ-રસ્તા તૂટી ગયા, ખાડાઓમાં ડામરરોડ જ જાણે ગાયબ થઈ ગયા અને સી.સી. રોડ પણ તૂટી-ફૂટી ગયા. લોકો કહેવા લાગ્યા કે ભ્રષ્ટાચારના પોપડા ખરી રહ્યા છે અને ભ્રષ્ટ લોકોની પોલ ખુલી રહી છે.
એક તરફ અતિવૃષ્ટિ, બીજી તરફ સાતમ-આઠમના મેળાઓ, જન્માષ્ટમી જેવું પર્વ અને રજાઓના માહોલમાં જે દૃશ્યો ઊભા થયા, તે ઘણું બધું શિખવી પણ ગયા છે અને ભ્રષ્ટાચારી જમાતના કરતૂતો પણ ઉજાગર કરી ગયા છે.
જામનગરમાં તો વિકાસના ખડકાયેલા માચડાઓએ પોત પ્રકાશ્યું હતું. ફ્લાય ઓવર બ્રીજના ચાલી રહેલા કામોના માચડાઓએ ઈમરજન્સીમાં પણ ઘણાં અવરોધો ઊભા કર્યા હતાં, તો તાજેતરમાં જ થયેલા ભૂગર્ભ ગટરના કામો દરમિયાન પાઈપલાઈનો બીછાવવા ઠેર-ઠેર ખોદેલા લાંબા-પહોળા ખાડાઓ, જેને માત્ર ધૂળ-માટીથી બૂરી દઈને (કદાચ મોરમ-કાંકરી નાખવાના બીલો મૂકીને) સમતળ કરી દેવાયા હતાં, તેમાંથી સતત પડેલા વરસાદના કારણે ધૂળ-માટી રોડ પર ફેલાઈ જતા સર્વત્ર હજુ પણ કાદવ-કીચડ-ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. બીજી તરફ આ ખાડાઓમાંથી માટી નીકળી જતા તેમાં અનેક વાહનો ફસાયા પછી અન્ય વાહનો તેમાં ફસાઈ ન જાય, તે માટે વરસાદમાં તૂટીને ઠેર-ઠેર રોડ પર પડેલી ઝાડની ડાળીઓ આ મોટી તીરાડો-ખાડાઓમાં રોપીને કેટલાક સેવાભાવી લોકોએ ઉમદા સેવાકાર્ય પણ કર્યું હતું. નગરમાં ફરતી 'નોબત'ની ટીમના ધ્યાને આવ્યું, તે પૈકી કેટલીક તાકીદની બાબતે તંત્રનું તત્કાળ ધ્યાન પણ દોર્યું હતું, અને લોકોની આ સમસ્યાઓને વાચા પણ આપી હતી. આ કારણે કેટલીક અત્યંત જરૂરી મરામતો ચાલુ વરસાદે પણ કરવામાં આવી હતી.
જામનગરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી જે સ્થિતિ ઊભી થઈ હતી, તે સાર્વત્રિક હતી અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો મોટાભાગનું ટ્રાન્સપોર્ટેશન જ ઠપ્પ થઈ ગયું હતું. આ કારણે શાકભાજી સહિતનો જીવન-જરૂરી વસ્તુઓનો રોજેરોજ બહારથી આવતો પુરવઠો અવરોધાઈ ગયો હતો. તેથી સ્થાનિક ધોરણે ઉત્પાદિત શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા હતાં. ભારે વરસાદ દરમિયાન તો સ્થાનિક ધોરણે મનફાવે તેવા ભાવો વસૂલાયા જ હતાં, પરંતુ ગઈકાલે વરસાદે વિરામ લીધા પછી જનજીવન થાળે પડ્યું, તે પછી ગઈકાલે સાંજે પણ શાકભાજી અને ફળો ઊંચા ભાવે વેંચાતા હતાં. ગુવાર ૧૦૦ થી ૧૫૦ રૂપિયે કિલો, કારેલા ૮૦, ભીંડા ૮૦, ટમેટા પ૦ થી ૬૦, મરચા ૧૦૦, ટિંડોળા ૬૦, ડુંગળી પ૦ રૂપિયે કિલો વેંચાતી હતી. કોબી-બટેકાના ભાવો થોડા ઓછા હોવાથી લોકો તેની ખરીદી વધુ કરી રહેલા જોવા મળ્યા હતાં.
સંકટના સમયે સેવા કરે તેને સ્વર્ગ મળે તેવી એક કહેવત છે, પરંતુ સંકટના સમયે લૂંટફાટ કે નફાખોરી કરે કે નિર્દયતા દાખવે, તેને લઈને કોઈ કહેવત પ્રચલિત નથી, પરંતુ નિર્દયતા તરફની કેડી, 'વાવો તેવું લણો', 'કરો તેવું ભોગવો' અને 'ભગવાન ક્યારેય માફ નહીં કરે' તેવા શબ્દો દુભાયેલા લાચાર લોકોની મૂખેથી જરૂર સંભળાય... ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial