Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે દેશભરમાં વિજ્યાદશમીનું પર્વ ઉજવાઈ રહ્યું છે અને ઠેર-ઠેર શસ્ત્રપૂજન, નવા આયોજનો તથા નવી ઘોષણાઓ થઈ રહી છે. આજે સોનામાં સુગંધ ભળી હોય તેમ જામનગરના રાજઘરાનાની મહત્ત્વપૂર્ણ જાહેરાતે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. જામનગરના રાજવીવંશના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ અજય જાડેજાને પોતાના વારસદાર જાહેર કર્યા છે, અને આ પ્રસ્તાવ અજય જાડેજાએ સ્વીકાર્યો હોવાનું ખુદ જામસાહેબે જાહેર કર્યું હોવાના અહેવાલો વહેતા થયા પછી પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને આવકારતા પ્રતિભાવો પણ વહેતા થયા છે.
રાજઘરાનાના વારસદાર તરીકે અજય જાડેજા નિમાયા હોવાની ચર્ચાએ પણ હાલારમાં જોર પકડ્યું છે, અને આ કથિત જાહેરાતને દશેરાની વધામણી તરીકે જોવામાં આવી રહી છે.
બીજી તરફ દેશભરમાં રાવણદહ્નના કાર્યક્રમો આજે યોજાવાના છે. રાવણદહ્ન એ એક પ્રતિકાત્મક પરંપરા છે, અને તેના દ્વારા વિશ્વને અસત્ય પર સત્ય તથા નકારાત્મક્તા સામે હકારાત્મક્તાના વિજયનો સંદેશ આપે છે, જો કે સત્ય અને ન્યાય માટે લડવામાં આકરી કસોટી થતી હોય છે, અને ખુદ ભગવાન જો માનવના સ્વરૂપમાં અવતાર લ્યે ત્યારે તેને પણ આ પ્રકારની લડાઈ લડતા લડતા અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડતો હોય છે, અને ઘર-પરિવારનો ત્યાગ કરીને તથા દરિયાપાર પહોંચીને યુદ્ધ કરવું પડતું હોય છે.
વર્તમાન યુગમાં પ્રતિકાત્મક રીતે તો આપણે રાવણદહ્ન કરીએ છીએ, પરંતુ હકીકતમાં અનેક રાવણો આજના યુગમાં એવા છે, જે રામાયણકાળના રાવણને ઘણો સારો કહેવડાવે. બે-પાંચ વર્ષની બાળકીઓ તથા સગીરા કન્યાઓને પીંખી નાંખતા દુષ્ટોની સરખામણી જો રાવણ સાથે કરીએ, તો તે રાવણનું પણ અપમાન કર્યું ગણાય. રાવણ અસૂર અને દુરાચારી હતો, છતાં તે કેટલીક લક્ષ્મણરેખા ઓળંગી શક્યો નહોતો, પરંતુ તેણે વેશપરિવર્તન કરીને સીતાજીને છેતર્યા હતાં અને તેનું અપહરણ કર્યું હતું, પરંતુ લંકા ગયા પછી તેમણે સીતાજીને અશોકવાટિકામાં રાક્ષસીઓની વચ્ચે કેદમાં રાખ્યા હતાં, તેવી કથા આપણે બધા જાણીએ છીએ.
વર્તમાન યુગના રાવણો તો સગી દીકરી કે સગી માતા પર પણ કુદૃષ્ટિ કરતા હોય છે અને કેટલાક દરિંદાઓ તો દુષ્કર્મ કરતા પણ અચકાતા હોતા નથી, તેથી એવું કહી શકાય કે અત્યારે અત્ર-તત્ર-સર્વત્ર સંખ્યાબંધ આ પ્રકારના રાવણો અટ્હાસ્ય કરી રહ્યા છે, ત્યારે હવે આ સમાજે જ તેનો સામનો કરવો પડે તેમ છે.
દુરાચાર, દુષ્કર્મ, વ્યભિચાર, ભ્રષ્ટાચાર પ્રજાદ્રોહ, મિથ્યાચાર, વિશ્વાસઘાત, છેતરપિંડી, ધોખેબાજી, અનૈતિક્તા, ક્રૂરતા અને માત-પિતા પરિવારનો દ્રોહ કરવા જેવા દુર્ગણો સ્વરૂપી માથા ધરાવતા રાવણ જેવી અત્યાચારની વાસ્તવિક્તાનું દહ્ન કરવાનો સંકલ્પ આજના દિવસે લેવો જોઈએ, અને આ માટે જન-આંદોલન ચલાવવું જોઈએ, પરંતુ તેની શરૂઆત સ્વયં (ખુદ) થી જ કરવી જોઈએ, તેમ નથી લાગતું? આજે દશેરા છે, ત્યારે આ કડવી વાસ્તવિક્તાને નકારી શકાય તેમ નથી અને તેના દશ માથાના રાવણ જેવા સ્વરૂપનો વધ કરવા માટે કોઈ એકલ-દોકલ વ્યક્તિ નહીં, પરંતુ સામૂહિક રીતે રામસેના બનીને લડવું પડે તેમ છે, ખરૃં કે નહીં?
દર વર્ષે આપણે રાવણદહ્ન કરીએ છીએ, છતાં એક જ વર્ષમાં ફરીથી રાવણદહ્ન કરવું પડે છે, તે સૂચવે છે કે અસુર રાવણને તો ભગવાન શ્રીરામે રણમાં હણી નાંખ્યો, પરંતુ જે નવો દશ માથાનો રાવણ જનમાનસમાં છવાઈને પગપેસારો કરી રહ્યો છે, તેને હણવો અશક્ય છે, અને તેના માટે પ્રતિકાત્મક રાવણદહ્ન, રામલીલાઓ તથા સંલગ્ન પ્રવૃત્તિઓમાંથી પ્રેરણા મેળવીને આધુનિક રાવણોને આધુનિક ઢબે જ હણવા પડે તેમ છે, અને રામાયણના રાવણની જેમ આધુનિક રાવણ શરીર ધરાવતો નથી, પરંતુ વિકાર અને વિકૃતિઓના સ્વરૂપમાં પનપી રહ્યો છે, તેને ઓળખીને તેને ખતમ કરવાના નવતર ઉપાયો પણ કરવા પડે તેમ છે, ખરૃં કે નહીં?
આજે રાવણનો વધ થયો અને ભગવાન શ્રીરામનો વિજય થયો, તેની ઉજવણી આપણે કરીએ છીએ, અને મીઠાઈઓ વહેંચીએ છીએ, ત્યારે આજે એવો સંકલ્પ પણ લઈએ કે અદ્યતન રાવણને હણવા માટે આપણે સાથે મળીને પ્રયાસો કરીએ અને ભગવાન શ્રીરામને પ્રાર્થીએ કે રાવણ કરતાયે અનેકગણા શક્તિશાળી આ અદૃશ્ય રાવણોની રાવણવૃત્તિ હણવાની શક્તિ આપે...
આજે દશેરાના પાવન પર્વે જામનગરના રાજવંશજ તરીકે અજય જાડેજાને આવકારીએ. ભગવાન શ્રીરામના જીવન-કવનમાંથી આપણે સૌ પ્રેરણા મેળવીને આપણી વચ્ચેના 'રાવણો' પર વિજય મેળવીએ. 'નોબત'ના વાચકો સહિત સૌ કોઈને વિજ્યાદશમીની શુભકામનાઓ..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial