Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુસ્સો ઉભરાતા દૂધ જેવો હોય છે, જેને અંકુશમાં રાખવા વિશેષ પ્રયાસો તો કરવા પડે જ હો...
ભારતીયોનું વર્કકલ્ચર પશ્ચિમના દેશોથી થોડું અલગ છે. આપણાં દેશી મેનેજમેન્ટ કૌશલ્યની ખૂબી એ છેકે તેમાં સૌજન્યતા, ન્યાય પ્રિયતા અને સમતુલન હોય છે. આપણી ઘરેલુ જિંદગીમાં તો જે પાણીએ ચડતા હોય, તે પાણીએ મગ ચડાવવાની કહેવત મુજબ કોઈપણ રીતે કામ લઈ લેવાની તરકીબ કદાચ ઉપયોગી બની શકે, પરતુ બિઝનેસ, કંપની કે પેઢીનું સંચાલન કે સંસ્થાકીય વહીવટમાં આ તરકીબ હવે જુની થઈ ગઈ ગણાય. હવે આપણી જુની દેશી મેનેજમેન્ટ કૌશલ્યની મૂળ ભાવનાઓને પુનર્જિવિત કરવી પડે તેમ છે, કારણ કે બદલતા યુગની સાથે માત્ર કામ લઈ લેવું અને તે પછી 'યુઝ એન્ડ થ્રો'ની મનોવૃત્તિ પણ ચાલે તેમ નથી. તેવી જ રીતે સંનિષ્ઠ ક્રિયાશીલ કામદાર, કર્મચારી કે સંચાલકની ઉપર જ બધો કાર્યબોજ ઢોળી દઈને 'ઈચ્છા મજબ' કામ લઈ લેવાની મનોવૃત્તિ પણ હવે ચાલે તેમ નથી.
ક્ષતિરહિત, સમયોચિત અને સચોટ કામ કરવું એ કાર્યનિષ્ઠા અને ઉત્તમ મનોવૃત્તિ છે, તો જુદા જુદા સ્વભાવના, જુદી જુદી મનોવૃત્તિના તથા અલગ-અલગ આવડત કે ખૂબીઓ ધરાવતા લોકો પાસેથી શાંતિ, ધીરજ, સ્નેહ અને આદર સાથે કામ લઈ લેવું એ પણ ઉત્તમ કૌશલ્ય અથવા મેનેજમેન્ટ સ્કીલ ગણાય. જરૂર પડ્યે આવા શબ્દોમાં ઠપકો કે ગાઈડન્સ આપીને રીઢા તથા કામચોર અથવા સંકુલિત મનોવૃત્તિના લોકો પાસેથી કામ લેવાનો પ્રયાસ જો વારંવાર સફળ થતો ન હોય, તો તેવી વ્યક્તિની પાછળ સમય બગાડવાના બદલે તેને અનુરૂપ બીજા કામે લગાડીને તેનો વિકલ્પ શોધવો જોઈએ, ખરૃં કે નહીં?
મન હોય તો માળવે જવાય અને મન હોય તો કથરોટ મેં ગંગા જેવી કહેવતોમાં માનવીના 'મન'ને તનનું મેનેજર ગણાવાયું હોય તેમ જણાય છે. જો માનવીનું મન જ મેનેજર ગણાતું હોય તો કોઈપણ વ્યક્તિની રૂચિ, ઈચ્છા, સહમતિ કે પૂરતા પ્રમાણમાં ઈન્વોલ્વમેન્ટ (સામેલગીરી) વિના તેમના પર થોપવામાં આવેલા કામમાં ક્યારેય ભલીવાર હોતું નથી. આ જ કારણે કામ લેનાર પોતે જ પ્રબળ ઈચ્છાશક્તિ તથા મજબૂત મનોબળ સાથે સ્વયંસ્પષ્ટ ન હોય ત્યાં સુધી ધાર્યા મુજબ કોઈ પાસેથી કામ લઈ શકતો હોતો નથી. કામ કરવામાં જેમ એકાગ્રતા જોઈએ, તેવી જ રીતે કામ લેવામાં પણ એકાગ્રતા, નિરીક્ષણ વૃત્તિ અને આવડત તથા કૌશલ્ય હોવા જોઈએ. ખાસ કરીને કામ લેનાર વ્યક્તિ માલિક હોય કે મેનેજર, શિક્ષક હોય કે પ્રોફેસર, સમાજનો અગ્રણી હોય કે પરિવારનો વડો હોય કે પછી સંસ્થાનો સંચાલક હોય કે સરકાર કે શાસકીય બોડીનો વડો હોય, તે સૌથી પહેલા 'મનપારખુ' હોવો જોઈએ. જેની પાસેથી કામ લેવાનું હોય, તેની રોજ-બ-રોજની મનોસ્થિતિ તથા તેમના પર્સનલ જીવનના ઘટનાક્રમો કે જવાબદારીની તેમના કામ પર પડતી અસરોનું બારિકાઈથી નિરીક્ષણ કરતા રહેવું પણ જરૂરી હોય છે. ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરતા અને સચોટ આઉટપુટ આપતા કામદાર, કર્મચારી, અફસર કે હોદ્દેદારમાં જ્યારે બદલાવ દેખાય અને આઉટપુટમાં ઘટાડો થાય અને ક્વોલિટી પણ બગડવા લાગે, ત્યારે તેની મનોસ્થિતિ પારખીને તેને થોડા સમય માટે હળવું કોમ, રિલિફ આપીને કે કામનું ભારણ ઘટાડીને તેના કૌશલ્યને અકબંધ રાખવું પડે, અને તે દરમિયાન તેનું માન-સન્માન આદર જાળવીને તેને ખબર ન પડે તેમ તેને મદદરૂપ થવું જોઈએ. જો આવી હૂંફ મળે, તો તે નિષ્ઠાવાન કર્મચારી જ્યારે ટેન્શન ફ્રી થશે, ત્યારે તમારી સમયસરની હૂંફની કદર કરશે અને પૂરેપૂરી નિષ્ઠા અને મહેનતથી દોડી દોડીને કામ કરશે. તેનાથી વિપરીત જો એ પ્રકારના સંજોગોમાં તેની પર્સનલ મેટર્સ કે જવાબદારીઓ જાણતા હોવા છતાં તેને ટોકવાથી, ઠપકો આપ્યા કરવાથી કે તેની મુશ્કેલી આપણે જાણીએ છીએ અને તેથી તેના કામનું ભારણ ઘટાડીએ છીએ, તેવો વ્યવહાર કરીને તેને પ્રત્યક્ષ ઓબ્લાઈઝ કરવાથી એટલે કે માથે હાથ રાખવાથી તદ્ન ઉલટુ પરિણામ આવી શકે છે. તે પછી કાં તો આપણે આપણી ટીમમાંથી એક નિષ્ઠાવાન વ્યક્તિ ગુમાવવાનો વારો આવી શકે છે, અથવા તો તે વ્યક્તિ પોતે જ કેટલાક અન્ય સહયોગીઓ કે સહકર્મીઓની જેમ બેજવાબદાર, ડાંડ અને સંવેદનહીન થઈ જવાથી એકંદરે ખોટ તો આપણી જ ફર્મ, કંપની, પેઢી, સંસ્થા, પરિવાર કે સરકારી માળખાને જ ભોગવવી પડે ને?
ઘણી વખત આપણે જેઓ સારૂ કામ કરતા હોય અને સંતોષ આપતા હોય તેવા સહયોગી કે સહકર્મી પર વધુ વિશ્વાસ રાખતા થઈ જઈએ છીએ અને મહત્ત્વના તમામ કામો તેને જ સોંપવા લાગીએ છીએ. સમય જતા કાં તો તે કર્મચારી કામના ભારથી કે તેમના પર મૂકાતા વિશ્વાસને શોષણ સમજવા લાગતા નાસીપાસ થવા લાગતો હોય છે, અથવા તો તેના પર મૂકાતા વિશ્વાસ તથા તેને અપાતી વધુ જવાબદારીઓની સાથે સાથે તેમને ઓટોમેટિક મળતી કાર્યસત્તાઓ (વર્કીંગ પાવર્સ) તેનામાં 'વર્કીંગ મોનોપોલી' આવી જતી હોય છે. આ કારણે તેની આજુબાજુ કેન્દ્રિત થતું વર્કબર્ડન જ તેને એવી મજબૂતી આપી દેતું હોય છે કે તે પછી તેને કોઈની દરકાર કે આદર રહેતા નથી. આ પ્રકારની વર્કીંગ મોનોપોલી ધરાવતા કર્મચારીઓ પાસે ઘણી વખત મેનેજમેન્ટ પણ મજબૂર બની જતું હોય છે, અને સાપે છંછુદર ગળી લીધો હોય તેવો ઘાટ સર્જાતો હોય છે. આવું કોર્પોરેટ ક્ષેત્ર, સરકારી કચેરીઓ ઉપરાંત સંસ્થાઓ કે પેઢીઓમાં પણ થતું હોય છે.
આ પ્રકારનો વર્કીંગ મોનોપોલી ધરાવતો કર્મચારી, કામદાર, અફસર, હોદ્દેદાર કે નેતા જ્યારે અચાનક છૂટો થઈ જાય કે કોઈ અન્ય કારણોસર નિષ્કિય થઈ જાય, ત્યારે જે-તે પેઢી, કંપની, ફર્મ, બોડી, સંસ્થા કે શાસન-સિસ્ટમને જે ઝટકો લાગતો હોય છે, તે અકલ્પનિય કે અસહ્ય પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં કાં તો તે વર્કીંગ મોનોપોલી ધરાવતી યક્તિને ભાઈ-બાપા કે કાલાવાલ કરીને પુનઃ આપણી સાથે જોડાવા મનાવવો પડે છે, અથવા તો તેનો કોઈ વિકલ્પ શોધવો પડે છે. આ બન્ને સ્થિતિમાં થતો વિલંબ કે માન્ય રખાતી શરતો પણ એકંદરે હાનિકર્તા જ નિવડે છે. એનાથી વિપરીત જો વ્યવસ્થિત આઉટપુટ આપતા, કામ કરતા, નિષ્ઠાવાન કર્મચારી, સહયોગી કે હોદ્દેદારને પૂરતા માન-સન્માન અને આદર સાથે પૂરતી ફ્રીડમ આપવાની સાથે સાથે તેનામાં વર્કીંગ મોનોપોલી પનપે જ નહીં, તેની ખાસ કાળજી રાખીને, પહેલેથી જ માપસર કામ સોંપીને તથા તેના કૌશલ્ય, નિયમિતતા, પ્રામાણિક્તા, વફાદારી અને ક્રિયાશીલતાની કદર કરીને સમતુલન જાળવવામાં આવે તો ભવિષ્યમાં પસ્તાવું ન પડે, ખરૃં કે નહીં?
જો કે, 'કદર' માત્ર રૂપિયા કે ભેટ-બક્ષિસોથી જ નહીં, ખરા ટાણે કામ આવીને તથા સારો વ્યવહાર રાખીને પણ થઈ શકતી હોય છે, ખરૃં ને?
માહિતી ખાતાની ટ્રેનીંગ દરમિયાન અમે જ્યારે જ્યારે સ્પીપા કે અન્ય ટ્રેનીંગમાં જતા ત્યારે એવા કોમન વિષયો રહેતા જેનો નીચોડ હંમેશાં પથદર્શક હોય છે. સફળ મેનેજમેન્ટની પહેલી ચાવી જ પોતાની જાત પર વિશ્વાસ એટલે કે સેલ્ફ કોન્ફીડન્સ, પોતાના મગજ અને ક્રોધ કે જીદ પર સંપૂર્ણ અંકુશ, વાણી-વર્તનમાં વિવેક અને ઔનસ્થતા રાખવાની ક્ષમતામાં સમાયેલી છે. જેને આ ચાવી મળી જાય, તે સફળ મેનેજમેન્ટના કઠીનમાં કઠીન તાળા ખોલી શકે છે, અને ઊંચામાં ઊંચા ગોલ્સ (ધ્યેયો) અને લક્ષ્યો (ટાર્ગેટ્સ) હાંસલ કરી શકે છે, તે પ્રકારના મોટીવેશનલ લેકચરો મોટાભાગના ફેકલ્ટીઝના મૂખેથી સાંભળવા મળતા હતાં, તેઓના અભિપ્રાયો તથા વિચારો મુજબ કાયમ બૂમબરાડા પાડીને, પોતાને સર્વશ્રેષ્ઠ માનીને પોતાની જ ટીમને હીન કે નકામી ગણાવતા શબ્દપ્રયોગો કરીને તેઓને હડધૂત કરીને કે પછી પોતાના જ સહકર્મીઓ કે સહયોગીઓની તેની ગેરહાજરીમાં વગોવણી કે બધાની વચ્ચે તેનું અપમાન કરવાથી આત્મશ્લાધામાં તો રાચી જ શકાય, પરંતુ મેનેજમેન્ટની નિષ્ફળતા તથા સંસ્થા, ફર્મ, પેઢી, કંપની, પરિવાર, સમાજ કે શાસનતંત્રની પડતી, ધાર્યા લક્ષ્યો સાધવામાં પીછેહઠ અથવા સ્વયં ખસી જવું પડે, તેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકતું હોય છે. દૃષ્ટાંતો આપણે દેશ-દુનિયામાં તાજેતરમાં જોયા જ છે ને?
વિપરીતમાં વિપરીત સ્થિતિમાં પણ પોતાનું સંતુલન જાળવી રાખવું, એ પણ સફળતાની બીજી ચાવી છે. માનવસહજ સ્વભાવ છે કે ક્રોધ, ગ્લાનિ, અફસોસ કે તણાવ ઉત્પન્ન થાય, પરંતુ તેને અંકુશમાં રાખીને અને વિનય કે વિવેક ગુમાવ્યા વિના મધૂર વાણીમાં સભ્યતાથી એ જ મનોભાવનાઓને 'મોડીફાય' કરીને ધાર્યા પરિણામો પણ મેળવી શકતા હોય છે.
જો કે, ખુદ આ લેખ લખનાર સહિત સૌ કોઈ માટે ગુસ્સાને મીઠાશમાં બદલીને પ્રસ્તુત થવાનું ઘણું જ કઠીન કામ ગણાય, પરંતુ પ્રયાસો તો કરતા જ રહેવા પડે ને?... રાઈટ...?
ગુસ્સો ઉભરાતા દૂધ જેવો હોય છે. ઉભરાતા દૂધમાં ચમચો હલાવવાથી તે નીચે બેસી જાય, પરંતુ વધુ પડતી ગરમી ગેસ કે સગડીમાંથી આવતી હોય તો માત્ર ચમચો હલાવ્યે નહીં ચાલે, પરંતુ તેની નીચેથી આવતી ગરમી ઘટાડવી પડે, તેવી જ રીતે જ્યારે પણ વધારે પડતો ક્રોધ આવે, ત્યારે તેને અંકુશમાં રાખવાના પ્રયત્નો કરવા પડે, અને જો તેમ છતાં ગુસ્સો અંકુશમાં ન આવે તો જે-તે સ્થળથી થોડા સમય માટે દૂર જતું રહેવું જોઈએ, કારણ કે લાંબો સમય અંકુશ ન આવે તો શરીર પણ નિરંકુશ થવા લાગે અને તેના અણકલ્પ્ય માઠાં પરિણામો પણ આવી શકે, ખરૃં ને?
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial