Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થોડા દિવસો પહેલા ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શિષ્યવૃત્તિ-સ્કોલરશીપ મેળવતા વિદ્યાર્થીઓને ઈ-કેવાયસી કરાવવાની સૂચના અપાઈ હતી અને તે પછી વિદ્યાર્થીઓ તથા વાલીઓ જે પરેશાનીમાં મૂકાયા હતાં અને શિક્ષકો-આચાર્યોનો પણ પ્રક્રિયાત્મક પરેશાનીઓ થઈ હતી, તેનું વિગતવાર વર્ણન કરીને 'નોબત'ના તા. ર૪-૯-ર૦ર૪ ને મંગળવારના તંત્રીલેખમાં આ સમસ્યાને વાચા અપાઈ હતી, અને તેમાં જ વર્ણવાયું હતું કે, એક નાના વિદ્યાર્થીએ તેની શાળાના આચાર્ય તથા વર્ગશિક્ષકને લખેલો ચાર-પાંચ લીટીનો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થતા આપણી આધુનિક સિસ્ટમોની વરવી વાસ્તવિક્તા બહાર આવી છે અને પોલ ખુલી ગઈ છે. આ તંત્રીલેખમાં સરકાર અને બેંકો દ્વારા નાની-નાની રકમની યોજનાકીય સહાય માટે આટલી જટિલ પ્રક્રિયા કરવામાં આવી રહી છે, તેવી 'સતર્કતા' જો મોટા માથાઓને કરોડો-અબજો રૂપિયાની લોન આપતી વખતે રાખી હોત, તો કદાચ વિજય માલ્યાઓ, નિરવ મોદીઓ કે મેહુલ ચોક્સીઓ ફાવ્યા ન હોત, તેવો કટાક્ષ પણ કરાયો હતો.
સોશ્યલ મીડિયામાં એ નાના વિદ્યાર્થીના વાયરલ થયેલા પત્રની નોંધ પ્રેસ-મીડિયામાં લેવાઈ અને અખબારો-ન્યુઝ ચેનલો તથા સોશ્યલ મીડિયાના માધ્યમથી એટલી બધી ટીકાઓ થઈ કે રાજ્ય સરકારે પણ આ મુદ્દે તત્કાળ અનુસંધાન લેવું પડ્યું હતું. એવા અહેવાલો પણ આવ્યા કે ઈ-કેવાયસી નહીં થયું હોય, તો પણ હાલતુરત શિષ્યવૃત્તિ નહીં અટકે તેવું નિવેદન રાજ્યના શિક્ષણ મંત્રીએ આપ્યું છે. તે પછી એવા અહેવાલો પણ આવ્યા હતાં કે આજ નહીં તો ભવિષ્યમાં ઈ-કેવાયસી કરાવવું તો પડશે જ, પરંતુ હાલતુરત તેની મુદ્ત વધારી દેવાશે!
જો મુદ્ત વધારીને થીગડું જ મારવું હોય તો તેને તો વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે છેતરપિંડી જ કહેવાય ને? જો એની એ જ લમણાઝીક કરવાની બાકી રહે, તો તેનો શું મતલબ? જો ઈ-કેવાયસી જેવી જટિલ પ્રક્રિયા કરાવવી જ હોય તો તંત્રે પ્રત્યેક શાળામાં ટીમો મોકલીને શાળા આરોગ્ય તપાસણી તથા શાળા પ્રવેશોત્સવની તર્જ પર વિદ્યાર્થીઓ કે વાલીઓને ક્યાંય ધક્કો ન થાય, તેવી કોઈ સરળ વ્યવસ્થા ગોઠવવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે, અને કેટલાક લોકો તો આ સમગ્ર પ્રક્રિયાને જ નિરર્થક ગણાવી રહ્યા છે. કેટલાક સ્થળે જો શિષ્યવૃત્તિ કે સ્કોલરશીપને લઈને ગરબડ-ગોટાળા થયા હોય તો તેની સામે પગલાં લઈ શકાય, પરંતુ દોઢ-બે હજારની વિદ્યાર્થી દીઠ શિષ્યવૃત્તિ આપવાની હોય, તેમાં ઈ-કેવાયસી જેવી જટિલ પ્રક્રિયાઓ કરાવવી કોઈપણ રીતે યોગ્ય નથી, ખરૃં કે નહીં?
જો કે, મીડિયાના માધ્યમથી ગઈકાલે શિક્ષણમંત્રીને ટાંકીને એવા અહેવાલો આવ્યાકે ઈ-કેવાયસી થયું ન હોય, તો પણ શિષ્યવૃત્તિ પર કોઈ અસર નહીં પડે, તેથી વાલીઓ-વિદ્યાર્થીઓને હાશકારો થયો હશે, પરંતુ આ પ્રકારની જટિલ પ્રક્રિયા જ રદ કરીને ભવિષ્યમાં પણ આ પ્રક્રિયા કે તેના વિકલ્પે બીજી કોઈ જટિલ પ્રક્રિયા લાગુ નહીં કરાય, તેવી બાહેંધરી પણ સરકારે જાહેર નિવેદનમાં ઉપરાંત તત્કાળ આદેશો જાહેર કરીને તથા પ્રેસ-કોન્ફરન્સો યોજીને પણ આપવી જોઈએ, તેમ નથી લાગતું?
બીજી તરફ ઈ-કેવાયસીની જટિલ કામગીરી શિક્ષકો દ્વારા નહીં કરાવવા જુદા જુદા શહેરો તથા જિલ્લાઓના શિક્ષક સંગઠનો તથા સંઘો પણ અવાજ ઊઠાવી રહ્યા છે, અને શિક્ષકો પાસે આ મામલતદાર કચેરીનું કામ કરાવાઈ રહ્યું હોવાથી શિક્ષણ પર વિપરીત અસર પડશે, તેવી દહેશત પણ વ્યક્ત થઈ રહી છે. શિક્ષકો પાસે પહેલા માત્ર મતદાન-મતગણતરી અને વસતિ ગણતરી જેવા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં જ શિક્ષણેત્તર કામ કરાવાતું હતું તેના બદલે હવે બીએલઓ, ચૂંટણી કાર્ડ, યોજનાકીય પ્રક્રિયાઓ અને હવે ઈ-કેવાયસી જેવા અવિરત ચાલતી રહેતી કામગીરી સુપ્રત કરાતા શિક્ષણ ક્ષેત્રના સંગઠનો તથા સંઘો એવા સવાલો પણ ઊઠાવી રહ્યા છે કે જો શિક્ષકો-અધ્યાપકો આ બધી કામગીરી કરતા રહેશે તો વિદ્યાર્થીઓને ભણાવશે ક્યારે? માત્ર કોર્સ માંડ માંડ પૂરા કરાવી શકાતા હોય, ત્યાં શિક્ષણ સાથે સરકારોનું સિંચન તથા ઈત્તર પ્રવૃત્તિ દ્વારા ભાવિ નાગરિકોના મજબૂત અને સંસ્કારી ઘડતરને તો અવકાશ જ ક્યાંથી રહે? સરકાર આ તમામ બાબતો કેમ વિચારતી નથી?
સિક્કાની બીજી બાજુ એ પણ છે કે સરકારી કાર્યક્રમો તથા અવાર-નવાર ચાલતા વિવિધ પ્રચારાત્મક અભિયાનોમાં પણ શિક્ષકો-અધ્યાપકોને વ્યસ્ત રહેવું પડતું હોય છે, અને હવે તો રાજકીય કાર્યક્રમોમાં પણ આ પવિત્ર ક્ષેત્રનો દુરૂપયોગ વધી રહ્યો હોવાની રાવ ઊઠી રહી છે, પરંતુ એ પણ હકીકત જ છે ને કે 'યે તો પહેલે સે ચલી આતી હૈ... હમામ મેં સબ નંગે હૈ...'
અમને એ વાતનો સંતોષ છે કે, અહીંથી પ્રજાના પ્રશ્નો, પબ્લિકની પીડા, સમાજ અને જાહેર જનતાની સમસ્યાઓ તથા સાંપ્રત પ્રવાહોને સાંકળીને થતા સૂચનો-અભિપ્રાયોને વાચા મળે છે, તેનાથી લોકમત બંધાય છે અને તેનો પડઘો પડતા વિવિધ સંબંધિત કે સરકારી વિભાગો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કદમ પણ ઊઠાવાઈ રહ્યા છે. એ વાત અલગ છે કે ક્યારેક ઝડપભેર કદમ ઊઠાવાય છે તો ક્યારેક થોડીવાર લાગે છે... પરંતુ પબ્લિકનો 'પડઘો' બનીને અમને જોબસેટિસ્ફેકશન પણ થાય છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial