Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે અને ગુજરાતમાં તો એક અલગ જ પ્રકારનો આનંદોત્સવ શરૂ થયો છે. ઠેર-ઠેર નવરાત્રિના ધાર્મિક કાર્યક્રમો, માતૃપૂજન અને અનુષ્ઠાનોની સાથે સાથે રાસ-ગરબાના નૃત્યોત્સવોની ધૂમ મચી રહી છે અને ખેલૈયાઓ મધૂર ગીત-સંગીત અને નૃત્યની સાથે સાથે ગરબે ઘૂમી રહ્યા છે. રાસ-ગરબાની રમઝટ બોલી રહી છે અને નાની-મોટી સેંકડો ગરબીઓમાં લોકો ઉમંગભેર ઉમટી રહ્યા છે. જામનગરમાં પણ ૩૦૦ થી વધુ નાની-મોટી ગરબીઓ ધમધમી રહી છે.
બીજી તરફ રાજકીય ક્ષેત્રે પણ લોકતંત્રનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીનું મતદાન સંપન્ન થયા પછી હવે હરિયાણામાં મતદાન થવાનું છે. એ પણ યોગાનુયોગ છે કે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીઓની સાથે સાથે જ નવરાત્રિ ઉજવાઈ રહી છે, અને દશેરાના પર્વની ઉજવણી થતા સુધીમાં રાજકીય પવન કઈ દિશામાં ફૂંકાઈ રહ્યો છે, તેની ખબર પણ પડી જવાની છે. હરિયાણામાં તો ભાજપના કેટલાક દિગ્ગજો છેલ્લી ઘડી સુધી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાથી ત્યાં રાજકીય ઉથલપાથલ મોટા પાયે થઈ રહી છે.
ગઈકાલે એવા અહેવાલ આવ્યા હતાં કે કેન્દ્ર સરકારે કરેલા રિવ્યૂ મુજબ નિઃશુલ્ક સારવારના ક્ષેત્રે બિહાર દેશભરમાં નંબર વન છે. આ તો એડમિનિસ્ટ્રેટિવ તથા યોજનાકીય સિદ્ધિમાં બિહારની હરણફાળની વાત થઈ, પરંતુ હવે બિહારની રાજનીતિ પણ જાણે હરણફાળ ભરી રહી છે અને દિલ્હી ભણી કૂચ કરી રહી હોય તેવા નિવેદનો સામે આવી રહ્યા છે. એક તરફ ચિરાગ પાસવાન નજીકના ભવિષ્યમાં એનડીએને ઝટકો આપશે, તેવા અહેવાલો આવી રહ્યા છે, તો બીજી તરફ જેડીયુના એક દિગ્ગજ નેતાએ કરેલા નિવેદન પછી તેના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે અને હલચલ મચી ગઈ છે.
જનતા દળ યુનાઈટેડના મંત્રી જમાખાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. અજય આલોક વચ્ચે થયેલી નિવેદનબાજીએ એનડીએની આંતરિક ખેંચતાણની પોલ ખોલી દીધી છે. જમાખાને નીતિશ કુમારને ભાવિ વડાપ્રધાન ગણાવતા જે કાંઈ કહ્યું તેના કારણે ભાજપની નેતાગીરી તમતમી ઊઠી હતી.
જમાખાને કહ્યું કે નીતિશ કુમાર પર હજુ સુધી કોઈ દાગ લાગ્યો નથી. તેમણે પરિવારવાદ પણ કર્યો નથી. તેઓ બધાને સાથે લઈને ચાલે છે. અત્યારે પણ કેન્દ્રની સત્તાની ચાવી નીતિશ કુમાર પાસે જ છે. જો નીતિશ કુમાર વડાપ્રધાનપદના ઉમેદવાર બને તો કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો તો તેને બિનશરતી સમર્થન આપશે જ, પરંતુ એનડીએના મોટાભાગના સાથીદાર પક્ષો પણ સમર્થન આપી શકે છે, તેવા મતલબના જમાખાનના નિવેદન સામે પલટવાર કરતા ભાજપના પ્રવક્તા ડો. અજય આલોકે કહ્યું કે, વડાપ્રધાનપદની જગ્યા ખાલી નથી, અને જમાખાન પહેલા નીતિશ કુમારને તો પૂછે, કે તેઓ શું કરવા માંગે છે, વિગેરે...
બે બિલાડીના ઝઘડામાં ત્રીજો પક્ષ કૂદી પડીને ફાયદો મેળવવાની જુની કહેવત છે. જેડીયુ-ભાજપની આ શાબ્દિક ફાઈટમાં કેટલાક અન્ય પક્ષોના નેતાઓ પણ કૂદી પડ્યા હતાં. આરજેડીના પ્રવક્તાએ તો ત્યાં સુધી કહી દીધુ કે બિહારના મુખ્યમંત્રીપદેથી નીતિશ કુમારને હટાવવાની ભાજપની હિલચાલની ગંધ જેડીયુને આવી ગઈ હોવાથી જેડીયુ દ્વારા પણ ભાજપને ચેતવણી આપી દેવામાં આવી છે કે, જો બિહારમાં ખેલ પાડવાનો પ્રયાસ થશે તો જેડીયુ મોદી સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લેશે. જેડીયુ અને ભાજપના આ વાર-પલટવારને સાપ અને નોળિયાની લડાઈ સાથે સરખાવીને આરજેડીએ કટાક્ષ કર્યો કે નીતિશ કુમારને વડાપ્રધાન બનાવવાની વાત તો દૂર રહી, ભાજપના ષડ્યંત્રોથી નીતિશ કુમાર પોતાની અત્યારની પોઝીશન એટલે કે મુખ્યમંત્રીની ખુરશી તો બચાવી શકે તોય ઘણું છે.
ઉત્તર ભારતના રાજ્યોમાં ચૂંટણીની મોસમ ખીલી ઊઠી હોય તેમ હરિયાણા, જમ્મુ-કાશ્મીરના મતદાનની ખબરોની સીધી અસરો એ રાજ્યો પર પણ પડવા લાગી છે, જ્યાં નજીકના ભવિષ્યમાં ચૂંટણીઓ યોજાવાની છે, તો બીજી તરફ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના સોગઠા પણ ગોઠવાઈ રહ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં ગરબાની ધૂમ મચી છે અને હવે નવ દિવસ સુધી ર્માં નવદુર્ગાની નવરાત્રિ ઉજવવામાં માતૃભક્ત ગુજરાતીઓ ડૂબી જવાના છે.
સૌરાષ્ટ્રમાં સર્વાધિક ગરબાના કાર્યક્રમો યોજાતા રહ્યા છે, પરંતુ આ વખતે રાજકોટ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાની અસરો હેઠળ ગરબાના કાર્યક્રમો યોજવાની મંજુરી કડક નિયમો-શરતો સાથે જ મળી રહી હોવાથી આયોજકોની કવાયત વધી ગઈ છે, જો કે આ પ્રકારે સુરક્ષા વ્યવસ્થાઓ તથા પૂરક બાબતોની ચકાસણી થાય, તે જનહિતમાં જ છે ને?
ગુજરાતમાં રાસ-ગરબાનો ઈતિહાસ પ્રાચીન છે અને ભગવાન શ્રીકૃષ્ણના પરિવારે ગુજરાતમાં રાસ રમવાની પરંપરા શરૂ કરાવી હતી, જે આજે દાંડિયા રાસના સ્વરૂપમાં વિશ્વવિખ્યાત બન્યા છે, ત્યારે 'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર પણ સૌ કોઈને નવરાત્રિની શુભકામનાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial