Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય સંસ્કૃતિમાં ગાય અને ધરતીને માતાનો દરજ્જો અ૫ાયો છે
ભારતીય સંસ્કૃતિમાં ગાય અને ધરતી બન્નેને 'માઁ' નો દરજ્જો આપવામાં આવ્યો છે. આથી, તે બન્નેનું સંરક્ષણ કરવાની જવાબદારી પ્રત્યેક મનુષ્યની છે. પ્રાકૃતિક ખેતી એ જમીનનાં સત્ત્વનું રક્ષણ કરતી વિલક્ષણ ખેતીપદ્ધતિ છે, જેમાં ગાયનો પણ મહત્ત્વપૂર્ણ ફાળો હોય છે. પ્રાકૃતિક ખેતીમાં વિવિધ કુદરતી ચક્રો તેમજ જીવામૃત, વાપ્સા વ્યવસ્થાપન, આચ્છાદન અને સહજીવી પાક પદ્ધતિ વગેરેના સુમેળભર્યા ઉપયોગથી સફળ પાક લેવામાં આવે છે. હાલનાં સમયમાં પ્રાકૃતિક ખેતી એક વ્યવહારીક ખેતી તરીકે પ્રસ્થાપીત થઈ રહી છે. આ ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતી ફક્ત નાના ખેડૂતો જ નહિં પણ, મધ્યમ અને મોટા ખેડૂતોને પણ લાભદાયી સાબિત થઈ છે. પદ્મશ્રી સુભાષ પાલેકરજી ના સંશોધન અને તાંત્રિક સહયોગથી ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા વર્ણવાયેલ પ્રાકૃતિક કૃષિપદ્ધતિ અનુસાર બાગાયતી પાકોની પ્રાકૃતિક ખેતીમાં સપ્તધાન્યાંકુર અર્કની મહત્ત્વની ભૂમિકા વિષે આ લેખમાં જાણીએ.
સપ્તર્ષિ, સપ્ત ચક્ર, સપ્તાહ વગેરે આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે, તે જ રીતે બાગાયતી પાકોની પ્રાકૃતિક ખેતીમાં સાત અલગ અલગ દાણાથી બનતા સપ્તધાન્યાંકુર અર્કનું અનેરૃં મહત્વ છે. આ અર્ક બનાવવાની પદ્ધતિમાં એક વાટકીમાં ૧૦૦ ગ્રામ તલ (કાળા અથવા સફેદ) લઈને તેને પાણીમાં પૂરા ડુબે એટલું પાણી લઈને પલાળો અને કપડાંથી ઢાંકીને રાખો. બીજા દિવસે સવારે અન્ય મોટી વાટકીમાં મગ, અડદ, ચોળા, મઠ, ચણા, ઘઉં આમ છ પ્રકારના દાણા દરેક ૧૦૦ ગ્રામની માત્રામાં લઈને તેને ભેગા કરો અને તે પાણીમાં સારી રીતે પલળે તેટલું પાણી ઉમેરી વાટકી સુરક્ષિત જગ્યા ઉપર રાખો. બીજા દિવસે બધા જ પલાળેલા દાણા તલ સહિત એક ભીના કપડામાં બાંધો. તે પોટલી ઘરમાં અંકુરણ થવા માટે લટકાવીને રાખી દો. જે પાણીમાં આ સાતે પ્રકારના દાણા પલાળ્યા હતા તે પાણીને સાચવી રાખો. હવે જે દિવસે પોટલી અંદરના દાણામાં ૧ સેન્ટિમીટર જેટલા લાંબા અંકુર ફૂટે, તે દિવસે પોટલીમાંથી બધા જ દાણા કાઢીને તેની ખાંડણીયામાં ચટણી બનાવો. (મિક્સર ગ્રાઈન્ડરનો ઉપયોગ ન કરવો. તેમાં ગરમી પેદા થવાથી અંતઃસ્ત્રાવો ઊડી જાય છે.) ૨૦૦ લીટર પાણી લઈ તેમાં ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર ઉમેરો, દાણા પલાળ્યા હતા તે પાણીને પણ આમાં ઉમેરીને મિશ્રણને લાકડીથી હલાવો પછી તેની સાથે જ દાણાની ચટણી ઉમેરો. ચટણીને આ પાણીમાં આંગળીથી ચોળીને સારી રીતે ભેળવી દો. ફરી એક વખત હલાવ્યા બાદ સ્થિર થયા પછી, તેને બે કલાક કોથળાથી ઢાંકીને રાખી મૂકો. પછી દ્રાવણને કપડાથી ગાળી લો અને તરત તેનો છંટકાવ કરી દો. આ દ્રાવણ બન્યા પછી ૨૪ કલાકની અંદર તેનો ઉપયોગ થઈ જવો જરૂરી છે.
આ સ્પ્તધાન્યાંકુરના છંટકાવથી ફળ અને દાણાની સાઈઝ વધે છે, ચમક આવે છે ફળ અંદરથી પૂરી રીતે ભરાઈ જાય છે. ઉપરાંત, ફળોનાં ડિટ મજબૂત બનતાં ફળ ખરતાં અટકે છે. પરિણામે સ્વાદ, સુગંધ વધે છે તેમજ ઉત્પાદન પણ વધે છે. પાકના દાણા દુગ્ધ અવસ્થા (મીલ્કીંગ સ્ટેજ) માં હોય, તે સમયે આ સ્પ્તધાન્યાંકુરનો છંટકાવ પાક ઉપર કરવો. છંટકાવ સમયે તેમાં પાણી ભેળવવું નહિ એટલે કે જેવો છે તેવી જ સ્થિતિમાં છંટકાવ કરવો. ફળઝાડ ઉપર ફળો લાગવાની શરૂઆત થાય ત્યાર પછી ફળ ઉપર અને પાન ઉપર ૨૦૦ લીટર સપ્તધાન્યાંકૂરનો પ્રતિ એકર એક મહિનામાં ઓછામાં ઓછા એક વખત છંટકાવ કરવો. ફૂલની ખેતીમાં જ્યારે ફૂલ કળી અવસ્થામાં હોય ત્યારે પ્રતિ એકર ૨૦૦ લીટર સ્પ્તધાન્યાંકુર અર્કનો છંટકાવ કરવો. લીલાં શાકભાજી, પાલક, મેથી કાપ્યા પછી પાંચ દિવસમાં સપ્તધાન્યાંકુર ૨૦૦ લીટર પ્રતિ એકર છંટકાવ કરવો.
આમ, બાગાયતી પાકોની પ્રાકૃતિક ખેતીમાં ફળ-શાકભાજીની ચમક, વજન અને ગુણવત્તા નૈસર્ગિક રીતે વધારવા માટે તેમજ પોષક તત્વો પૂરાં પાડીને સફળ પાક ઉત્પાદન માટે સપ્તધાન્યાંકુર અર્કની અગત્યની ભૂમિકા રહેલી છે.
આલેખનઃ ભાર્ગવ કેે. ભંડેરી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial