Advertisement
Author: નોબત સમાચાર

એનપીએસ-યુપીએસ નહીં, ઓપીએસ જ સ્વીકાર્ય... દેશવ્યાપી સ્વરૂપ ધારણ કરી રહેલી ચળવળ...

આજે સવારથી જામનગરમાં ટાઉનહોલ પાસે લોકોની અવર-જવર વધી રહી હતી, તો ગઈકાલે નગરના કેટલાક સ્થળોએ અવારનવાર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતાં. ફ્લાયઓવરબ્રીજ તથા અન્ય વિકાસના કામો માટે અવારનવાર કેટલાક માર્ગો આંશિક કે પૂર્ણ રીતે બંધ કરવા, ટ્રાફિક ડાયવર્ટ કરવા અને આડશો ઊભી કરવાના કારણે ટ્રાફિકજામના દૃશ્યો હવે કાયમી થઈ ગયા છે, અને અમદાવાદની જેમ જામનગરની જનતા પણ હવે રોજીંદા ટ્રાફિકજામથી ટેવાઈ ગઈ છે, અને ટ્રાફિકની વ્યવસ્થા જાળવતા તંત્રને પણ હવે બધું ટેન્શન જેવું રહ્યું હોય, તેમ જણાતું નથી, જો કે વધતી જતી જનસંખ્યા અને તેના કરતા પણ વધી રહેલા વાહનોની અસરો પણ જુની-પુરાણી ચીલાચાલુ ટ્રાફિક સિસ્ટમ પર પડી રહી છે, અને તેનો કાયમી ઉકેલ લાવવા તો કદાચ રાજ્યવ્યાપી ચર્ચા કરીને વિધાનસભામાં કોઈ નવો કાયદો પસાર કરવો પડે તેમ છે, ખરૃં કે નહીં?

હાલાર જ નહીં, સમગ્ર રાજ્યના કેટલાક મુદ્દાઓની વિધાનસભામાં ચર્ચા થવી જરૂરી છે. પ્રેસ-મીડિયામાં આવતા અહેવાલોને હવે ગંભીરતાથી ધ્યાને લેવા જ પડે તેમ છે, કારણ કે સોશ્યલ મીડિયામાં ફરતા થતા કેટલાક ન્યૂઝને લઈને કેન્દ્રના કોઈ કાયદાને મુંબઈની હાઈકોર્ટમાં પડકાર અપાયો હોવાના અને આઈટી એક્ટમાં બદલાવ અંગે ત્યાંની હાઈકોર્ટે કરેલી ટિપ્પણીઓ પણ ચર્ચામાં છે.

ગુજરાતના કર્મચારી વર્ગોમાં સૌથી વધુ ચર્ચા તો કર્મચારી પેન્શન યોજનાઓની જ થઈ રહી છે, અને તેના દેશવ્યાપી પડઘા પણ પડી રહ્યા છે. ઓપીએસ લાગુ કરવાના મુદ્દે ગુજરાતમાં શરૂ થયેલી ચળવળ હવે રાષ્ટ્રવ્યાપી બની રહી છે. આ આંદોલન હવે એનડીએ શાસિત અન્ય રાજ્યોમાં પણ ફેલાવા જઈ રહ્યું છે, જો કે વિપક્ષની સરકારો છે, તેમાં પણ ૬ જેટલા રાજ્યોમાં જ ઓપીએસ યોજના અમલમાં છે. ઓપીએસ એટલે કે જુની પેન્શન યોજના શરૂ કરવાની માંગણી વ્યાપક બની રહી છે, જે હવે રાષ્ટ્રીય ચળવળનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

ઓપીએસ એટલે કે જુની પેન્શન યોજનામાં કર્મચારી નિવૃત્ત થાય કે સ્વૈચ્છિક નિવૃત્તિ મેળવે ત્યારે નિયત કરેલા વર્ષો મુજબની સળંગ સરકારી નોકરી કરી હોય, તેના આધારે આજીવન પેન્શન અને તે પછી ફેમિલી પેન્શન મળે છે, જેના સ્થાને કેન્દ્ર સરકારે એનપીએસ એટલે કે નવી પ્રશ્ન યોજના અમલમાં મૂકી હતી. આ સ્કીમ હેઠળ કેન્દ્ર-રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓના પગારની ૧૦ ટકા રકમ કપાય, જેમાં ૧૪ ટકા સરકાર ઉમેરતી જાય, અને નિવૃત્તિ સમયે તે રિફંડ મળે તેવી સિસ્ટમ જાહેર થઈ હતી. એ યોજનામાં કર્મચારી વર્તુૃળોનું કહેવું એવું છે કે, હકીકતે નિવૃત્તિ સમયે પૂરેપૂરૂ રિફંડ નહીં, પરંતુ જે રકમનું મ્યુચ્યુલ ફંડમાં રોકાણ થયું હોય, તેના પૂરા ૧૦ ટકા પણ રિટર્ન મળતું નથી. એક તો આ વળતર પર્યાપ્ત હોતું નથી અને બીજી તરફ માર્કેટ રિસ્ક આધારિત હોવાથી વળતરની રકમ ઘણી જ નાની અને અનિશ્ચિત હોય છે.

આ નવી પેન્શન સ્કીમના ફાયદા વર્ણવતા કેન્દ્રિય નાણા મંત્રાલય તથા તંત્રે ઘણાં દાવાઓ કર્યા હતાં, પરંતુ રાષ્ટ્રવ્યાપી જોરદાર વિરોધ ઊઠતા સરકારે એક વિકલ્પ આપતી બીજી પેન્શન યોજના જાહેર કરી દીધી હતી. આ યોજનાને યુપીએસ એટલે કે યુનાઈટેડ પેન્શન સ્કીમ તરીકે ઓળખાવાઈ રહી છે.

જે સરકારી કર્મચારીઓ એનપીએસ એટલે કે નવી પેન્શન યોજના સ્વીકારવા ન માંગતા હોય, તેઓને એક વિકલ્પ અપાયો, અને આ ઓપ્શનલ સ્કીમમાં નિવૃત્તિ સમયે બેઝિકના પ૦ ટકા રકમ પેન્શન તરીકે અપાય, પરંતુ કર્મચારીના પગારમાંથી ૧૦ ટકા લેખે જે રકમ કપાઈ હોય, તેના દસ ટકા જેટલું જ વળતર કપાતું હોવાથી તેમાં કર્મચારીઓને લાભ તો થતો નથી, પરંતુ સરવાળે આર્થિક નુક્સાન થાય છે, તેવા તારણો કેટલાક કર્મચારી સંગઠનો તથા તજજ્ઞો દ્વારા કાઢવામાં આવી રહ્યા છે.

હવે સરકારી અધિકારી-કર્મચારીઓ આ બન્ને નવી પેન્શન સ્કીમો નહીં, પરંતુ પહેલા હતી, તે જુની પેન્શન યોજનાની માંગણી કરીને આંદોલનો ચલાવી રહ્યા છે. ગુજરાતમાં ઓપીએસની માંગણી વધુ મજબૂત રીતે ઊઠ્યા પછી હવે ભાજપ તથા એનડીએ શાસિત રાજ્યોમાં પણ આ ચળવળ પ્રસરી રહી છે, તે ઉપરાંત જ્યાં એનડીએ કે ઈન્ડિયા ગઠબંધનોમાં જોડાયા ન હોય, તેવા જે રાજ્યોમાં પેન્શન સ્કીમો સામે વિરોધ છે અથવા જુની પેન્શન યોજના બંધ કરી દેવાઈ હોય કે પહેલેથી જ અમલમાં ન હોય, તેનો સર્વે કરીને માત્ર ને માત્ર જુની પેન્શન યોજના લાગુ કરવાની ચળવળ દેશવ્યાપી સ્વરૂપ ધારણ કરી રહી હોય તેમ જણાય છે.

આ ઉપરાંત હાલમાં જે સિનિયર સિટીજનો રાજ્ય કે કેન્દ્ર સરકારની જુની પેન્શન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા હોય, તેઓને પણ ફેમિલી પેન્શનને લગતા પ્રશ્નો કેટલાક રાજ્યોમાં ઊભા થઈ રહ્યા છે.

મૃતક પેન્શનરના નિધન પછી તેના પત્ની કે પરિવારને પેન્શન મંજુર કરતી વખતે મૃતક પેન્શનના ડેથ સર્ટીફિકેટના આધારે જ ફેમિલી પેન્શન શરૂ થવું જોઈએ, અને સરકારી કર્મચારીઓ પાસેથી અગાઉથી જ તેના ઉત્તરાધિકારી (જે મોટાભાગે પતિ કે પત્ની હોય છે) નક્કી કર્યા હોય છે, અને તેની બર્થડેઈટ, નામ વગેરે પેનશન પેપર્સ ઓર્ડર્સમાં જ હોય, જોઈન્ટ બેંક એકાઉન્ટ હોય, તેમ છતાં પણ જાત-જાતના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે. તે અંગે પણ રાજ્ય-કેન્દ્ર સરકારે માનવીય ધોરણે જરૂરી સૂચનાઓ આપવી જોઈએ, તેમ નથી લાગતું?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh