Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રેસ-મીડિયામાં તો અવારનવાર વિદેશમાં રોજગારી મેળવવા કે પછી વધુ નાણા કમાવા માટે પાછલા દરવાજેથી (ગેરકાયદે) ઘૂસવાનો પ્રયાસ કરનાર કેટલાક લોકો પકડાઈ જાય કે ફસાઈ જાય તો કેવી હાલત થતી હોય છે, તેના અહેવાલો અવારનવાર આવતા જ હોય છે, પરંતુ હવે સોશ્યલ મીડિયાના માધ્યમથી તો એવી ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે કે કાયદેસરના વીઝા લઈને વિદેશ નોકરી-મજૂરી કરવા જતા લોકોની પણ મોટાભાગે સારી સ્થિતિ હોતી નથી, પરેશાન થઈ જતા હોય છે, અને દોઝખભરી જિંદગી જીવવા મજબૂર બની જતા હોય છે.
હમણાંથી સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહેલો એક વીડિયો દેશભરમાં ચર્ચામાં છે. આ વીડિયોમાં એક પલંગમાં બબ્બે, ત્રણ-ત્રણ બેડ, સ્લીપીંગ કોચની ઉપરાઉપર ગોઠવેલી હોય છે અને, એક ટીનનું શેડ (છાપરૂ) ધરાવતા વિશાળ હોલમાં દેશ-વિદેશથી દુબઈ નાણા કમાવા ગયેલા લોકો મહામુશ્કેલીની સ્થિતિમાં આ ગંદી બેડ પર સૂતા હોય છે. ગરમ દેશમાં ઉનાળામાં ટીનના શેડ નીચે જાનવરોની જેમ ખીચોખીચ ભરેલા આ લોકોની હાલત કેટલી દયનિય બનતી હશે, તેની કલ્પના પણ કાળજુ કંપાવનારી છે. એવું કહેવાય છે કે આ રીતે મરવાના વાંકે જીવી રહેલા લોકો પૈકી મોટાભાગના ભારત, પાકિસ્તાન અને ચીન સહિતના દેશોમાંથી ગયેલા કામદારો, મજૂરો તથા છેતરપિંડીથી ત્યાં લઈ જઈને મજૂરી કરાવાતી હોય તેવા ફસાયેલા મજબૂર એઝ્યુકેટેડ લોકો હોય છે. ઢોરના તબેલા જેવા આ સ્થળને વીડિયોમાં જોઈને લોકો તરેહ-તરેહની કોમેન્ટો કરી રહ્યા છે, અને કેટલાક લોકો આકરી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે, પરંતુ સવાલ એ ઊઠે છે કે આ લોકોને જો ઘરઆંગણે પૂરતી રોજગારી મળતી હોય, તો તેઓને આ પ્રકારની યાતનાઓ સહન કરીને વિદેશ જવું જ ન પડે ને? જો કે, દુબઈમાં દરેક સ્થળે આવું હોતું નથી, અને આ અંગેના ચોક્કસ નિયમ-કાયદાઓ છે. એટલું જ નહીં, આ પ્રકારના હોલમાં એરકન્ડીશન્ડ મશીનો સહિતની સુવિધાઓ હોય છે, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ એ સવાલ તો તેમ છતાં પણ ઊભો જ રહે છે ને કે જો ભારતમાં રોજગારીની પૂરતી તકો ઉપલબ્ધ હોય તો આવી બદહાલીભરી સ્થિતિમાં પણ વિદેશની ધરતી પર કામ-ધંધો કરવા જવાની જરૂર જ પડે નહીં ને?
કોંગી નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગંધીએ પણ આ જ પ્રશ્ન ઊઠાવ્યો છે અને કહ્યું છે કે જો દેશમાં રોજગારીની વિપુલ તકો મળતી હોય તો હરિયાણાના યુવાનોને વિદેશમાં પલાયન કરવું જ કેમ પડે? તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે વડાપ્રધાન મોદી મોટા મોટા ભાષણો કરે છે, પણ તેઓ બેરોજગારી અંગે કાંઈ બોલતા નથી. દેશમાંય યુવાનોનું પલાયન અટકાવવા રોજગારીની તકો ઘરઆંગણે વધારવાની તથા મોંઘવારી ઘટાડવાની જરૂર છે, પરંતુ તે અંગે તેઓ એક શબ્દ પણ બોલતા નથી. તેઓ મનની વાત કરતા રહે છે, પરંતુ હવે તેમની મનની વાત સાંભળવા કોઈ તૈયાર જ નથી!
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં બેરોજગારીની બીમારી ફેલાઈ રહી છે અને મોંઘવારીની મહામારીની જેમ વધી રહી છે, ત્યારે તેના પર ધ્યાન આપવાના બદલે વડાપ્રધાન મોદી મોટા મોટા ભાષણો કરે છે. આ પહેલા પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આરએસએસ અને બીજેપી નફરત ફેલાવી રહ્યા છે...
રાહુલ ગાંધીએ સેબીને ટાંકીને કહ્યું કે શેરબજારમાં શેર દલાલો અને એક્સચેઈન્જો કરોડોની કમાણી કરી રહ્યા છે, અને એફએન્ડઓની લત લાગી જવાથી ઘણાં લોકો બરબાદ થઈ રહ્યા છે, ખાસ કરીને યુવા પેઢી બરબાદ થઈ રહી છે, તેવું સેબી માનતી હોય તો નાના રોકાણકારોના નાણા આ રીતે હડપ કરી જતા મોટા માથાઓના નામો સેબીએ જાહેર કરવા જોઈએ વગેરે...
વાયદાના જુગારમાં જો સવા કરોડથી વધુ ટ્રેડર્સે ત્રણ વર્ષમાં પોણાબે લાખ કરોડથી વધુ રૂપિયા ગુમાવ્યા હોય તો તે ઘણી જ ગંભીર બાબત ગણાય, અને આ રાજનીતિનો નહીં, પણ અર્થનીતિનો વિષય છે, તેમ જણાવી કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે કે લીગલ ગેમ્બલીંગની આ પ્રકારની છટકબારીઓ તત્કાળ બંધ થવી જોઈએ.
દેશમાં રાજનીતિ કરવટ બદલી રહી છે, તો બીજી રફ લોકતાંત્રિક ઢબે પરિપકવ થયેલા મતદારો આક્ષેપો-પ્રતિઆક્ષેપો, ભાષણો કે નિવેદનોથી અંજાઈ જાય કે દોરવાઈ જાય તેવા રહ્યા નથી, ત્યારે આગામી પાંચ વર્ષની ચૂંટણીઓ દેશની દિશા અને દશા નક્કી કરવાની છે, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial