Advertisement
Author: નોબત સમાચાર

ગુજરેરાનો નવતર પરિપત્ર અમલમાં: મિશ્ર પ્રત્યાઘાતો.. એનઓસીમાં વિનાકારણ વિલંબ થતા પ્રજા પરેશાન... નેતાઓ જાગે...

ચોમાસું પૂરૃં થતા જ રિયલ એસ્ટેટના ક્ષેત્રે તેજી આવશે અને ચોમાસા દરમિયાન ધીમી ગતિએ ચાલી રહેલો બાંધકામ ઉદ્યોગ વધુ ઝડપથી ધમધમી ઊઠશે, તેવા સંકેતો મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મગફળી સહિત ખરીફ પાકો માર્કેટમાં આવ્યા પછી લોકલ માર્કેટમાં પણ તેજી આવશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે, તો બીજી તરફ છેક તામિલનાડુથી મગફળીની ખરીદી માટે છેક હાલાર સુધી ખરીદદારોના આગમનથી મગફળીના સારા ભાવ આવશે, તેવી ધારણાઓ વચ્ચે છેલ્લા ઘણાં સમયથી મંદીનો માર ઝીલી રહેલા કેટલાક સેક્ટરો પણ મંદીમાંથી બહાર આવી જાય તો આગામી સમયમાં બાંધકામ ઉદ્યોગ પણ બેવડી ગતિથી વેગ પકડશે, તેવી અપેક્ષાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ભારે વરસાદના કારણે ખેતીપાકો ધોવાઈ ગયા હોય, તેવા કૃષિકારોને પણ સરકારી સહાય મળ્યા પછી હવે રવિપાકો માટે પરિશ્રમ કરશે, તેવા ફિડબેક મળી રહ્યા છે, અને સરકારી તંત્રો આ પ્રક્રિયામાં ઝડપ વધારે, તેવો આશાવાદ પણ સેવાઈ રહ્યો છે.

ગુજરાતની રેરા ઓથોરિટી એટલે કે ગુજરેરા દ્વારા નવા મકાનો ખરીદનાર લોકોના હિતાર્થે એક આદેશ કર્યો હોવાના અહેવાલો પણ ચર્ચામાં છે. પોતાના ઘરનું ઘર, દુકાન કે અન્ય હેતુઓ માટે મકાન ખરીદવા ઈચ્છતા લોકો રિયલ એસ્ટેટના નવા પ્રોજેક્ટોની સચોટ અને આધારભૂત માહિતી મળી રહે અને બિલ્ડરો-ડેવલપર્સને પણ બંધનકર્તા રહે તેવી એક નવી સૂચના આ આદેશના માધ્યમથી અપાઈ હોવાની ચર્ચા થઈ રહી છે.

રિયલ એસ્ટેટમાં નવા બાંધકામો અંગે બિલ્ડીંગ ડેવલપર્સ જાહેરાતો પ્રસિદ્ધ કરતા હોય છે, તે ઉપરાંત પેમ્ફ્લેટ્સ, બ્રોસર્સ, પ્રોસ્પેક્ટ્સ, હોર્ડિંગ્ઝ, વીડિયો-તસ્વીરો વગેરે દ્વારા પણ પોતાના સૂચિત પ્રોજેક્ટ અંગે પ્રચાર-પ્રસાર કરતા હોય છે.

અહેવાલો મુજબ બાંધકામ પ્રોજેક્ટો અંગેની તલસ્પર્શી માહિતી આપતી જાહેરાતો, બ્રોસર્સ, પ્રોસ્પેક્ટ્સ વગેરેમાં ક્યુઆર કોડ ફરજિયાતપણે રાખવાનો આદેશ અપાયો છે. આ મો ગુજરેરા દ્વારા પરિપત્ર જાહેર કરાયો હોવાની ચર્ચા સાથે આ અંગે મિશ્ર પ્રત્યાઘાતો તથા કેટલાક હકારાત્મક પ્રતિભાવો સાથે સૂચનો અને અભિપ્રાયો પણ સામે આવી રહ્યા છે.

કોઈપણ વ્યક્તિને મકાન ખરીદવું હોય, તો તે પોતાના બજેટ મુજબના મકાનો પોતાના ઈચ્છિત વિસ્તારોમાં ઉપલબ્ધ હોય, તેની માહિતી મોટાભાગે વિવિધ માધ્યમોથી થતી જાહેરાતો દ્વારા મેળવે છે, અને સંબંધિત પ્રોજેક્ટની માહિતી રિયલ એસ્ટટની જાહેરાત જોયા પછી જે તે સ્થળની મુલાકાત લઈને મેળવતો હોય છે. મોટાભાગની પ્રોજેક્ટની જાહેરાતોમાં હાઈલાઈટ્સ, સ્થળનું સરનામું તથા સંપર્કના માધ્યમો મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી કે વેબ એડ્રેસ વિગેરેની ટૂંકી વગતો અપાતી હોય છે, અને વિગતવાર માહિતી માટે સ્થળ પર જઈને તપાસ કરવી પડતી હોય છે, તેના બદલે આ પ્રકારની તમામ માહિતી ખરીદનારને સરળતાથી ઉપલબ્ધ થાય, તે માટે ગુજરેરાએ આ પરિપત્ર પ્રસિદ્ધ કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સંભવિત ખરીદદારો માટે રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવતી તમામ જાહેરાતો, બ્રોસરો, પ્રોસ્પેક્ટ્સમાં ક્વિક રિસ્પોન્સ (ક્યુઆર) કોડ મૂકવાનો આ પરિપત્રમાં આદેશ કરાયો હોય તો તેનાથી ખરીદનાર અને વેંચનાર, તથા ડેવલપર્સની પણ સરળતા વધશે અને બધા માટે સુવિધાજનક હશે, તેવો જનરલ ઓપિનિયન બંધાઈ રહ્યો છે.

પહેલી ઓક્ટોબરથી અમલમાં મૂકાયેલો આ નિયમ પ્રોજેક્ટ અંગેની ઝડપી માહિતી મળી રહે તેવો દર્શાવાયો છે. જેથી જાહેરાતોમાં આઠ આંકડાનો રેરા નંબર તથા ગુજરેરા વેબેસાઈટ ઉપરાંત હવે ડેવલપર્સે પ્રોજેક્ટવાઈઝ ક્યુઆર કોડ (ક્વિક રિસ્પોન્સ કોડ) પણ સામેલ કરવો પડશે. રેરાના નોંધણી પ્રમાણપત્રમાં અપાતા ક્યુઆર કોડ ઘર ખરીદનારાઓ તથા હિસ્સેદારો તથા રોકાણકારોને તથા અન્ય રસ ધરાવતા લોકોને તેમના સ્માર્ટ ફોનમાં સ્કેન કરતા જ સંબંધિત પ્રોજેક્ટની સંપૂર્ણ અને વિસ્તૃત તલસ્પર્શી માહિતી મળી શકશે.

એવી ચોખવટ પણ કરવામાં આવી છે કે એગ્રીમેન્ટ ફોર સેલ, વેંચાણખત અથવા એએફએસ, અન્ય બંધનકર્તા કરારો વગેરે માટે આઠ અંકના કોડના બદલે સંપૂર્ણ રેરા નોંધણી નંબરનો ઉપયોગ કરવો જરૂરી છે.

એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, આ પ્રકારની જોગવાઈઓ થતા પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે. એટલું જ નહીં, ગંભીર પ્રકારની ગુંચવણનો તથા કાનૂની વ્યવહારોમાં ગંભીર પ્રકારની મુંઝવણો ઊકેલી શકાશે, તથા ખોટી રજૂઆતો અટકશે.

આ પરિપત્રનો ઊંડો અભ્યાસ કર્યા પછી રિયલ એસ્ટેટ ઉપરાંત કસ્ટમર્સ, ઈન્વેસ્ટર્સ તથા સામાન્ય જનતામાંથી વિસ્તૃત અને ઉપયોગી ફિડબેક અપાશે, પરંતુ હાલતુરત જે પ્રતિભાવો અને પ્રત્યાઘાતો આવી રહ્યા છે, તેમાં કેટલીક આશંકાઓ તથા પ્રશ્નો પણ છે અને આ પ્રકારે જ કસ્ટમર્સ, ઈન્વેસ્ટર્સ અને પોતાનું ઘરનું ઘર મેળવવાના સપના સાકાર કરવા મથી રહેલા નિમ્ન અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોના હિતાર્થે અન્ય કેટલીક બાબતે પણ સંબંધિત તંત્રો અને ગુજરાત સરકારના મંત્રીઓ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પણ હસ્તક્ષેપ કરવો જરૂરી બન્યો છે.

દૃષ્ટાંત તરીકે રાજકોટમાં ગેઈમઝોન અગ્નિકાંડ પછી તંત્રોમાં પણ એટલો બધો ગભરાટ જોવા મળી રહ્યો છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં મંજુર કરેલા પ્રોજેક્ટો સંપન્ન થયા પછી ફાયરસેફ્ટી તથા અન્ય તમામ સેઈફ ગાર્ડસ પૂરા થયા હોય તો પણ બંધાઈ ગયેલા એપાર્ટમેન્ટ્સ, ટેનામેન્ટ્સ તથા કોમર્શિયલ સંકુલોને ફાયર વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોની જરૂરી મંજુરી તથા એનઓસી વગેરે આપવામાં નિરર્થક વિલંબ થઈ રહ્યો છે, અને બિનજરૂરી રીતે એનઓસીમાં વિલંબ થતા ઘરનું ઘર માંડ-માંડ મેળવવા મથી રહેલા સામાન્ય પરિવારોના ફ્લેટો, ટેનામેન્ટો તૈયાર હોય, તો પણ તેમાં માત્ર એનઓસીના અભાવે કબજો નહીં મળતા કે રહેવાની મંજુરીના અભાવે રહેવા જઈ શકતા નથી. આ કારણે સામાન્ય પરિવારો એક અલગ જ પ્રકારની વિટંબણા, પરેશાની અને મુંઝવણ ઉપરાંત આર્થિક સંકટમાં પણ મૂકાય છે. આથી આ પ્રકારની પ્રક્રિયાઓ ઝડપી બને અને સામાન્ય નાગરિક વિનાવાં કે હેરાન ન થાય, તે માટે નેતાઓ પણ અવાજ ઊઠાવે તે જરૂરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh